કેરોલિના પ્રકરણ-૪૧
પ્રસાદે એ માણસ મૂંગો હોવાનું કીધું હતું, આ તો સૂરદાસ પણ છે
પ્રફુલ શાહ
વિકાસે કિરણને કહ્યું, “મારી સગી મોટી બહેન ગાયબ થઈ હતી, એ પણ પરાયા ને પરિણીત પુરુષ સાથે
મુરુડ પોલીસ સ્ટેશનમાં રોજ કરતાં વધુ શાંતિ હતી. સબ-ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી પહેલી ચા પીધા બાદ કૉમ્પ્યુટર પર જૂની એફ.આઈ.આર વાંચી રહી હતી. આ ફરિયાદો અને એના પરથી અદાલતમાં દાખલ કરાયેલી ચાર્જશીટનો એ અભ્યાસ કરી રહી હતી. કેટલીક જૂની એફ.આઈ.આર.માં આઈ.ઓ.-ઈન્વેસ્ટિગેટિંગ ઑફિસર-તરીકે પ્રશાંત ગોડબોલેનું નામ જોઈને એ વધુ ધ્યાનથી વાંચવા માંડી. એને થયું કે ગોડબોલે સર ખરેખર કાબેલ ઑફિસર છે. અચાનક હસીને તેણે ડાબે હાથેથી પોતાના માથાના પાછળના ભાગમાં ટપલી મારી: “ડફોળ એને તારા સર્ટિફિકેટની જરૂર નથી. એ તારો સિનિયર છે.
ત્યાં જ એક હવાલદારે આવીને વૃંદાને જાણકારી આપી કે કોઈક આપને મળવા આવ્યું છે. વૃંદાને બૉયફેન્ડ પ્રસાદ રાવે કરેલી વિનંતી યાદ આવી. એ માણસને અંદર લઈ આવવાની સૂચના આપીને વૃંદા ફરી કૉમ્પ્યુટરમાં ખોવાઈ ગઈ. હવાલદાર એક માણસને લઈને આવ્યો. દાઢી, મૂછ, ગોગલ્સ, માથા પર ટોપી અને હાથમાં લાકડી. વૃંદાને થયું કે પ્રસાદે એ માણસ મૂંગો હોવાનું કીધું હતું. આ તો સૂરદાસ પણ છે તેણે નજીક આવીને ટેબલને કિનારે કવર મૂક્યું. એના પર મરાઠીમાં “પિંટ્યાભાઈ લખેલું હતું.
વૃંદાએ હવાલદારને સૂચના આપી કે આને પાંચ મિનિટ પિંટ્યાને મળવા દો હવાલદાર એને લઈ ગયો. એને કસ્ટડીના દરવાજા પાસે ઊભો રાખીને હવાલદાર જતો રહ્યો. કસ્ટડીમાં પિંટ્યા એકલો હતો. પ્રશાંત ગોડબોલેએ કરેલી મારઝૂડથી હજી એને દુ:ખાવો થતો હતો. શા માટે માર્યો એનું કારણ હજી સમજાયું નહોતું. પોતાને કોઈક મળવા આવ્યું છે એમ જાણીને એ સળિયા નજીક ગયો. આગંતુકને એ ઓળખી ન શક્યો. દાઢી-મૂછ વચ્ચેથી દેખાતા હોઠ થકી એ માણસે સ્માઈલ આપ્યું અને કવર આગળ ધર્યું. પિંટ્યાને નવાઈ લાગી કવર ખોલીને અંદરનાં કાગળ વાંચ્યો. “ફિકર નહીં કર. તું જલ્દી છૂટી જઈશ. ખાલી મોઢું બંધ રાખજે આ ચિઠ્ઠી કોઈના હાથમાં ન જાય એટલે ચાવીજા. પિંટ્યો આગંતુક પાસે ગયો એને ખોલી કવર આપ્યું. ‘થેન્કયુ’ કહીને ચિઠ્ઠી મોઢામાં મૂકીને તે ચાવવા માંડ્યો.
