બ્લેક વોરંટ: કાલી દુનિયા કા કચ્ચાચિઠ્ઠા…

ફિલ્મનામા – નરેશ શાહ
ભલે તમને કંપારી છૂટે કે કમકમાટી આવી જાય, પણ એ સત્ય છે કે જેલમાં અપાતી ફાંસી વખતે વપરાયેલા લાકડાંના ખપાટિયાંની અમુક વર્ગમાં જબરી ડિમાન્ડ હોય છે. એવી માન્યતા છે એ લાકડું સંકટ મોચન ગણાય છે. અમુક લોકો એવું પણ માને છે કે આ લાકડાંનો ટુકડો બાળકોના રૂમ કે બેડ નીચે રાખવાથી એનો માનસિક ભય દૂર થાય છે. એ રાતે બાળક પથારીને ભીનું કરતું બંધ થઈ જાય છે. પરીક્ષાનો હાઉ પણ તેનાથી ઓછો થાય છે…
હજુ ય તમારા કુતૂહલને ઠારી નાખવાની જરૂર નથી. જેલમાં અપાતા કેદીઓનાં ભોજનની પણ ભારે માંગ હોય છે. લબ્ધપ્રતિષ્ઠિત ગણાય એવા પણ અનેક લોકો ટાંગામેળ કરીને જેલમાં ભોજનનું ટિફિન મંગાવીને ખાતાં હોય છે, કારણકે લાલ કિતાબ’ જેવાં પુસ્તકોમાં એવું દર્શાવાયું છે કે, તમારી કુંડળીમાં જેલયોગ હોય તો તમારે નોર્મલ જિંદગી જીવતા હોય ત્યારે જેલમાં બનેલું ભોજન આરોગી લેવું જોઈએ, જેથી જેલયોગનોઘર બેઠા’ જ અમલ થઈ ગયો ગણાય.!
ભારતની સૌથી કુખ્યાત ગણાતી દિલ્હીની તિહાડ (કેટલાક તિહાર પણ લખે છે) જેલમાં 35 વરસ સુધી જેલર રહેલાં અને રંગા-બિલ્લા, મકબૂલ બટ, અફઝલ ગુ, ઈન્દિરા ગાંધીના હત્યારાઓ સહિત આઠ આઠ ફાંસીની તૈયારી કરનારા તેમજ નજરોનજર તેના સાક્ષી બનનારા જેલર સુનીલ ગુપ્તા પાસે ફાંસીનું લાકડું, જેલનું ભોજન અને તેની માટી અવારનવાર માગવામાં આવી હતી અને સામેવાળાનું `મન’ રાખવા એમણે માગણી પૂરી પણ કરી હતી.
પોતાના જેલજીવન અને ફાંસી અનુભવનાં સ્મરણો બ્લેક વોરંટ’ નામનું પુસ્તક સુનેત્રા ચૌધરી સાથે મળીને લખનારા તિહાડ જેલના જેલર સુનીલ ગુપ્તાના કહેવા પ્રમાણે રંગા-બિલ્લાને ફાંસી દેવામાં આવી (31 જાન્યુઆરી, 1982) ત્યારે બિલ્લા હીબકા ભરીને રડતો હતો, પણ રંગા ફાંસીનું કાળું કપડું ઓઢાડાયું ત્યાં સુધી એક જ નારો લલકારતો રહેલો:બોલે તો નિહાલ, સત શ્રી અકાલ!’
આ પુસ્તક પરથી અને એ જ નામથી 2025ની બોણીમાં સજ્જ ફિલ્મમેકર વિક્રમાદિત્ય મોટવાનીએ નેટફલિક્સ' માટે બનાવેલી વેબસિરિઝ
બ્લેક વોરંટ’ તમને જેલની એકદમ અજાણી અને આઘાત આપતી દુનિયામાં લઈ જાય છે. ગુનેગાર તરફથી ફાંસીની સજાને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવે, છતાંય ફાંસીની સજા બરકરાર રહે તો રાષ્ટ્રપતિને દયાની અરજી' થતી હોય છે. આ અરજીનો પણ જો નકારાત્મક નિકાલ થઈ જાય તો તરત જ જેલરે જજ પાસે જઈને ફાંસીની તારીખ લેવાની હોય છે. તેને
બ્લેક વોરંટ’ કહે છે. આ તારીખના કાગળ ફરતે કાળા રંગની પટ્ટી અંકિત હોય છે. બ્લેક વોરંટ જારી થઈ ગયા પછી કેદી જે જેલમાં હોય તેના જેલ પ્રશાસકો તેની તૈયારી કરવામાં લાગી જાય છે.
