કેરોલિના રીપર પ્રકરણ-૬૩
પ્રફુલ શાહ
આ જયઘોષમાં ઘણાના પરાજયના પદચાપ સંભળાવા માંડ્યા હતા
કિરણ વિકાસ સામે જોઈ રહી: આતો મારી ખુશીનો ય વિચાર કરે છે
નાનવેલ દીવાદાંડી સામે હતી. ઐતિહાસિક અને ઉપયોગી લાઈટહાઉસ. મુલાકાતીઓ રવાના થઈ ચૂક્યા હતા. હવે આ દીવાદાંડીનું ધ્યાન રાખનારા કર્મચારી જ બચ્યા હતા. અચાનક તેમણે બે જણાને આવતા જોયા. એક કર્મચારી બબડ્યો, “ઉંમર જુઓ દેખાવે ભણેલા લાગે છે છતાં લાઈટહાઉસની મુલાકાતનો સમય ખબર નથી?
બીજાએ ટાપસી પુરાવી, “અને સ્ટાઇલ તો જુઓ. બાપના બગીચામાં ફરતા હોય એમ આરામથી બધે નજર ફેરવતા આવે છે.
ત્રીજો બગાસું ખાતા બોલ્યો, “એક વાત સાંભળવી નથી. સીધા ભગાડી દો.
પણ એવું ન થઈ શક્યું. એક જણે પોતાનું આઈ-કાર્ડ બતાવ્યું. ને પૂછ્યું. “વંચાય છે? ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે, ઈન્ચાર્જ મુરુડ પોલીસ સ્ટેશન.
સામેવાળા ત્રણેય શાંત થઈ ગયા, થોડા ગભરાઈ પણ ગયા. “તમારે ડરવાની જરાય જરૂર નથી. હું અને મારા સાથીઓ થોડા સવાલો પૂછીશું. સાચા જવાબ આપશો તો જરાય વાંધો નહિ આવે.
એટલામાં ગોડબોલેના બાકીના ચાર સાથીઓ આવી ગયા, જે એટીએસના વડા પરમવીર બત્રા, સબ-ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી, ‘પ્રોડ્યુસર મનમોહન’ અને એટીએસનો ફાંદાળો કોન્સ્ટેબલ હતા.
દીવાદાંડીના ત્રણેય કર્મચારીનો જોશ ફુસ્સ કરતાં ફુગ્ગામાંની હવાની જેમ નીકળી ગયો. દીવાદાંડીની અંદર જઈને ઉપર ચડવાના દાદરાના પહેલા પગથિયે બત્રા અને ગોડબોલે બેસી ગયા. બાકીના ત્રણે થોડે દૂર જમીન પર આસન જમાવ્યા. ગોડબોલેએ ત્રણેય કર્મચારીને નજીક બોલાવ્યા. “હું જે બતાવું છું એ ધ્યાનથી જોઈને ફટાફટ સાચો જવાબ આપજો નહીંતર.
ત્રણેય કર્મચારી માંડમાંડ માથું હલાવી શક્યા. ગોડબોલે મોબાઈલ ફોનમાં ફોટો બતાવવા માંડ્યા. સૌથી પહેલા એનડીનો ફોટો બતાવ્યો, તો કોઈ પ્રતિસાદ ન મળ્યો. પછી પવલાનો ફોટો બતાવ્યો. ત્રણેય બોલી પડ્યા.”હા, આને જોયો છે.
એક કર્મચારીએ એને દીવાદાંડી નજીક જોયો હતો, બીજાએ દરિયા પાસે જોયો હતો, અને ત્રીજાએ એક ઝાડ પાછળ ઊભેલો જોયો હતો. અહીં ખૂબ પર્યટકો આવતા હોવાથી ખાસ ધ્યાન ન આપ્યું પણ આ યુવાનને એકથી વધુ વાર જોવાનું એકાદને યાદ આવ્યું.
ત્રણેયનાં નિવેદનોનો ટૂંકસાર એ હતો કે પવલો અહીં ઘણીવાર દેખાયો હતો. ક્યારેય દીવાદાંડી જોવા અંદર નહોતો આવ્યો કે ટોચ સુધી ઉપર નહોતો ગયો. શરૂઆતમાં સૌને લાગ્યું કે એ માત્ર ટ્રેકિંગ માટે આવતો હશે, એને દીવાદાંડીમાં રસ નહીં હોય એકને થયું કે આસપાસના ગામનો યુવાન હશે. અને અહીં ફરવા આવતો હશે. ત્રણેય જો કે એક વાત પર સંમત થયા કે એ નાનવેલ ગામનો રહેવાસી નથી.
ત્યાર બાદ ત્રણેયને સોલોમનનો ફોટો બતાવ્યો, તો એક જણ ઓળખી ગયો. “હા,ગામમાં હું પાન લેવા ઊભો રહ્યો હતો, ત્યારે મેં આને હરતો ફરતો જોયો હતો. એટલા માટે યાદ રહી ગયું કે દીવાદાંડી કેટલી દૂર છે અને ત્યાં ખાવા-પીવાનું શું મળે એવા સવાલો તેણે અને પૂછ્યાં હતાં.