આ સાથે આગંતુક પાછો વળીને ચાલવા માંડ્યો. એના પગલામાં ઉતાવળ હતી. પોલીસ સ્ટેશનનો મેઈનગેટ બાર-પંદર ફૂટ દૂર હતો, ત્યારે તેણે મોબાઈલ ફોન બહાર કાઢીને એક નંબર ડાયલ કર્યો.
કિરણની જરાય ઈચ્છા નહોતી છતાં ધરાર જીદ કરીને વિકાસે એને મળવા બોલાવી “આકાશ મહાજન વિશે ખૂબ મહત્ત્વની જાણકારી છે મારી પાસે.
કિરણ ઑફિસ જતા પહેલાં રસ્તામાં પડતા કૉફી શૉપમાં વિકાસને મળી. પૂરેપૂરી ગંભીરતા સાથે વિકાસે શરૂઆત કરી.
“સૌ પહેલાં તો સૉરી, ઈરાદો ન હોવા છતાં આપણા વચ્ચે વાતચીતની શરૂઆત સારી રીતે ન થઈ. એ બદલ મારો વાંક હું સ્વીકારું છું, પરંતુ મારી બહેન, સગી મોટી બહેન ગાયબ થઈ હતી. એ કોઈ પરાયા અને પરિણીત પુરુષ સાથે હતી. કદાચ આપણા દુ:ખ અને વેદના સરખા હતા. છતાં જે થયું એ બદલ આઈ એમ સૉરી.
“સૉરી કહેવાની જરૂર નથી. હું તમારી મનો: સ્થિતિ સમજું છું. તમે કહેતા હતા કે આકાશ વિશે તમારી પાસે કંઈ મહત્ત્વની માહિતી છે. એ વિશે વાત કરીએ?
“યસ, જુઓ હોટલનાં બ્લાસ્ટ્સમાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા એવો દાવો સદંતર ખોટો છે. મારીપાસે બ્લાસ્ટ્સ વખતે હોટલમાં હતા એ બધાના નામ, મોબાઈલ નંબર અને આધારકાર્ડ જેવા ઓળખપત્ર છે. વળી, આમાંથી કોઈ સામે ક્યારેય લગભગ ગુનો નોંધાયો નથી. રાતે ધડાકા વખતે આ બધા હોટલમાં હાજર હતા એ એમના મોબાઈલ ફોનના લોકેશન પરથી સાબિત થઈ શકે.
“પણ આમાં આકાશ વિશેની મહત્ત્વની માહિતી ક્યાં આવી?
“કેમ એ ધડાકા વખતે હોટલમાં હતા, એમની સામે ક્યારેય ગુનો નોંધાયો નથી. એ બધુ મહત્ત્વનું ન ગણાય? આનાથી સાબિત થઈ શકે કે એ આતંકવાદી નહોતો. મારી બહેન પણ આતંકવાદી નહોતી જ.
“તમે આ બધી માહિતી મને શું કામ આપો છો? તમારે પોલીસને મળવું જોઈએ.
“જુઓ, તમારા પતિ અને મારી બહેન વચ્ચે સંબંધ હતા. એ કેવી રીતે થયું, ક્યાં થયું અને શા માટે થયું એમાં ઊંડા ઊતરવાનો આર્થ નથી. છતાં એ લોકો પહેલીવાર ક્યાં મળ્યા, પછી ક્યાં-ક્યાં મળ્યા એની બધી વિગતો મેં મેળવી છે. એની ચોકસાઈ કરવા માટે આપણે જઈ શકીએ અને પોલીસ પાસે અત્યારે ન જવાનું સૌથી પહેલું કારણ એ કે મારે મરી ગયેલી બહેન આતંકવાદી નહોતી જ એ મારે સાબિત કરવું છે. એમાં તમારો સાથ હોય તો મારું અને તમારું કામ પણ આસન થઈ શકે. મોના-દીદીના મૃતદેહની હાલત જોઈને હું ડઘાઈ ગયો. હવે મર્યા બાદ એમને બદનામીની પીડામાંથી મારે બચાવવા છે. પ્લીઝ, મોનાદીદી માટેના ગુસ્સાને બાજુ પર મૂકીને આખા મામલાને માનવતના માપદંડથી સમજવાનો પ્રયાસ કરજો.
