બાંગ્લાદેશની બુલબુલ
બાંગ્લાદેશના પાટનગર ઢાકાથી ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલા ઐતિહાસિક શહેર બારિશાલમાં જન્મેલાં ગાયિકા પારુલ ઘોષનું નામ હિન્દી ફિલ્મ સંગીતના સર્વપ્રથમ પ્લેબેક સોન્ગની સિદ્ધિ સાથે સંકળાયેલું છે.
હેન્રી શાસ્ત્રી
બાંસુરીવાદક પન્નાલાલ ઘોષ સાથે ગાયિકા પારુલ ઘોષ
સંગીત અને વિશેષ કરીને હિન્દી ફિલ્મ સંગીતમાં જો તમને રુચિ હશે તો તમે સંગીતકાર અનિલ બિશ્વાસના નામથી ચોક્કસ પરિચિત હશો. ‘સીને મેં સુલગતે હૈં અરમાન’, ‘દિલ જલતા હૈ તો જલને દે’, ‘રાહી મતવાલે’ વગેરે ગીતના ઉદાહરણ પણ આપી દેશો.
તમે પંડિત પન્નાલાલ ઘોષને પણ જાણતા હશો. એમના બાંસુરીવાદનથી મુગ્ધ થયા હશો. કોઈ જાણકાર એમ પણ કહેશે કે : ‘નવકેતન’ની ત્રીજી ફિલ્મ ‘આંધિયાં’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપનારી બેમિસાલ ત્રિપુટીમાં ઉસ્તાદ અલી અકબર ખાન, પંડિત રવિશંકર સાથે બાંસુરીવાદક પન્નાલાલ ઘોષનું પણ નામ હતું, પણ તમે પારુલ ઘોષનું નામ નહીં સાંભળ્યું હોવાની સંભાવના ભારોભાર છે.
પારુલ ઘોષની ઓળખાણ અનિલ બિશ્ર્વાસનાં બહેન અને પન્નાલાલ ઘોષનાં પત્ની તરીકે આપવી એ એમની સાથે અન્યાય તો છે જ, પુરુષ પ્રધાન સમાજની માનસિકતાનું વધુ એક ઉદાહરણ
પણ છે.
ગાયિકા તરીકે નાનકડી પણ મધુર કારકિર્દી ધરાવનારાં પારુલજીના કંઠે ગવાયેલાં ગીતો કમનસીબે આજે સદંતર વિસરાઈ ગયાં છે. એમનાં બે ગીત તો હિન્દી ફિલ્મ સંગીતના ઐતિહાસિક વળાંકના સાક્ષી બન્યા હોવા છતાં પારુલ ઘોષની સ્વતંત્ર ઓળખ નથી રહી એ બહુ બેસૂરી બાબત ગણવી જોઈએ.
તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલા હિંસાચારમાં જે કેટલાક સ્થળનો વિશેષરૂપે ઉલ્લેખ થયો એમાં એક નામ હતું બારિશાલ. ઢાકાથી ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલું આ શહેર વિશિષ્ટ પ્રકારની બંદૂક માટે તેમજ વ્યાપારી કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જાણીતું છે.
આ બારિશાલમાં જ પારુલ બિશ્ર્વાસ (લગ્ન પહેલાનું નામ)નો જન્મ ૧૯૧૫માં થયો હતો અને ૧૩ ઓગસ્ટ એમની પુણ્યતિથિ છે એ નિમિત્તે એમની સૂરમય યાત્રામાં સહભાગી થવાનો આનંદ લઈ તેમના યોગદાનથી પરિચિત થવાની ફરજ નિભાવીએ.
પાર્શ્ર્વગાયન – પ્લેબેક સિંગિંગ પ્રારંભના બોલપટમાં ગેરહાજર હતું. ગીતના શૂટિંગ વખતે લાઈવ સોન્ગ રેકોર્ડ કરવામાં આવતું હતું. કલકત્તાની ન્યૂ થિયેટર્સ કંપની એમાં ક્રાંતિ લાવી. દિલીપ કુમારની ‘ગંગા જમના’ ફિલ્મના દિગ્દર્શક તરીકે વધુ જાણીતા નીતિન બોઝ ન્યૂ થિયેટર્સ માટે ‘ધૂપ છાંવ’ (૧૯૩૫) નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. નીતિન બોઝ અને ફિલ્મના સંગીત સાથે સંકળાયેલા રાયચંદ બોડલ અને પંકજ માલિકનાં દિમાગમાં ઝબકારો થયો અને હિન્દી ફિલ્મના ઈતિહાસમાં પહેલવહેલું પાર્શ્ર્વગાયન – પ્લેબેક સિંગિંગ થયું. રેકોર્ડિંગ રૂમમાં તૈયાર થયેલું પહેલું ગીત હતું ’મૈં ખુશ હોના ચાહું’ (ગીતકાર પંડિત સુદર્શન) અને ચાર ગાયકના સ્વરમાં એ રેકોર્ડ થયું હતું: સુપ્રભા સરકાર (શાંતિનિકેતનના વિદ્યાર્થીની), હરીમતિ દુઆ (રવિન્દ્ર સંગીતના કલાકાર), કે. સી. ડે (ઊંચા દરજજાના ચક્ષુહીન ગાયક અને મન્ના ડેના કાકા) તેમજ પારુલ ઘોષ. આમ ફિલ્મ સંગીતના ઐતિહાસિક પ્રકરણમાં પારુલ ઘોષનું નામ અંકિત થઈ ગયું.
