હુમલો
ટૂંકી વાર્તા -સુમંત રાવલ
‘નિજાનંદ’ નામના એપાર્ટમેન્ટના ત્રીજા માળે હું, નીલુ અને દિનુ રહેતા હતા. દિનુ હજુ પાંચ વરસનો હતો – મારું અને નીલુનું પહેલું ફરજંદ. અમે લાડમાં તેને ‘દિકુ’ કહેતા હતા. ફ્લેટ વેચતી વખતે દલાલે ‘નિજાનંદ’ની વ્યાખ્યા વિશે કહ્યું હતું: નિજ એટલે પોતાનો અને આનંદ એટલે આનંદ… અહીં બધા પોતપોતાને પ્રાપ્ત થતા આનંદમાં જીવીર રહ્યા છે. તેણે પશ્ર્ચિમ તરફ ખૂલતી બાલ્કની બતાવતાં કહ્યું હતું ‘મિસ્ટર એન્ડ મિસિસ શુકલ, અહીં ઝૂલો મૂકીને તમે બંને રોજ સાંજે બેઠાં બેઠાં શીતળ હવા માણી શકશો અને સંધ્યાના રંગોને પણ નિહાળી શકશો. કદાચ તમારી વચ્ચે તકરાર થઈ હશે તો આપોઆપ સમાધાન થઈ જશે.’
‘અમારી વચ્ચે ક્યારેય તકરાર થતી નથી…’ નીલાએ તેની વાત તોડી પાડી હતી. ‘તો દાંપત્યજીવન અધૂરું ગણાય!’ દલાલે મજાકમાં કહ્યું હતું. તે જ દિવસે બંને સંમત થઈ ગયા. ફ્લેટનું બુકિંગ થઈ ગયું. બે બેડરૂમ, એક હોલ, લેટેસ્ટ કિચન અને બાલ્કની. શહેરમાં ઠેરઠેર ભટકી ભાડે મકાન શોધવાના દિવસો ગયા, એટલે ખાલી બોટલની જેમ ઠેબે ચડતું અમારું દાંપત્યજીવન છેવટે સ્થિર થઈ ગયું.
અમારી સામેના ફ્લેટના દરવાજે તાળું લટકતું હતું. વેચાઈ ગયો હતો, પણ માલિક રહેવા આવતા નહોતા. સાંભળ્યું હતું કે પતિ એન્જિનિયર હતો. પોતાની પ્રાઈવેટ કંપની હતી એટલે ખૂબ વ્યસ્ત રહેતો હતો. ઘરની કાર પણ હતી. પતિ-પત્ની બે જણ હતાં, બાળક નહોતું પણ ખાસ્સી કમાણી હતી. હું નોકરી પર ચાલ્યો જતો હતો, દિકુ સ્કૂલે ચાલ્યો જતો હતો અને નીલા એકલી ટીવી સામે બેસી રહેતી હતી. એક વાર તેણે ફરિયાદ કરી. ‘આ સામેવાળા ક્યારે રહેવા આવશે?’
‘તેમને મન થશે ત્યારે…’ મેં ઉડાઉ જવાબ આપ્યો.
‘પણ તેમને મન ક્યારે થશે.’ તે અકારણ ચિંતા કરવા લાગી. ‘કળશ મૂકી ગયાને અઠવાડિયું થઈ ગયું. કે’છે કે મોટો બિઝનેસમેન છે, પૈસાની રેલમછેલ છે…’
‘હા ઘરની કાર પણ છે. બિલ્ડર્સ લોબી સાથે કામ રહે છે – પ્લાન, એસ્ટીમેટ બનાવવા, કામનાં સર્ટિફિકેટો આપવા એટલે સાચુંખોટું કરવામાં માહેર છે અને નીલા આજકાલ સાચુંખોટું કરવામાં જ કમાણી છે…’ મેં નીલાની પ્રતિક્રિયા જાણવા જરા લંબાણપૂર્વક વાત કરી.
‘કાર’ શબ્દ કાને પડતાં જ તેની આંખો ચમકી ઊઠી. ‘કાર… અહા… તો તો ફરવામાં મજા પડશે.’
‘હા, પણ એ ન ભૂલતી કે એ કાર પારકી છે, તેના કરતાં આપણું આ બજાજ સ્કૂટર શું ખોટું? બજાજ કી સૈર હવા મેં લહેર…’ મેં ટીવીમાં આવતી જાહેરાતના શબ્દો અભિનય સહિત કરી સંભળાવ્યા, ત્યાં તેના નાકનું ટેરવું ચડી ગયું.
