બહુત હુઆ કેમેરા પે સમ્માન, અબ તો જી બોલેંગે હમ હી એક્શન
એક્ટર હોવા ઉપરાંત ફિલ્મ્સ જાતે ડિરેક્ટ કરી હોય તેવાં આ રોચક નામો વિશે જાણો છો?
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ફિલ્મ મડગાંવ ‘એક્સપ્રેસ’ના થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલા ટ્રેલરમાં દિગ્દર્શક તરીકે કુણાલ ખેમુનું નામ જોવા મળે છે. હા, કુણાલ ખેમુ એટલે ‘કલયુગ’, ‘ગો ગોવા ગોન’, ‘ગોલમાલ’ સિરીઝ, વગેરે ફિલ્મ્સનો એક્ટર, પણ ડિરેક્ટર તરીકે એનું નામ કેમ? ના, આ કોઈ ભૂલ નથી. એ ફિલ્મ કુણાલ ખેમુએ જ ડિરેક્ટ કરી છે. ના, એણે એક્ટર તરીકે નિવૃત્તિ નથી લીધી. એક્ટર તરીકે કાર્યરત હોવા ઉપરાંત એણે ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે. એક્ટર્સ ફિલ્મ્સ પ્રોડ્યુસ તો કરતાં જ હોય છે, પણ ડિરેક્ટર તરીકે નવું ક્રિએટિવ પદ સંભાળે એવા ઘણા ઉદાહરણ પણ આપણી સમક્ષ છે.
એક્ટર તરીકે અતિ જાણીતા અને પ્રસ્થાપિત હોવા ઉપરાંત ડિરેક્ટર બનનાર વ્યક્તિઓની યાદીમાં રાજ કપૂર, દેવ આનંદ, આમિર ખાન, ફરહાન અખ્તર (જોકે ફરહાન પહેલા ડિરેક્ટર બન્યો હતો), અજય દેવગણ, આર. માધવન, કંગના રનૌત, વગેરે વિશે સામાન્ય દર્શક ઘણોખરો માહિતગાર છે, પણ આ ઉપરાંત પણ સરખામણીમાં ઓછા જાણીતા કે પછી સહકલાકાર કે ચરિત્ર ભૂમિકાઓમાં કામ કરતા કલાકારોના ડિરેક્ટરની ખુરશી પર બેસવાના કિસ્સાઓ છે, જેની દર્શકોને જાણ નથી હોતી. એક તો દર્શકોને દિગ્દર્શકનું નામ જોવાની આદત ઓછી હોય અને જો જુએ તો પણ તે કલાકારોના ચહેરા જેટલા તેમના નામથી લોકો પરિચિત હોતા નથી. એટલે જ જેવું આમિર ખાન ફિલ્મ ડિરેક્ટ કરે ત્યારે ‘ઓહ, આમિર ખાન ડિરેક્ટર છે?’ જેવું દર્શકોનું રિએક્શન ઉપરોકત લખ્યું તે શ્રેણીના કલાકારોને મળતું નથી. અને એટલે જ ચાલો, જાણીએ એવા આર્ટિસ્ટ્સ અને એમની ડિરેક્ટર તરીકેની ફિલ્મ્સ વિશે. સતીશ કૌશિક નામ ખબર છે? હા, સામાન્ય દર્શક માટે આ એવું જ નામ છે કે જેમને ફિલ્મ્સમાં જોયા તો હોય, ચહેરાથી ઓળખતા પણ હોય, પણ એમના નામનો પરિચય ઓછો હોય. સતીશ કૌશિક એટલે ‘મિસ્ટર ઇન્ડિયા’ના કેલેન્ડર, ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’ના ચંદા મામા અને ‘દીવાના મસ્તાના’ના પપ્પુ પેજર. હમણાંની વાત કરીએ તો ‘શર્માજી નમકીન’ના ચઢ્ઢાજી, ‘સ્કેમ ૧૯૯૨’ના મનુ મુંદ્રા અને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના નદીમ ચાચા. હા, દુર્ભાગ્યવશ સ્વર્ગસ્થ સતીશ કૌશિક, પણ એમણે આ જાણીતાં પાત્રો ભજવ્યાં એ ઉપરાંત પોતે ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી છે