મેટિની

કેરોલિના રીપર પ્રકરણ-૫૭

મૌન કાયમ સહમતીનું પ્રતીક હોતું નથી, ને ખામોશીને શરણાગતિ ન સમજાય

પ્રફુલ શાહ

પ્રશાંત ગોડબોલેએ એકદમ ઉત્તેજિત થઈને બત્રાને ફોન કર્યો: હોટલ ‘પ્યોર લવ’નો માલિક આસિફ પટેલ લાપતા છે

દીપક અને રોમાના પ્રયાસથી ઓળખીતા-પાળખીતા, મિત્રો અને સંબંધી ઉપરાંત સોશ્યલ મીડિયા પર ત્રણ બાબતને વાયરલ કરાવવા માટે પ્રોફેશનલ માણસોને રોકાયા.

સોશ્યલ મીડિયા પર મસાલા મહાજનની પહેલા દિવસની જાહેરખબરની ઠઠ્ઠા મશ્કરી ચાલુ થઈ ગઈ. આવી જાહેરખબરનો અર્થ શું? કોને કેવો અને શું મેસેજ મળવાનો છે? મેનેજમેન્ટ કહેવા શું માગે છે? આવી જાહેરખબર પાછળ કંપનીના પૈસા અને આબરૂ પણ જાય એટલી પાયાની અક્કલ આ જાહેરખબર આપનારને નહીં હોય?

સાથોસાથ કિરણ જાણે પેજ થ્રીની મોટી સેલિબ્રિટી હોય એમ એના વિકાસ સાથેના ફોટાની ચર્ચા શરૂ થઈ ગઈ. આ એ જ સોશ્યલ વર્કર છે કે જે દામ્પત્ય જીવનમાં વિશ્ર્વાસ અને સમર્પણનું મહત્ત્વ સમજાવે છે? હજી એના પતિને ગાયબ થયાને લાંબો સમય થયો નથી, ત્યારે આવું બધુ ખુલ્લેઆમ કરવું કિરણ આકાશ મહાજનને શોભે છે ખરું?

ત્રીજો મુદ્દો બીજા કરતાં વધુ આઘાતજનક હતો આકાશ મહાજન અસલીમાં છે શું? એક યુવાન વેપારી કે માર્ગ ભટકેલો આતંકવાદી? મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સના મૃતકોમાં એમનું નામ છે. એના પરિવારે હજી મૌન શા માટે રાખ્યું છે? શું એની પત્ની કિરણ પરિવારની કંપની મહાજન મસાલા પર પૂરેપૂરો કબજો જમાવી લીધા બાદ પતિના મોતનો જાહેરમાં સ્વીકાર કરશે?

આ બધું મહાજન પરિવાર અને ખાસ તો કિરણ માટે અસહ્ય હતું, પણ એ કંઈ ન બોલી. એકદમ ચૂપ રહી. ઘણાએ આના મનગમતા અર્થ કાઢ્યા, પરંતુ આ લોકોની સમજ કાચી હતી. મૌન કાયમ સહમતીનું પ્રતીક હોતું નથી, ને ખામોશીને શરણાગતિ ન સમજાય. આ શાંતિ હકીકતમાં જ્વાળામુખી ભભૂકતો હોવાની ચેતવણી હોઈ શકે છે.


બાદશાહ મુંઝાયો હતો બરાબરનો આસિફ શેઠનું ગાયબ થવું એ સામાન્ય બાબત નહોતી એટલી સમજણ હતી એનામાં. એના અન્ય મોબાઈલ નંબર પર વારેવાર વિદેશમાંથી ફોન પર ફોન આવતા હતા. ક્યાંક પૈસાની ઉઘરાણી. તો ક્યાંક માલ માટે બૂમાબૂમ. પોતે જરૂર કરતાં લાંબા સમય સુધી આ સૌને રાહ જોવડાવી હતી. હકીકતમાં એ માણસો માટે અને આ ધંધામાં બે જ વ્યવહાર છે: સામસામી આપ-લે અને સમયનું પાલન આ બન્નેમાં પોતે કાચો પડ્યો હતો, ભયંકર રીતે નિષ્ફળ નિવડ્યો હતો.

સામેવાળી પાર્ટીઓને પૈસાની જરાય પરવા નહોતી, પણ સમય અને વચનમાં પાછા પડનારાને તેઓ ક્યારેય માફ કરતા નથી. આ રીતે નિષ્ફળ જનારા દુનિયાના ગમે તે ખૂણામાં સંતાઈ જાય પણ એમનું કાસળ અચુકપણે કાઢી જ નખાય.

એક તરફ રિવૉલ્વર, બંદૂક, બૉમ્બ, કારતૂસ અને ડ્રગ્સ મેળવનારા જોખમી માણસો માથે બેઠા છે, ને બીજી તરફ પોતાના-જીવનના એક માત્ર લક્ષ્ય જેવા પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. શું આસિફ શેઠને જોખમી વિદેશી તાકાતોએ ઊંચકી લીધા હશે કે પછી બીજા કોઈએ?

