મેટિની

પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશનથી એક્ટર બની શકાય ખરું?

જાણો, ટીનેજર્સના એક્ટર બનવાનું સ્વપ્ન સમજાવતા પ્રેઝેન્ટેશનના મજેદાર કિસ્સા..

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

સિડની સ્વીની , એમા સ્ટોન
સિને- જગતમાં લોકોને પૈસા અને પ્રતિષ્ઠા મેળવતા સૌએ જોયા છે. ઈચ્છીત સફળતા મેળવવા માટે એમણે કરવા પડતા અમુક સંઘર્ષના કિસ્સા પણ આપણને ખબર છે , પણ સિનેમા ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ચાનક બચપણથી ચડે તો સંઘર્ષના અમુક કિસ્સામાં ક્યારેક રમૂજ પણ મળી આવે છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈએ પોતાનાં સપનાં પૂરા કરવા પેરેન્ટ્સને મનાવવા પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશનની મદદ લીધી હોય?

પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશનનો ઉપયોગ તો કોર્પોરેટ ઓફિસમાં મીટિંગ્સમાં થાય, એ વળી કોઈ પેરેન્ટ્સને આપે ખરું?

ના, પણ એક ટીનેજર છોકરીએ આવું કર્યું છે. એચબીઓની ‘યુફોરિયા’ સિરીઝથી જાણીતી બનેલી અને
હમણાંની ‘એનીવન બટ યુ’ અને ‘મેડમ વેબ’ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી હોલીવૂડ અભિનેત્રી સિડની સ્વીનીના કિસ્સામાં આવું જોવા મળે છે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સિડની પોતે કઈ રીતે ફિલ્મ્સમાં કામ કરવા પેરેન્ટ્સને સમજાવવા માટે પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશનનો સહારો લીધો તેની વાત કરતાં કહે છે કે હું સ્પોકેન, વોશિંગ્ટનની રહેવાસી છું. એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મારે લોસ એન્જેલસ જવું જરૂરી હતું. કેમ કે અમારે ત્યાં એન્ટરટેઇન્મેન્ટ ઈન્ડસ્ટ્રી હતી જ નહીં.’ સિડની ફક્ત બાર જ વર્ષની હતી ત્યારે એણે એક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. પણ એના મમ્મી રહ્યાં વકીલ અને પપ્પા કામ કરે મેડિકલ ક્ષેત્રમાં. સિડની સમજતી હતી કે એક એવી જગ્યા કે જ્યાં તમે સ્થાયી હો, એક્ટિંગ ક્ષેત્ર સાથે કશી લેવાદેવા ન હોય અને એક બાળક માટે બધું છોડીને લોસ એન્જેલસ રહેવા ચાલ્યા જવું કેટલું મુશ્કેલ ગણાય એટલે સિડનીએ એ મુશ્કેલીઓ સામે લડવા ને પેરેન્ટ્સને પોતાના પેશન વિશે વાત કરવા માટે પાંચ વર્ષના બિઝનેસ પ્લાનના પ્રેઝેન્ટેશનનો અનોખો રસ્તો પસંદ કર્યો. એને લાગ્યું કે એકેડેમિક પેરેન્ટ્સ સાથે વાત કરવાનો એ શ્રેષ્ઠ ઉપાય છે.

  સિડનીના મતે પ્રેઝેન્ટેશન સૌથી યોગ્ય રસ્તો તો હતો, પણ એના મુદ્દા સાવ  બાલિશ હતાં. સિડની હસતાં હસતાં કહે છે કે પ્રેઝેન્ટેશનમાં કંઈક એવું હતું કે જો તમે મને એક્સ શોર્ટ ફિલ્મ માટે ઓડિશન આપવા દેશો તો હું વાય અને ઝેડ એજન્ટ્સને મળીશ અને એ લોકો મને ફલાણા પ્રોડ્યુસર સાથે મેળવશે  પછી મને મોટી ફિલ્મમાં કામ મળી જશે.’ એ પ્રેઝેન્ટેશનમાં સિડનીએ પેરેન્ટ્સના દરેક મુદ્દા, દલીલો અને એ દલીલો સામેની દલીલોને ભવિષ્યના આયોજન અને વળતર સાથે જોડીને દર્શાવી હતી. સ્વાભાવિક છે કે આવા પ્રકારના પ્લાન કે પ્રેઝેન્ટેશનને પેરેન્ટ્સ બહુ ગંભીરતાથી ન લે. શરૂઆતમાં તો સિડનીના પેરેન્ટ્સે ના જ પાડી, પણ પછી સિડનીમાં એક્ટિંગ માટેનું પેશન દેખાયું હશે કે પ્રેઝેન્ટેશનમાં મહેનત જણાય  હશે કે એમણે સિડનીને ઓડિશન આપવા માટે હા પાડી અને પછીથી શહેર છોડવા માટે પણ એ  તૈયાર થયાં.