૧૯૪૩માં આવેલી ‘કિસ્મત’ (અશોક કુમાર, મુમતાઝ શાંતિ) હિન્દી ફિલ્મ ઈતિહાસમાં સીમાચિહ્ન ફિલ્મ ગણાય છે. બોક્સ ઓફિસ પર એક કરોડ રૂપિયાનું કલેક્શન મેળવનારી પહેલી ફિલ્મ તરીકે એનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. ખોવાયા – ગુમાયા (લોસ્ટ એન્ડ ફાઉન્ડ) ફોર્મ્યુલાનો ઉપયોગ પહેલી વાર આ ફિલ્મમાં થયો હોવાનું કહેવાય છે. ડબલ રોલ (એક સારો એક નઠારો) પણ આ ફિલ્મ પછી નિયમિતપણે નજરે પડવા લાગ્યા. ક્લાઈમેક્સમાં મહત્ત્વના બધા કલાકારની હાજરીમાં ગીત પણ પહેલીવાર ‘કિસ્મત’માં જ જોવા મળ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ફિલ્મમાં પ્રદીપજીએ લખેલાં ૮ ગીત છે અને ‘દૂર હટો અય દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ’ને બાદ કરતા એ સમયે ખાસ્સું વખણાયેલું ગીત ‘પપીહા રે મેરે પિયા સે કહિયો જાય’ પારુલ ઘોષના અવાજમાં સ્વરબદ્ધ થયું છે.
આ ગીતની ઊંચાઈ અને એની ગુણવત્તા સમજવા માટે એક વાત જાણવી જરૂરી છે. ૧૯૯૦ના દાયકામાં લતા મંગેશકરે ‘સ્મરણાંજલિ’ શીર્ષક હેઠળ કેટલાંક ગાયકોના ગીત રેકોર્ડ કર્યા હતા, જેમાં પારુલ ઘોષના ’પપીહા’ ગીતનો સમાવેશ હતો. દીદીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના પ્રિય બંગાળી ગાયકોમાં પારુલ ઘોષની વાત કરી હતી.
અલબત્ત, પારુલ ઘોષને આ બે સીમાચિહ્ન ગીતનાં ગાયિકા તરીકે જ ન ઓળખવા જોઈએ. ૧૯૧૫માં અવિભાજિત ભારતના બારિશાલ (આજે બાંગ્લાદેશમાં છે)માં જન્મેલાં પારુલ ઘોષ ત્રણ ભાંડરડામાં વચેટ સંતાન હતાં. મોટા ભાઈ અનિલ બિશ્ર્વાસનું નામ હિન્દી ફિલ્મ સંગીતમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. પારુલજીનાં માતુશ્રીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી હતી અને કિર્તનકાર તરીકે એમની નામના હતી.
અનિલ બિશ્ર્વાસના કહેવા અનુસાર માતુશ્રીના ગળાની મીઠાશનો વારસો પુત્રી પારુલને મળ્યો હતો. પારુલ ઘોષના લગ્ન પન્નાલાલ ઘોષ સાથે થયા ત્યારે પારુલજીની ઉંમર નવ વર્ષ ને પન્નાલાલજી ૧૩ વર્ષના હતા એવી નોંધ છે.‘ધૂપ છાંવ’, ‘કિસ્મત’ ઉપરાંત ‘બસંત’, ‘જ્વાર ભાટા’, ‘મિલન’ (સુનીલ દત્તવાળું નહીં) સહિત કેટલીક ફિલ્મોમાં પારુલ ઘોષના સુરીલા સ્વરનો પરિચય રસિકોને થયો.
જોકે, પતિ (પન્નાલાલ ઘોષ) બાંસુરીવાદનમાં ખૂબ આગળ વધે એ માટે ઘરની આર્થિક જરૂરિયાત પૂરી કરવા પાર્શ્ર્વગાયન કરનારાં પારુલ ઘોષે આર્થિક જરૂરિયાત સંતોષવાનો હેતુ સિદ્ધ થતા પારુલ ઘોષે ૧૯૪૭માં સ્વૈચ્છિક સન્યાસ લઈ લીધો અને સંગીત રસિકો એક આલા દરજજાનાં ગાયિકાના વિશાળ પ્રદાનથી વંચિત રહી ગયા.