મેટિની

બાજીગર ઓ, બાજીગર!

જાદુગરીની ફિલ્મોનો જાદુ દર્શકોને અવાક કરી દે એવો સાવ નોખો -અનોખો હોય છે. આ પ્રકારની અન્ય ફિલ્મો વિશે વધુ જાણીએ આ વખતે.

ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ

( ભાગ : ૨ )
ફિલ્મ અનેક રીતે દર્શકને આકર્ષિત કરતી હોય છે. કોઈ એની વાર્તા – કોઈ અભિનય તો કોઈ એની ગીત-સંગીતથી દર્શકોએને મોહિત કરે છે.

હવે ધારી લો કે ફિલ્મની વાર્તા જ કોઈ કીમિયાગાર- જાદુગરની હોય અને એ ફિલ્મની રજૂઆત પણ અફલાતૂન હોય તો એ આપણા પર કેવું વશીકરણ કરે !

આમ તો હોલીવૂડના ફિલ્મ સમીક્ષકો અને જાણકારો જાદુગરી અને જાદુગરો વિશે સાવ અલગ તરી આવતી BEST -50’કેBEST- 25’કે પછી શ્રેષ્ઠ – ૧૨ ’ ફિલ્મોની નામાવલિ સમયાંતરે રજૂ કરતાં રહે છે. આવાં લિસ્ટમાંથી આપણે ગયા અઠવાડિયે જાદુની દુનિયાની ૩ ફિલ્મ વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ આવી અન્ય પાંચ ફિલ્મ વિશે ,જેને વિવેચકો અને દર્શકોએ વધાવી છે.

જાદુગરીની આવી ફિલ્મો હંમેશાં લોકોને ગમે છે ,કારણ કે રોજની દુન્યવી તકલીફ – આંટીઘૂંટીમાં આપણે બધા એવા બધા અટવાઈ જઈએ છીએ કે કયારેક એવું લાગે કે હવે આમાં કોઈ ચમત્કાર થાય તો જ આપણે આ મુસીબતમાંથી ઉગરી શકીશું. આ ચમત્કાર એટલે જાદુ અને આવા જાદુ પર આપણને આસ્થા છે અને એટલે જ આપણી એ આસ્થાનો પડઘો પાડતી જાદુગરીની ફિલ્મો અને એવો જાદુ સરજનારા બાજીગરોની કથા આપણને વધુ ગમે છે!

આવી મેજિક ફિલ્મોની વાત કરીએ તો છેલ્લાં બે દાયકામાં આજે પણ અવ્વલ નંબરે જે ફિલ્મ -સિરીઝની વાત થાય છે એ છે હેરી પોટરની ફિલ્મ-કથાઓની.

હેરી પોટર
છેક ૨૦૦૧ના ઉત્તરાર્ધમાં એક સાવ અજાણી લેખિકા જે.કે.રોલિંગ્સની કથાઓ પર આધારિત હેરી પોટર નામનું એક એવું પાત્ર સર્જાયું, જે બાળક -તરુણોથી લઈને વૃદ્ધોનું ગજબનું લાડકું બની ગયું. એની ફિલ્મોએ ‘લોકપ્રિયતા’ શબ્દને હોલીવૂડ જગતને એકે નવો જ વળાંક ને વ્યાખ્યા આપી. હેરી પોટર સિરીઝની ૮ ફિલ્મમાં અહીં મૂળ લેખનની આગવી કલ્પના શૈલીને ફિલ્મ દિગ્દર્શકોએ અદ્ભુત ટચ- સ્પર્શ આપ્યો
આમ તો હેરીની ફિલ્મો વિશે ટનબંધ લખાયું છે-ટીવી શોઝ બન્યા છે એટલે એની એ બધી વાતોનું પુનરાવર્તન અહીં ટાળીને જાદુગરીની અન્ય ફિલ્મો વિશે જાણીએ..

ધ મેડ મેજિસિયન
છેક ૧૯૫૪માં રજૂ થયેલી આ ફિલ્મ એની કથા- ઘટનાના અણધાર્યા વળાંકને લીધે અને સશક્ત અભિનયને કારણે પણ આજે ય જાદુગરીની ફિલ્મોમાં એનો ખાસ ઉલ્લેખ થાય છે.
ડોન ગેલિકો નામનો એક યુવા જાદુગર મૌલિક મેજિક ટ્રિકસ શોધવામાં કુશળ છે,પણ એનો બોસ ,જે ખુદ જાદુગર છે એ ડોનની અમુક ટ્રિક્સ ચોરી પોતાના નામે ચઢાવી એના શો કરે છે. ડોન આનો બદલો લેવા બોસની હત્યા કરે છે. પછી પોતાની ઓળખ બદલી લે છે અને એ વધુ ગુના આચરે છે,જેમાં એ પોતાની જાદુની કુશળતાનો ઉપયોગ કરે છે. એક ડિટેક્ટીવ જાદુગર ડોનના પગેરું શોધી એની પાછળ પડે છે અહીં રજૂ થતી જાદુની અનેરી યુક્તિઓ દર્શકો માટે જબરું સસ્પેન્સ સર્જે છે..

