મેટિની

એક પાકિસ્તાની સ્ટારની નવ હિન્દી રિ-મેક!?

મોદી સાહેબ ભલે કહેતા હોય કે ‘પાની ઔર ખૂન એકસાથ નહીં બહ સકતે…’ પણ સચ્ચાઈ એ છે કે બોલિવૂડ અને લોલીવૂડ (લાહોર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, યાને કે પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ) વારંવાર સાથે ને સાથે હોય છે! અને આ કંઈ આજકાલનું નથી, ઘણા વરસોથી આ સાંઠગાંઠ રહી છે.

જાણીને નવાઈ લાગે કે ‘નદીમ બેગ’ નામના એક જ પાકિસ્તાની ફિલ્મ સ્ટારની એક નહીં, બે નહીં, ચાર નહીં, નવ-નવ ફિલ્મોની રિ-મેક બોલિવૂડમાં બની છે! એમાંય અમુકવાર તો સંગીતકારોએ નવી ધૂન બનાવવાને બદલે ગાયનો પણ સીધેસીધાં ઉઠાવ્યાં છે. એ તો ઠીક, અમુક તો આખેઆખા દૃશ્યો ડાયલોગ-ટુ-ડાયલોગ ઉઠાવીને કોપી-પેસ્ટ કર્યાં છે!
નદીમ બેગની જે ફિલ્મો પાકિસ્તાનમાં હિટ ગઈ હોય એમાંથી સૌથી પહેલી યાદ કરવા જેવી ફિલ્મ છે. ‘પ્યાર ઝુકતા નહીં.’
જીહા, મિથુન ચક્રવર્તી અને પદ્મિની કોલ્હાપુરીની એ ફિલ્મ, જેનું પેલું ગાયન. ‘તુમ સે મિલકર ના જાને ક્યું…’ સુપરહિટ હતું! 1985માં આવેલી આ ફિલ્મ ડાયરેક્ટ કોપી હતી પાકિસ્તાની ફિલ્મ ‘આઈના’ની (1977). બન્નેની જે સ્ટોરી હતી એમાં એવું હતું કે ધનવાન છોકરી મામુલી છોકરાના પ્રેમમાં પડી છે તે બાપને ગમતું નથી. બાપ (ડેની ડેન્ઝોંગ્પા) પેંતરા કરીને બન્નેને અલગ કરવામાં સફળ થાય છે, પણ દીકરી પદ્મિની સગર્ભા છે. તે બાળકને જન્મ આપતાં બેહોશ થઈ જાય છે ત્યારે ડેની બાળકને ક્યાંક સગેવગે કરી નાંખે છે! જે બાળકને મિથુન ઉછેરે છે, પરંતુ જ્યારે પદ્મિનીની માનસિક સ્થિતિ અતિશય ખરાબ થઈ જાય છે ત્યારે પેલા બાળકને પાછું લાવવામાં આવે છે, જેમાં આખરે મિથુન-પદ્મિની ફરી ભેગાં થાય છે!

કહેવાય છે કે વડોદરાની એક ફેમિલી કોર્ટના જજે એક છૂટાછેડા લેવા માગતા દંપતીને આ ફિલ્મ જોવાની ભલામણ કરી હતી અને છૂટાછેડા અટકી પણ ગયા હતા! જોકે આ એક જ રિ-મેક એવી નીકળી જે સાચા અર્થમાં ‘સુપરહિટ’ થઈ. એ સિવાયની નદીમ બેગની ફિલ્મોની સ્ટોરીઓ સારી હોવા છતાં હિન્દીમાં ખાસ ચાલી નહીં. એવી જ એક ફિલ્મ હતી ‘દિલ્લગી’ (1974) જેને હિન્દીમાં ‘મહોબ્બત કી આરઝુ’ (1994) નામે બનાવવામાં આવેલી. આમાં પણ સ્ટોરીની ફોર્મ્યુલા ખરેખર મસ્ત હતી. રીશિ કપૂર હોય છે મિકેનિક, પણ પગારના દિવસે એ મોંઘા કપડાં પહેરીને કોઈ ઘરાકની કાર લઈને અમીરઝાદા જેવો રોફ મારતો હોય છે. એની સામે ઝેબા બખ્તિયાર (પાકિસ્તાની અભિનેત્રી જેને રાજકપૂરની કાગળ પર રહી ગયેલી ફિલ્મ ‘હીના’ની હિરોઈન બનાવવામાં આવી હતી તે) હકીક્તમાં તો ધનવાનની બેટી છે, પણ ક્યારેક તે ગરીબ છોકરી બનીને ફરતી રહે છે! આ બન્ને ટકરાય છે… પ્રેમ થાય છે… પોલ ખૂલે છે… છતાં પ્રેમ ટકી રહે છે… પછી ગેરસમજ થાય છે… વગેરે વગેરે.