‘પણ અધવચ્ચે બગડે છે, ત્યારે સૈરની મજા વેરવિખેર થઈ જાય છે.’ એટલું બોલતાં તેની ડોક નમી ગઈ. મેં તેની નમેલી ડોકને બે હાથ વચ્ચે પકડીને ઊંચી કરી, બંને ગાલ પર મારા હાથની હથેળી ગોઠવતાં કહ્યું, ‘ડાર્લિંગ… એમ નારાજ ન થા. આપણા માટે બે પુષ્પક વિમાન છે, જે સ્વર્ગની સેર કરાવે છે. આગળ દિકુ હોય, સીટ પર હું હોઉં અને મારી પીઠ પાછળ તું હોય… એની મજા કંઈક ઓર હોય છે… મેં મારી ટૂંકી આવકમાં લોન લઈને ખરીદ્યું છે… હજી ગયા માસે હપ્તા પૂરા થઈ ગયા. હવે આ એ વેહિકલ આપણું થઈ ગયું…’ મેં છાતી ઠોકતાં કહ્યું પણ તેણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું…
બીજા અઠવાડિયામાં જ સામેનું ફેમિલી રહેવા આવી ગયું. પુરુષનું નામ મુકુલ શેઠ હતું અને સ્ત્રીનું નામ કૌમુદિની શેઠ હતું. દેખાવમાં જ શેઠશેઠાણી લાગે તેવાં શરીર ફૂલેલાં હતાં. ટ્રક ભરીને સામાન આવી ગયો. નીલા તો ફાટી આંખે જોતી રહી ગઈ… બાપ રે… કેટલો બધો સામાન! શેઠ સીધા જ મને મળવા દોડી આવ્યા. હાથ મિલાવતાં કહ્યું, ‘મેં બધું વસાવી લીધું છે… કોઈની સાડીબાર નહીં…’
મારા ઘરના જૂના સોફા પર બેસતાં તેમનો જીવ કચવાતો હતો. પેટ બહાર નીકળી ગયું હતું. આંખો પર ચશ્માં હતાં અને માથા પર ટાલ પડી ગઈ હતી. દેખાવ પરથી ગર્ભશ્રીમંત લાગતો હતો, તે ગયા એટલે મેં નીલાને કહ્યું, ‘સુખી માણસનું શરીર હંમેશાં ભારે જ હોય…’
તેણે ઠાવકું મોં રાખ્યું, હું ચૂપ થઈ ગયો અને મારા એકવડિયા શરીરને ધારી ધારીને જોવા લાગ્યો.
સાંજે દિકુ સ્કૂલેથી આવી ગયો. તેના ખભા પરનું દફતર જોતાં નીલાએ પૂછ્યું, ‘કેતન તું કાલે ફ્રી છો?’
‘કેમ?’
‘આપણે થોડું શોપિંગ કરવા મોલમાં જવાનું છે. ખાસ તો દિકુનું દફતર જૂનું થઈ ગયું છે, આ વરસે નવા આકારનાં દફતર બજારમાં આવ્યાં છે…’
મેં દફતર હાથમાં લીધું અને જોયું, ‘આમાં શો વાંધો છે… મેન્યુફેક્ચર્સવાળા કમાણી કરવા માટે દર વર્ષે નવા નવા મોડેલના દફતર બજારમાં મૂકતા રહે છે. આપણે મકસદ એટલો જ છે કે દફતરમાં પુસ્તકો સલામત રહે છે, લંચ બોક્સ, વોટરબેગ માટે અલગ ખાના છે, ધેટ્સ ઈનફ!’ પછી મેં દિકુને પૂછ્યું,’ ‘તને દફતર ગમે છેને?’
‘યસ… પપ્પા!’
‘તે દોડીને મારી ગોદમાં ભરાઈ ગયો. મેં તેની પીઠ થાબડતાં કહ્યું ‘આખરે દીકરો કોનો!’ નીલા મોં બગાડીને રસોડામાં ચાલી ગઈ.
હવે નીલાને પેલી શેઠાણીની કંપની મળી ગઈ હતી. એટલે તે ભારે ખુશ હતી. શેઠાણી પણ દિલની વિશાળ હતી, ચા, નાસ્તો, ઠંડું… નીલાની મહેમાનગતિ કરતી રહેતી, ઈમ્પોર્ટેડ ચીજવસ્તુ, કપડાં ફર્નિચર બતાવ્યા કરતી હતી… હું ઓફિસેથી આવતો ત્યારે તે શેઠાણીના ફ્લેટમાં જ બેઠેલી જોવા મળતી હતી. રોજ શેઠાણીના વખાણ કરતાં થાકતી નહોતી.
