મેટિની

કેરોલિના રીપર પ્રકરણ-૨૩

આચરેકરે નજીક પડેલો પાણીનો ભરેલો ગ્લાસ ટીવી પર ફેંક્યો

પ્રફુલ શાહ

બત્રાને થયું કે આજે સેલ્ફી પડાવવામાં લોકો જીવ આપી દે છે તો એનડી કેમ ફોટો પડાવવાનો વિરોધી હતો?

કિરણ આઈ.સી.યુ.ની બહાર એકલી બેઠી હતી. ખૂબ આગ્રહ કરીને કે કહો સમ આપીને તેણે મમતાને ઘરે મોકલી હતી. મમ્મીનું ધ્યાન રાખવા ઘરે પણ કોઈક જોઈએ જ ને? અડધા-અડધા કલાકે દરવાજાના કાચમાંથી પપ્પાને જોઈ લીધા બાદ કિરણ બેંચ પર બેસીને વિચારે ચડી જતી હતી.

આકાશનું ગાયબ થવું, એની પાછળની અમંગળ સંભાવના, પપ્પાની તબિયત આટલી બધી કથળી જવી અને ઓચિંતી પોતાને માથે મહાજન મસાલાની જવાબદારી આવી પડવી. મગજ બહેર મારી ગયું હતું. કંઈ ન સુઝતા સવારે જ પર્સમાં મૂકી દીધેલી આકાશની ગૉલ્ડન પુઠાવાળી ડાયરી બહાર કાઢી. એને આકાશના શબ્દો યાદ આવ્યા: “કિરણ ધ્યાનથી સાંભળી લે પહેલા અને છેલ્લી વાર.

મારા જીવતેજીવ તો હું આ ડાયરી તને કે કોઈને વાંચવા આપવાનો નથી… કાં મારા મર્યા પછી તું આ ડાયરી વાંચતી હોઈશ કાં તું ડાયરી વાંચતી હોઈશ ત્યારે હું મરી ચુક્યો હોઈશ. સમજી તું?

અચાનક ઝેરી વીંછી પર હાથ પડી ગયો હોય એમ કિરણે ડાયરી પાછી પર્સમાં મૂકી દીધી. એ ક્યાંય સુધી ગુમસુમ બેસી રહી. એના મોબાઈલ ફોનમાં એલાર્મ વાગ્યો. પપ્પાની દવાનો ટાઈમ થઈ ગયો. એ ઊભી થઈને દરવાજા પાસે ગઈ. કાચમાંથી જોયું તો નર્સ પપ્પાને ઇંજેક્શન આપી રહી હતી. કિરણે ધરપત અનુભવી.

એ સમયે કિરણને અદમ્ય ઇચ્છા થઇ કે કાશ એ નર્સ પોતાને બેહોશીનું ઇંજેક્શન આપી દે તો બે-ચાર કલાક ઊંઘ થઈ જાય. પણ પછી માથાને ઝાટકો મારીને એ કેન્ટીન તરફ ગઈ, ગરમ કૉફીનો કપ લેવા. સ્ફૂર્તિ કે તાજગી નસીબમાં હતી ખરી કિરણના?


પી.એ. નિશીથ કરંદીકર ક્યારનો ય વિલે મોંઢે બેઠેલા રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકરને ચૂપચાપ જોઈ રહ્યો હતો. મનોમન કરંદીકર ખુશ હતો, પરંતુ ચહેરા પર ખુશીના ભાવ છુપાવીને તેણે સામે ભરેલા જગમાંથી પાણી ભરીને ગ્લાસ આચરેકર સામે મૂક્યો.

“સર પ્લીઝ, થોડા રીલેક્સ થાવ તો સારું.

“રીલેક્સ? આ તો મારી વિરુદ્ધનું કાવતરું છે કાવતરું. હું એ અપ્પાભાઉને બરબાદ કરી નાખીશ. એને છોડવાનો નથી.

