મેટિની

આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે છે-સાચો પ્રેમ સ્વમાની…

અરવિંદ વેકરિયા

આ નાટકે ઘણાં રેકોર્ડ તોડ્યા એનો હરખ ખુબ રહ્યો

બસ ! આમ ‘વાત મધરાત પછીની’ હવે ‘સુપર હીટ’ થઈ ગયું. એક અનોખો લગાવ આ રિવાઈવલની ઇચ્છા ન હોવા છતાં, થોડા ફેરફાર અને જયંત ગાંધીની મહેરબાનીથી આ નાટક માટે અનોખો પ્રેમ પણ થઈ ગયો. કહે છે કે આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે છે, સાચો પ્રેમ સ્વમાની. મને આ નાટક માટે સાચો પ્રેમ અને સાચો સ્વમાની જાણે બનાવી દીધો. હવે ‘હાઉસ ફૂલ’ નાં બોર્ડ કાયમ ઝુલતા થઈ ગયા. એમાં ચંદ્રવદન ભટ્ટ સાહેબની દીર્ઘ દૂરંદેશી અને જયંત ગાંધીનાં જોક્સનું પીઠબળ ભાગ ભજવતું હશે એ હું આજે બધા વાચકો સામે સ્વીકાર કરું છું. જયંત ગાંધીએ કોઈ પણ અપેક્ષા વગર આ રીતે એમના જોક્સ મારા નાટકમાં બિન્દાસ વાપરવાની મને પરવાનગી આપી. એટલું જ નહીં , એમને કઈ નવું સુઝે તો સામેથી ફોન કરી મને ફોન પર જ સંભળાવવાનું એ ક્યારેય ચુકતા નહીં. આ ઉપરાંત એમની ઇચ્છા કદાચ સળવળી હશે, કોને ખબર પણ એક નાટક એમને મારી પાસે ડિરેક્ટ કરાવવું જ હતું. એ વિષય મારા સ્વભાવથી વિપરિત હતો. એ વિષયમાં કોમેડીનો કોઈ અવકાશ જ નહોતો.

સ્વાભાવિક છે કે એમના જોક્સને પણ કોઈ અવકાશ ન હોય અને એમનાં લખેલા જોક્સને તો ખાસ.. એમને મરાઠી નાટક ‘નાતી ગોતી’ બહુ ગમ્યું હતું. એ પારખું છે, મને કહે ‘આ નાટક મારે તારી પાસે કરાવવું છે.’ એ માટે વરલી પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ-NSCI નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં ઘણી મીટિંગો કરી. એનું પણ એક કારણ નિમિત્ત હતું. એમના નિર્માણમાં (કદાચ) મેં એમની અને સિલ્વેસ્ટર ડી’કુન્હા સાથે ભરત દાભોલકર …મેં નાટક કરેલું ‘ઇટ્સ નોટ ફની’.

ખબર નહીં , મારા માટે ભરત દાભોલકરે શું માની લીધું હશે અથવા શક્ય છે જાણીતા દિગ્દર્શકોએ ‘ના’ પાડી હશે. એમણે ‘નાતી ગોતી’ની સ્ક્રીપ્ટ મને વાંચી જવા કહ્યું. મેં સ્ક્રીપ્ટ વાંચી અને કદાચ હું પણ બીજા દિગ્દર્શકોની હરોળમા બેસી ગયો. એનું કારણ હતું. એ નાટક ‘મર્સી કિલિંગ’ નાં વિષય પર આધારિત હતું. આજે તો આવા ‘બોલ્ડ’ વિષય સ્વાભાવિક બની ગયા છે , પણ એ વખતે એ વાત પ્રેક્ષકો પચાવી શકશે કે નહિ?’ એ વાત પર પૂરી શંકા હતી. જયંત ગાંધીની એ છતાં એ નાટકનું નિર્માણ કરવાની ઇચ્છા હતી. વાર્તા કઈક આવી હતી:

પતિ- પત્ની ને બાળક… પત્ની સવારે જોબ પર નીકળી જતી. ત્યારે બાળકને સંભાળવાની જવાબદારી પતિની રહેતી. પતિ સાંજના નોકરી પર જતો ત્યારે પત્ની આવીને એ બાળકની સંભાળ રાખતી. એમાં કશું ખોટું નહોતું, પણ બાળક તદ્દન ‘એબનોર્મલ’ હતું. તકલીફ કહો કે કષ્ટ એ ઉભય પક્ષે હતું. પતિએ ગંભીર નિર્ણય લઈ બાળકને અ-કુદરતી રીતે દુનિયામાંથી વિદાય કરવાનો વિચાર પત્નીને કહ્યો. પણ મા-તે-મા, એ કઈ રીતે આ ‘મર્સી કિલિંગ’ની વાત સ્વીકારે? એણે તો કહ્યું કે ‘એવું હશે તો હું મારી નોકરી છોડી દઈશ. જેને નવ-નવ મહિના પેટમાં અરમાનો સાથે રાખ્યો છે એને માટે આવું પાપ કેમ કરું? હા, બંનેનાં પગાર થકી મહિનો પૂરો કરીએ છીએ પણ એનો અર્થ…નવ મહિનાની પીડા અને વેણ ઊપડે ત્યારે સહન કરવો પડતો મીઠો સંતાપ જો તમે અનુભવ્યો હોત તો આવી વાત ન કરત.’ આ વાતથી બાળક ઉપર પ્રેમ તો રહ્યો , પરંતુ પતિ-પત્ની વચ્ચે રોજનો ખટરાગ ઊભો થઈ ગયો. પતિની ઇચ્છા અને પત્નીની અપેક્ષા વચ્ચે આ યુદ્ધ ચાલતું જ રહેતું. ઈચ્છાઓનું પ્રમાણ જયારે વધી જાય ત્યારે લોભનો જન્મ થાય છે અને અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સામેની વ્યક્તિનાં દોષ દેખાવા લાગે છે. આ જ વાત રોજ પતિ-પત્ની વચ્ચે બનતી રહેતી.પત્ની એક મા હતી અને એ માનતી હતી કે ઉદ્દેશ શુભ ન હોય તો આવું જ્ઞાન પણ પાપ બની જાય. ખેર, મેં ત્રણેક મીટિંગ પછી આ નાટક કરવાની ઘસીને ના પાડી દીધી.