નાઉ યુ સી મી
આ સિકવલની બે ફિલ્મને મળેલી અદ્ભુત સફ્ળતા પછી વધુ એક ફિલ્મ આવી રહી છે. અહીં ચાર એવા જાદુગરની ટોળકી છે, જે પોતાની જાદુગીરીથી અનેક જાતની ભ્રમણા ઊભી કરવામાં પારંગત છે. ‘ફોર હોર્સ’થી ઓળખાતું આ જૂથ પોતાની અવનવી વિસ્મયકારક જાદુઈ ટ્રિક દ્વારા ભ્રષ્ટ સમૃદ્ધ લોકો પાસેથી મોટી રકમ સરકાવીને પોતાના પ્રેક્ષકોને પહોંચાડે છે, પણ એમની આ ‘કુશળતા’ એક ફેડરલ એજન્ટોનું ધ્યાન ખેંચે છે અને પછી શરૂ થાય છે આ ચાર જાદુગરના જૂથ અને પેલા એફ.બી.આઈ એજન્ટ વચ્ચે સંતાકૂકડી અને પકડાપકડીના ખેલ ‘નાઉ યુ સી મી..’ની પહેલી મૂવી ૨૦૧૩માં રજૂ થઈ હતી. ત્યારે કુલ ૭૫ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મનું વર્લ્ડ બોક્સ ઑફિસ કલેકશન હતું -૩૫૩ મિલિયન ડૉલર! એ પછી ૨૦૧૬માં એની સિક્વલને ય સારી સફળતા મળી. હવે ૮ વર્ષ બાદ ત્રીજાની પણ તૈયારી છે,પણ ફિલ્મને એ જે નામ સાથે રજૂ કરવા માટે ફિલ્મની માર્કેટિંગ ટીમ અસંમત છે એટલે કદાચ નવા નામે એ રજૂ થશે.

ધ પ્રેસ્ટિજ
આ વર્ષે મોટા ભાગના બહુ પ્રતિષ્ઠિત ‘ઓસ્કર્સ’ અને એ જ કક્ષના ગોલ્ડન ગ્લોબ અવોર્ડસ જીતી લઈને સપાટો બોલાવનાર બહુ ચર્ચિત ફિલ્મ: ‘ઓપનહાઈમર’ ના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલન આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગતમાં બહુ ઊંચુ નામ છે. ૨૦૦૬ માં રજૂ થયેલી એમની લિખિત – દિગ્દર્શિત આ ફિલ્મે એ સમયે પણ સારી ચર્ચા જ્ગાડી હતી.

(IMDb રેટિંગ: 8.5/10) નઅહીં ફિલ્મકથા બે પ્રતિસ્પર્ધી જાદુગરોની આસપાસ ફરે છે. આમ તો એ બન્ને એકમેકના સારા મિત્ર છે, પણ એક જાદુગરની પત્નીના મૃત્યુ પછી એ બન્નેની મિત્રતા દુશ્મનીમાં પલટાઈ જાય છે. એકબીજાના જાદુ શોને બરબાદ કરવા માટે કંઇ પણ કરતૂત કરતાં રહે છે.

અવનવા જાદુના પ્રયોગો- પ્રેમ અને વિશ્ર્વાસઘાતના ધારદાર તત્ત્વો ધરાવતી આ ફિલ્મ ઉત્કંઠા – સસ્પેન્સ જમાવીને દર્શકોને છેક છેલ્લે સુધી ઝકડી રાખે છે..

આમ તો જાદુગરી એને એના કુશળ કસબી એવા બાજીગરોની વિસ્મય કથા અનેક છે.એમના પરથી બનેલી અનેક ફિલ્મો પણ છે,પણ એમાંની હજુ કેટલીક નોંધાપાત્ર ફિલ્મો વિશે આપણે વાત કરવાની બાકી છે..આપણો ખજાનો હજુ ખૂટ્યો નથી.

ધ વિઝાર્ડ ઓફ ઓઝ :
આ ફિલ્મ મૂળ તો ૧૯૦૦માં એલ.ફ્રેન્ક બાઉમેની નવલકથા ‘ધ વન્ડરફુલ વિઝાર્ડ ઓફ ઓઝ’ પર આધારિત હતી,જે એ જમાનામાં બાળવાર્તા તરીકે લોક્પ્રિય નીવડી હતી. ૩૯ વર્ષ પછી સંગીતમય શૈલીમાં ૧૯૩૯ દરમિયાન રજૂ થયેલી
આ ફિલ્મની બાળ-નાયિકા ડોરોથી એની શ્ર્વાન ટોટો એક ચક્રવાતમાં ફસાઈને એક ડાકણના અજાણ્યા પ્રદેશમાં પહોંચી જાય છે ત્યાં એને જે જાદુના અનુભવો થાય છે એની વાત પુસ્તક અને ફિલ્મમાં છે.

આ ફિલ્મની કથા ઘણી જાણીતી હોવા છતાં એને બોકસ ઑફિસ પર જોઈતી ખાસ સફળતા ન મળી. આમ છતાં અમેરિકાની ‘લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસ’ દ્વારા સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ જોવાતી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.

એ વિશે વાત કરીશું ફરી કયારેક ! (સંપૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…