કોમેડી અને ટ્રેજેડીનો પૂરેપૂરો સ્કોપ ધરાવતી આ ફિલ્મ હિન્દીમાં સાવ બેસી ગયેલી! જોકે જાણવા જેવી વાત એ છે કે બન્નેના નિર્માતા કે.સી. બોકાડિયા હતા અને પેલી મિથુનવાળી ફિલ્મ બોકાડિયા સાહેબે પહેલાં રીશિ કપૂરને ઓફર કરેલી! પણ રીશિ કપૂરને ‘બાપ’ બનવામાં રસ નહોતો પડ્યો! આ સિવાય ત્રણ-ત્રણ ફિલ્મો એવી છે જેની ઉપર રાજેશ ખન્નાએ પોતાની ડૂબતી નૈયા જેવી કરિયરને પાર ઉતારવા માટે દાવ લગાવ્યા હતા, જેમાંની ‘અલગ અલગ’ (1985) જે નદીમ બેગની ‘મેહરબાની’ની રિ-મેક હતી, તે તો રાજેશ ખન્નાએ જાતે પ્રોડ્યુસ પણ કરેલી! જેનું ગાયન આજે પણ યાદ હશે ‘કભી બેકસી ને મારા, કભી બેબસી ને મારા…’

આ ગાયન તો બેઠું જ ઉઠાવેલું. એટલું જ નહીં, એનું પિકચરાઈઝેશન પણ જાણે ફ્રેમ-ટુ-ફ્રેમ કોપી જેવું હતું! (યુટ્યુબમાં જોઈ લેજો! ). સંજોગોવશાત્ ફિલ્મની કમાણી અને રાજેશ ખન્નાનું સ્ટારડમ બન્ને ‘અલગ અલગ’ જ રહ્યાં! હીરોઈન તરીકે ‘સૌતન’ જેવી હિટ આપનારી ટીના મુનીમ હતી છતાં! એ જ રીતે નદીમ બેગની ફિલ્મ ‘કુરબાની’ (1983)ને રાજેશ ખન્નાએ ‘અધિકાર’
(1986)નામે ફરી બનાવડાવી. ફરી ટીના મુનીમ હીરોઈન હતી, પરંતુ ચાલી નહીં. નદીમ બેગની જે ત્રીજી ફિલ્મ રાજેશ ખન્નાએ ફરી બનાવડાવી તે તો ‘દિલ દિયા દર્દ લિયા’ની જ સ્ટોરી હતી! (જે અંગ્રેજી નવલકથા ‘વ્હુધરીંગ હાઈટ્સ’ ઉપર આધારિત હતી) પાકિસ્તાની ફિલ્મનું નામ હતું. ‘દહેલીઝ’ (1983) અને હિન્દી ફિલ્મનું નામ પાડ્યું ‘ઊંચે લોગ’ (1985) પરંતુ રાજેશ ખન્ના એમાં પણ ખાસ સફળ થયા નહીં.

અહીં એ સવાલ જરૂર થાય કે યાર, જે ફિલ્મો પાકિસ્તાનમાં જબરદસ્ત ચાલી એ હિન્દીમાં કેમ નહોતી ચાલતી? પરંતુ તે હિન્દી ફિલ્મોનો એ ટાઈમ જ એવો હતો જ્યારે વીડિયો પાયરસીના કારણે ભલભલી ફિલ્મોની આવકની કોઈ ગેરંટી નહોતી રહી, પરંતુ એ જ સમયે હિન્દી ફિલ્મોની વીડિયો કેસેટોનું બજાર પાકિસ્તાનમાં ખૂબ ધમધમી રહ્યું હતું. એટલે કદાચ પાકિસ્તાની પ્રેક્ષકો ‘અપનેવાલી પિકચર હૈ’ એમ સમજીને વીડિયો કેસેટો જોશે જ જોશે, એવું ગણિત પણ હોઈ શકે.
ખેર, નદીમ બેગની હિન્દી રિ-મેકની યાદીમાં ‘બાઝાર-એ-હુશ્ન’ (1988)ની રિ-મેક ‘પતિ પત્ની ઔર તવાયફ’ (1990)ની ખાસ વાત એ હતી કે બન્ને ફિલ્મમાં પાકિસ્તાની ગાયિકા કમ અભિનેત્રી સલમા આગા હતી! કહેવાની જરૂર નથી કે સલમા આગાએ ગાયેલાં ગાયનો પણ સેઈમ હતાં. બસ, ફરક ફિલ્મની કમાણીનો રહી ગયો!

રીશિ કપૂરે વધુ એક પાકિસ્તાની ફિલ્મ ‘પરવાના’ (1985)ની નકલ ‘ઈન્તેહા પ્યાર કી’ (1992)માં કરી. એમાં પણ રુખસાર રહેમાન નામની હીરોઈન પાકિસ્તાનથી મંગાવવામાં આવેલી. તે બિચારી તો સાવ જ ખોવાઈ ગઈ. આ સિવાય નદીમ બેગની ‘ફૈસલા’ (1986) ‘પાપ કી દુનિયા’ (1988) નામે હિન્દીમાં બની જેમાં સની દેઉલ અને ચંકી પાંડે એમ બે હીરો હતા અને હીરોઈન નીલમ હતી, બપ્પી લાહિરીએ એક બે ગાયનો ‘રિ-મિકસ’ કરીને કોપી કરેલાં, પરંતુ એમાં એક્શન મારફાડ હતી એટલે ઠીકઠીક ચાલેલી.

બાકી એક ‘પહેચાન’ (1975)ની નકલ ‘નમક’ (1996) હતી. જેના પોસ્ટરમાં મોટા અક્ષરે લખતા હતા: ‘નમક ઈઝ થીકર ધેન બ્લડ’! એમાં સંજય દત્ત અને ફરહા હતાં.
લેખના અંતે એટલું જ સમજવાનું કે ‘કોપી ઈઝ નોટ ઈઝી ધેન ઓરિજિનલ!’

આપણ વાંચો : સ્ટાર-યાર-કલાકાર : બોલિવૂડની પુરાણી પરંપરા: બંધ કરો યે નાચગાના!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button