મેટિની

કેરોલિના રીપર – પ્રકરણ-૧૨

પ્રફુલ શાહ

દગડુ એ બતાવેલી જગ્યાએ જઈને જે જોયું તો ચીસ નીકળી ગઈ

પંડિતજી બોલ્યા: આચરેકરજી આપનો સમય ખૂબ મુશ્કેલ છે. હજી મુશ્કેલી આવશે

એટીએસના પરમવીર બત્રામાં રોષ અને જોશ એટલા છલકાતા હતા કે કોઈને માથામાં મુક્કો મારે તો પેલો આખેઆખો જમીનમાં ઘૂસી જાય, પણ મર્યાદા હતી ફરજની, વર્દીની. ‘મહારાષ્ટ્ર આજ’ની હરીફ ચેનલ ‘સિર્ફ સચ્ચાઈ’ના સિનિયર કોરસપોન્ડન્ટ અચ્યુત કાંબળે અને મરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે સાથે કોઈના ફ્લેટમાં બેઠા હતા. ત્રણેય કંઈક વ્યથિત હતા. અંતે શું કરવું એના રસ્તા વિચારવામાં એટલા બધા મશગૂલ થઈ ગયા કે ચા સાવ ઠરીને ઠીકરું થઈ ગઈ.


વાઈ તાલુકાના સાવ નાનકડા ગામ ગોલેગાંવ (ના, મુંબઈનું ગોરેગાંવ નહિ)માં વસતિ માત્ર ૭૧ માણસોની ૩૭ પરિવારો રહે અને સરપંચ એમના માટે સર્વસ્વ. આ સરપંચ હજી સવારના પહોરમાં દાતણ ઘસતા હતા, ત્યાં ગામનો સૌથી નકામો યુવાન દગડુ દોડતો આવ્યો. એ એટલો જોશભેર દોડ્યો હશે કે ધમણની જેમ હાંફતો હતો. સવારના પહોરમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. પાટિલ સરપંચને ગુસ્સો આવ્યો કે આણે ફરી ક્યાંક ચોરીચપાટી કરી હશે. પણ સરપંચ કોઈ ઠપકો આપે એ પહેલા દગડુ એમનો હાથ પકડીને ખેંચવા માંડ્યો.

“મારી સાથે આવો… હમણાંને હમણાં

પાટિલને ચીડ તો ચડી પણ સાથોસાથ લાગ્યું કે મામલો ગંભીર હોઈ શકે. પાટિલ દાતણ ફગાવીને એની સાથે ચાલવા માંડ્યા. દગડુ ભાગવા માંડ્યો, તે પાટિલ એની પાછળ પાછળ ઉતાવળે ચાલવા લાગ્યા. ગામમાં જે લોકોએ જોયું એમને થયું કે દગડુએ કંઈક ખોટું કર્યું છે એટલે પાટિલ એની પાછળ દોડે છે. પાંચ-છ જણા ઘરની બહાર નીકળીને પાટિલની પાછળ જવા માંડ્યા.

પાંચ સાત મિનિટ દોડીને દગડુ ઊભો રહી ગયો. ઝાડી-ઝાંખરા તરફ આંગળી ચીંધવા માંડ્યો. હાંફતા હાંફતા પાટિલ અને બીજા બધા ત્યાં પહોંચ્યા. દગડુએ ચીંધેલી દિશામાં બે જણે આગળ વધીને ઝાડી-ઝાંખરા હટાવ્યા, ને જે જોયું એનાથી મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આ બન્ને વચ્ચેથી સરપંચ પાટિલે જોયું, તો સામે એક લાશ પડી હતી.


મુખ્ય પ્રધાન રણજીત સાળવી અખબારો પર નજર નાખતી વખતે મૂછને વળ દઈ રહ્યા હતા. તેમણે પોતાના ખાસ અને પ્રાઈવેટ નંબર પરથી ફોન લગાવ્યો. ‘ભોસલેસાહેબ, તમારું પ્યાદું કમાલનું કામ કરી રહ્યું છે. હવે આગલી ચાલ શું છે?… વાહ, આ તો ગજબના છે… કરો ફતેહ’ સાળવીએ ફોન મૂકીને બન્ને હાથથી બેઉ બાજની મુછને વળ ચડાવ્યા.


રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન વિશ્ર્વનાથ આચરેકર વિલું મોઢું કરીને હાથ લાંબો કરીને બેઠા હતા. સામે પંડિત ગૌરવસાગર એમના હાથની રેખાઓ જોતો હતો.

“સમય ખૂબ મુશ્કેલ છે. હજી મુસીબત આવશે.

