… તો બેગમ અખ્તરનો જન્મ જ ન થયો હોત!

હેન્રી શાસ્ત્રી
બેગમ અખ્તર અને ફિલ્મ ‘ધૂપછાંવ’
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં બોલપટનો દોર
‘આલમ આરા’ (1931) ફિલ્મથી થયો એ ખરું, પણ રેકોર્ડેડ સોંગ્સની પ્રથાની વિધિવત શરૂઆત ચાર વર્ષ પછી થઈ હતી. ત્યાં સુધી સોંગના પિક્ચરાઈઝેશન વખતે જ ગીત સાજિંદાઓની હાજરી સાથે ગાવામાં આવતું હતું. સાજિંદા અને એક્ટર જો ગાયક ન હોય તો ગાયક પણ કેમેરામાં ન ઝડપાઈ જાય એની તકેદારી રાખવામાં આવતી હતી. 90 વર્ષ પહેલાં એટલે કે 1935માં પ્રથમ પ્લેબેક સોન્ગ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. નીતિન બોઝ દિગ્દર્શિત ફિલ્મ ‘ધૂપછાંવ’ માટે સંગીતકાર આર. સી. બોડાલ અને પંકજ મલ્લિકે આ સિદ્ધિ મેળવી હતી. ફિલ્મ સિવાય પહેલું રેકોર્ડેડ સોંગ (ધ્વનિમુદ્રિત ગીત) ગૌહર ખાનનું માનવામાં આવે છે. એમની ગણના ભારતના પ્રથમ રેકોર્ડિંગ સ્ટાર તરીકે થાય છે.
કારણ ગમે તે હોય, નવા આવિષ્કારનો વિરોધ સમાજમાં સદીઓથી થતો આવ્યો છે. સોંગ રેકોર્ડિંગ પણ એમાં અપવાદ નહોતું.
વાચકોને જાણીને નવાઈ લાગશે કે આ નવી ટેકનોલોજી ફરતે કેટલીક અંધશ્રદ્ધા વીંટળાયેલી હતી અથવા કોઈ કાલ્પનિક કથા જોડી દેવામાં આવતી હતી. વાત તો એ હદે પહોંચી ગઈ હતી કે સોન્ગ રેકોર્ડિંગ અપશુકન માનવામાં આવતું હતું.
કેટલાક પ્રોફેશનલ સિંગર એવું માનતા હતા કે સોંગ રેકોર્ડિંગ વખતે ઈલેક્ટ્રિક ગેજેટ્સને કારણે ફેફસાં નબળા પડી જવાથી ગાયકની આવરદા ઘટી જાય! કેટલાક ગાયકો તો એ હદ સુધી ગયા કે માઈક્રોફોનનો ઉપયોગ કરવાથી ગાયકના ગળામાં રહેલું માધુર્ય ગાયબ થઈ જાય છે! એવું કહેવાય છે કે શાસ્ત્રીય સંગીતનાં સિદ્ધહસ્ત ગાયિકા કેસરબાઈ કેરકરે એમની કારકિર્દી દરમિયાન મ્યુઝિક કંપની માટે સમ ખાવા પૂરતું એક ગીત સુધ્ધાં રેકોર્ડ નહોતું કરાવ્યું. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબ પણ એક યા બીજા કારણસર સોંગ રેકોર્ડિંગ કરવાનું ટાળ્યા કરતા હતા (‘મુઘલ – એ – આઝમ’ માટે કે. આસિફ બે શાસ્ત્રીય શૈલીના ગીત ગાવા સમજાવી શક્યા હતા એ વિશિષ્ટ અપવાદ ગણાય ). અવાજની ગુણવત્તા હણાઈ જશે એ ભય લગભગ ગાયકને સતાવતો હતો. ‘મલ્લિકા – એ – ગઝલ’ બેગમ અખ્તર (મૂળ નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી) સુધ્ધાં સોંગ રેકોર્ડિંગ અંગેની કાલ્પનિક કથા અને અંધશ્રદ્ધાથી દૂર નહોતાં રહી શક્યાં . 1933માં પહેલી વાર એમણે ગઝલનું રેકોર્ડિંગ કર્યું હતું. આ ગઝલને આવકાર મળ્યા પછી એમનાં સંગીત શિક્ષક અને ગુરુએ બેગમ અખ્તરનાં માતુશ્રીના મગજમાં એવું ઠસાવી દીધું હતું કે ‘તમારી દીકરીને ગીત રેકોર્ડિંગ કરતી અટકાવો, કારણ કે એનાથી જીવનું જોખમ રહેલું છે’ એક દીકરી ગુજરી ગઈ હોવાથી માને ચિંતા થાય એ સ્વાભાવિક કહેવાય. માતુશ્રીના ગભરાટ છતાં રેકોર્ડિંગ કંપની સાથે પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ કરી લીધો હોવાથી બેગમ અખ્તર અસમંજસમાં મુકાઈ ગયાં. માતુશ્રીએ તો ગાંઠ વાળી હતી કે દીકરીને ગીત રેકોર્ડિંગથી દૂર રાખવી એટલે બેગમ અખ્તરને લઈ એ આધ્યાત્મિક ગુરુ પાસે ગયા. ગુરુ આખી વાત સમજી ગયા અને એક એવો ઉકેલ દર્શાવ્યો જેની સાથે મા -દીકરી બંને સહમત થયા.
