મેટિની

કેરોલિના રીપર પ્રકરણ-૭૫

કિરણ કેપ્સિકમ સે કેરોલિના રીપર: ચોમેર છવાઈ ગઈ આ મહિલા

પ્રફુલ શાહ

પરમવીર બત્રાને આંચકો લાગ્યો કે અંડર વૉટર વિસ્ફોટકથી શું ફૂંકી મારવાનું હતું?

દેશભરના મીડિયામાં કિરણ – કિરણ થવા માંડ્યું. ક્યાંક સમાચારમાં એની હિમ્મતની પ્રશંસા થતી હતી, તો ક્યાંક વળી એની પ્રગતિવાદી વિચારધારાના ઓવારણા લેવાતા હતા. કોઈ અખબાર એની એન.જી.ઓ. ‘વિશ્ર્વાસ’ દ્વારા સ્ત્રી-પુરુષ સંબંધમાં સુમેળ – સદ્ભાવ લાવવાના પ્રયાસો પર સમરકેદ બુખારા ઓવારી જતા હતા.

જે ટીવી ચેનલને એના ઈન્ટરવ્યુ ન મળ્યા, એ લોકોએ ‘કિરણ કેપ્સિકમ સે કેરોલિના રીપેર’ નામનો અડધા કલાકનો પ્રોગ્રામ બનાવ્યો. આમાં મહાજન મલાલામાં કિરણ મહાજને બજાવેલી ફરજની નોંધ લેવાઈ. અમુક ટીવીવાળા રાજાવાળું મહાજન, માલતીબેન, મમતા અને ‘વિશ્ર્વાસ’ના કાર્યકર્તાઓને કિરણ મહાજન વિશે પૂછવા માંડ્યા.

કિરણની ચોતરફ થતી વાહવાહીથી કોઈ સૌથી વધુ ખુશ થતું હોય તો એ વિકાસ હતો. એક મળતી માનવ અને એમાંય એક સ્ત્રી મનથી મક્કમ થઈ જાય તો શું શું કરી શકે એનું વધુ એક અને અસાધરણ દૃષ્ટ્રાંત કિરણે પૂરું પાડ્યાનું હોવાનું વિકાસ માનવા માંડ્યો. આ વિચારો વચ્ચે એ મોબાઈલ ફોનમાં ન જાણે કેટકેટલીયવાર કિરણના ઈન્ટરવ્યુ પ્રેસ કોન્ફરન્સના અંશ અનને એના ફોટા જોતો રહેતો હતો. એને ખાતરી થઈ ગઈ કે પોતે ઊંધે માથે કિરણના પ્રેમમાં પડી ગયો છે.

‘મિસ્ટર બત્રા, હોટલ પ્યૉર લવના ધડાકા આતંકવાદી કૃત્ય નથી એ ખૂબ ચોંકાવનારી બાબત છે. આ બાબતમાં થોડું ફોડ પાડીને જણાવશો?’

એટીએસના પરમવીર બત્રાએ બે પણ વિચાર્યું કે ‘નો કમેન્ટ’ કરીને રીપોર્ટરના આ સવાલનો જવાબ ટાળી દેવો? કે પછી હકીકત જાહેર કરવી? તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. જેટલું ખુલેઆમ થઈ જાય એટલું તપાસ માટે સારું છે એવું એમને લાગ્યું. ભવિષ્યમાં કોઈ દબાણને સ્થાન નહીં રહે.

‘જુઓ, હોટલ પ્યૉર લવમાં હથિયારો અને દારૂગોળો મોટા પ્રમાણમાં હતો. એ સ્ફોટક સામગ્રી જે ભંડકિયામાં રખાઈ હતી, ત્યાં ઈલેક્ટ્રિકના શોર્ટ-સર્કિટની સમસ્યા ઊભી થઈ હતી. સાથો સાથ ઉપરના માળથી એમાં પાણીનું ગળતર થતું હતું. અમને જાણવા મળ્યા મુજબ ધડાકાના એક-બે દિવસ ચર્ચા પણ થઈ હતી, પરંતુ એવું થઈ શકે એ અગાઉ જ ‘શોર્ટ-સર્કિટથી આગ ફાટી નીકળી. આને લીધે બધા શસ્ત્રો અને દારૂગોળામાં જોરદાર વિસ્ફોટો થયા. એમાં હોટલના ફુરચેફુરચા ઊડી ગયા.’

