મેટિની

કેરોલિના રીપર પ્રકરણ-૪૭

બત્રાએ દિલના દર્દને કામના બોજ હેઠળ દબાવવું હતું પણ એ શક્ય હતું?

પ્રફુલ શાહ

કિરણ, વિકાસ અને ગૌરવને એક જ સ્થળેથી, એક જ વ્યક્તિના ને એક જ સરખા મેસેજ આવ્યા

સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામીને ‘ચોક્કસ ઘટતું કરીશ’નું વચન આપ્યા બાદ એટીએસના પરમવીર બત્રા ક્યાંય સુધી પૂતળાની જેમ બેસી રહ્યા. ન હાથપગ હલે, ન મોઢું કંઈ બોલે. મગજ એકદમ બ્લેન્ક થઈ ગયું. ફરીથી મમ્મીનો ફોન આવ્યો એટલે તેમણે ઉપાડયો.

“સત શ્રી અકાલ… દેખ તું લડકી દેખના શુરુ કર દે. તુઝે જો પસંદ હય ઉસે મય મિલ લૂંગા… શાયદ કોઈ આ રહા હય. બાદ મેં બાત કરુંગા. મોબાઈલ ફોન નીચે મૂકીને બત્રા વૉશરૂમમાં ગયા. બહાર આવ્યા ત્યારે લાગતું હતું કે કદાચ, કદાચ અંદર સારું એવું રડ્યા હશે.

ટેબલ પર બેસતાવેંત બત્રાએ કામમાં ખોવાઈ જવાનો પ્રયાસ આદર્યો. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સની વિગતો થોડી ઘણી મળી હતી પણ એનાથી સંપૂર્ણ ચિત્ર સામે આવતું નહોતું. હજી ઘણી કડીઓ ખૂટતી હતી. ક્યાંક એવું તો નહોતું ને કે એનડી, બાદશાહ, આસિફ શેઠ, સોલોમન, પવલા, પિંટયા, શકીના અને પ્રસાદ રાવ સિવાયનો ય એંગલ હોય જેના તરફ મારું ધ્યાન જ ન ગયું હોય?

ફરી એક વખત આખા કેસની વિગતો પર નજર નાખતી વખતે પરમવીર બત્રાએ કાગળ પર અમુક નામ ટપકાવવા માંડ્યા: કિરણ મહાજન, ગૌરવ, પુરોહિત, વિકાસ અને વૉચમેન પાટીલ. આ ચારેયને બોલાવીને પૂછપરછ કરી હોય તો? પ્રયાસ કરવામાં ખોટું શું છે? તેમણે આસિસ્ટન્ટને સુચના આપી કે આ ચારેયને ઑફિસ બોલાવો. કહેજો કે સમય લઈને આવે. અને હા, બ્લાસ્ટ્સના અન્ય મૃતકોના નજીકના સગા-વ્હાલાના નામ, સરનામા અને ટેલિફોન નંબર મારા ટેબલ પર મુકાવો.

ફરી તેઓ લેપટોપમાં ખૂંપી ગયા.દિલના દર્દને કામના બોજ હેઠળ દબાવી દેવા માગતા હતા પણ એ શક્ય હતું ખરું?


‘મહાજન મસાલા’ની ઑફિસમાં કિરણ – રોમાની કેબિનમાં મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હતી. આ લોકો કોણ હતા? શા માટ આવતા હતા? આ સવાલો બધાને અને ખાસ તો મોહનકાકુને પજવવા માંડ્યા. રાજાબાબુ મહાજનની સલાહ અને પોતાના અનુભવથી તેઓ માનતા હતા કે આ યુવાન મહાજન દંપતી ગમે તે કરી શકે છે? કોઈપણ હદે જઈ શકે છે.

મોહનકાકુને ન ગમ્યું પણ તેમણે કિરણ સમક્ષ મમરો મૂકી દીધો. “બેટા, મહાજન પરિવારના મારા પર ખૂબ ઉપકાર છે. રાજાબાબુની બીમારીમાં મારી ફરજ વધી જાય છે કે ઑફિસમાં કંઈ ખોટું ન થાય.

“કાકા, તમે નિરાંતે બેસો. મારાથી કંઈ ભૂલ થઈ છે?

“ના, ના બેટા પણ દીપક શેઠને મળવા આવનારા લોકોની સંખ્યા વધતી જાય છે. મને કંઈ ઠીક લાગતું નથી. એક રસ્તો સુઝયો છે! તમને જામે તો એમ કરી શકાય.

“બોલો કાકા, શું વિચારો છો?

“ઑફિસમાં આવનારા દરેક જણના નામ – નંબર લખીએ. કોને મળવા આવ્યા, શા માટે આવ્યા, ક્યારે આવ્યા અને ક્યારે ગયા એની નોંધ રાખીએ. સાથોસાથ આવનારાના ઓળખપત્ર ચેક કરીએ એટલે બધી વિગતો મળી જાય અને કોઈ જુઠ્ઠાણું હોય તો પકડઈ જાય.