“અફકોર્સ સર. તેણે પોતાનું બકબક કરી લીધું. હવે તેની પાસે ચૂપ બેસવા સિવાય છૂટકો નથી. સર, આપ તો અનુભવી છો. જીનિયસ છો. ચૂંટણી અગાઉ આવા સ્ટન્ટ થતા જ હોય છે.

“એ વાત સાચી. ચૂંટણીમાં જીત પછી ‘મહારાષ્ટ્ર આજ’વાળાને ય સીધા કરવા પડશે.

“સર, આજ સવારથી તેઓ કંઈક નવા પોલિટિકલ ધમાકાની જાહેરાત કરી રહ્યા છે. ઑન કરું ટીવી?
આચરેકરના પેટમાં ફાળ પડી કે મારા વિશે તો કંઈ વધુ નહીં હોય ને! છતાં બેફિકરાઈનો અભિનય કરતા બોલ્યો, “જોઈ લો જોવું હોય તો…

કરંદીકરે ટીવી ઑન કર્યું. એ જ સમયે ‘મહારાષ્ટ્ર આજ’ની સ્ટાર ઍન્કર અનીતા દેશમુખ દેખાઈ. આચરેકરે એને જોઈને દાંત ભીસ્યા. આંખમાં લાલાશ દોડી આવી. એ સામે હોત તો ગળું જ દાબી દીધું હોત.

અનીતાએ સ્માઈલ આપવાને બદલે ગંભીર ચહેરે શરૂઆત કરી, “માનવી પોતાના સ્વાર્થ, લાલચ અને દેખાડામાં માનવતા ભૂલી જાય છે એનો આઘાતજનક અનુભવ અલીબાગની પ્રજાએ તાજેતરમાં કર્યો એના પર હવે વાત કરીશું આજે.

‘અલીબાગ’ શબ્દ સાંભળીનું આચરેકર ટટ્ટાર બેસી ગયા તો કરંદીકરની આંખમાં ચમક અને હોઠના ખૂણે લુચ્ચું હાસ્ય આવી ગયું.

“અલીબાગે સમૃદ્ધિનું વિકૃત પ્રદર્શન જોયું. કહો કે જોવું પડ્યું ને ભયંકર આઘાત અનુભવ્યો. તાજેતરમાં ઉમેદવારીપત્રક ભરવા માટે આટલો મોટો તમાશો ભાગ્યે જ કરાયો છે. અલીબાગના ગામેગામથી બસ આવતી રહી, કાર્યકરોનું કીડિયારું ઉભરાયું, સૂત્રોચ્ચાર થયા. શું આ અનિવાર્ય હતું? આ શક્તિ-પ્રદર્શન હતું કે વિકૃતિનું પ્રદર્શન હતું? આનાથી જનતાને કેટલી તકલીફ પડી એ જોઈએ.

વીડિયો ફૂટેજમાં એક વયસ્ક મહિલા ગળગળી થઈ ગઈ. ‘મારી દીકરી પ્રેગનન્ટ હતી. તેને દવાખાને જવાનું હતું પણ ભારે ટ્રાફિકજામને લીધે ૨૦ મિનિટનો રિક્ષા પ્રવાસમાં બે કલાક લાગી ગયા. મારી દીકરી પીડાથી કણસતી રહી ને હું કંઈ ન કરી શકી!

બીજા વીડિયોમાં એક શાકભાજીવાળો રડતો દેખાયો. “પોલીસે બળઝબરીથી મને હટાવ્યો. થોડા શાકભાજી પડી ગયા, ને બાકીના બગડી ગયા. મારું નુકસાન કોણ ભરપાઈ કરશે?

એક દુકાનદારે આક્રોશ કર્યો.”આ સરઘસના કહેવાતા રાજકીય કાર્યકર્તાઓએ મારી દુકાનમાંથી ચોકલેટ, વેફર અને સિગારેટની રીતસરની લૂંટ ચલાવી. આના માટે અમે મત આપીએ છીએ?