એ સૌને ખબર નહીં હોય. તમને સલમાન ખાનની ‘તેરે નામ’, અનિલ કપૂર-શ્રીદેવીની ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ કે હિમેશ રેશમિયાની ‘કર્ઝ’ વિશે તો ખબર જ હશે. હા, આ બધી ફિલ્મ્સના દિગ્દર્શક એટલે સ્વ. સતીશ કૌશિક. ફક્ત આ ત્રણ જ નહીં, ‘પ્રેમ’ (૧૯૯૫) અને ‘હમ આપકે દિલ મેં રહતે હૈ’ (૧૯૯૯)થી માંડીને ૨૦૨૧માં રિલીઝ થયેલી પંકજ ત્રિપાઠી અભિનીત ‘કાગઝ’ સહિત કુલ ૧૪ ફિલ્મ્સ એમણે ડિરેક્ટ કરી છે. અમુક ફુલટાઇમ ડિરેક્ટર્સની તો આખી કારકિર્દીમાં પણ આટલી ફિલ્મ્સ નથી હોતી. જો કે ફિલ્મ્સની સંખ્યા ગુણવત્તાનો માપદંડ નથી , પણ કહેવાનો અર્થ એ કે સતીશ કૌશિકને ફક્ત એક્ટર તરીકે નહીં ગણવા માટે આ સંખ્યા, ફિલ્મ્સના નામ અને તેની સફળતા પૂરતા છે. અહીં ચરિત્ર ભૂમિકા ભજવનાર આર્ટિસ્ટ્સની આપણે વાત કરવી છે, પણ એમાં પણ અમુક નામ એવાં જડી આવે કે જે કારકિર્દીની શરૂઆતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હીરો કે હિરોઈન હોય, પછીથી સહ કલાકાર બને અને એ પછી ડિરેક્ટર પણ બને. અભિનેત્રી કમ ડિરેક્ટર રેવતી એટલું એવું જ એક નામ. ના ઓળખાણ પડી? રેવતી એટલે એમ તો તમિલ અને મલયાલમ સિનેમાનું મોટું નામ. આ ઉપરાંત એમણે તેલુગુ, હિન્દી અને કન્નડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. એમની પહેલી જ તમિલ ફિલ્મ ‘મન વસનાઈ’ (૧૯૮૩) સુપર સક્સેસફુલ રહી હતી અને રેવતીને એ માટે ‘ફિલ્મફેર’ એવોર્ડ પણ મળ્યો હતો. હિન્દી ફિલ્મ્સ જોનાર દર્શકોને વધુ ઓળખાણ માટે વાત કરીએ તો ૧૯૯૧માં રેવતીએ સલમાન ખાન સાથે ‘લવ’માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. એ ઉપરાંત એમણે ‘ડરના મના હૈ’, ‘અબ તક છપ્પન’, ‘૨ સ્ટેટ્સ’ અને છેલ્લે ‘ટાઇગર ૩’માં કામ કર્યું છે. ડિરેક્ટર તરીકે રેવતીએ પાંચ ફિલ્મ્સમાં કામ કર્યું છે. એમની ફિલ્મ્સના વિષય મજેદાર રહ્યા છે. ૨૦૦૨માં એમણે ડિરેક્ટર તરીકે શરૂઆત કરી ઈંગ્લીશ ફિલ્મ મિત્ર, ‘માય ફ્રેન્ડ’થી. એમની પહેલી જ ફિલ્મને ૪૯મા નેશનલ ફિલ્મ ‘એવોર્ડ્સ’માં બેસ્ટ ઈંગ્લીશ ફિલ્મ ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. એ પછી રેવતીએ ડિરેક્ટ કરી શિલ્પા શેટ્ટી, સલમાન ખાન અને અભિષેક બચ્ચન સ્ટારર ‘ફિર મિલેંગે’ (૨૦૦૪). ફિલ્મ હતી તત્કાલીન ચર્ચાસ્પદ સબ્જેક્ટ એચઆઇવી એઇડ્સ પર. એ ઉપરાંત રેવતીએ ‘કેરલા કેફે’ (૨૦૦૯) અને ‘મુંબઈ કટિંગ’ (૨૦૧૦) એન્થોલોજી ફિલ્મ્સમાં એક-એક સ્ટોરી ડિરેક્ટ કરી છે. એમની પાંચમી અને લેટેસ્ટ ડિરેક્ટોરીયલ ફિલ્મ એટલે કાજોલ અને વિશાલ જેઠવા દિગ્દર્શિત ‘સલામ વેન્કી’ (૨૦૨૨).