“સારો વિચાર છે કાકા. ઘણી કોર્પોરેટ અને સરકારી ઑફિસમાં આવી સિસ્ટમ હોય છે પણ હમણાં આપણે શરૂઆત કરીશું તો આવનારા અટકી જશે? તેઓ દીપકભાઈ કે રોમાને બહાર પણ મળી શકશે. એના કરતા હમણાં થોડા દિવસ આમ જ ચાલવા દો. પપ્પા, ઑફિસે આવવા માંડે પછી આ સિસ્ટમ શરૂ કરી દઈએ.

મોહનકાકુને કિરણની સમજણ પણ માન ઉપજયું. એટલે જ તો શેઠે આવી ઑફિસની કમાન એના હાથમાં સોંપી છે. “સાચી વાત બેટા. મારું દિમાગ આટલું લાંબુ ન વિચારી શકયું. “હવે હું જાઉં, બેટા?

“હા, પણ પપ્પાની જેમ માથે હાથ મૂકતા જાઓ કે મારાથી ક્યારેય કંઈ ખોટું ન થાય.


એટીએસના પરમવીર બત્રાને ગમ્યું નહિ પણ છતાં ઓચિંતા મુરુડ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. સાંજનો સમય હતો છતાં ઈન્સ્પેકટર પ્રશાંત ગોડબોલે પોતાના કામમાં ડૂબેલા હતા. એક ચાર્જશીટના પેપર્સ ચોકસાઈપૂર્વક વાચી રહ્યા હતા કે જેથી કોર્ટમાં પોલીસનો ફજેતો ન થાય અને આરોપી છૂટી ન જાય.

હળવેકથી દરવાજા પર ટકોરા મારીને બત્રા અંદર ગયા. ગોડબોલેને આશ્ર્ચર્ય થયું પણ ચહેરા પર વર્તાવા ન દીધું. સ્મિત સાથે બેસવાનો ઈશારો કર્યો. બત્રા બેસી ગયા. આજે બન્નેના ચહેરા પરના હાવભાવ, બૉડી લેંગ્વેજ અને ઉમળકા એકદમ અલગ હતા. પોતપોતાની માનસિક સ્થિતિને લીધે બન્નેમાંથી કોઈના ધ્યાનમાં ન આવ્યું પણ એ હકીકત હતી.

“ગોડબોલેજી, અચાનક આકર ડિસ્ટર્બ કરને કે લિએ સૉરી. મને જાણકારી તો મળી છે પણ પિંટયાના કેસ વિશે વધુ જાણવું છે.

“સ્યૉર સર કહીને ગોડબોલેએ પોતાની જીપ સાથે એના ટકરાવા, બે પિસ્તોલ છોડીને ભાગી જવા, પોલીસને હાથ પકડાઈ જવા, કોઈ ટાઈગર ભાઉથી ડરવા અને પછી એને ઝેર આપીને મારી નાખવા સુધીની રજેરજની માહિતી આપી દીધી. આમાં પ્રસાદ રાવની કથિત સંડોવણી અને એના લાપતા થવાની જાણકારી પણ આપી.

પરમવીર બત્રાને મનોનમ સવાલ થયો કે ગોડબોલે કંઈક છુપાવે છે ખરો? તેમણે પોઈન્ટ બ્લેન્ક સવાલ કર્યો, “પિંટયાને કસ્ટડીમાં ઝેર અપાયું કેવી રીતે?

ગોડબોલે ટટ્ટાર થઈ ગયા ખુરશીમાં. “સર, એની વિગત ઝાઝી મહત્ત્વની નથી છતાં આપને કહી દઉં. પ્રસાદ રાવ આપણા પોલીસ સ્ટેશનની સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામીને ઓળખે. એ પ્રસાદે વૃંદાને વિનંતી કરી કે પિંટયાનો એક મૂકબધિર પિતરાઈ એને મળવા માગે છે. માનવતાના ધોરણે વૃંદાએ એને મળવા દીધો. એ પિતરાઈએ એક ચિઠ્ઠી આપી જે ઝેરીલી હતી. આ ચિઠ્ઠી ચાવવાથી પિંટયા મરી ગયો. પણ સર, આમાં વૃંદાનો વાંક લાગતો નથી.

“હમમ. એ સાચું કે પિંટયો મર્યો એના એક-બે દિવસ અગાઉ તમે એને ઢોરમાર માર્યો હતો?

“હા સર, એ મોઢું ખોલતો જ નહોતો.

“ઓકે. અને પ્રસાદ માત્ર વૃંદાનો ઓળખીતો છે? કે બૉયફ્રેન્ડ અને પ્રેમી પણ છે?

ગોડબોલે કંઈ ન બોલ્યા. “જુઓ ગોડબોલેજી, હું તમારી હાલત સમજું છું. ફરજમાં લાગણી વચ્ચે ન લવાય એવું શીખવાડાય છે પણ આપણી વર્દીની અંદર એક ધબકતું હૈયું હોય છે.
“આઈ એમ સૉરી સર.

