મેટિની

શું કેમેરા પણ સિનેમામાં કિરદાર હોઈ શકે ખરો?

કેમેરાની ફૂટેજ વાર્તા આગળ ચલાવતી હોય તેવા સિનેમાનો અનોખો પ્રકાર

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

જયારે સિનેમાના જોનર કે ફોર્મેટની વાત કરવામાં આવે ત્યારે અમુક જોનર કે ફોર્મેટ તરત ધ્યાનમાં આવે, જેમ કે કોમેડી, એક્શન, રોમાન્સ જોનર હોય કે પછી ફિચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિલ્મ જેવા ફોર્મેટ. કોઈ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય કે એ જોઈને તરત જ દર્શકોને ખબર પડી જાય કે આ હોરર છે કે કોમેડી. જો કે, સિનેમાના અમુક એવા ફોર્મેટ કે મેકિંગની પદ્ધતિ છે , જે નાવિન્યસભર હોવા છતાં એટલા ઓછા પ્રમાણમાં બને છે કે તેનાથી માહિતગાર ન હોય એવા દર્શકો એ જોઈને નક્કી જ ન કરી શકે કે આ છે શું!

૧૯ એપ્રિલે રિલીઝ થયેલી દિબાકર બેનર્જી દિગ્દર્શિત ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’નું ટ્રેલર બહાર પડ્યું ત્યારે કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ હતી. એ ફિલ્મના ટ્રેલર પર દર્શકોના એવા જ પ્રતિભાવો હતા કે આ તો કોઈ રીતે ફિલ્મના ટ્રેલર જેવું લાગતું જ નથી- બહુ જ ગૂંચવણભર્યું છે- કશું સમજાતું જ નથી.

આવું એટલે બન્યું કે ટ્રેલરમાં જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે એ પરંપરાગત શૈલીમાં ન દેખાયાં, પણ ‘બિગ બોસ’ જેવા કોઈ રિયાલિટી ટીવી- શો, વીડિયો ગેમ, સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા રીલ્સમાં હોય એ રીતે દેખાયાં. અને આના કારણે લોકોને સમજાયું જ નહીં કે આ તે વળી ફિલ્મનો કયો
પ્રકાર છે!

-તો ફિલ્મના આ પ્રકાર, ફોર્મેટ કે મેકિંગ પદ્ધતિનું નામ છે : ‘ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ્સ’. ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ્સ એટલે એવી સિનેમેટિક પદ્ધતિ કે જેમાં દ્રશ્યો સામાન્ય રીતે શૂટ કરવામાં ન આવે. પાત્રોની ઘટનાઓ બનતી જાય અને તેને કેમેરામાં શૂટ કરાયું હોય એમ બતાવવામાં ન આવે, પણ પાત્રોને જ કેમેરા સાથે જોડી દેવામાં આવે. કેમેરા પોતે જ ફિલ્મનું એક પાત્ર બની જાય. દ્રશ્યને કાં તો પાત્ર દ્વારા જ શૂટ કરવામાં આવ્યું હોય અથવા તો વાર્તા કે દ્રશ્યની સ્થિતિ જ એવી હોય કે જેમાં કોઈ રીતે કેમેરા એક મહત્ત્વનો ભાગ હોય. ફાઉન્ડ ફૂટેજનો મતલબ એ કે જાણે કોઈ ઘટના સાચે જ બની છે અને કેમેરામાં કેદ થઈ છે અને તેને એક ફિલ્મ તરીકે દર્શકો સામે રજૂ કરવામાં
આવી છે.

માનો કે તમે રસ્તા ઉપર કંઈક શૂટ કરી રહ્યા છો અને બરાબર ત્યારે જ કોઈ ગુંડો અચાનક આવીને કોઈનું ખૂન કરી નાખે અને એ અજાણતા જ તમારા કેમેરામાં કેદ થઈ જાય. અને પછી તમે એ ફૂટેજને ફિલ્મ તરીકે રિલીઝ કરો એવું કંઈક. પણ આ તો થઈ માત્ર પદ્ધતિ. ઘટનાઓ અજાણતા જ કેમેરામાં કેદ થઈ ગઈ છે એવું ખરેખર હોતું નથી, એવું મેકિંગમાં જાણીજોઈને શૂટ કરવામાં આવે છે. ફાઉન્ડ ફૂટેજના આ સિનેમા પ્રકારમાં સીસીટીવી ફૂટેજ, છૂપાવેલા કેમેરાની ફૂટેજ, કોઈ પાત્રના ફોન કે ડીએસએલઆર શૂટની ફૂટેજ, રિયાલિટી ટીવી શોની ફૂટેજ, વગેરેને પાત્ર બનાવીને એને ફિલ્મનો હિસ્સો બનાવવામાં આવે છે. આ ફાઉન્ડ ફૂટેજ જોનર સૌથી વધુ હોરર ફિલ્મ્સને માફક આવે છે. એટલે અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મ્સ આ જોનરમાં બની છે
એમાંની લગભગ ૮૦% ફિલ્મ્સ હોરર ફિલ્મ્સ છે. આ જોનરની ફિલ્મ્સના મોટાભાગના ટોપ લિસ્ટ્સમાં સામેલ થતી ‘ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ’ (૧૯૯૯) ફિલ્મમાં ફાઉન્ડ ફૂટેજ પદ્ધતિનો બહુ જ સારી અને પ્રભાવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની વાર્તા કંઈક એવી છે કે ૧૯૯૪ની સાલમાં ત્રણ ફિલ્મમેકિંગના વિદ્યાર્થીઓ ‘બ્લેર વિચ’ નામથી જાણીતી એક દંતકથા વિશે વધુ જાણવા અને તેના ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવવા માટે જાય છે. પણ ત્રણે અચાનક ગાયબ થઈ જાય છે. આ ઘટનાના એક વર્ષ પછી એમના સામાનમાંથી એક કેમેરા મળે છે, જેમાં એમની સાથે શું બન્યું તેની ફૂટેજ હોય છે. અને એ ફૂટેજ એટલે જ ફિલ્મ! ના, આવી સાચી બનેલી ઘટનાની રિલીઝ કરવામાં આવતી ફૂટેજ એટલે આ પ્રકાર નહીં. પણ ફિલ્મ જ એવી રીતે શૂટ કરવામાં આવે કે તેની વાર્તાની ઘટનાઓ ફાઉન્ડ ફૂટેજ તરીકે દર્શકોને બતાવવામાં આવે.