‘આજ તો કૌમુદિની બહેન સાથે બહુ મજા કરી ૬૫ ઈંચના સ્ક્રીનવાળા ટીવી પર પિકચર જોયું. ઈમ્પોર્ટેડ ડીવીડી અને જૂનીનવી ફિલ્મોની સીડીનો ખજાનો છે… રોજ કાજુ-દ્રાક્ષવાળા ચેવડાનો નાસ્તો કરાવે છે. ફ્રૂટ તો ફ્રીજમાં ખીચોખીચ ભરેલાં હોય છે. કપડાં ધોવા, વાસણ માંજવા અને પોતા કરવા માટે તો કામવાળી રાખી છે… વેરી લકી વુમન!!’
‘એટલે જ તે ભદ્દી થઈ ગઈ છે.’ ‘ મેં બુટની લેસ છોડતાં કહ્યું
‘તને બીજાના સુખની ઈર્ષ્યા આવે છે, કેતન!’ તેણે કહ્યું, હું દલીલ કર્યા વગર બાલ્કનીમાં ચાલ્યો ગયો. ત્યાં મેં ચારેય કોર્નર પર જુદી જુદી જાતના ગુલાબના રોપા ગોઠવ્યાં હતાં, મારી ગેરહાજરીમાં દિકુ કૂંડાની સંભાળ રાખતો હતો. અત્યારે પણ તે ઝારી વડે પાણી સીંચી રહ્યો હતો. ફૂલો બેસી ગયાં હતાં અને ઊઘડી પણ ગયાં હતાં.
‘પપ્પા, કાલે સવારે મેં આ કૂંડા પર એક પતંગિયું ઊડતું જોયું હતું. મને પતંગિયાની રંગબેરંગી પાંખો બહુ ગમે…’તેણે આંખો પટપટાવતાં કહ્યું. હું જોઈ રહ્યો તેની આંખોમાં ઊડ ઊડ થતી પતંગિયા નામની ખુશીને!
એક રવિવારે મુકુલ શેઠ ફ્રી હતા, તેમણે ચા-નાસ્તા માટે અમને બોલાવ્યા ‘આજ ફ્રી છું ચાલો થોડી વાર વાતો કરીએ…’ અમે બંને દિકુને લઈને ગયાં, ડ્રોઈંગ રૂમની સજાવટ અનોખી હતી. છત પર ઝુમ્મર, ફર્શ પર કાર્પેટ, કોર્નર પર નાનકડું ફિશ પોન્ડ. ચા-નાસ્તો લેતાં પહેલાં તેમણે પત્ની પાસે ટેબ્લેટ માગી, પાણી સાથે ટેબ્લેટ ગળતાં કંટાળાજનક અવાજે બહ્યું…’ હમણાંથી શુગરની તકલીફ વધી ગઈ છે…’
‘આટલી નાની ઉંમરે…’
‘બીમારી ઉંમરની શરમ ભરતી નથી…’ તેમણે કહ્યું અને પરાણે હોહો દઈને હસી પડ્યા. તેમની પત્ની તો શોકેસની ઢીંગલી જેમ શરીર પર આભૂષણોનો ઠઠેરો કરીને બેઠાં હતાં.
‘બહું દોડધામ કરો છો?’ મેં ચાનો કપ ઉપાડતાં કહ્યું.
‘પૈસો થોડો બેઠા બેઠાં પેદા થાય છે, તેને પામવા તો રીતસરની દોટ મૂકવી પડે છે…’ તેમણે સ્મિત કરતાં કહ્યું… પછી દિકુ સામે જોતાં કહ્યું, ‘તમારો બાબો બહુ સ્માર્ટ છે…’
આ વખતે રજામાં આપણે બધા ફાર્મહાઉસ ફરવા જઈશું…’ તેમની પત્નીએ કહ્યું.
‘ફાર્મ હાઉસ!’
‘હા, અમારું એક નાનકડું ફાર્મ હાઉસ છે. ત્રણ-ચાર એકરનું…’ શેઠે કહ્યું.
એ રાતે નીલાએ કહ્યું,’ કેવા મેચ્યોર્ડ છે શેઠસા’બ,
‘હા છે મજાના…’ મેં કહ્યું.
‘ખૂબ સુખી છે…’ ગણગણી…
‘તને બખર છે નીલા! મકાન બતાવતી વખતે આપણને પેલા દલાલે કહ્યું હતું તે…!’
