મેટિની

આયુષ્માન ‘જોખમી’ ખુરાના

મૂંડાવીને માલ અને માન મેળવવામાં સફળ રહેવાની કાબેલિયત અભિનેતામાં છે અને પહેલી જ ફિલ્મથી ગ્લેમરની ચકાચોંધ રોશની નહીં પણ અભિનયના અજવાળા એની પ્રાથમિકતા રહી છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

જોખમ એટલે નુકસાન, ધોકો જેવા નકારાત્મક અર્થની સાથે એક સકારાત્મક અર્થ છે સાહસ અને જોખમ ખેડવું એટલે સાહસ કરવું એ અર્થ પણ કદાચ સાહસ કરીને સામેલ કરવામાં આવ્યો હશે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મૂંગી ફિલ્મોનું સામ્રાજ્ય હતું એ સમયમાં સાહસિક સ્વભાવના અરદેશર ઈરાનીએ જોખમ લઈ ‘આલમ આરા’ નામનું બોલપટ બનાવવાનું સાહસ કર્યું. તેમના પાસા સવળા પડ્યા અને હિન્દી ફિલ્મ મનોરંજનનું વ્યાપક માધ્યમ બની ગઈ. ગુલામ હૈદર નામના સંગીતકારે હિન્દી ફિલ્મમાં પંજાબી લોકસંગીતના શણગાર ગણાતા ઢોલને સ્થાન આપવાનું અને ‘પાતળા અવાજ’નું કારણ આપી લતા મંગેશકરને રિજેક્ટ કરનારા ફિલ્મિસ્તાનના નિર્ણય સામે લતા મંગેશકરને તક આપવાનું એ બે જોખમ લીધાં જેનાં ફળ આપણે વર્ષોથી ખાતા આવ્યા છીએ. એક્શન ફિલ્મોનો દબદબો હતો એ સમયમાં ‘ચાંદની’ ફિલ્મ બનાવવાનું જોખમ યશ ચોપડાએ લીધું. હીરો થઈને ફિલ્મમાં એક હિરોઈનની હત્યા કરવાનું જોખમ શાહરૂખ ખાને ‘બાજીગર’માં લીધું અને એનો લાભ એને અંગત રીતે થયો અને આપણને એક કાબેલ કલાકાર મળ્યો. જોખમનાં આવાં અનેક ઉદાહરણો ફિલ્મ ઈતિહાસના ચોપડે નોંધાયા છે. ૨૦૧૨માં ‘વિકી ડોનર’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનાર આયુષ્માન ખુરાના એકવીસમી સદીનો ‘જોખમી’ એક્ટર તરીકે પંકાયો છે. મૂંડાવવું એટલે છેતરાઈ જવું એમ શબ્દકોશ કહે છે પણ આયુષ્માન ‘મૂંડાઈ’ને (‘બાલા’ ફિલ્મમાં માથે ટકો ધરાવનાર બાલમુકુંદ ‘બાલા’ શુક્લા) લાભ મેળવનાર કલાકાર છે. ૧૨ વર્ષની નાનકડી કારકિર્દીમાં આયુષ્માનએ એકથી વધુ વાર જોખમ ઉઠાવ્યા છે અને ‘ઈકબાલ’ ફિલ્મના ગીતની ‘આશાએં ખિલે દિલ કી, ઉમ્મીદેં હંસે દિલ કી, અબ મુશ્કિલ નહીં કુછ ભી, નહીં કુછ ભી’ પંક્તિને સાર્થક સાબિત કરી છે.

વિવિધ રિયાલિટી શોમાં પોતાનો કસબ દેખાડી સારી સફળતા મેળવનાર આયુષ્માન ખુરાનાએ ‘વિકી ડોનર’ (૨૦૧૨)થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું. સ્પર્મ ડોનેશન અને વંધ્યતા જેવા મુદ્દાને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મમાં ટિપિકલ ગ્લેમરને નામે મીંડું હતું. જોકે, ફિલ્મનો વિષય, એની ટ્રીટમેન્ટ અને ખાસ તો આયુષ્માન ખુરાનાના અભિનયને ફિલ્મ રસિકોએ વધાવી લીધો. યે લંબી રેસ કા ઘોડા હૈ એવું વિવેચકોએ કહી દીધું. ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યા. મહત્ત્વની વાત એ પણ હતી કે અભિનયની આવડતની સાથે સાથે આયુષ્માન કેળવાયેલો કુશળ ગાયક પણ છે. નિર્માતા માટે ટુ – ઈન વનનું પેકેજ એ તો ફાયદા હી ફાયદા જેવું કહેવાય. પહેલી જ ફિલ્મમાં ‘હટ કે’ રોલ કર્યા પછી ફિલ્મ હટી ન ગઈ, પણ હિટ થઈ એટલે આયુષ્માન ‘ક્ધટેન્ટ ફિલ્મ’ (એવી ફિલ્મો જેમાં કલાકારો કરતાં કથાનું પલડું ભારે હોય અને જેમાંથી સમાજને કોઈ પોઝિટિવ મેસેજ મળતો હોય) કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ‘દમ લગા કે હૈસા’, ‘બધાઈ હો’, ‘શુભ મંગલ સાવધાન’, ‘બાલા’, ‘આર્ટિકલ ૧૫’ વગેરે એના ઉદાહરણો છે. ‘અંધાધુન’માં તો તેણે દર્શકોને રીતસરનો પોઝિટિવ ઝટકો જ આપ્યો હતો.