સ્કૂલ બહાર પ્રિન્સીપાલ ઊભા હતા. “મારા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ને બહાર ભયંકર ઘોંઘાટ હતો. આવી માનસિકતાનું શું કરવું?

હૉસ્પિટલમાં એક ડૉક્ટરે રોષ વ્યક્ત કર્યો, “મારા સિરિયસ પેશન્ટ ઘોંઘાટને લીધે આરામ ન કરી શક્યા. આપણે જવાબદારી ક્યારે સમજીશું?

એમ્બ્યુલન્સ પાસે પાટાપીંડી કરીને ઊભેલો ડ્રાઈવર રડતા-રડતા બોલ્યો, “ભયંકર ટ્રાફિક અને ભીડને લીધે હાર્ટ પેશન્ટે રસ્તામાં જ દમ તોડી દીધો. એના ફેમિલીએ મને માર્યો. એમાં વાંક મારો હતો કે બીજા કોઈનો?
વિશ્ર્વનાથ આચરેકરે નજીક પડેલો પાણીનો ભરેલો ગ્લાસ ટીવી પર ફેંક્યો. કરંદીકર ગભરાઈ જવાને બહાને દોડીને બાથરૂમમાં ભરાઈ ગયો અને કોઈકને મોબાઈલ ફોન લગાડ્યો.


એ.ટી.એસ.ના પરમવીર બત્રાને વ્હોટ્સએપ પર એક મેસેજ આવ્યો. ‘સર, ખૂબ મહત્ત્વના અપડેટ સાથે વૉચમેને પાટીલને લઈને આવું છું.’ બત્રા ખુશ થયા અને વિચારમાં પડી ગયા.

દસ મિનિટમાં મુરુડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રશાંત ગોડબોલે અને વૉચમેન પાટીલ અંદર આવ્યા. ગોડબોલે એકદમ ઉત્સાહમાં હતા. “સર, આ પાટિલના ફોનમાં એનડીનો એક ફોટો મળ્યો છે.

એક્ચ્યુઅલી, પાટિલ દશેરાના ડેકોરેશનનો ફોટો પાડતા હતા ત્યાં ભૂલમાં એ ખૂણામાં ઊભેલો ઝડપાઈ ગયો.

“ભૂલમાં ઝડપાઈ ગયો એટલે?

પાટીલ બોલ્યો,”હા સર, એનડી સાહેબ ક્યારેય ફોટો પડાવતા નહીં. એનડી સરને ફોટો પડાવવા સામે સખત વિરોધ હતો, વાંધો હતો. ક્યારેક કોઈને ફોટો પડાવતા જોઈ જાય તો ગુસ્સાથી લાલચોળ થઈને ફોટો ડિલિટ કરાવીને જ જંપતા હતા.

બત્રા હસી પડ્યા. “આજના સમાનામાં લોકો સેલ્ફી પડાવવામાં જીવ આપી દે છે. તો આ એનડી કેમ ફોટો પડાવવાનો વિરોધી હતો. એ કોઈ મોટો વિચારક કે આધ્યાત્મિક મહામાનવ નહોતો, તો શું કામ ફોટોની નિશાની પાછળ મૂકી જવા નહોતો માગતો? એ માત્ર એક વિચિત્ર આદત હતી કે એનાથી વધુ કંઈક હતું?


હૉસ્પિટલના રૂમમાં રાજાબાબુ મહાજન ઊંડા વિચારોમાં હતા. ના, ચિંતામાં હતા. ઘરની, પરિવારની, દીકરાની, વહુની, દીકરીની અને ધંધાની ચિંતા. એમને પરસેવો વળવા માડ્યો, નર્સનું ધ્યાન ગયું એમના પર.

“સર, પાછા વિચારે ચડી ગયા? ડૉક્ટરસાહેબે ના પાડી છે આનાથી તબિયત બગડશે.