અખ્તરી બાઈ પાસે પોતાની ગઝલની એક નોટબુક હતી. એ નોટબુકના કોઈ એક પાના પર ગુરુજીએ હથેળી રાખી અને એ પાનું ઉઘાડવા જણાવ્યું. એ પાનું ખોલતા એના પર શાયર બહઝાદ લખનવીની ‘દિવાના બનાના હૈ તો દિવાના બના દે’ ગઝલ લખી હતી. ગુરુજીએ આદેશ આપ્યો કે ‘રેકોર્ડિંગ કંપનીમાં જા અને તાબડતોબ આ ગઝલ રેકોર્ડ કરાવી લે. આ ગઝલ બહાર પડ્યા પછી તારી કીર્તિ વધી જશે અને આર્થિક બાજુ પણ સધ્ધર થઈ જશે.’ અખ્તરી બાઈના ટાંટિયામાં જોર આવી ગયું અને દોડતાં દોડતાં પહોંચ્યાં રેકોર્ડિંગ કંપનીમાં. બડે ગુલામ અલી ખાં સાહેબના સારંગી વાદન સાથે ગીત રેકોર્ડ કરવામાં આવ્યું. 1935ના ઓક્ટોબરમાં રેકોર્ડ રિલીઝ થઈ અને ગુરુજીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ અને રેકોર્ડ પ્લેટિનમ ડિસ્ક (10 લાખ રેકોર્ડનું વેચાણ)ની સિદ્ધિ મેળવી શકી.
એ દિવસથી બેગમ અખ્તરે પાછું વાળીને જોયું નથી. સમગ્ર કલાજગત ગુરુજીનું ઋણી છે, કારણ કે આજથી 90 વર્ષ પહેલાં કેટલાક પ્રોફેશનલ ગાયકો અણસમજના(રેકોર્ડિંગ કરવાથી અવાજની ગુણવત્તા હણાઈ જશે) શિકાર બન્યા હતા, પણ ગુરુજીએ સુધારાવાદી અભિગમ અપનાવી અખ્તરીબાઈ પાસે ગીત રેકોર્ડ કરાવ્યું અને આપણને બેગમ અખ્તરના સ્વરમાં એક એકથી ચડિયાતી ગઝલ અને અન્ય ક્લાસિકલ રચના સાંભળવા મળી. જો ગુરુજીએ તોડ ન કાઢ્યો હોત તો મલ્લિકા – એ – ગઝલ બેગમ અખ્તરનો જન્મ જ ન થયો હોત.
તેરી ગઠરી મેં લાગા ચોર
હિન્દી ફિલ્મ સંગીત માટે 1935 અવિસ્મરણીય વર્ષ તરીકે નોંધાયું છે.‘ધૂપ છાવ’ ફિલ્મથી ચિત્રપટ સંગીતમાં પાર્શ્વગાયન (પ્લેબેક સિંગિંગ) પદ્ધતિનો પ્રારંભ થયો હતો. કલકત્તાની ‘ન્યૂ થિયેટર્સ કંપની’ દ્વારા નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક નીતિન બોઝને સૂઝેલી આ કલ્પનામાં આદરણીય સંગીતકાર પંકજ મલ્લિકનો મોટો ફાળો છે. ‘ધૂપ છાવ’માં કુલ 10 ગીત હતાં, જેનું સ્વરાંકન શ્રીયુત પંકજ મલ્લિક અને રાયચંદ બોડાલે કર્યું હતું અને કે સી ડે (મન્ના ડેના કાકા) સહિત અન્ય ગાયકોએ પાર્શ્વગાયન કર્યું હતું. ફિલ્મનાં 10 ગીત પંડિત સુદર્શને લખ્યાં હતાં. હિંદી ભાષામાં રચાયેલ સાહિત્યમાં પંડિત સુદર્શનની ગણના મુનશી પ્રેમચંદની સમકક્ષ કરવામાં આવે છે. મહાત્મા ગાંધી પંડિતજીની સાહિત્યિક કલમના ચાહક હતા. પંડિતજી 17 વર્ષ (1935થી 1952) સુધી ફિલ્મના લેખન સાથે સંકળાયેલા રહ્યા. ‘ધૂપછાંવ’ એમની પહેલી ફિલ્મ હતી અને ‘તેરી ગઠરી મેં લાગાચોર, મુસાફિર જાગ જરા’ એમણે લખેલું પ્રથમ ગીત હતું.