પ્રવાહની સાથે નહીં પણ અલગ વહેણમાં તરવાના પોતાના પ્રવાસ વિશે આયુષ્માન પસંદ કરેલા વિકલ્પ અંગે એકદમ સ્પષ્ટ છે. તે જણાવે છે કે ‘એક અભિનેતા તરીકે મેં કાયમ એવો માર્ગ પસંદ કર્યો છે જે રસ્તે બહુ ઓછા લોકો આગળ વધ્યા હોય અને જેમાં જોખમનું તત્ત્વ રહેલું હોય. ઈરાદાપૂર્વક હું આવું શું કામ કરતો હોઈશ એની અનેક લોકોને નવાઈ લાગી હશે, પણ જોખમ લીધા વિના મળેલી સફળતાનો આનંદ વિશેષ નથી હોતો. સમાજમાં જે પ્રતિબંધિત કે વર્જિત હોય કે જે વાત ખુલીને કરવામાં નાનપ કે શરમનો અનુભવ થતો હોય એવી અલાયદી કથા પડદા પર રજૂ કરવાનું જોખમ લેવાનું મને કાયમ ગમ્યું છે. મારું માનવું છે કે જિંદગી એટલે લીધેલાં જોખમોનો સરવાળો અને આજની તારીખમાં કદાચ હું સૌથી વધુ જોખમ લઈ કામ કરતો હિન્દી ફિલ્મોનો અભિનેતા છું. મેં અલગ અલગ વિષયની ફિલ્મો કરવાને પ્રાધાન્ય આપ્યું છે જેને ભાગ્યે જ સ્પર્શવામાં આવ્યા હોય. ’વિકી ડોનર’માં સ્પર્મ ડોનેશનનો મુદ્દો હતો, ‘શુભ મંગલ સાવધાન’માં નપુંસકતા કેન્દ્રમાં હતી જ્યારે ‘બાલા’ એવી ફિલ્મ હતી જેમાં ત્રીસેક વર્ષના પુરુષો ટકલા થવાની સમસ્યા પર ફોકસ કરવામાં આવ્યું હતું.’

આયુષ્માનનું નસીબ એટલું સારું છે કે તેણે એવા દોરમાં અભિનયનો આરંભ કર્યો છે જ્યારે ફિલ્મમેકરો અલાયદા વિષયો પર ફિલ્મ બનાવવા તલપાપડ છે. જોખમ લેવા માગે છે અને આ જોખમી ફિલ્મોની સફળતાની ટકાવારી પણ ઉત્સાહ વધારનારી છે.

આયુષ્યમાનની છેલ્લી કેટલીક ફિલ્મો એ જોખમ લેવા તત્પર હોવાની સાબિતી આપે છે. ‘ડોક્ટર જી’માં તેણે ગાયનેકોલોજીસ્ટનો રોલ કર્યો, ‘એક્શન હીરો’માં એક્શન અભિનેતા તરીકે કમાલ દેખાડી જ્યારે ‘ડ્રિમ ગર્લ ૨’માં પ્રેયસીને મેળવવા પૂજા નામની છોકરીનો અવતાર ધારણ કર્યો. આનંદની વાત એ છે કે આયુષ્યમાન પસંદ કરેલા ’જોખમી રસ્તા’ પર જ આગળ વધવા માગે છે. આ વર્ષે વિવિધ શૈલીની ફિલ્મો કરવા ધારે છે એવો ઈરાદો તેણે સ્પષ્ટ કરી દીધો છે. ‘મારી ફિલ્મોના વિષયોમાં વૈવિધ્ય તો રહેશે જ,’ આયુષ્યમાન દ્રઢતાપૂર્વક જણાવે છે, ‘પરિવાર સાથે થિયેટરમાં ગયેલા દર્શકને રસપ્રદ વિષય ધરાવતી ફિલ્મ જોવાથી આનંદ મળે એવી મારી કોશિશ રહેશે.’ સારી વાત છે. ‘એનિમલ’, ‘જવાન’ ભલે બને અને ભલે ચાલે પણ આયુષ્માન શૈલીની ફિલ્મો પણ બનતી રહે એમાં દર્શકનું હિત જળવાયું છે એટલું ચોક્કસ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button