ભાઈજાન, હવે નહીં મહેમાન

બે ડઝનથી વધુ ફિલ્મમાં માત્ર હાજરી પુરાવતી ભૂમિકા કરનાર સલમાન ખાન હવે ગ્લેમરના ગાભા જેવું કામ કરવા તૈયાર નથી. રોલ ભલે હી લંબા ન હો દમદાર તો હોના હી ચાહિયે એવો આગ્રહ રાખવા માગે છે
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
સલમાન ખાન કંટાળી ગયો છે કે પછી થાકી ગયો છે, કારણ જે પણ હોય, હકીકત એ છે કે હિન્દી ફિલ્મોમાં હવે કેમિયો રોલ કે સ્પેશિયલ અપિયરન્સ તરીકે ઓળખાતી ગ્લેમરના ગાભા જેવી ભૂમિકા કરવા પરથી ભાઈજાનનું મન ઊઠી ગયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં (૨૦૧૪ – ૨૦૨૩) ભાઈજાન હીરો હોય એવી ૧૩ ફિલ્મમાં નજરે પડ્યો છે અને માન ન માન મૈં તેરા મેહમાન જેવા ડઝન રોલ કર્યા છે. ‘બસ, હવે બહુ થયું’ એવી જાણે કે લાગણી થઈ હોય એમ તેણે પોતાનો ઈરાદો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વર્તુળમાં વહેતો કરી દીધો છે. યશરાજ ફિલ્મ્સની શાહરૂખ અભિનીત ‘પઠાન’માં કેમિયો કર્યા પછી હવે ભાઈજાને આ જ બેનરની આગામી ‘વોર ૨’ અને ‘પઠાન ૨’માં પોતે માત્ર મોઢું દેખાડવા નહીં આવે એવું સોઈ ઝાટકીને કહી દીધું છે. એના આ નિર્ણયનો પડઘો યશરાજ ફિલ્મ્સના અધિષ્ઠાધીપતિ આદિત્ય ચોપડાના વલણમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ જોવા દર્શકો વધુ લલચાય એ માટે અતિથિ સ્ટાર કલાકારના ગતકડાં ન કરવા જોઈએ એવું મન આદિત્ય બનાવીને બેઠો હોય એવું કહેવાય છે.
ગયા વર્ષે સલમાનની ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી. એક હતી ‘પઠાન’ જેમાં મુખ્ય રોલ શાહરૂખનો હતો અને ભાઈજાન મહેમાન કલાકારના પાઠમાં હતા. બાકીની બે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘ટાઈગર ૩’ કમાણી કરવામાં કંગાળ સાબિત થઈ. એટલે હવે અભિનેતા સો ગરણે ગાળીને ફિલ્મ સાઈન કરશે એવી ચર્ચા થઈ રહી છે જે સ્વાભાવિક છે. સલમાન જેમને અપાર ‘પ્રેમ’ કરે છે એ સૂરજ બડજાત્યા સાથે પાંચમી ફિલ્મ કરવા બાબતે ‘હા ના હા ના’ સંભળાઈ રહ્યું છે એ પરિસ્થિતિમાં ‘ટાઈગર ૩’ પછી ભાઈજાન કઈ ફિલ્મ સાઈન કરે છે એની ઉત્સુકતા એના ચાહકોને અવશ્ય રહેવાની. સ્પાય યુનિવર્સની પાંચ ફિલ્મ અત્યાર સુધીમાં તૈયાર થઈ છે જેમાંથી ચારમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. ‘ટાઈગર ૩’ને બાદ કરતાં અન્ય ફિલ્મમાં સલમાન પ્રેક્ષકોને પસંદ પડ્યો છે. આદિત્ય ચોપડાની દલીલ છે કે જો સલમાન વારે ઘડીએ ફિલ્મોમાં કેમિયો કરતો રહેશે તો ટાઇગરના પ્રભાવમાં ઓટ આવી જશે. એટલે તેણે મહેમાનને મનાઈ કરી દેવી જોઈએ અને સલમાન પણ આ દલીલ સાથે સહમત થયો છે. ‘ટાઈગર ૩’ની નિષ્ફળતા આ અનુમાન માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
સલમાનના મહેમાન કલાકાર જેવા રોલમાં એને પોતાને અને કદાચ દર્શકોને પણ સૌથી પ્રિય તો ‘કુછ કુછ હોતા હૈ’નો અમન મેહરાનો રોલ હોવો જોઈએ એમ કહી શકાય. એનું કારણ એવું છે કે કરણ જોહરની દિગ્દર્શક તરીકેની આ પ્રથમ ફિલ્મનો હીરો તો શાહરૂખ ખાન હતો, પણ કાજોલ (અંજલિ)ના પ્રેમીની એક નાનકડી ભૂમિકામાં સલમાન હતો. ફિલ્મમાં અંજલિ એનું દિલ તોડે છે, પણ સલમાનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળતા એનું ‘દુ:ખ દૂર’ થઈ ગયું હશે.
