મેટિની

બોલીવુડને જરૂર છે વધુ સરપ્રાઈઝ હિટની

ડ્રેસ-સર્કલ -મનીષા પી. શાહ

કોરોના અને લોકડાઉને બોલીવુડની બેન્ડ વગાડી દીધી એમ કહેવામાં જરાય ખોટું નથી. પણ જે થયું તે સારું થયું. આનો સીધો લાભ હિન્દી ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકોને જ મળશે. પ્રેક્ષકોની પસંદગીમાં એકદમ શીર્ષાસન આવી ગયું: આમ મૂળ વાંક બિબાંઢાળ બોલીવુડનો જ એકની એક ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાત, એના એ ભાવહિત ચહેરા, નવીનતાવિહીન વાર્તા, ઢંગધડા વગરના સર્જન અને અધધ બજેટ.

જો કે ‘પઠાણ’, ‘જવાન’, અને ‘ગદ્ર-૨’થી બોલીવુડ ફરી જોશભેર બલ્લે બલ્લે કરવા માંડયું: આમાં સની પાજીની ફિલ્મ તો ન ખરીદેલી ટિકિટ પર લાગેલી લોટરી જેવી હતી. શાહરૂખ ‘ડંકી’માં બૉક્સ-ઓફિસ પર ધારણા મુજબનો જાદુ ન કરી શક્યો- સલમાન ખાનનની ‘ટાઈગર-૩’ પણ મિંદડી નીકળી.

બસો, પાંચસો, સાતસો કરોડના આંકડા ખૂબ ભવ્ય અને ગ્લેમરસ લાગે પણ એનાથી અભિભૂત થવા અગાઉ ઘણું સમજવું પડે. હૃતિક રોશનની ‘ફાઈટર’ ૨૦૦ કરોડની ટિકિટ વેચે તો પણ નુકસાનીનો સોદો જ ગણાય. નજીકના ઈતિહાસમાં નામ બડે ઔર દર્શન ખોટેના અનેક દષ્ટાંતે ન જાણે કેટલાયની છાતીના પાટિયા બેસાડી દીધા હશે.
હકીકતમાં કાર્પોરેટ સેક્ટરના થોક બંધ રૂપિયા અને વૃદ્ધ થતા સુપરસ્ટાર્સની આંકડાબાજીની રમત વચ્ચે બોલીવુડને જરૂર છે વધુને વધુ સરપ્રાઈઝ હિટની તાજેતરમાં ‘ટ્વેલ્થ ફેઈલ’ના નામે આ કમાલ અનુભવાઈ. સુપરહિટ ડિરેક્ટર રાજકુમાર હિરાણીની ‘ડંકી’ પ્રમાણમાં ઠંડી નીકળી પણ હિરાણીના લાંબા સમયના સાથીદાર વિધુ વિનોદ ચોપરાએ સેવન્ટી પ્લસ હોવા છતાં હિમ્મતથી તાજગીસભ સરસ ‘ટ્વેલ્થ ફેઈલ’ બનાવી.

બોલીવુડની ગાડીને દોડતી રાખવા માટે નિયમિતપણે ‘ટ્વેલ્થ ફેઈલ’, ‘હનુ-માન’, ‘કાંતારા’, ‘અંધાધુન’, ‘કહાની’, ‘ક્વીન’, ‘આશિકી-૨’, ‘ઈંગ્લિશ વિંગલીશ’, ‘જોલી એલએલબી’, ‘વિકી ડૉનર’, ‘ડર્ટી’પિકચર, ‘સ્ત્રી’થી લઈને ‘જય સંતોષી માતા’ જેવી સરપ્રાઈઝ કે સ્લીપર હિટની જરૂર રહેવાની જ.

આવી અણધારી સફળતાઓ અને નાના, નવા સર્જક, કલાકાર અને કસબીઓને જોશ આપે છે, ને બોલીવુડના માંધાતાઓને હોશમાં લાવે છે. સતત નવા આપતા રહેવા અને પરિવર્તનશીલ બનવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. બોલીવુડ એવું નહીં કરી શકે તો સાઉથની ડબ ફિલ્મો અને ઓટીટી ક્ધટેન્ટ, પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે સદૈવ ખડેપગે હાજર જ હોય છે.

દક્ષિણની ફિલ્મોમાં વૈવિધ્ય, પ્રયોગ કે/અને ભવ્યતા હોય છે અને હિન્દી સિનેમામાં અભવ્ય કેમ હોય છે? અંધાધૂધ ખર્ચે બનેલી ‘પૃથ્વીરાજ ચૌહાણ’ કેમ સ્વીકાર્ય બનતી નથી? જ્યારે કાલ્પનિક વિષય પરની ‘બાહુબલી’ના બન્ને ભાગ અને ‘છછછ’ કેમ ટંકશાળ પાડે છે? જો ‘હનુમાન’માં સાવ સસ્તામાં પ્રભાવશાળી વીએફએક્સ થાય તો ‘આદિપુરુષ’માં કરોડો ખર્ચવા છતાં ય કેમ ફિયાસ્કો થાય છે? આ સવાલો બોલીવુડે પોતાને પૂછવાના છે. જો ટકી રહેવું હોય તો તટસ્થતાપૂર્વક એના જવાબો શોધીને એનો અમલ કરવા પડશે.

નહિતર, હિન્દી સિનેમાની રાજધાનીનું મુંબઈનું બિરુદ ખૂંચવાઈ જવામાં લાંબો, સમય નહીં લાગે. આની શરૂઆત થઈ ચૂકી છે. સમયસર જાગી જાઓ નહીંતર કોઠીમાં માથું નાખીને રડવાનો વારો આવ્યો જ સમજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button