બૅબી બમ્પ હાલની અભિનેત્રીઓ પ્રેગ્નન્ટ બન્યા પછી પણ વેપલો કરી લેે છે
ફોકસ -દિવ્યજયોતિ નંદન
ખ્યાતનામ અભિનેત્રીઓ હંમેશાં ખબરમાં રહેતી હોય છે અને રહેવા માગતી પણ હોય છે. હવે તો અભિનેત્રીઓ બેજીવી બને તો તેમના પેટ દેખાડવાનું જાણે એન્જોય કરે છે. આ પ્રસંગનો લાભ લઇ તેઓ માત્ર એન્જોય નથી કરતાં પરંતુ બિઝનેસ પણ કરી જાણે છે. જો તમને વિશ્ર્વાસ ન આવતો હોય તો ગૂગલમાં મેટરનિટી ફોટો શૂટ આઇડિયા લખીને શોધખોળ કરજો. થોડી જ વારમાં તમારી સમક્ષ અનેક વેબસાઇટો ખૂલી જશે જે તમને આ અવસ્થામાં ફોટોગ્રાફી માટે એક એકથી ચઢિયાતા આઇડિયા આપશે. માત્ર મોટા પડદાની ખ્યાતનામ હિરોઇન જ નહીં, પણ નાની મોટી કે પછી ટીવી અભિનેત્રીઓ હોય પણ તેમનો સોશિયલ મીડિયા પર તેમનો દર્શક વર્ગ મોટો હોય તો તેમને માત્ર નવા આઇડિયા જ નહીં, પણ ખાસ્સી એવી રકમ પણ ઓફર થાય છે, કારણ કે તેમને ખબર છે કે આવી અર્ધઉત્તેજક તસવીરો પણ વેબસાઇટોને રાતોરાત માલામાલ કરી દેશે.
બિપાશા બસુ હોય કે અનુષ્કા શર્મા, સોનમ કપૂર હોય કે યામી ગૌતમ, કરીના કપૂર હોય કે આલિયા ભટ કે પછી હાલમાં જ પ્રેગ્નન્ટ બનેલી દીપિકા પદુકોણ કેમ ન હોય? આ બધી તો ખ્યાતનામ અભિનેત્રીઓ છે પણ પા પા પગલી કરતી હિરોઇનોને પણ બેબી બમ્પવાળી તસવીરો માટે કરોડો દર્શક મળે છે. આ કારણથી જ વેબસાઇટો કોઇ પણ કિંમત પર બેબી બમ્પવાળી અભિનેત્રીઓની તસવીરો મેળવવા તલપાપડ હોય છે. આ એક ઝડપથી વિકસેલો ડિજિટલ યુગનો નવો બિઝનેસ છે. માત્ર બૉલીવૂડ જ નહીં, હોલીવૂડમાં પણ ડૉલર કમાવા માટે આ એક સરળ ધંધો બની ગયો છે. આ જ કારણે ભારતીય હિરોઇનોની જેમ એન્જેલિના જૉલીથી માંડીને ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ જેવી અનેક સેલિબ્રિટિઝ પણ પોતાના બેજીવા મોટા પેટને વાજતે ગાજતે પ્લાન્ટ કરે છે. આખરે બૉલીવૂડ હોય કે હોલીવૂડ મહિલાઓ પોતાના ગ્લેમરનું પ્રદર્શન પૈસા કમાવવા માટે જ કરે છે.
ગર્ભવતી મહિલા સેલિબ્રિટીઝને આટલું કરીને કરોડો કમાવા મળે છે. આ તેમનો હક પણ છે કારણ કે તેમના લાખોની સંખ્યામાં ચાહકો પણ હોય છે જે તેમની નાની હકીકતોથી પણ વાકેફ રહેવા માગતા હોય છે. આ જ કારણથી અભિનેત્રીઓ માત્ર પોતાનું પેટ દેખાડીને જ નહીં, પોતાની વ્યક્તિગત લાઇફમાં બનતી ઘટનાઓને નાની મોટી ઘટનાઓને પણ ચાહકો સાથે શૅર કરીને કરોડો કમાવા માગતી હોય છે. પાછલાં કેટલાંક વર્ષો પર ધ્યાન દેવામાં આવે તો કેટલીય અભિનેત્રીઓ પોતાના લગ્નની જાહેરાતથી લઇને સગર્ભા બને ત્યાં સુધીની ઘટનાઓને શૅર કરીને કોઇ એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ સાથે પૈસા કમાવા માટે સમજૂતી કરતી હોય છે. વારંવાર પોતાના લગ્નની એટલી જૂઠી વાતો ફેલાવવામાં આવે છે કે ચાહકો એ જાણવા માટે ઘણા ઉત્સુક બની જાય છે કે ક્યારે મારી ફેવરિટ અભિનેત્રી આખરે લગ્નના બંધનમાં બંધાશે?
આવી જિજ્ઞાસાનો વ્યવસ્થિત ઉપયોગ આ વ્યવસાયિક અભિનેત્રીઓ રૂપિયા ખંખેરી લેવામાં કરે છે. હવે તો હનીમૂન દરમ્યાન કરવામાં આવેલી મસ્તીના ફોટા કે વીડિયો શૅર કરીને પૈસા કમાવાનું શરૂ થઇ ગયું છે. હનીમૂન ક્યાં મનાવવા જવું એ બાબતોનો પણ ખુલાસો કરીને પૈસા ઓળવી લે છે.
માત્ર આવા ફોટા જ નહીં, પોતાની અંગત જાણકારી અને કામુક ભાવભંગિમાવાળી તસ્વીરો પણ શૅર કરવાનું વલણ વધ્યું છે. અભિનેત્રીઓના જીવનનું સત્ય એ જ છે કે તેમની દરેક પળો કારોબારની પળો છે જેને તેઓ વ્યર્થ જવા દેવા નથી માગતી.
એ અકારણ નથી જ કે આજકાલ દીપિકા પદુકોણને બેબી બમ્પવાળા ડ્રેસમાં જોવા કે તેની એક ઝલક પામવા તેમના કરોડો ચાહકો બેચેન હોય છે. આ જ કારણથી હવે બેબી બમ્પને પ્રદર્શિત કરવાનો વ્યવસાય કરોડો
રૂપિયાનો થઇ ચૂક્યો છે. આ ધંધો હજી ફૂલશે ને ફાલશે કારણ કે આ ઉદ્યોગ વધુને વધુ આકર્ષક, ઉત્તેજક અને ખાનગી થઇ રહ્યો છે. આ કારણથી હિરોઇનોમાં એ સાબિત કરવાની પણ હોડ લાગી રહી છે કે તેનો બેબી બમ્પ બીજી અભિનેત્રીના બમ્પ કરતા વધુ મોટો, વધુ આકર્ષક અને વધુ ચર્ચામાં રહેે છે.