કદાચ મારો બીજા જેવો જ જવાબ સાંભળીને થોડું દુ:ખ જયંત ગાંધીને જરૂર થયું હશે એવું હું માનું છું. એમણે કરેલી એમની જોક્સની લહાણી માટે એમને સલામ, પણ જ્યાં પ્રેક્ષકો સ્વીકારે નહિ એ વાતને માત્ર મારા નીજી આર્થિક લોભ ખાતર અને જે વાત મન જ સ્વીકારે નહિ એ પ્રોજેક્ટ હું કઈ રીતે સ્વીકારું? કદાચ એ વિષય આજ સુધી તખ્તા પર રજૂ નથી થયો. મરાઠીમાં આ વિષય ચાલ્યો, પણ ગુજરાતી માટે મારા અને અન્ય દિગ્દર્શકોનાં વિચારો સરખા ચાલ્યા હશે.. આજે કદાચ આ વિષય રજૂ થાય પણ ખરો, કોને ખબર! અસલી વિચાર જે પ્રેક્ષકોને ગમે નહિ એ ન કરવો અને નકલી વિચાર એટલે ચાલો, થોડું આર્થિક ઉપાર્જન કરી લઈએ.. આ બંનેમાં ફરક છે. નકલી ઝવેરાત ખરીદવા માટે પણ પૈસા તો સાચા જ જોઈએ , જે બતાવે છે કે ખોટા ઉપર વર્ચસ તો સાચાનું જ રહે છે.
કદાચ જયંત ગાંધી માનતા હશે કે મારા પૈસા બચી ગયા. શક્ય છે કે આજે આ વિષય હીટ પણ જાય. સમય સમયની વાત નોખી જ રહેવાની. મને જોક્સ વાપરવાની જયંત ગાંધીએ છૂટ આપી એ એક લાગણીની જ વાત હતી. નહિ તો મારે ક્યા એવો સંબંધ હતો? આ તો એક જાણીતા દિગ્દર્શકે મને એના તરફ
આંગળી ચીંધી અને વાંકી વાળ્યા વગર હાસ્યનું ઘી નીકળી ગયું. મેં તો નક્કી કરેલું કે એક જ નિયમ ઉપર જિંદગી જીવવી, જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ન રાખો, હું કદાચ ખોટો પણ હોઉં, પણ આજ સુધી એ વિષય તખ્તે આવ્યો નથી એ પરથી લાગે છે કદાચ હું સાચો છું.

વાત જરા ફંટાઈ ગઈ. નાટક ‘વાત મધરાત પછીની’ કેટલું ચાલશે એની કોઈ કલ્પના કરી શકાય એમ નહોતી.

પ્રેક્ષકો ‘હાઉસ ફૂલ’ નાં બોર્ડ ઝુલાવતા રહેશે ત્યાં સુધી તો નાટક ચાલતું જ રહેશે. ભટ્ટસાહેબની નજીક રહ્યાં પછી મને ખબર પડી ગઈ હતી કે જે દિવસે ‘રંગફોરમ’ પૈસા તોડશે લગભગ એ શો પછીના શોનું બંધન ભટ્ટ સાહેબ તરત તોડી નાખશે, પ્રેક્ષકોની નાડ એ તરત પારખી લેતા. ‘ભાગ્યરેખા’ માટે આખો નવો સેટ બનાવ્યો, જે.ડી. અને આતિશ કાપડીયાને રિહર્સલ પણ ખૂબ કરાવ્યા, છતાં પહેલા શો પછી નાટક બંધ પણ કરી દીધું, વધુ નહિ ચાલે કે ચાલશે જ નહિ એ એમના અનુભવનો નિચોડ હતો કે બીજું કઈ?. ભટ્ટસાહેબનું વિઝન એક જ હતું કે ખોટી આશામાં જીવવું જ નહિ.એમાં જ લાખના બાર હજાર થઇ જતા હોય છે. અરીસામાં સુખ અને સંસારમાં સુખ હોતું જ નથી. એ ફક્ત દેખાય છે
આ વાત એમણે વર્ષોથી આત્મસાત કરી લીધી હશે અને એટલે
તો નિર્ણય ફટાફટ લેતા. એક રાતે મને તુષારભાઈનો ફોન
આવ્યો કે….


છૂટ્યું હતું બહુ પણ અંતે ભૂંસાઈ ગયું, બાળપણ આમે’ય ચોકથી જ લખાયેલું હતું. !


કોરોના સમયે…..
ભૂરો: બાપુ, તમારે ત્યાં લગ્નમાં ‘જોરદાર સોશિયલ ડિસ્ટન્સ’ હતું, હો.!
બાપુ: અંદરો અંદર જેને ફાવતું ન હોય એવાને જ તેડાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button