“સિસ્ટર, વિચારો બંધ કરવાનું બટન બતાવો અથવા કોઈ દવા આપી દો. બાકી, વિચારો તો આવવાના. અત્યારે તમે કંઈ વિચારતા નથી?

નર્સ કંઈ ન બોલી. એ પેશન્ટને જોતી રહી.

“સિસ્ટર, બહાર મારી દીકરી કિરણ બેઠી હશે. એની સાથે વાત કરી શકું?

“કાલે તમારી દીકરી મળી ગઈ એનું નામ તો મમતા છે ને?

“હા, એ મમતા. પણ આ મારી પુત્રવધૂ છે કિરણ. દીકરી જેવી જ.

સિસ્ટરની આંખમાં ઝળઝળિયા આવી ગયા. “આ માણસ નસીબદાર છે. વહુ દીકરી જેવી મળી છે ને મારી દીકરી તો ખરાબમાં ખરાબ વહુથી બદતર છે. મને જ મારા ઘરમાંથી હાંકી કાઢવાના પ્રપંચમાં મશગૂલ રહે છે…

“જોયું સિસ્ટર તમે ય વિચારોમાં પડી ગયા ને?

રાજાબાબુના સવાલ પર નર્સ ફિક્કું હસી પડી. “યસ સર, સાચી વાત છે આપની. હું બહાર જોઉ. કિરણબહેન હોય તો મોકલું અંદર. હકીકતમાં નર્સે ય કિરણને જોવી હતી.

રાજાબાબુ કિરણના વિચારે ચડી ગયા. “શું વીતતું હશે મારી પારેવડી પર. આટલી બધી તકલીફ વચ્ચે હું હૉસ્પિટલના બિછાને પડ્યો છું. કિરણ પર જે વીતે છે એટલું બીજું કોઈ સહન ન કરી શકે. હે ભગવાન, એનું ધ્યાન રાખજે.


એટીએસના પરમવીર બત્રાએ એનડીનો ફોટો સાયબર સેલને મેઇલ કર્યો. સાથે લખ્યું, “અર્જન્ટ પ્લીઝ. ત્યાં જ મોબાઈલ ફોનની બેલ વાગી. કોલરનું નામ જોઈને તેઓ હસ્યા.

“હલ્લો… બોલીએ પ્રોડ્યુસર જી. મેરે લીએ કોઈ રોલ મિલા ક્યાં જી? સામેથી ‘પ્રોડ્યુસર મનમોહન’ હસી પડ્યો. “જયહિન્દ સર. આપ અપને રોલમેં એકદમ ફિટ હૈ. એક મહત્ત્વની જાણકારી મળી છે. આસિફ પટેલનો માણસ બાદશાહ એક દિવસ થોડા કલાકો ગાયબ થઈ ગયો હતો ત્યારે એ ક્યાં ગયો હતો એ જાણવા મળ્યું છે.

“અરે વાહ… ક્યાં ગયા હતા બાદશાહ સલામત?

‘સર, મુરુડથી નજીકના ડોંગરી ગામમાં એ દેખાયો હોવાનું જાણવા મળ્યું છે.

“સાબાશ. બહુ મોટું ગામ છે?

“ના. સર. સો-સવાસો પરિવાર અને પાંચસોથી ઓછી વસતિ.

“ગુડવર્ક. ત્યાં બાદશાહ કોને મળ્યો, શું કર્યું અને શું કરવા ગયો હતો એ શોધી લેવામાં કેટલીવાર લાગશે?

“સર, જેવી ખબર મળી કે મેં તરત આપને ફોન કર્યો. હવે હું પોતે જ રવાના થાઉ છું ડોંગરી જવા. જલદી લીડ મળવી જોઈએ.

એ સમયે કોઈ જાણતું નહોતું કે આ ટચૂકડા ગામમાંથી બ્લાસ્ટ્સ કેસની તપાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ લીડ મળવાની હતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button