સૌથી પહેલાં તો ફાંસીગર’ને તેડાવવામાં આવે છે. 2022ની સૌથી ટે્રજિકોમિક વાત એ છે કે આપણે ત્યાં હવે એક આંગળીના વેઢે ગણી શકાય એટલાં ફાંસી દેનારા (હેંગમેન-આ નામે ઓમપુરીની ફિલ્મ પણ બની છે) માંડ છે. સામાજિક રીતે ફાંસી આપવાનું કામ (પોસ્ટમોર્ટમની જેમ) એકદમ ઘૃણાપાત્ર તેમજ અધમ કક્ષાનું ગણાય છે. તેમના માટેજલ્લાદ’ શબ્દ જાણીતો છે. 1982માં ઈન્ડિયન નેવીના કેપ્ટન મદનમોહન ચોપરાની 16 વરસની દીકરી ગીતા અને 14 વરસના પુત્ર સંજયને આકાશવાણી જવા માટે લિફટ આપીને (બળાત્કાર પછી) બન્નેની હત્યા કરનારા રંગા (કુલજીત સિંઘ) અને બિલ્લા (જસબીર સિંઘ)ને ફાંસી આપવામાં આવેલી ત્યારે એ સમાચાર જાણીને બિલ્લા રડવા લાગેલો. એ જોઈને રંગાએ એની મજાક ઉડાવેલી: `દેખો, મર્દ હો કે રો રહા હૈ!’
આ રંગા-બિલ્લાને ફાંસી આપવા માટે પંજાબ અને મેરઠથી એક-એક જલ્લાદ બોલાવવામાં આવ્યા હતા અને એમને પ્રત્યેક ફાંસીનું મહેનતાણું દોઢસો રૂપિયા તિહાડ જેલે ચૂકવ્યું હતું. આ `બ્લેક વોરંટ’ સિરિઝમાં આ ફાંસી ઉપરાંત મકબુલ બટની ફાંસી પણ દેખાડવામાં આવી છે. જે.કે.એલ.એફ.ના સ્થાનક મકબુલ બટને એકદમ ગુપ્ત રીતે 1984માં ફાંસી આપીને તિહાડ જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. જેલમાં રહેલાં એનાં પુસ્તકો સહિતની એકપણ વસ્તુ પણ એના ઘરનાઓને આપવામાં આવી નહોતી કારણ કે, એ યાદગીરી પણ લોકોનું માનસ ભડકાવી શકતી હતી. જેલમાં જ દફન કરાવાનો મકબુલ બટ પ્રથમ કિસ્સો હતો એટલે વરસો સુધી તિહાડ જેલમાં એનો આત્મા ભટકતો હોવાની વાતો ચાલી હતી. જેલનો સ્ટાફ પણ અપવાદરૂપ તેમાં માનતો હતો.
બેશક, આટલી બારીક વાતોનો સમાવેશ સિરિઝમાં નથી કરવામાં આવ્યો. એમ તો ઈન્દિરા ગાંધીના હત્યારાઓની વાતો પણ બ્લેક વોરંટ’ સિરિઝમાં નથી. શક્યતા છે કે તેની બીજી સિઝન બને પણ સાત એપિસોડ અને પાંચ કલાક આઠ મિનિટનીબ્લેક વોરંટ’માં દરેક એપિસોડમાં તિહાડ જેલમાં બનેલો એક એક મુદો લેવામાં આવ્યો છે. માથાભારે અને ગેંગ ચલાવતા ડોનની જેલમાં ચાલતી દાદાગિરી, જેલના સ્ટાફ સાથેની સાંઠગાંઠ, જેલરનું પણ એમનાથી સાવધ રહેવું, જેલ સ્ટાફની ખટપટ, ફાંસી વખતની વાતો, કેદીઓનો બળવો… આ બધું આપણને આ સિરિઝ એક પરદા (સળિયા) પાછળની દુનિયામાં લઈ જઈને આંચકો આપે છે.
મૂળ પુસ્તક વધુ શોકિગ છે, છતાં `ન મામા કરતાં, કાણો મામા સારો’ મહાવરા મુજબ સિરીઝને ફાઈવ સ્ટાર આપવા રહ્યા. તિહાડના જેલર સુનીલ ગુપ્તા તરીકે શશી કપૂરનો પૌત્ર ઝેહાન કપૂર છે તો તેના વડા જેલર તરીકે રાહુલ ભટ્ટ અને સાથી જેલર તરીકે અનુરાગ ઠાકુર, પરમવીર ચીમાની એકટિગ પણ સુપર્બ છે.તિહાડ જેલ વિશે તમે ઘણું સાંભળ્યું હશે, છતાં એની અમુક ઝ્લક અહીં તમારે જરૂર તાદૃશ્ય નિહાળવી જોઈએ…