“અરે એ તો ખબર છે પણ એને રોકવી કેમ?

“જુઓ મહાશય, જે નિયતિમાં હોય એ કોઈ રોકી શક્તું નથી.

“અરે પણ કરંદીકર તો ઢોલ પીટતો હતો કે તારી પાસે બધી સમસ્યાના ઉકેલ છે.

“મહાશય, હું આપને ચેતવી રહ્યો છું કે હજી મુસીબતો આવતી રહેશે. એ વખતે તમે કેમ વર્તો છો, પ્રતિભાવ આપો છો એના પર ભવિષ્યનો આધાર રહેશે.

“એટલે મારે ચૂપચાપ જોતા રહેવાનું ને સહન કરતા રહેવાનું?

“મહાશય મહાશય. દરેક અંધકારનો નાશ કરવા પ્રકાશ હોય જ છે. પણ રાતને કોણ ટૂંકાવી શકે છે…

“એ ભાઈ મોટિવેશન સ્પીકર બનવાનું છે. બે વાક્યમાં કહી દે કે શું થવાનું છે, ને મારે શું કરવાનું છે?

“આફત આવશે. લગભગ રોજેરોજ: તમે શક્ય એટલો સંયમ રાખો, તો તમારા શત્રુઓ ઝાઝા સફળ નહિ થાય.

આચરેકર ગુસ્સામાં ઊભો થઈ ગયો પંડિત ગૌરવસાગરના બે હાથ પકડ્યા. પોતાના માથે મુકાવ્યા પરાણે. પછી બે હાથ જોડ્યા, ને દાઢમાં બોલ્યો, આપ સિધાવો પંડિતજી. દક્ષિણા કરંદીકર આપી દેશે. પછી હાથ ઢસડીને એ જ્યોતિષને ખેંચી ગયો અને દરવાજો ખોલીને રીતસર બહાર ધક્કો મારી દીધો…


એટીએસના પરમવીર બત્રાએ ઈમેલ ધ્યાનથી જોયો. પોતે આસિફ પટેલ વિશે મંગાવેલી માહિતીમાં પહેલી નજરે ખાસ કંઈ વાંધાજનક નહોતું, પરંતુ દુબઈ, અબુધાબી, કતાર, કુવૈત, ઓમાન, યુનાઈટેડ આરબ અમિરાતમાં આવરોજાવરો, નોંધપાત્ર હતો. એ ધાર્મિક હતો, કદાચ વધુ પડતો. અંદર ખાને કટ્ટર પણ હોઈ શકે પણ કોઈ પુરાવા નથી. બત્રાને સમજાયું નહિ કે આ આસિફ માટે ક્લિનચીટ ગણાય કે નહિ?

કર્શર નીચે લઈ જતા આસિફ પટેલના લંડનના નિવાસસ્થાનનું સરનામું દેખાયું: ન્યુહામ. લંડન શહેરની પૂર્વમાં અને થેમ્સ નદીના ઉત્તરે આવેલું છે. આખા યુ.કે.માં મુસ્લિમોની વસતિમાં ન્યુહામ બીજા ક્રમે છે. અહીં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વસતીનું પ્રમાણ ઘણું વધુ છે. અપરાધની દૃષ્ટિએ આ સ્થળ રહેવા માટે બ્રિટનના ઓછામાં ઓછા સલામત સ્થળોમાંનું એક છે.

આવા અસલામત સ્થળે રહેવાનું ધનવાન આસિફ પટેલે કેમ પસંદ કર્યું હશે? બ્રિટનના ફ્રેન્ડ અને સોર્સને વધુ કામે લગાડવા પડશે, એવું વિચારીને પરમવીર બત્રાએ ખાનામાંથી અલગ જ મોબાઈલ ફોન કાઢ્યો.


રાજાબાબુ મહાજન ક્યારના જુહુ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર રામરાવ અંધારે સાથે લમણાઝીંક કરી રહ્યા હતા. દીકરાની ફિકરમાં ને ફિકરમાં રાજાબાબુનો દિમાગનો પારો ઉપર જતો હતો. અંતે અંધારે બોલી પડ્યો, “આપના દીકરાનું સંભવિત લોકેશન મળ્યું છે પણ સમર્થનમાં કંઈ નથી.

“એટલે? તો જલ્દી કહી દેવાય કે નહિ? અમે ત્યાં દોડી ગયા હોત. રાહ શૅની જોતા હતા અંધારે?

“સર, આકાશભાઈ વાશીથી મુરુડ ગયા હતા. એ પણ મુરુડની હોટેલમાં વિસ્ફોટ થયો એ દિવસે અને એ જ હોટેલમાં રોકાયા હતા.