સામાન્યપણે એક્ટરના ચહેરાથી ફિલ્મ ઓળખાતી હોય છે એટલે જ જયારે એ એક્ટર કેમેરા પાછળ હોય ત્યારે એની ખાસ નોંધ લેવાતી નથી, પણ સિનેમાના એમાંના અમુક જીવ એવા પણ હોવાના કે જેમને પોતે જે વાર્તાઓમાં અભિનય કરે છે તે વાર્તાઓ કોઈ વખત કેમેરા પાછળથી કહેવાની ઈચ્છા પણ થાય.
એવા જ વધુ એક આર્ટિસ્ટ છે કે જે એક્ટરની સાથે સારા ડિરેક્ટર પણ છે- રજત કપૂર. હા, નામ સાથે તમને ચહેરાની ઓળખ પણ આપું. રજત કપૂર એટલે ‘કપૂર એન્ડ સન્સ’ના હર્ષ કપૂર, ‘ભેજા ફ્રાય’ના રણજીત થડાની અને હિન્દી ‘દ્રશ્યમ’ના તબુના પાત્ર મીરા દેશમુખના પતિ મહેશ દેશમુખ. રજત કપૂર થિયેટર સાથે પણ અતિશય સક્રિય રીતે જોડાયેલા છે. રજત કપૂરે જો કે અન્ય જે કલાકારોની વાત કરી એની સરખામણીએ એક્ટિંગ અને ડિરેક્શન વચ્ચેની ટકાવારી મુજબ વધુ ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે. એમણે કુલ ૧૨ ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે. આ વાતનો અંદાજ એ વાત પરથી આવે કે એમની એક્ટર તરીકેની ફિલ્મ પછી બીજી જ ફિલ્મ એમણે ડિરેક્ટ કરી હતી. એ ફિલ્મ એટલે ‘તરાના’ (૧૯૯૪). આ ફિલ્મને બેસ્ટ શોર્ટ ‘ફિક્શન ફિલ્મ’નો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી એમણે ‘હિપ્નોથીસીસ’ (૧૯૯૬), ‘પ્રાઇવેટ ડિટેક્ટિવ: ટુ પ્લસ ટુ પ્લસ વન’ (૧૯૯૭), ‘રઘુ રોમિયો’ (૨૦૦૩), ‘મિથ્યા’ (૨૦૦૮), ‘ફેટ્સો’ (૨૦૧૨), ‘આંખો દેખી’ (૨૦૧૪) જેવી અનેક ફિલ્મ ડિરેક્ટ કરી છે. ‘રઘુ રોમિયો’ને ‘બેસ્ટ ફિચર ફિલ્મ ઈન હિન્દી’ નો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. એમની ‘આંખો દેખી’ને પણ વિવેચકોએ ખૂબ જ વખાણી હતી.
જો કે, આ તો થયા ગણ્યા ગાંઠ્યા એક્ટર્સ કે જેમણે પોતાની કારકિર્દીમાં દિગ્દર્શક તરીકેની ભૂમિકા પણ ભજવી છે. હજુ કેટલાંય નામોની મજેદાર યાદી બાકી છે, જેમની વાત કરીશું આવતા સપ્તાહે. (ક્રમશ:)
લાસ્ટ શોટ
મિત્ર, ‘માય ફ્રેન્ડ’ ફિલ્મ અન્ય એક રસપ્રદ કારણસર પણ વિશેષ છે. એ ફિલ્મના ક્રૂ મેમ્બર્સમાં બધી સ્ત્રી જ હતી.