સિડનીએ ઓડિશન્સ આપ્યાં અને કામ મળવાનું શરૂ થયું. સિડનીના પેરેન્ટ્સ અને નાનો ભાઈ સૌ પહેલા
પોર્ટલેન્ડ શિફ્ટ થયા અને પછી સિડની ૧૪ વર્ષની થઈ ત્યારે લોસ એન્જેલસ શિફ્ટ થયા. સિડની કહે છે, ‘જયારે અમે એલએ શિફ્ટ થયા ત્યારે ત્યાંની રિયલ એસ્ટેટ મોંઘવારીના કારણે અમારે મોટેલમાં રહેવું પડ્યું હતું. મોટા શહેર અને નાના શહેર વચ્ચે બહુ મોટો નાણાકીય ફરક હોય છે. અમે ચારેય એક જ રૂમમાં રહેતા. હું ને મારા મમ્મી બેડ પર સૂતાં અને ભાઈ અને પપ્પા સોફા પર. પેરેન્ટ્સે મારા સપનાંઓ સાકાર કરવા માટે ઘણું વેઠ્યું છે.’ જો કે સિડની ૨૦ વર્ષની થઈ અને એને ઠીક ઠીક સફળતા મળવાની શરૂઆત થઈ ત્યારે પેરેન્ટ્સ એ આનંદનો સરખો હિસ્સો ન બની શક્યા કેમ કે ત્યાં સુધીમાં એમનાં ડિવોર્સ થઈ ચૂક્યા હતા.

૨૬ વર્ષની સિડની અત્યારે ૧૦ મિલિયન ડૉલર્સથી પણ વધુની નેટ વર્થ ધરાવે છે. સિડની કહે છે કે મારે બસ મારા પેરેન્ટ્સને એટલું જ કહેવું છે કે થેંક્યુ સો મચ. તમારા સંઘર્ષનું પરિણામ મળ્યું છે. બચપણથી જ મારા પેરેન્ટ્સની કાળજી લેવાનું મારું સ્વપ્ન હતું. અત્યારે એમને આર્થિક મદદ કરવી એ મારા માટે બહુ જ ખુશીની વાત છે.’ એક પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશને સિડનીનું જીવન બદલી નાખ્યું, પણ આવું કરનાર એ એકમાત્ર અભિનેત્રી નથી. સિડની સ્વીનીની પહેલાં ‘લા લા લેન્ડ’ (૨૦૧૬) અને ‘પુઅર થિંગ્સ’ (૨૦૨૩) માટે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતનારી જાણીતી અભિનેત્રી એમા સ્ટોન પણ આવું કરી ચૂકી છે.

એમાએ પણ ટીનેએજમાં જ એટલે કે ૧૪ વર્ષની ઉંમરે પોતે શા માટે એક્ટિંગ ક્ષેત્રે  કારકિર્દી બનાવવી જોઈએ એ સાબિત કરવા માટે પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન બનાવ્યું હતું અને એના પેરેન્ટ્સ સમક્ષ રજૂ કર્યું હતું. એમાએ પણ એમને પોતે લોસ એન્જેલસ શિફ્ટ થવું છે એમ કહ્યું હતું. 

એમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું સાત વર્ષની હતી ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે મારે જીવનમાં એક્ટિંગ જ કરવી છે, બીજું કશું નહીં. અને એટલે જ મેં પ્રેઝેન્ટેશનમાં મારે શા માટે એક્ટર જ બનવું જોઈએ એ માટેના મુદ્દાઓ ટાંક્યા હતાં.’

એમાએ તો પોતાના પ્રેઝેન્ટેશનનું નામ પણ રાખ્યું હતું- ‘પ્રોજેક્ટ હોલીવૂડ’. પોતે શા માટે પ્રેઝેન્ટેશન બનાવ્યું એનું કારણ જણાવતાં એણે કહ્યું હતું કે હું કોઈ ચીજ પ્રત્યે એકદમ જ તીવ્રતા અને લાગણીથી વિચારું કે અનુભવું તો હું એ સમજાવી ન શકું, હું તરત જ રડી પડું. અને એક્ટિંગ મારા માટે એવી જ ચીજ હતી. હું મારા પેશનની વાત સીધેસીધી કરું તો રડી જ પડું એટલે પછી મેં રડ્યા વગર સમજાવવા માટે અને વધુ લોજીકલ પુરાવાઓ આપવા માટે પ્રેઝેન્ટેશનનો સહારો લીધો હતો.’

સિનેમા માનવ જીવનનો એટલો મહત્ત્વનો અંશ છે કે એ બનાવનાર અને એ જોનાર બંને તેને અત્યંત ચાહે છે. ૨ કલાકની ફિલ્મ જોતી વખતે જ નહીં, આપણા રોજિંદા જીવનમાં નજર કરીએ તો ગીતો, સંવાદો, પહેરવેશ, નામ વગેરેમાં અનેક રીતે સિનેમાનો પ્રભાવ આપણને જોવા મળે છે. અને પરિણામસ્વરૂપે જ ઘણાં બાળકો કે ટીનેજર્સ એ ઉંમરથી જ એમને શું બનવું કે શું કરવું છે એ નક્કી કરી લેતા હોય છે અને એમનો સંઘર્ષ સફળ થાય ત્યારે એ પ્રેઝેન્ટેશનની સ્લાઈડ્સ ‘સ્લાઈસ ઓફ લાઈફ’ –
િં જદગીનો એક અગત્યનો ભાગ બની જતી હોય છે!

લાસ્ટ શોટ
એમા સ્ટોન મજાકમાં કહે છે કે ‘જો મારું સંતાન મારી પાસે આવું પ્રેઝેન્ટેશન લઈને
આવે તો હું તો એને ચોખ્ખી ના જ પાડી દઉં!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button