“વ્હોટ? મુરુડ શા માટે જાય એ?

“જરૂર કોઈ પરાણે, બળજબરીથી લઈ ગયું હશે? હવે આગળ શું કરવાનું ?

“સર, આ બ્લાસ્ટ્સની તપાસ એટીએસ કરી રહી છે. રિપોર્ટ મુજબ હોટેલમાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા.

“ઓહ… પણ આકાશ ત્યાંથી નીકળી ગયો હશેને?

“બ્લાસ્ટ્સમાં હોટેલનું કંઈ બચ્યું નથી. એટલે ચેક-ઈન અને ચેક-આઉટ કરનારાની યાદી મળી નથી. તો
“પણ અંધારે, એ કહો કે આકાશને શોધવા હવે આગળ શું કરવાનું?

“સર, પોલીસ અને અંગતપણે હું તપાસ કરી રહ્યાં છીએ. મારું માનવું છે કે આપ થોડી ધીરજ રાખો.

“ધીરજ રાખું ? કેટલા દિવસ થઈ ગયા એ ખબર છે તમને ? વાત કરો છો…

“સર, મામલો બગડી જશે તો ક્ધટ્રોલ બહાર નીકળી જશે…

“અરે હું મારા દીકરાની ફિકર કરું કે મામલો બગડવાની… આકાશ મળી જાય તો બધા મામલાને ક્ધટ્રોલ કરવા આવડે છે મને. સમજ્યા?

“સર પ્લીઝ, ગીવ મી એ ડે. કાલે આપણે મળીએ.

રાજાબાબુ મહાજને ગુસ્સામાં ફોન ફેંકી દીધો અને બે હાથે માથું પકડી લીધું. તેમની આંખમાં આંસુ આવી ગયા. દૂરથી બધુ જોઈ રહેલી કિરણ સમજી ગઈ કે વાત ખૂબ ગંભીર હશે નહિતર જમાનાના ખાધેલા પપ્પા આટલા બધા અપસેટ ન થાય.


કિરણના રૂમમાં પડેલા મોબાઈલ ફોનની ઘંટડી ક્યારની વાગતી હતી. એકવાર પૂરી રિંગ વાગી. પાંચ-સાત સેક્ધડમાં ફરી રિંગ જીદે ચડી પણ સફળ ન થઈ. ત્રીજી વખત રિંગ વાગવાની શરૂ થઈ. રિંગ પૂરી વાગીને બંધ થાય એ અગાઉ દોડીને કિરણે ફોન ઉપાડી લીધો.

“હલ્લો…

“હલ્લો કિરણ આકાશ મહાજન?

“હા, તમે કોણ?

“તમારા હસબંડ ક્યાં છે એ ખબર છે?

“ક્યાં છે… ક્યાં છે આકાશ?

“પતિ ક્યાં છે એ પત્નીને ખબર નથી! વાહ, વાહ પણ એ શું કરે છે એ ખબર છે?

“વ્હોટ ડુ યુ મીન?

“તમારા પતિ કદાચ મોટા સંકટમાં હોઈ શકે…

“ત… ત… તમે કોણ બોલો છો?

“એ જવા દો હમણા…

“પ્લીઝ…

“જુઓ હમણાં કંઈ કહી શકું એમ નથી પણ એક ગેરન્ટી આપું કે એ મળી જશે પછી મારાથી એને કોઈ બચાવી નહિ શકે. આને વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો અને ધમકી સમજવી હોય તો ધમકી સમજો. બાય…
સામેથી ફોન મુકાઈ ગયો કિરણે જોયું તો કોલર્સ નેમ’માં પ્રાઈવેટ નંબર સિવાય કંઈ ન દેખાયું તેણે રિડાયલ કર્યું પણ… એ ડબલ બેડ પર ફસડાઈ પડી.


સાંજે સાડા સાત વાગ્યે ‘સિર્ફ સચ્ચાઈ’ ચેનલના ‘મુરુડ બ્લાસ્ટ્સ કી કયાં હૈ સચ્ચાઈ’નામના વિશેષ પ્રોગ્રામ સાથે અચ્યુત કાંબળે હાજર થયા. આ ચેનલ અને અચ્યુત માટે પ્રેક્ષકો અને બૌદ્ધિકોમાં માન હતું. વિશ્ર્વાસ હતો. આ ચેનલને એક્સક્લુઝિવ, સ્કૂપ કે સનસનાટી કરતાં સત્યની આસપાસ વિચાર-દર્શન કરાવવામાં વધુ રસ હતો. એવી ઈમેજ બની ગઈ હતી કે જેને મોટાભાગના એ સ્વીકારી હતી. અચ્યુત કાંબળેનું વ્યક્તિત્વ પ્રમાણમાં ગંભીર પણ સન્માનને પાત્ર હતું. તેણે ધીર-ગંભીર અવાજમાં શરૂઆત કરી.