વૉશરૂમમાં જઈને એક મોબાઈલ ફોન પરથી તેણે વ્હૉટ્સઅપ કોલ કર્યો. “જોખમ ખૂબ વધી ગયું છે. મિશનને હવે જલદી અંજામ આપો નહિતર જીવનભર કંઈ નહીં થઈ શકે.


મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલેએ એકદમ ઉત્તેજિત સ્વરે એટીએસના પરમવીર બત્રાને ફોન કર્યો. “જયહિન્દ સર. હોટલ પ્યોર લવના માલિક આસિફ પટેલ લાપતા છે.

એ કલાકોથી ગાયબ છે. એ લોકો ઉતર્યા છે એ હોટલના મેનેજરનો ફોન હતો. પણ એના માણસ બાદશાહને પોલીસમાં ફરિયાદ કરવામાં રસ હોય એવું લાગતું નથી.

“થેન્કસ, પણ તમે ટેન્શન લેતા નહીં. જો બાદશાહ આવે તો એને વધુને વધુ સવાલો કરજો. કદાચ કંઈક કામની માહિતી મળી જાય. સમજ્યા જી?

“સર, આ આસિફ પટેલને કંઈ થઈ ગયું તો પાછી નવી આફત.

“અરે જરાય ગભરાવાની જરૂર નથી. બાદશાહ કેવો આપોઆપ પાછો આવી ગયો હતો? આસિફ પટેલ વિશે હું ખાતરી આપું છું. રીલેક્સ થાઓ જી.

બત્રાએ ફોન મૂકી દીધો. ગોડબોલેને નવાઈ લાગી કે સર આખી વાતને આટલી બધી હળવાશથી શા માટે લેતા હશે? ખાતરી કેવી રીતે આપી શકે છે.


આગલા દિવસે લાઈબ્રેરીનો સમય પૂરો થઈ જવાથી ડૉ. સલીમ મુઝફફરે મુરુડ ઝંઝીરા કિલ્લાનાં ઈતિહાસને રસપ્રદ તબક્કે અધૂરો મૂક્યો હતો.

એટલે મહત્ત્વની માહિતી ટપકાવવા માટે નોટપેડ કાઢીને ડૉ. સલીમે ફરી મુરુડ ઝંઝિરા કિલ્લાના અતીતના ઊંડાણમાં ડૂબકી મારી. “૧૬૨૧માં ઝંઝિરાના શાસક સિદ્દી અત્યંત શક્તિશાળી બની ગયા. આ ટાપુનો પહેલો નવાબ ગણાય સિદ્દી અંબર. એને મોકલ્યો હતો ગુલામમાંથી સુલ્તાન બનેલા અંબર મલિકે, પરંતુ પછી સિદ્દી અંબરને હટાવવામાં મલિક અંબરને ય નિષ્ફળતા મળી. હકીકતમાં આદિલ શાહી પાસેથી આ કિલ્લો સિદ્દીઓએ જીતી લીધો હતો અને સૌથી લાંબો સમય રાજ કર્યું હતું. આ સિદ્દી શાસન એટલું બધું શક્તિશાળી કે દરિયાઈ તાકાતના લોભે ખુદ ઔરંગઝેબ પણ એને વર્ષે ચાર લાખ રૂપિયાનું સાલિયાણું ચુકવતો હતો.

મુરુડ ઝંઝિરા કિલ્લા અને સિદ્દી શાસકો પાસે કોઈનું કંઈ ઉપજતું નહોતું. છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં પેશવા મોરોપંત ત્ર્યંબક પિંગળેએ દશ હજાર સૈનિકો લઈને હુમલો કર્યો પણ કિલ્લાની ૧૨ મીટર ઊંચી ગ્રેનાઈટની દીવાલ વટાવીને અંદર જવામાં નિષ્ફળ ગયા.

ડૉ. સલીમ વિચારવા માંડ્યા કે મોગલો સિદ્દી અને મરાઠા સેનામાં ય મુસલમાન સેનાપતિ, આગેવાન અને લડવૈયા હતા. આ મોટામસ દરિયામાં તોપચી અબ્દુલ્લ હમીદુલ્લા “ગુલાબનામનું છિપલું દેખાશે ખરું? ઘરેથી બેગમનો મેસેજ આવ્યો, “આજ ભી ખાના ભૂલ મત જાના.

ડૉ. સલીમ મુઝફફરે ઈતિહાસનું પુસ્તક બંધ કર્યું. એના પર હળવેથી હાથ થપથપીને હસ્યા, “સિર્ફ દશ મિનિટ ઈંતઝાર કરીએ. મૈં આયા દો નિવાલે ખાકર.