એક અંગ્રેજી ભાષી પત્રકારે થોડી વાયડાટ કરી. ‘આ ક્યાંક વિસ્ફોટો પર ઢાંકપીછોડો કરવાની ચેષ્ટા નથી ને?’

‘તમને પોતાનો અભિપ્રાય ધરાવવાની હક છે જી. હું જે કરું છું એ જુબાની અને કબૂલાતને આધારે કહું છું. અમારું કામ ગુનેદારોને શોધવાનું છે. હું કોના માટે ઢાંકપિછોડો કરી?’
‘ઉપરથી આદેશ આવ્યો હોય?’

‘યંગ મેન, તમારું જ્ઞાન અધકચરું કે કાચું નથી, સાવ નહીંવત્ છે. મારા વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હોત તો ખબર પડી ગયું હોત કે ઉપરઓની વાત ન માનવાને લીધે મારી બદલી થતી રહે છે. મને મુંબઈથી અહીં પર્યટન માટે મોકલાયો હોય એવું તમને લાગે છે? નોટ એટ ઑલ જી.’

ફિલ્મની પટકથા લખવાનું સપનું જોતી એક યુવાન મહિલા પત્રકારે પૂછ્યું. આ બધું બહુ ફિલ્મી નથી લાગતું સર?’

‘મુંબઈમાં ૧૯૯૩ની ૧૨મી માર્ચે શ્રેણીબદ્ધ ધડાકા થયા, જેમાં ૨૫૭ નિર્દોષોના જીવ ગયા. એ તર્કબદ્ધ કે અપેક્ષિત હતું. કોઈ આતંકવાદી કૃત્ય ક્યારેય ગળે ઊતરે એવું ન હોય. મારી વાત ન માની શકતા હો તો મુરુડ બ્લાસ્ટના મૃતકોના પરીવારજનોને મળી લેજો. કિરણ મહાજનને પૂછો, ગૌરવ ભાટિયાને પૂછો એ બંને હજીય અલીબાગમાં જ છે ને?’

એક પીઢ પત્રકારે સવાલ કર્યો. ‘સાહેબજી, હોટલ પ્યૉર લવમાં શસ્ત્રો-દારૂગોળો કોણે રાખ્યા હતા? શા માટે?’

આ અંગે તપાસ ચાલી રહી છે. હજી અમુક ખૂટતી કડીઓ છે. એટલે અત્યારે જવાબ આપવાનું ઉચિત નહીં ગણાય જી.’

‘સર, આપને લાગે છે કે અપ્પાભાઉ, શકીના અને પીયૂષ પાટિલના મર્ડરનો સંબંધ બૉમ્બબ્લાસ્ટસ સાથે છે?’

‘પહેલી વાત તો એ કે આવા ગંભીર મામલામાં મને કે કોઈને શું લાગે છે એનું જરાય મહત્ત્વ ન હોય. બીજા મહત્ત્વની બાબત એ કે આ કોઈ ખૂનની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી છે. બ્લાસ્ટ કેસની તપાસમાં એમની સાથે હજી પૂરેપૂરો સમન્વય સાધી શકાયો નથી. એટલે અત્યારે કંઈ પણ કહેવું અયોગ્ય અને ઉતાવળું ગણાશે.’

આટલું બોલીને પરમવીર બત્રાએ સામે જોયું. બધા પર નજર ફેરવી, તેઓ અચાનક ઊભા થઈ ગયા. ‘થૅંન્કયુ વેરી મચ જી.’

કિરણ મહાજન, ગૌરવ ભાટિયા અને વિકાસને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો કે મુરુડની હોટલ પ્યૉર લવમાં અકસ્માતે ધડાકા થયા અને આટલા બધાના કમોત થયા.

એક પત્રકાર તરીકે ગૌરવ ભાટિયાએ એકદમ ઉકળીને પણ મુદ્દાની વાત કરી.

‘ધડાકા ભલે અકસ્માતે થયા હોય પણ આટલો બધા દારૂગોળો – શસ્ત્રો મુરુડમાં આવ્યો અને ન જાણે ક્યાં સુધી પડ્યો રહ્યો. આ સલામતી વ્યવસ્થાની નિષ્ફળતા નથી તો શું? હું કાઠમંડુથી આવતો હતો, ત્યારે ખુકરીના એક ઈંચની પ્રતિકૃતિ પણ વિમાનમાં લઈ જવા ન દેવાઈ અને અહિં તો…’

એ.ટી.એસ.ના પરમવીર બત્રાએ થોડી નારાજની સાથે ફોન કર્યો. અરે ભઈ, દરિયાકિનારે સોલોમન પાસેથી કબજે કરાયેલા બે થેલામાં શું હતું એ ક્યારે ખબર પડશે, જી?’

‘સૉરી સર, થોડું મોડું થઈ ગયું પણ હમણાં જ આપને ઈ-મેલ કર્યો. પ્લીઝ, આપ એક નજર નાખી લો.

બત્રાએ ફોન મૂકીને લેપટોપ પર ઈ-મેલ ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરી.

‘મુરુડના દરિયાકિનારેથી એટીએસ દ્વારા જપ્ત કરાયેલા બે મોટા થેલામાં નાઈટ્રોગ્લીસરીન અને એમોનિયમ નાઈટ્રેટ આધારીત વિસ્ફોટ સામગ્રી હતી. આ પ્રવાહી અને સંવેદનશીલ સામગ્રી છે. એ સલામતીપૂર્વક સાચવવાની દરકાર રખાઈ નહોતી.’

આ વિગત નીચે એક નોંધ હતી: આ સામગ્રીનો ઉપયોગ અંડરવૉટર બ્લાસ્ટ માટે કરાતો હોય છે.

પરમવીર બત્રાને આંચકો લાગ્યો. આ સામગ્રીથી પાણીમાં શું ફૂંકી મારવાનું હતું? મુરુડ જંજિરા કિલ્લો કે બીજું કંઈ? ત્યાં સુધી પહોંચવા માટે જ કાબેલ તરવૈયા પવલાને રોકાયો હોવા અંગે બેમત નથી.

પોતે એકાદ દિવસ મોડા પડ્યા હોત તો કેવો સર્વનાશ થઈ ગયો હોત. આવા વિચારો સાથે તેઓ ઉતાવળે ઊભા થયા અને રોષેભેર કેબિનની બહાર નીકળી ગયા.

સોલોમન કોટડીમાં આંખ કરીને વિચારતો હતો. ખૂબ ઉદાસ હતો એ. એને થયું કે હોટલમાં બ્લાસ્ટ બાદ શકીના સોનગિરવાડી ગામ છોડીને ભાગી જવા તૈયાર થઈ હોત તો એને મારી નાખવાની નોબત ન આવી હોત. શકીનાને ગામમાં રહેવા ટીવી હોત તો પોલીસ પાસે તેણે મારા વિશે બધું ઓકી નાખ્યું હોત. શકીના બાદ તેના મગજનમાં આવી અમીના. ઉસ્માનાબાદમાં રહેતી માશુકાને છ મહિનાથી મળાયું નથી પણ હવે મળી શકાશે. એનાથી અજાણતા જ સરખામણી થઈ ગઈ. શકીના અત્યંત સંવેદનશીલ હતી તો અમીન એકદમ હૉટ… ના, હોટેસ્ટ.

ત્યાં જ ધીમેથી દરવાજો ખુલ્લો પણ સોલોમન આંખ ન ખોલી. પરમવીર બત્રાએ નજીક આવીને બે હાથે એનું માથું પકડીને ભીંસ વધારી. છતાં સોલોમને આંખ ન ખોલી. અચાનક બત્રાએ એનું માથું ભીંત સાથે ભેટા ભેર અફાળ્યું: અનેકવાર, બે વાર, ત્રણ વાર અને… (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button