“મુરુડની હોટેલમાં ભયંકર વિસ્ફોટો થયા. ન જાણે કેટલાંય લોકોના જીવ ગયા. એ સર્વ મૃતકોને હૃદયપૂર્વક અંજલિ સાથે આજે થોડા મુદ્દાની ચર્ચા કરવી જરૂરી છે.

એક, હજી સ્પષ્ટ થયું નથી કે આ આતંકવાદી હુમલો છે. અથવા એવું સત્તાવારપણે જાહેર તો નથી જ થયું.

બે, સરકારે તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈ લીધી એટલે શું સ્થાનિક પોલીસ નિષ્ફળ નિવડી હતી? ના, કેસ જ ખૂબ પેચીદો છે અને તપાસને વધુ દિવસો થયા નહોતા. મુરુડમાં રાબેતા મુજબની શાંતિ અને વ્યવસ્થા આ તથા કથિત નિષ્ફળ મુરુડ પોલીસ જ જાળવે છે.

ત્રણ, આતંકવાદી હુમલો હતો એ સાબિત થયું નથી તો બધા માર્યા ગયેલાને ત્રાસવાદી કેવી રીતે ગણી શકાય?
ચોથો અને સૌથી મહત્ત્વનો મુદ્દો. આ અમારું વિશ્ર્લેષણ છે. સમજ છે પણ એ હકીકત કેટલી નજીક છે એ જાણીએ. હવે.

અચાનક સ્ક્રીન પર અચ્યુત કાંબળેના ચહેરાની જગ્યાએ એટીએસના પરમવીર બત્રા દેખાયા. તેમણે હાથ જોડ્યા.
“નમસ્કાર. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસની તપાસ ચાલી રહી છે. આખાં મુરુડ પોલીસ સ્ટેશનનો સહકાર ખૂબ સારો છે, ને એ જરૂરી છે. હજી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે આ વિસ્ફોટને આતંકવાદી કૃત્ય કહી શકાય. આ શક્યતાને હું નથી સમર્થન આપતો કે નથી રદિયો આપતો. આ સંજોગોમાં અંદર માર્યા ગયેલા બધા ત્રાસવાદી હોવાનો દાવો ન થઈ શકે. હું સૌને વિનંતી કરું છું કે આ બહુ સંવેદનશીલ મામલો છે સનસનાટી જગાવવા માટે ખોટી ઉતાવળ ન કરો, પ્લીઝ.
ફરી અચ્યુત કાંબળે પ્રગટ થયા. “આ બ્લાસ્ટ્સ કેસની વધુ થોડી મહત્ત્વની વિગતો જોઈએ…


એટીએસના પરમવીર બત્રાનો ફોનની રિંગ ક્યારની વાગતી હતી પણ નંબર જોઈને તેમણે ઉપાડવાનું મુનાસિબ ન માન્યું. એ જ સમયે મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલે અંદર આવ્યા.

‘સેલ્યુટ’ સાથે એકદમ ઈમોશનલ થઈને ગોડબોલે બોલ્યા, “થેન્ક યુ વેરી મચ સર. બ્લાસ્ટ્સ કેસમાં અમારી તપાસને વ્યવસ્થિત ઠેરવવા અને અમારા સહકારનો સત્તાવાર સ્વીકાર કરવા બદલ.

“એ ભાઈ, પહલે બૈઠ તો જાઓ જી. આ મોટી વાત નથી. આમ જ થવું જોઈએ.

“સર, હવે આવું કોણ માને છે? પણ આપ અલગ ઈન્સાન છો આપની પાસેથી ઘણું શીખવા મળે છે. એક મહત્ત્વનું અપડેટ છે. એન ડી વાઈ જતો હતો સોલોમનને મળવા જે ગાયબ છે. એની સોનગિરવાડીમાં રહેતી માશુકા શકીનાનો ય પત્તો નહોતો, પરંતુ આજે સવારે વાઈના જ ગામ ગોલેગાંવમાંથી એક લાશ મળી છે, જેની ઓળખ શકીના તરીકે થઈ છે. એનો અર્થ એ થયો કે બ્લાસ્ટ્સ સાથેની કડીઓ કોઈ મિટાવી રહ્યું છે.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button