બહુત હુઆ કેમેરા પે સમ્માન, અબ તો જી બોલેંગે હમ હી એક્શન
આ કલાકારો વિશે પણ જાણો , જેમણે એક્ટિંગ ઉપરાંત ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે !
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ઘણા એક્ટર્સ એક્ટિંગની સાથે-સાથે ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે, પણ લીડ એક્ટર્સ તરીકે નહીં. આપણે ચરિત્ર ભૂમિકા ભજવનારા કે દર્શકો માટે નામથી ઓછા પરિચિત કલાકારો કે જે ડિરેક્ટર બન્યા છે એમના વિશે વાત કરી રહ્યા હતા. ચાલો,
આ સપ્તાહે એમાં આગળ ધપાવીએ.
નંદિતા દાસ એટલે એવી જ એક અભિનેત્રી , જેણે પોતાની કારકિર્દીમાં દિગ્દર્શન પણ કર્યું છે. દીપા મહેતા દિગ્દર્શિત ‘૧૯૪૭ અર્થ’ (૧૯૯૮)થી જાણીતી બનેલી નંદિતા દાસે ઈંગ્લીશ, તમિલ, બંગાળી અને ગુજરાતી સહિત ૧૦ ભાષાની ફિલ્મ્સમાં એક્ટિંગ કરી છે. એ ઉપરાંત ૨૦૦૮માં એમણે દિગ્દર્શનની શરૂઆત કરી હતી ફિલ્મ ‘ફિરાક’થી. ૨૦૦૨ના ગુજરાતના લોહિયાળ દંગાઓ પર એ ફિલ્મ આધારિત હતી. એ ઉપરાંત ઉર્દૂ લેખક સઆદત હસન મંટો પરની મંટો’ (૨૦૧૮) અને ‘ઝવીગાટો’ (૨૦૨૩) પણ એમણે ડિરેક્ટ કરી છે. ‘મંટો’ અતિ પ્રતિષ્ઠિત કાન (ના, કાન્સ નહીં ! ) ફિલ્મ ‘ફેસ્ટિવલ’માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ‘ઝવીગાટો’ પણ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ‘ફેસ્ટિવલ’માં રજૂ કરવામાં આવી હતી. નંદિતા દાસની દિગ્દર્શક તરીકેની ફિલ્મ્સ આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ કરવામાં આવી. એટલું જ નહીં, કાન ફિલ્મ ‘ફેસ્ટિવલ’માં બે વખત જ્યુરી તરીકેનું પણ સન્માન એમને મળ્યું છે.
બીજા અભિનેતા, જેમણે મુખ્ય ભૂમિકાઓ તો કરી જ છે.એ ઉપરાંત, ચરિત્ર ભૂમિકાઓમાં ટોચની યાદીમાં રહ્યા છે તે એટલે નસીરુદ્દીન શાહ. હા, એમનું નામ દર્શકો માટે પરિચિત છે જ, એમણે પણ ફિલ્મ ડિરેક્ટ કરી છે એ વાત બહુ ઓછાને ખબર હશે. નસીરુદ્દીન શાહ એટલે થિયેટર બેકગ્રાઉન્ડ ધરાવતા કલાકાર. થિયેટરમાં એક્ટિંગ ઉપરાંત ઘણાં નાટકો ડિરેક્ટ પણ કર્યા છે. જો કે એ એમને ગમતી અને સતત ચાલતી પ્રક્રિયા છે. મુંબઈના પ્રસિદ્ધ ‘પૃથ્વી થિયેટર’ સહિત દેશ-વિદેશના અનેક નામાંકિત થિયેટર્સમાં એમનાં નાટકોના શોઝ થતા રહેતા હોય છે, પણ નસીરુદ્દીને આજ સુધી ફિલ્મ માત્ર એક જ ડિરેક્ટ કરી છે અને એ એટલે- ‘યૂં હોતા તો ક્યા હોતા’ (૨૦૦૬). ફિલ્મ અમેરિકાના ૯/૧૧ના હુમલાની આસપાસ અમુક ભારતીય પાત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં અલગ-અલગ પાત્રોની ચાર કહાની અલગ-અલગ રીતે ચાલતી રહે છે અને પછી ૯/૧૧ની એ ગોઝારી ફ્લાઈટમાં સૌના રસ્તા મળે છે એ પ્રકારની વાર્તા છે. હજુ વધુ એક એવું જ રસપ્રદ નામ છે- દીપ્તિ નવલ. હા, આ નામથી કદાચ ઓછો પરિચય હશે, પણ એમનાં કામથી નહીં હોય એવું તો ન જ બને. જૂની પેઢીને તો જો કે નામથી પણ હશે, છતાં એમનાં અભિનેત્રી તરીકેના કામની ઓળખ કરીએ. શ્યામ બેનેગલની ‘જુનૂન’ (૧૯૭૮) એમની પહેલી ફિલ્મ. એ પછી ૧૯૮૦ના દોરમાં પેરેલલ સિનેમાની મુખ્ય અભિનેત્રી તરીકે એમણે ‘ચશ્મે બદદુર’, ‘રંગ બિરંગી’, ‘ફાંસલે’, ‘સાથ સાથ’ જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું છે. એમની જ ‘ચશ્મે બદદુર’ની ૨૦૧૩માં રી-મેક બનાવવામાં આવી હતી. ફારૂક શેખ સાથે એમની ઓન સ્ક્રીન જોડી ઘણી સફળ રહી હતી. આજની પેઢીને વધુ પરિચય મળે એ માટે એમની આ સદીની ફિલ્મ્સમાંથી અમુક નોંધીએ તો અનુષ્કા શર્મા અભિનીત ‘એનએચ૧૦’ની અમ્માજી અને અર્જુન કપૂર અભિનીત ‘તેવર’માં એના કિરદારની મા એટલે દીપ્તિ નવલ.
દીપ્તિ નવલે- મનીષા કોઈરાલા અને રજિત કપૂર અભિનીત ફિલ્મ ‘દો પૈસે કી ધૂપ, ચાર આને કી બારીશ’ (૨૦૦૯)થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રદર્શન પામી હતી. અને ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ‘ફેસ્ટિવલ’માં એમની ફિલ્મને બેસ્ટ ‘સ્ક્રીનપ્લે’ એવોર્ડ પણ મળ્યો હતો. એમણે ‘થોડા સા આસમાન’ નામની એક ટીવી ધારાવાહિક પણ લખી અને ડિરેક્ટ કરી છે. એમણે ધ પાથ લેસ ટ્રાવેલ્ડ’ નામના એક ટ્રાવેલ- શોનું પણ નિર્માણ કર્યું છે.
સીમા પાહવાનું નામ સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય. ચાલો એમનો પરિચય પણ જૂની અને નવી બંને પેઢીને એમની રીતે જ કરાવું. ૧૯૮૪ની દૂરદર્શનની પ્રચલિત ધારાવાહિક ‘હમ લોગ’માં બડકીના પાત્રથી એમને ખૂબ જ ખ્યાતિ મળી હતી. એ પછી પણ એમણે ટીવીમાં ખૂબ કામ કર્યું. અને સાથે એ અરસામાં જ ફિલ્મ્સ મળી, પણ ઓછી, પણ જેમ નીના ગુપ્તાનો ફરી માની ભૂમિકાઓની ઉંમરે ફરી સિતારો ચમક્યો એમ જ સીમા પાહવાનું છે. જવાનીમાં ફિલ્મ્સ કરી એના કરતાં ક્યાંય ઘણી વધુ ફિલ્મ્સ એમણે હમણાનાં વર્ષોમાં કરી છે. ‘દમ લગા કે હૈશા’, ‘આંખો દેખી’, ‘બરેલી કી બર્ફી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘બાલા’, વગેરે ફિલ્મ્સમાં તમે એમને જોયાં હશે. ટૂંકમાં ૨૦૧૪થી લઈને ૨૦૨૦ વચ્ચે જેટલી સ્મોલ ટાઉન ફેમિલી ડ્રામા ફિલ્મ્સ આવી એમાંથી મોટાભાગની ફિલ્મ્સમાં સીમા પાહવા તમને જોવા મળશે.
હવે વાત કરીએ એમના ડિરેક્શનની. ૨૦૨૧માં રામપ્રસાદ કી તેરવી’ નામની ફિલ્મ એમણે ડિરેક્ટ કરી હતી. નસીરુદ્દીન શાહ, સુપ્રિયા પાઠક, કોંકણા સેન શર્મા, વિક્રાંત મેસ્સી, મનોજ પાહવા વગેરે અભિનીત આ ફિલ્મ પણ ફેમિલી ડ્રામા જ હતી. ફિલ્મ જો કે સૌ પ્રથમ પ્રદર્શિત થઈ હતી ૨૦૧૯માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં. આ ફિલ્મ માટે સીમા પાહવાને બેસ્ટ ‘ડેબ્યુ ડિરેક્ટર’ નો ‘ફિલ્મફેર’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
અનુપમ ખેર…. આ નામથી તો મોટાભાગના સિનેરસિકો પરિચિત હોવાના જ. જો કે, એમના કિસ્સામાં ખાસ વાત એ છે કે એમણે પણ ફિલ્મ દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો એ વાતથી સૌ માહિતગાર નહીં હોય. નસીરુદ્દીન શાહ અને સીમા પાહવાની જેમ જો કે અનુપમ ખેરે પણ હજુ સુધી તો માત્ર એક જ ફિલ્મમાં દિગ્દર્શન કર્યું છે. એ ફિલ્મ એટલે ૨૦૦૨માં
રિલીઝ થયેલી અનિલ કપૂર, ફરદીન ખાન, અભિષેક બચ્ચન, મહિમા ચૌધરી, તારા શર્મા અને ઉર્મિલા માંતોડકર અભિનીત ‘ઓમ જય જગદીશ’. આ ફેમિલી ડ્રામા ફિલ્મ કમાણીની દ્રષ્ટિએ સફળ રહી હતી. જો કે ‘ઓમ જય જગદીશ’ના કાસ્ટિંગ સાથે એક રસપ્રદ વાત જોડાયેલી છે. અનુપમ ખેરની સૌ પ્રથમ વાતચીત ચાલતી હતી આ ફિલ્મ માટે ‘યશરાજ ફિલ્મ્સ’ સાથે. ‘યશરાજે’ એમને ફિલ્મ ડિરેક્ટ કરવા તો કહ્યું, પણ એ શરતે કે કાસ્ટ હોવી જોઈએ આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન, કાજોલ, રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટા. આ સૌએ તારીખના કારણસર ફિલ્મ માટે ના પાડી દીધી એટલે ‘યશરાજ’ આ પ્રોજેક્ટમાંથી હટી ગયા ને આખરે વાશુ ભગનાનીએ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને અનુપમ ખેરે એનું દિગ્દર્શન કર્યું.
આ યાદીમાં તો હજુ રાહુલ બોસ, પંકજ કપૂર, મહેશ માંજરેકર, મકરંદ દેશપાંડે, કોંકણા સેન શર્મા જેવાં અનેક નામ અને એમની દિગ્દર્શિત ફિલ્મ્સ વિશે ઘણું જાણવા જેવું છે, પણ એમની વાત ફરી ક્યારેક…