બ્લેર વિચ નામની દંતકથા સુધ્ધાં સાચી નથી. તેને પણ ડિરેક્ટર્સ ડેનિયલ અને એડુઆર્દો દ્વારા ઊભી કરવામાં આવી હતી. આ કે બીજી વાર્તાઓને જે શૈલીમાં બાકીની ફિલ્મ્સ બને એવી રીતે પણ બનાવી જ શકાય, પણ જો સિનેમામાં અવનવા પ્રયોગો ન થાય તો તેની મજા કાયમી ન રહે ને. એટલે જ આ સિનેરસિક ડિરેક્ટર જોડીને જયારે લાગ્યું કે એમને પરંપરાગત
હોરર ફિલ્મ્સના બદલે ડોક્યુમેન્ટરી સ્ટાઇલની હોરર ફિલ્મ્સમાં મજા આવે છે ત્યારે નક્કી કર્યું કે શા માટે આ બંને
ચીજને ભેગી કરીને કશું ન બનાવાય? પછી એમણે બનાવવાની શરૂઆત કરી ફાઉન્ડ ફૂટેજ હોરર ફિલ્મ ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’. આમ એ બની આ જોનરની સૌથી સફળ અને સૌથી લોકપ્રિય ફિલ્મ.

૨૦૦૭માં રિલીઝ થયેલી દિગ્દર્શક ઓરન પેલીની ફિલ્મ ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ પણ ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’ જેમ આ જોનારમાં ટોચની ફિલ્મ ગણાય છે.

આ ફિલ્મમાં એક દંપતીના ઘરે કશીક અજુગતી ઘટનાઓ બનવાનું શરૂ થાય છે. એમને બંનેને એનાથી ડર લાગવા માંડે છે- સમજાતું નથી કે શું થઈ રહ્યું છે ને કોણ છે એ ઘટનાઓ પાછળ. આના જવાબ જાણવા માટે એ એક રસ્તો અપનાવે છે. એમના ઘરમાં કેમેરા લગાવે છે કે જેથી બનતી ઘટનાઓ તેમાં કેદ થઈ જાય. પછી એમના ઘરમાં બનતી ઘટનાઓ પાછળની રાક્ષસી શક્તિ કોઈને કોઈ રીતે એમને કેમેરામાં દેખાતી જાય છે અને એમનો એ શક્તિ સાથે પનારો પડતો જાય છે. આ બધું જ ઘરના કેમેરામાં શૂટ થતું જાય છે ને એ શૂટિંગની ફૂટેજ બને છે દર્શકો માટેની ફિલ્મ. આ ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ્સનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો કઈ રીતે? તેની શરૂઆત ક્યારથી થઈ? હજુ આવી ફિલ્મ્સના ક્યાં-ક્યાં રસપ્રદ ઉદાહરણો છે? ફિચર ફિલ્મ્સ અને હોરર જોનર સિવાય પણ આ પદ્ધતિનો ઉપયોગ બીજા જોનર કે ફોર્મેટમાં કરવામાં આવે છે કે નહીં? ભારતીય ફિલ્મ્સમાં આ જોનર કેટલા અંશે અને કઈ રીતે જોવા મળ્યો છે? અને ખાસ તો આ પ્રકાર વિશે મેકર્સનું શું કહેવું છે?
આ વિષયમાં હજુ આ બધા મજેદાર સવાલોના જવાબો આપણે મેળવવાના બાકી છે તો તેની વાત કરીશું આવતા સપ્તાહે!
(ક્રમશ:)

લાસ્ટ શોટ
‘પેરાનોર્મલ એક્ટિવિટી’ સફળ નીવડી પછી અત્યાર સુધીમાં આ ફિલ્મના કુલ ૭ ભાગ બની ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button