રાજકિશોર, અભય રૂઈયા, સમીર પટેલ, કરણ રસ્તોગી અને દીપક મહાજન દિલ્હીની હોટલમાં ડ્રિન્ક લઈ રહ્યા હતા. ‘મહાજન મસાલા’માં આગળ શું કરવું એની ચર્ચા માટે ભેગા થયા હતા. હવે મહાજન મસાલા પર કબજો મેળવવો એ આ બધા માટે અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો હતો. કોઈક માણસ આવીને આવીને રાજકિશોરના કાનમાં કંઈક ગણગણ્યો. રાજકિશોરે ઈશારો કર્યો તો તેણે ટીવી ચાલુ કર્યું.

“ખબરે પલ પલ ચેનલની એન્કર મુરુડ બૉમ્બ બ્લાટ્સની જવાબદારી લેનારા વીડિયો બદલ માફી માગતા બોલી રહ્યો હતો. કે પૂરતી તપાસ કર્યા વગર અમારા એક જુનિયર રિપોર્ટરે એ વીડિયો પ્રસારિત કર્યો હતો. એની સચ્ચાઈની પૂરતી તપાસ કર્યા વગર કોઈક પર આંધળો વિશ્ર્વાસ મૂકી દેવાયો હતો. હકીકતમાં દેશ હિતને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ આ વીડિયો સરકારી તપાસ એજન્સીઓને ન આપવાની ભૂલ પણ થઈ છે. ભવિષ્યમાં વધુ તકેદારી અને ચોકસાઈ રાખવાનું વચન આપવા સાથે અમે અમારા તમામ દર્શકોની માફી માગીએ છીએ.

ત્યાર બાદ પોલિટિકલ “બ્રેકિંગ ન્યૂઝ શરૂ થયા. કોઈ જાહેર સમારંભમાં મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા પોતાના કટ્ટર હરીફ રાજકિશોર થશે બોલી રહ્યા હતા. “રાજકિશોરજી ખૂબ સીનિયર અને સિન્સીયર રાજકારણી છે. ભલે અફવાબાજી ચાલતી રહે કે અમે એકમેકના કટ્ટર હરીફ છીએ, પરંતુ મને ખુલ્લેઆમ સ્વીકારવામાં આનંદ થાય છે કે બહુ ઓછા નેતામાં રાજકિશોરજી જેવી સેવા-ભાવના છે, પ્રામાણિકતા છે. એક દિલ્હીવાલા તરીકે હું ગર્વ અનુભવું છું કે તેઓ આપણા સંસદસભ્ય છે.

રાજકિશોર એક ઝાટકે આખો પેગ ગટગટાવી ગયા તો બાકીના બધા એમને જોઈ રહ્યા. ન્યૂઝ ચેનલ ‘ખબરે પલ પલ’ દ્વારા ગુલાંટ મારવા અને મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા દ્વારા જાની દુશ્મન રાજકિશોરની વાહવાહીના કારણ કોઈને ન સમજાય. આ બન્ને ઘટનામાં કોઈ કડી હોવાની તો કોઈને કલ્પના જ ન આવી.


બીજા દિવસે દેશભરનાં આગેવાન અખબારોના પહેલા પાનાના પા ભાગમાં જાહેરખબર આવી. એમાં મોટા અક્ષરે લખાયેલું હતું: મહાજન મસાલાની નવી પેશકશ… એમએમ કેરોલિના રિપર… દુનિયાનું સૌથી વધુ તીખું મરચું કેરોલિના રિપર આવે છે.

આ લખાણ સાથે કિરણ મહાજન હાથમાં કેરોલિના રિપર મરચું લઈને ઊભેલી દેખાતી હતી. એના હસતા ચહેરા સામે નાના અક્ષરમાં લખાયેલું હતું: ‘કેરોલિન રિપર દોસ્તોને ઓછું ખવડાવો,ને દુશ્મનોને પેટ ભરીને.’

આ સાથે જ સોશ્યલ મીડિયા પર આ જાહેરખબર વાયરલ થઈ ગઈ. કેરોલિના રિપર મરચું કેવું ભયંકર તીખું હોય છે એની માહિતી પીરસાવા માંડી. સાથોસાથ કિરણ મહાજનના શબ્દોનું અર્થઘટન થવા માંડ્યું. “આ ખરેખર નવા પ્રોડકટની લોન્ચિંગ છે કે હરીફોને ચેતવણી?

કિરણ, વિકાસ, મમતા અને વિવેક ભાટિયા એકદમ ખુશ હતા. વિકાસના એક દોસ્તની સોશ્યલ મીડિયા ઈન્ફલુઅન્સર કંપનીને આગલા દિવસથી કામે લગાડી દેવાઈ હતી. બધે ત્રણ જ નામની ચર્ચા થવા માંડી: મહાજન મસાલા, કિરણ મસાલા અને કેરોલિના રિપર. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત