કવર સ્ટોરી: કરોડોની ભુલભુલૈયામાં બોલિવૂડ સિંઘમ નથી હોં…!
-પ્રફુલ શાહ
દિવાળીએ બૉમ્બ સમજીને હરખાવનારા ફટાકડા સાવ સૂરસૂરિયા નીકળ્યા જેવો ઘાટ થયો છે. ગુણવત્તા કે નવીનતાની વાતને પૂળો મૂકો, મસાલા મનોરંજનમાં ‘ભૂલભૂલૈયા-૩’ અને ‘સિંઘમ અગેઈન’ બન્ને ઊણી ઊતરી છે. લોકપ્રિય ફ્રેન્ચાઈઝીનો લાભ બંનેને મળ્યો. એમાંય રજા અને પ્રેક્ષકોનો ખર્ચો કરી નાખવાનો મિજાજ એટલે પહેલા ત્રણ દિવસ સિનેમાઘરોમાં ભીડ રહી.
Also read: ‘દમ મારો દમ’ ગીતના શૂટિંગ વખતે ખરેખર દમ માર્યો હતો ઝીનત અમાને
શુક્ર-શનિ-રવિવારમાં જ બંને ફિલ્મના આંકડા રૂા. ૧૦૦ કરોડની કમાણીને આંબી ગયા (અથવા એવો દાવો થયો!). બૉલિવૂડની ખાનગી ગપસપ મુજબ કોઈ પણ ફિલ્મની આવકના આંકડામાં ૧૫થી ૨૫ ટકાનો ફુગાવો ગણી જ લેવો. અસલી અને ઑર્ગેનિક આંકડા હતા. ‘સ્ત્રી-૨’ના પણ એમ બધા માટે ભાગ્યશાળીના ભૂત રળે એવો ચમત્કાર થોડો થાય?
હકીકતમાં આ ૧૦૦ – ૨૦૦ – ૩૦૦ – ૪૦૦ અને ૫૦૦ કરોડના આંકડા એટલે ચોક્કસપણે ફિલ્મ હિટ કે સુપરહિટ છે એવું માની લેવું એ સદંતર ભૂલભરેલું છે. દિવાળીમાં ‘ભૂલભૂલૈયા-૩’ અને ‘સિંઘમ અગેઈન’ની ટક્કરે ખૂબ દિલચસ્પી જગાવી હતી. એ બેમાંથી કઈ ફિલ્મ સારી હશે? એવી બધાની સહજ જિજ્ઞાસા પણ ખરી, હકીકતમાં અંતે સવાલ એ રહ્યો છે કે કઈ ફિલ્મ ઓછી ખરાબ?!
‘ભૂલભૂલૈયા’માં માધુરી-વિદ્યા બાલનનું સાથે આવવું મન-મગજને તાજગીથી ભરી દે છે ને ક્લાઈમેક્સનું સસ્પેન્સ અકલ્પ્ય છે. આમ છતાં પ્રિયદર્શનની ઑરિજિનલ ‘ભૂલભલૈયા’ની તોલે તો આ ન જ આવી શકે. ‘સિંઘમ અગેઈન’માં સ્ટાર્સનો મેળો છે, પણ સૌથી વધુ મનોરંજન રણવીર સિંહ કરાવે છે. કથાને રામાયણને સમાંતરે આગળ વધારવાનો પ્રયોગ ઘણાને
ગમ્યો છે.
હવે બંને ફિલ્મનાં બૉક્સ ઑફિસ પરનાં પર્ફોમેન્સની પળોજળમાં પડતાં અગાઉ પ્રૉડકશન ખર્ચ વિશે થોડું સમજવું જરૂરી બની જાય છે. ‘સિંઘમ અગેઈન’માં અજય દેવગન, કરીના કપૂર, અક્ષયકુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન ક્પૂર જેવાં મોટાં નામ છે. ઉપરાંત ભવ્યતા, ગાડી-ઉછાળ અને ભરપૂર ઍકશનને લઈને ઘણો ખર્ચો થયો છે, જે ફિલ્મમાં દેખાઈ આવે છે.
સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ આંકડા મુજબ આ ફિલ્મ રૂા. ૩૫૦ કરોડ (થોડા કરોડની વધઘટ સ્વીકાર્ય)ની બની છે. એમાં ૨૫ કરોડનો પી. એન્ડ એ. (પ્રિન્ટ ઍન્ડ પબ્લિસિટી) ગણો. હવે ડિજિટલ યુગમાં પ્રિન્ટ કઢાવવા જેવું રહ્યું નથી. આથી ડિજિટલ રિલીઝનો ખર્ચ અને પ્રચાર એમ સમજવું એટલે કુલ રોકાણ થયું. રૂા. ૩૭૫ કરોડનું. ઘરઆંગણે પહેલા અઠવાડિયાનું બૉક્સ ઑફિસ કલેકશન આવ્યું અંદાજે રૂા. ૧૭૩ કરોડ. અહોભાવમા સરી પડતાં પહેલાં એ જાણી લો કે આમાંથી અડધોઅડધ જીએસટી, સિનેમા હોલ પ્રૉવાઈડર અને ડિસ્ટ્રિબ્યુટરને ફાળે જાય એટલે હવે
બચ્યાં કેટલાં? આની સરખામણીમાં ‘ભૂલભૂલૈયા-૩માં’ નિર્માણખર્ચ ઓછો છે.
આ ફિલ્મ રૂા. ૧૫૦ કરોડમાં બની, ને રૂા. ૧૦ કરોડનું પી. ઍન્ડ એ. આ રિલીઝ પહેલાં અઠવાડિયાનું કલેકશન રૂા. ૧૯૭ કરોડ બતાવાયું હતું. આમાંય જીએસટી, થિયેટર પ્રોવાઈડર
અને ડિસ્ટ્રિબ્યુટરનો ભાગ કાઢી લો તો શું વધે?
અલબત્ત, ભારતમાં સિનેમાઘરમાં રિલીઝ ઉપરાંત ઑવરસિઝ, ઓટીટી, ટીવી અને ઑનલાઈન રિલીઝ ઉપરાંત મ્યુઝિક રાઈટસમાંથી આવક થાય, પરંતુ એક વાત નક્કી કે આ બંને બહુ ગાજેલી ફિલ્મનો મૂળ ખર્ચ પાછો મેળવવામાં ધીરજ ઘરવી પડશે. આ રેસમાં સૌથી પહેલાં ‘ભૂલભલૈયા-૩’ આગળ દેખાય છે.
આ ઉપરાંત કૉર્પોરેટ ફન્ડિંગ જેવાં દૂષણની અવગણના ન થઈ શકે. નિર્માતા તરફથી થોકબંધ (એટલે લાખો-કરોડોની રકમની) ટિકિટ બુક થતી હોવાની ચર્ચાય છાશવારે થતી રહે છે. આલિયા ભટ્ટની ‘જીગરા’ને માથે આવાં આકરાં ઠીકરાં ફોડાયાં હતાં.
Also read: એક જ વાર્તા પરથી બબ્બે ફિલ્મ!
આમ છતાં નિર્માતા-સ્ટાર્સ પોતાની ફિલ્મ સુપરહિટ-બ્લોકબસ્ટર્સ હોવાના દાવા કરતા રહે છે. એમને પોતાની આબરૂ બચાવવાની હોય છે – ફ્રેન્ચાઈઝીને જીવંત રાખવાની હોય છે. કમનસીબે અત્યારે બોલિવૂડને ઑરિજિનલ ક્ન્ટેન્ટની જરૂર છે, જેની ભારે અછત છે. હવે સાઉથની હિટ ફિલ્મોની બે-પાંચ વર્ષે રિમેક કરવાના દિવસો ગયા, હોલિવૂડની
હિટ ફિલ્મની કૉપી મારી લેવાનું તો સાવ ભૂલી જ જવાનું. સ્ટાર્સની વધુપડતી-નકામી બોલબાલાને લીધે બોલિવૂડ નામના બાવાના બારેય બગડે છે.
આ થોડી અતિશયોક્તિ કે ખોટી બૂમાબૂમ લાગે, પણ સમય સાથે કદમ મિલાવવામાં બોલિવૂડ પાછળ પડી રહ્યું છે. એની સરખામણીમાં સાઉથની ફિલ્મો પોતાના સીમાડા ઓળંગીને ભારતભરમાં પહોંચવા માંડી છે. કમનસીબે, બોલિવૂડ હજી એના જૂનવાણી વિચારોને તિલાંજલિ આપી શકતું નથી. હોલિવૂડ, સાઉથની ફિલ્મો અને ૨૪ કલાકના ટીવી-ઓટીટી મનોરંજન વચ્ચે ટકી રહેવાનું જરાય આસાન નથી. આના માટે નવા વિચાર જોઈશે,
ખોટા ખર્ચા ટાળવા પડશે, નવા કલાકરો – સર્જકોને આવકારવા પડશે. ‘હટ જાઓ પુરાને બાઝિગર, અબ મૈદાન બદલનેવાલા હૈં ’ની લલકાર બહેરા કાને અથડાતી રહેશે તો બોલિવૂડ અને બમ્બૈયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાનાં ગૌરવ, આભા અને ચમક ખોઈ બેસે એવો ભય ઊભો થયો છે.
Also read: ટીવી-વેબ શોઝ પરથી થઈ રહ્યા છે સિનેમામાં અવનવા પ્રયોગ
આ લડવાનો નહીં, સાથે બેસીને વિચારવાનો, નક્કર કામ કરવાનો સમય છે. સૌથી પહેલાં તો એક જ દિવસે બે મોટી ફિલ્મની ટક્કરને રોકવી જોઈએ, પણ આવા નિર્ણયનો અમલ કરાવી શકે એવું કોઈ સન્માનનીય નેતૃત્વ બોલિવૂડ પાસે નથી. કરોડોના ખડકલા અને નોન-ક્રિએટિવ કૉર્પોરેટ સેક્ટર બોલિવૂડને મદદરૂપ થવાને બદલે પગમાં બેડી બની ગયા છે. વિચારો, આમાં કેવી રીતે થાય બોલિવૂડનો ઉદ્ધાર?