“ગોડબોલેજી સૉરી જવા દો. હવે થોડી સ્પષ્ટતા. તમને વૃંદા ગમે છે. મારા પહેલા આને એક તરફી પ્રેમ ચંદ્રાની એ જોડિયા બહેન છે એટલે મને ગમવા માંડી. આ માટે હું તમારી મદદ માંગવાનો હતો.

પણ આપણે બન્ને ફરી આગળ વધીએ એ અગાઉ વૃંદા તો પ્રસાદને દિલ દઈ ચુકી હતી. એમ આઈ રાઈટ?

“જી, જી સર. હવે આપણે બન્ને લાગણીને કોરાણે મૂકીને પ્રસાદ રાવ ઊર્ફે ટાઈગર ભાઉની વાત કરીએ?

શંભુ ભાઉએ પ્રસાદ રાવ વિશે આપેલી માહિતી ગોડબોલેએ બત્રાને આપી. બન્ને માટે ચા અંદર લઈ જવાતી જોઈને બહાર બેઠેલી સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામીને સમજાયું નહિ કે આનો શું અર્થ કરવો?


દહિસર નજીકના એક પ્રમાણમાં સુમસામ ઢાબામાં એક ટેબલ પર કિરણ અને ગૌરવ પુરોહિત બેઠા હતા. દૂર ખૂણાના ટેબલ પર અન્ય ત્રણ જણ બિઅરની જયાફત ઉડાડતા હોય એવું લાગ્યું. બાકી ત્યાં કોઈ નહોતું.

કિરણની નજર દરવાજા પર મંડાયેલી હતી. થોડીવારમાં ગોગલ્સ પહેરેલો એક માણસ નજીક આવ્યો. આસપાસ જોઈને કિરણના ટેબલ પાસે આવ્યો. “હું અહીં બેસી શકું?

કિરણે એની સામે જોયું. “તમને લાગતું હોય કે તમારી જ રાહ જોવાય રહી છે તો બેસી શકો છો.

એ માણસ બેસી ગયો. તેણે ગોગલ્સ કાઢીને શર્ટના પોકેટમાં મૂકયા. “તમે ગૌરવ પુરોહિતને ય બોલાવી લીધા એ ગમ્યું. વેરી સ્માર્ટ.

“મિસ્ટર સમય ખૂબ કિંમતી છે. તમારો હોય કે મારો. વળી પેમેન્ટ બન્ને સાથે કરીએ તો ભાવતાલમાં ય સારું પડે એટલે મેં પુરોહિતજીને ય બોલાવી જ લીધા.

“ગુડ. મને ભાવતાલમાં રસ નથી. બન્ને પાસેથી ૪૦-૪૦ લાખ જોઈએ છે. પછી બધા ફોટા ને નેગેટિવ તમારી.

હવે ગૌરવ પુરોહિતે સંવાદનો દોર સંભાળ્યો. “રકમ ઘણી વધુ છે. છેલ્લો ફિગર બોલો અને ટાઈમ લિમિટ આપો.

“મિસ્ટર, આ હોમ-લોન કે પર્સનલ લોન નથી કે ઓછું વધુ વ્યાજ હોય, અનુકુળ હપ્તા હોય. રકમમાં કંઈ જ વધઘટ નહિ થાય. અને મને આ રકમ કાલેને કાલે જોઈશે. સવારે ૧૧ વાગ્યે સમજ્યા?
“અને હમણાં જ મળી જાય તો? પાછળથી અવાજ આવ્યો. એ માણસે મોઢું ફેરવ્યું તો એક ત્રિપુટી ઊભી હતી, જે ખૂણામાં બિઅર પીવાનો ડોળ કરતી હતી. વિકાસ, ઈન્સ્પેકટર રામરાવ અંધારે અને એના દહિસર પોલીસ સ્ટેશનના સાથીદાર ઈન્સ્પેક્ટરે બ્લેકમેઈલરના બન્ને હાથ પકડી લીધા.

દહિસરનો ઈન્સ્પેકટર ઓળખી ગયો. “અરે આ તો રીઢો બ્લેકમેઈલર છે. દેખાડો પ્રાઈવેટ ડિટેક્ટીવના ધંધાનો પણ મૂળ કામ બ્લેકમેઈલિંગનું.

અંધારેએ ફોન કરતા સાદા વેશમાં ત્રણ હવાલદાર દોડી આવ્યા. “આ સાહેબને સાચવીને આપણા પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ. હું પાછળ પાછળ આવું છું.

કિરણ, વિકાસ અને ગૌરવ પુરોહિતે હાશકારો અનુભવ્યો, ત્યાં વારાફરતી ત્રણેયના મોબાઈલ ફોનમાં એસ.એમ.એસ. આવ્યો. એક સ્થળેથી, એક વ્યક્તિએ, એક જ મેસેજ ત્રણેયને મોકલ્યો હતો. ત્રણેયે એકમેકને એસ.એમ.એસ. બતાવ્યો. કોઈને સમજાયું નહિ કે ચહેરા પર કેવા ભાવ લાવવા? (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button