ઓસ્કાર ૨૦૨૪માં બોલીવુડને સ્થાન ન મળ્યું, પરંતુ મલયાલમ ફિલ્મ ‘૨૦૧૮’ને મળી એન્ટ્રી

આ ફિલ્મોએ ગુમાવી તક?
ભારતની ઓસ્કાર માટેની એન્ટ્રી માટે ધ કેરળ સ્ટોરી (હિન્દી), રોકી ઔર રાની કી પ્રેમ કહાની (હિન્દી), શ્રીમતી ચેટર્જી વિર્સજ નોર્વે (હિન્દી),બાલાગમ (તેલુગુ), વલાવી (મરાઠી), બાપલ્યોક (મરાઠી) અને ૧૬ ઓગસ્ટ ૧૯૪૭ (તમિલ) સહિત ૨૨ ફિલ્મો પર વિચારણા કરવામાં આવી હતી. આખરે ફેડરેશને મલયાલમ ફિલ્મ ૨૦૧૮- એવરીવન ઇસ અ હીરોને ઓસ્કાર માટે પસંદ કરી. આ જાહેરાત બાદ એ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને મેકર્સની ખુશીની કોઈ સીમા નથી રહી.
વિશેષ -અમિત આચાર્ય
ઓસ્કાર ૨૦૨૪ની જાહેરાત થઇ ગઇ છે. બોલિવુડની નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ગંગૂબાઇ કાઠિયાવાડી, મીમી, ધ કશ્મીર ફાઇલ્સ અને સરદાર ઉધમ જેવી ફિલ્મોને સ્થાન ન આપતા ઓસ્કાર માટે મલયાલમ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. જબરદસ્ત અભિનય માટે વખણાયેલી બોલિવુડની ફિલ્મો ઓસ્કાર માટેની એન્ટ્રી ન મેળવી શકી. બોલિવુડની ધ કેરળ સ્ટોરી, રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને શ્રીમતી ચેટર્જી વિર્સિસ નોર્વે જેવી ફિલ્મો પણ ઓસ્કારની રેસમાંથી બહાર થઇ ગઇ છે. મલયાલમ ફિલ્મ ૨૦૧૮- એવરીવન ઈઝ અ હીરોને ભારતની ઓસ્કાર ૨૦૨૪ માટેની સત્તાવાર એન્ટ્રી મળી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ બુધવારે આની જાહેરાત કરી હતી. આ ફિલ્મ કેરળની પૂર દુર્ઘટના પર આધારિત છે. આ જાહેરાત બાદ ૨૦૧૮ની સ્ટાર કાસ્ટ અને મેકર્સની ખુશીની કોઈ સીમા રહી ન હતી. મલયાલમ ફિલ્મ ૨૦૧૮- એવરીવન ઈઝ અ હીરોએ એકેડેમી એવોર્ડ્સ જીત્યો છે. કેરળમાં ૨૦૧૮માં આવેલા પૂરે રાજ્યમાં ભયાનક દ્રશ્ય સર્જ્યું હતું. ત્યારે ૪૮૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેરળમાં આવેલા આ પૂરને ૧૦૦ વર્ષમાં આવેલ સૌથી ભયાનક પૂર હોવાનું કહેવાય છે. લોકોના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં આવતા કેરળને પ્રાકૃતિક આપત્તિનો સામનો કરતાં જોઈને લોકો હેરાન રહી ગયા હતા. ૨૦૧૮માં રાજ્યની આ દુર્ઘટના પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી. વિવેચકોએ ફિલ્મને શાનદાર ગણાવી હતી. તેની વાર્તા, અભિનય અને કલાકારોના વર્ણનની પ્રશંસા કરવામાં આવી હતી. ટોવિનો થોમસ, કાંચાકો બામ, આસિફ અલી અને અપર્ણા બાલામુરલી જેવા સ્ટાર્સે મુખ્ય ભૂમિકામાં કામ કર્યું હતું. પૂર પીડિતોની પીડા દર્શાવતી ફિલ્મ જોવા લોકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. પૂર પીડિતોની પીડા દર્શાવતી ફિલ્મ જોઈને લોકો થિયેટરોમાં ભાવુક થઈ ગયા.
ફિલ્મે કરી જબરદસ્ત કમાણી
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ મલ્ટિ-સ્ટારર સર્વાઇવલ ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મ ૨૦૨૩ની સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ બની છે. ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન ૯૨.૮૫ કરોડ છે, જ્યારે વિશ્ર્વભરમાં આ ફિલ્મે ૧૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન જુડ એન્થોની જોસેફે કર્યું છે.