બીજા એક કર્મચારીએ ફોન નજીક લઈને ચહેરો જોયો. “કદાચ આ કે આવા જ માણસને મેં થોડા-દિવસ અગાઉ દીવાદાંડી આવવાના રસ્તા પરની કોન્ક્રીટની તૂટેલી બેંચ પર બેસેલો જોયો હતો. એની પાસે ત્રણ-ચાર મોટા થેલા હતા. મને નવાઈ લાગી કે આટલો બધો સામાન લઈને કોણ દીવાદાંડી જોવા આવે છે? એ જ કારણસર એ મને યાદ રહી ગયો.
બત્રા અને ગોડબોલેની આંખમાં ચમક આવી ગઈ તેમણે એકમેક સામે જોયું: બન્ને તારતમ્ય પર આવ્યા કે પવલો અહીં સંતાયો એ સાવ અકારણ હતું? સામાન્યપણે ગુનેગાર કે ભાગેડું એક જ સ્થળે વધુ સમય ન રહે. તો એનું અહીં જ રોકાઈ જવાનું કારણ શું ? એ કારણ પૂરું થયું નહીં હોય તો હજી અહીં આસપાસ જ હોઈ શકે.
સવારના પહોરમાં ગૌરવ ભાટિયાને મમ્મીનો ફોન આવ્યો. “મુસ્કાન ક્યારની રડ રડ કરે છે. સહેજ કળતર જેવું લાગે છે. મા વગરની બચ્ચીને રડતી જોઈને મારો જીવ બળે છે. સમજાતું નથી કે શું કરું?
ગૌરવે મમ્મીને ફોન મૂકી દેવા કીધું અને પોતે વીડિયો કોલ લગાડ્યો. એ વીડિયો ફોનમાં મુસ્કાન સાથે કાલીકાલી ભાષામાં વાત કરવા માંડ્યો સામેથી જવાબ મળવાનો નહોતો, પણ મુસ્કાનનું રડવું થોડું ઓછું થયું. ખરું. ગૌરવને એ ગમ્યું. એને વિચાર આવ્યો કે મોના મારી પ્રેમિકા ન રહી તે પત્ની ય ન બની શકી પણ એ કેમ ક્યારેય મુસ્કાનની મમ્મી ન બની શકી?
એ જ સમયે વિકાસ રૂમમાં આવ્યો. “અમે તૈયાર છીએ. નીકળીએ બહાર જવા?
ગૌરવે મુસ્કાનને વીડિયો પર બતાવીને બોલ્યો. “હું નહીં આવી શકું પણ તમે બન્ને જઈ આવો. લંચ પર મળીએ.
વિકાસે જઈને કિરણને વાત કરી. કિરણ તરત જ તૈયાર થઈ ગઈ. “ગૌરવભાઈ નસીબદાર છે કે દીકરી માટે સમય આપી શકે છે.
વિકાસ ગાડી ડ્રાઈવ કરવા માંડ્યો. એ કિરણ વિશે એક પછી એક સવાલ પૂછતો ગયો. અનાથાશ્રમ, બાળપણ, લગ્ન, મહાજન પરિવાર, આકાશ મહાજન, વિશ્ર્વાસ સંગઠન અને અન્ય સામાજિક બાબતો પર કિરણ સવાલોના જવાબ આપતી રહી.
વિકાસને કિરણ ખૂબ સંતુલિત, પ્રગતિવાદી અને સંવેદનશીલ ઉપરાંત એકદમ હિમ્મતવાળી લાગી. કિરણ માટેનું એનું માન ઓર વધી ગયું. અચાનક કિરણે જાતને સવાલ પૂછ્યો કે હું આ વિકાસને આટલી બધી વાતો પૂછવા શા માટે દઉં છું? શા માટે મારો ભૂતકાળ એની સામે ખુલ્લો કરવો જોઈએ? મગજના આ સવાલની મન પર બહુ અસર ન થઈ. ત્યાં જ વિકાસે ગાડી રોકી. “ચાલો તમે ખુશ થઈ જાઓ એવી ચા પીવડાવું?
કિરણ એની સામે જોતી રહી, મારી ખુશીનો ય વિચાર કરે છે. આ તો વિકાસે આંખથી સવાલ પૂછ્યો. કિરણ કંઈ ન બોલી અને કારનો દરવાજો ખોલીને નીચે ઊતરી.
વિશ્ર્વનાથ આચરેકર ધરાર અન્ન-જળ લેવા તૈયાર ન થયા ત્યારે ચીફ મિનિસ્ટર્સ ઓફિસમાંથી વાયા વાયા સૂચના આવી કે એને હૉસ્પિટલમાં ખસેડો પણ વાત બહાર જાય નહીં.
પણ આચરેકરને લઈ જતી એમ્બ્યુલન્સ હૉસ્પિટલ પહોંચી એ અગાઉ રાયગઢની મરાઠી ચેનલમાં આના “બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ ગયા. એટલું જ નહીં, હૉસ્પિટલ બહાર પ્રેસ ફોટોગ્રાફર અને ચેનલના કેમેરામેન-રિપોર્ટરની ભીડ એકઠી થઈ ગઈ. આચરેકરના સમર્થકો નવી ઈનિંગ્સમાં બરાબર ટી-૨૦ મેચની જેમ બેટિંગ કરતા હતા.