સંજય લીલા ભણસાલીની ‘સાંવરિયા’માં પણ સલમાને સોનમના પ્રેમીનો જ રોલ અદા કર્યો હતો ને. રવિ ચોપડાની મેલોડ્રામા ‘બાગબાન’માં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીના
દત્તક પુત્ર આલોકના રોલમાં પણ દમદાર એન્ટ્રીના કારણે સિનેપ્રેમીઓના સ્મરણમાં સચવાયો છે. ડેવિડ ધવનની ‘જુડવા ૨’ (૨૦૧૭)માં તો ‘જુડવા’ (૧૯૯૭)ના રાજા અને પ્રેમ તરીકે સલમાનને પડદા પર જોઈ દર્શકોએ સીટી મારી ચિચિયારીઓથી એની એન્ટ્રીને વધાવી હતી. એકંદરે શર્ટ એન્ડ સ્વીટ સલમાન દર્શકોએ વધાવી લીધો છે. જોકે, ગઈકાલના કેટલાક યાદગાર પ્રકરણ હવે ભાઈજાન ભૂલી જવા માગે છે અને કશુંક અલગ કરવા ધારે છે. એ માટે તેને શુભેચ્છા તો આપવી જ જોઈએ.
અતિથિ દેવો ભવ
સલમાન ખાન – શાહરુખ ખાન આઠેક ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે, પણ બંને પહેલી વાર સાથે દેખાયા એ ફિલ્મમાં સલમાન ખાનની અતિથિ દેવો ભવ: પ્રકારની પહેલી ફિલ્મ હતી. ૧૯૯૬માં રિલીઝ થયેલી મેહમૂદ દિગ્દર્શિત ‘દુશ્મન દુનિયા કા’માં ભાઈજાન સલમાન ખાન તરીકે જ ચમક્યો હતો. અલબત્ત આ ફિલ્મના કોઈ વાજા નહોતા વાગ્યા એટલે બહુ ઓછા લોકોને સલમાનનો કેમિયો ધ્યાનમાં આવ્યો હશે. આ ઉપરાંત કેમિયો – સ્પેશિયલ અપિયરન્સની સલમાનની ફિલ્મો છે: દિવાના મસ્તાના, કુછ કુછ હોતા હૈ, સર ઉઠા કે જિયો, ઢાઈ અક્ષર પ્રેમ કે, લવ એટ ટાઈમ સ્ક્વેર, ઓમ શાંતિ ઓમ, અજબ પ્રેમ કી ગજબ કહાની, પ્રેમ કા ગેમ, તીસમારખાં, ઈસી લાઈફ મેં, ટેલ મી ઓ ખુદા, ઈશ્ક ઈન પેરિસ, ફટા પોસ્ટર નિકલા હીરો, યમલા પગલા દીવાના: ફિર સે, નોટબુક, સાંવરિયા, સિર્ફ તુમ, સ્ટમ્પ્ડ, હેલો, સન ઓફ સરદાર, ઓત્તેરી, ફગલી, જુડવા ૨, વેલકમ ટુ ન્યૂયોર્ક, ઝીરો, ગોડફાધર અને પઠાન. આ યાદીમાં ચાર ફિલ્મ એવી છે જેમાં શાહરૂખ હીરો હોય અને ભાઈજાનનો કેમિયો હોય.