આટલું બોલીને વિકાસ ઊભો થઈ ગયો. પોતાની પાસેનું કવર કિરણ ભણી સરકાવતા બોલ્યો, “મારી વાતમાં સચ્ચાઈનો રણકો લાગ્યો હોય તો આ નિરાંતે વાંચી લેજો. પછી મને ફોન કરજો.
અત્યાર સુધી બાદશાહ અસ્વસ્થ હતો. કદાચ તાણમાં હતો, પરંતુ લંડનથી કંપનીના ફાઈનાન્સિયલ હેડ વી.આર. શિવમણીનો ફોન આવ્યા બાદ એ ગભરાઈ ગયો. એકદમા ઘાંઘો થઈ ગયો. તેણે ખૂબ વિચાર કર્યો. પછી પોતાની રૂમમાંથી નીકળીને આસિફ શેઠ પાસે પહોંચી ગયો.
“શેઠ, મ… મને માફ કરી દો. મારે આપની સાથે આ રીતે નહોતું વર્તવું જોઈતુ: એ મારી ભૂલ હતી, પાપ હતું. આપે મને પોતાનો સમજ્યો, સાચવ્યો અને કાયમ પૂરો વિશ્ર્વાસ મૂક્યો. પ્લીઝ, પ્લીઝ. મને માફ કરો.
બાદશાહ એકદમ ભાવુક બનીને આસિફ શેઠના પગમાં પડવા ગયો પણ આસિફે એને એકદમ રોકી લીધો.
“બાદશાહ, નિરાંતે બેસ અને સ્વસ્થ થા. થોડું પાણી પી લે.
બાદશાહ બેઠો ગ્લાસ ઉપાડીને માંડ એક ઘૂંટડો પાણી પીધું. શેરવાનીમાંથી રૂમાલ કાઢીને મોઢું અને ખાસ તો આંખ લૂછી. પછી એ બાધાની જેમ આસિફ શેઠને જોતો રહ્યો.
આસિફ શેઠ સામે પડેલાં પોતાના ગ્લાસમાંથી બધુ પાણી ગટગટાવી ગયા. “બાદશાહ, ધ્યાનથી સાંભળ, તારા કહેવાથી મેં ધંધાનો પથારો વધાર્યો. એની પાછળનો મકસદ તો તું જાણે જ છે ને?
“મારા લીધે જ તમે મુરુડમાં જમીન લીધી, હોટલ બનાવી અને એમાં ધડાકા થયા. તમે નાહક ઉપાધિમાં ભેરવાઈ ગયા.
“હું ઉપાધિમાં ફસાયો એ સાચું પણ એમાં પોતાને દોષ દેવાનું બંધ કર.
“ના, મારો જ વાંક છે. એટલે હું ખૂબ અપસેટ છું. આ તાણમાં જ આપની સાથે વિચિત્ર વર્તન થઈ ગયું. ક્યારેક આપને સામે જવાબ આપી બેઠો.
“ઠીક છે. હું તારી સ્થિતિ સમજું છું.
“શેઠ, મને દસ-પંદર દિવસનો સમય આપો. પેલા છ દેશમાં આપણે શું, કેવી રીતે કરીએ છીએ, શું વેચીએ-ખરીદીએ છીએ અને પેમેન્ટ કેવી રીતે આવે-જાય છે એ બધી વિગતો હું આપને આપીશ.
“ભલે, આપ્યા તને દસ દિવસ પણ એનું ટેન્શન ન રાખ. સરસ જમવાનું ઓર્ડર કરીએ. સાથે બેસીને જમીએ સમજ્યો ? હું વૉશરૂમમાં જઈ આવું, ત્યાં સુધી વિચારી રાખ કે શું મંગાવવું છે?