વ્હીલચેરમાં આચરેકરને એમ્બ્યુલન્સમાંથી બહાર લવાયો. ત્યારે ઈચ્છાપૂર્વક આછા પીડાયુક્ત સ્મિત સાથે તેમણે માંડમાંડ જમણો હાથ ઊંચો કર્યો પછી હાથની પહેલી બે આંગળી પહોળી કરીને ‘વિક્ટરી’ની નિશાની પ્રેસને બતાવી. અખબારવાળાની ધમાચકડી વચ્ચે એમ્બ્યુલન્સ સાથેના વોર્ડબોયે વ્હીલચેર ઊભી રાખી દીધી. આચરકરે હવે દેખાડાનો અંચબો ફગાવી દીધો. તેણે બે હાથ જોડ્યા.
“લખી રાખજો. સત્યનો વિજય થશે. અલીબાગની જનતાની જીત થશે. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય અલીબાગ.
આ જય–ઘોષમાં ઘણાના પરાજયના પદચાપ સંભળાવા શરૂ થઈ ગયા હતા.
“પ્રોડ્યુસર મનમોહન અને સબ-ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી નાનવેલ ગામની હોટલો, લોજ અને ઘરઘરાઉ રહેવાની વ્યવસ્થા ફેંદી વળ્યા. ક્યાંય પવલો ગયો હોય એવું જાણવા ન મળ્યું.
ચાના ગલ્લાં અને નાસ્તાની લારી પર પણ એને કોઈ ઓળખતું નહોતું. પવલો ઘણાં દિવસથી નાનવેલ અને દીવાદાંડીના વિસ્તારમાં દેખાયો એનો અર્થ એ જ કે એ આટલામાં જ ક્યાંક રહ્યો હશે? લાંબો સમય રહે એટલે ખાવાપીવાની કંઈક વ્યવસ્થા તો કરવી પડે. કરી જ હશે, પણ એના ફૂટ પ્રિન્ટ કેમ ક્યાંય મળતા નથી?
“પ્રોડયુસર મનમોહન અકળાયો, મારી એટીએસની લાંબી કારકિર્દીમાં ક્યારેય કોઈ દૂધવાળાના સામાન્ય નોકરનો પીછો કરવાની નોબત આવી નથી.
વૃંદા થોડું વિચારીને બોલી, “પાછો સ્માર્ટ કેટલો બધો કે આજ સુધી આખા અલીબાગની પોલીસ અને ખબરીઓથી બચતો રહ્યો. ક્યાંક કોઈ બહુ મોટો ખેલ ન પાડવાનો હોય એ પવલો. પરમવીર બત્રા અને પ્રશાંત ગોડબોલે એ દીવાદાંડીની ટોચ પર ચડીને આસપાસ જોયું. સ્વાભાવિક છે કે દીવાદાંડી ટોચ પર બંધાય. ઊંચાઈ પરથી દરિયો દેખાતો હતો. દીવાદાંડીના પાછળના ભાગમાંથી નીચે ઊતરવાનો રસ્તો હતો એ જંગલ જેવા રસ્તાને વટાવીને દરિયા સુધી પહોંચી શકાય એમ હતું.
બત્રાએ દીવાદાંડી માટે કામ કરતા કર્મચારીને પૂછ્યું “અહીંથી નીચે જવાય છે ને?
“જવાય ખરું પણ બહુ ઓછા અહીંથી દરિયાકિનારે જાય. અમુક સાહસિકો પર્યટકો પ્રયાસ કરે પણ એનું પ્રમાણ ખૂબ ઓછું.
“ઘણાં વૃક્ષો દેખાય છે તો કોઈ જંગલી જાનવર ખરા ત્યાં?
“ના, કોઈ જાનવર ક્યારેય આવ્યાનું સાંભળ્યું નથી.
“તમને લાગે છે કે કોઈ અહીં રહી શકે?
“સર, નાનવેલમાં રહેવાની સગવડ હોય તો પછી કોઈ જંગલમાં શા માટે રહે?
“બત્રાને થયું કે આને નહીં સમજાવી શકાય. એવું કરવાની જરૂર નથી. તરત ગોડબોલે બોલ્યા, સર આપણે બન્ને નીચે આટો મારી આવીએ. સરસ ટાઈમપાસ થઈ જશે. થોડું ચાલવાનું પણ થઈ જશે.
બત્રાને વિચાર ગમ્યો અને એની પાછળનો ઈરાદો સમજાઈ ગયો. તેણે કર્મચારીને સૂચના આપી, પાંચ લોગો કો ખાના અચ્છા હોટલસે મંગવા લો એક કામ કરો, આઠ લોગો કા મંગવાના જી આપ ભી હમારે મહેમાન સમજ ગયે જી?
બત્રાને યજમાનની મહેમાનગતિ કરવાનો ખર્ચ માથે તો નહોતો પડવાનો ને?(ક્રમશ:)