આસિફ શેઠ બાથરૂમમાં ગયા એટલે બાદશાહે બંડીમાં સંતાડી રાખેલો મોબાઈલ ફોન બહાર કાઢ્યો. તેણે મેસેજ મોકલ્યો, “ઉતાવળ કરો. હવે વધુ સમય નથી.
આખા અલીબાગમાં મોરચા, દેખાવો અને અજંપાની બોલબાલા હતી. પ્રધાન વિશ્ર્વનાથ આચરેકરનો વિરોધ ઉગ્ર બનતો જતો હતો. પોલીસવાળાની બરાબરની પીદુડી નીકળી રહી હતી. જો ધમાલ વધે તો લાઠીમાર, હવામાં ગોળીબાર કે સંચારબંધી સુધીની શક્યતાઓ વિચારાઈ રહી હતી. ૧૪૪મી કલમ લાગુ કરીને જમાવબંધીનો અમલ તો શરૂ થઈ ગયો હતો.
માથાના દુ:ખાવાની ગોળી મોઢામાં મૂકીને પ્રશાંત ગોડબોલેએ ચાની ચુસ્કી ભરી. ચા પેટમાં જવાથી થોડું સારું લાગ્યું.સદ્ભાગ્યે, મુરુડમાં વધારે ટેન્શન નહોતું, પણ ઢીલ મુકાય એમ નહોતું. અચાનક એનું ધ્યાન ગયું કે સામેથી એટીએસના પરમવીર બત્રા આવી રહ્યાં છે. આમ તો બત્રાને મળવું ગમે પણ આવા સંજોગોમાં શા માટે આવ્યા હશે? એ પણ ફોન કર્યા વગર.
હળવેથી દરવાજો ખટખટાવીને બત્રા અંદર આવ્યા. “સૉરીજી તમે ઘણાં ટેન્શનમાં છો છતાં આવવું પડ્યું. તમને ડયૂટીમાં ડિસ્ટર્બ નહોતા કરવા એટલે ફોન ન કર્યો. તમારા એક આરોપીને મળવું છે મારે.
“કોને સર?
“પેલો તમારી કાર સાથે અથડાયો હતો. જેની પાસે બે રિવૉલ્વર હતી.
“ઓહ, પિન્ટયાને. ભલે, ચા-નાસ્તો પતાવો પછી જઈએ.
“પહેલા મળી લઈએ. પછી સમય હશે તો ચા-નાસ્તો પણ કરીશું.
ગોડબોલે ઊભા થયા અને એની સાથે બત્રા પણ. બન્ને કસ્ટડી સુધી પહોંચ્યા તો પિંટ્યો અંદર પીઠ ફેરવીને ઊંઘતો હતો. “જુઓ સર, આપણે દોડધામ કરીએ ને આ લાટસાહેબ હજી ધોરે છે.
હવાલદારે તાળું ખોલ્યું ને બન્ને અંદર ગયા. ગોડબોલે હસીને બોલ્યા, “પિંટ્યાસાહેબ ગુડ મોર્નિંગ. પણ પિંટ્યાની ઊંઘ ન ઊડી. હવે થોડા મોટા અવાજમાં એ બોલ્યા, “એ ય પિંટ્યા… ઊઠ…
પણ પિંટ્યા એમને એમ જ પડી રહ્યો. ગોડબોલેને ગુસ્સો આવ્યો કે એક લાત ઝિકી છે પણ પરમવીર બત્રાની હાજરીએ રોકી લીધો. ગોડબોલેએ જઈને પિંટ્યાને પીઠથી પકડીને સીધો કર્યો. એના મોઢામાંથી લીલા ફીણ બહાર આવી ગયા હતા. બત્રાએ નજીક જઈને નાક પાસે આંગળી રાખી.
“વો આઝાદ હો ગયા સબ કેદ સે. ભર ચુકા ય પિંટ્યા.
(ક્રમશ:)