‘હા યાદ છે… આ એપાર્ટમેન્ટનું નામ નિજાનંદ છે… અહીં બધાએ પોતપોતાના આનંદમાં સુખ શોધવાનું છે… પણ માત્ર, આપણે શોધવાનું છે, શેઠ દંપતીને શોધવાનું નથી… તેમને તો પ્રાપ્ત થઈ ચૂક્યું છે…’
શેઠ દંપતી સાથેના છ માસના સહવાસને કારણે નીલા અફાટ રણમાં ધકેલાઈ ગઈ હતી. જ્યાં ચોતરફ માત્ર અને માત્ર રેતી નજરે પડતી હતી, દૂ…ર પાણીનું ઝરણું નજરે પડતું હતું. નીલા એ ઝરણાં સુધી પહોંચવા દોડી રહી હતી, પણ મારે કઈ રીતે સમજાવવું કે એ ઝરણું તો માત્ર ભ્રમ છે. આ બહારથી દેખાતો ચળકાટ એ સુખ નથી, સુખ તો ભીતર છુપાયેલું હોય છે. ભીતર છુપાયેલા સુખ પર પથ્થર મૂકી તે બહાર દેખાતા સુખ તરફ ડાફોળિયાં ભરી રહી હતી… તે પોતાની છબી પારકાની ફ્રેમમાં ગોઠવવા મથી રહી હતી. તે પોતાના ચહેરાનું પ્રતિબિંબ પારકાના અરીસામાં જોવા તડપી રહી હતી. હું કહેતો: તારી આ ઝંખના તને છિન્નભિન્ન કરી નાખશે… પણ એ મારી વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતી…
સાંજે અમે બાલ્કનીમાં બેઠાં હતાં, સૂરજ ઢળી ગયો હતો અને ખુલ્લાં ખેતરોમાં વૃક્ષોના પડછાયા લાંબા થઈ ગયાં હતાં. ત્યારે નીલાએ અચાનક પ્રશ્ર્ન કર્યો…
‘કેતન, તું મને ક્યાંક જોબ શોધી આપ…’
‘કેમ?’
‘હું ગ્રેજ્યુએટ છું. કમ્પ્યુટર જાણું છું. નવરા બેસી રહેવા કરતાં નોકરી કરીશ તો ઘરમાં બે પૈસા આવતા થશે… તો ઘરમાં થોડું આધુનિક ઢબનું ફર્નિચર…’
‘ઘરમાં પૂરતું ફર્નિચર છે…’
‘હું ફર્નિચરની વાત નથી કરતી, ઘરમાં પૈસો આવશે એટલે માન-મોભો વધે… અત્યારે બધા પૈસાની પૂજા કરે છે…’
‘હું નથી કરતો…’
‘તું મૂરખ છે… લોકો મૂરખ નથી. જોતો નથી સામેવાળા કેવી રીતે જીવે છે…’
‘આપણે ક્યાં ખરાબ રીતે જીવીએ છીએ..’
‘આ તે કંઈ જીવન છે…’ તેણે કહ્યું, તે વખતે જ સૂરજ ડૂબી ગયો, નીલાના ચહેરા પર અંધારું ઊતરી આવ્યું, ‘જે પોતાના જીવનને કોસતા રહે છે તેને ક્યાંય સુખચેન મળતું નથી. જે પોતાના જીવનનું અપમાન કરે છે તે પોતાની જાતનું પણ અપમાન કરે છે.’
‘તારી ફિલોસોફી તારી પાસે રાખ..’ એટલું કહેતાં તે ઊભી થઈ ગઈ.
તે દિવસે સાંજ જલદી ઢળી ગઈ હોય તેવું લાગ્યું, સૂરજ ઝડપથી ડૂબી ગયો અને અંધારું ઝડપથી ઊતરી આવ્યું. હું અકળાઈ ગયો. મેં બાલ્કનીમાં બત્તી કરી તો પીળો માંદલો પ્રકાશ નીચે ઊતરી આવ્યો.
સાંજે તેણે કાચુંપાકું રાંધી નાખ્યું અને ઝડપથી મિસિસ શેઠને ત્યાં ચાલી ગઈ. મારાથી જ્યારે પણ નારાજ થતી ત્યારે તે મિસિસ શેઠના ઘરમાં ઘૂસી જતી. એકાદ કલાક પછી પાછી ફરી, ત્યારે પણ મોં ચડેલું હતું. મને હસવું આવતું હતું. મેં પૂછ્યું, ‘મોટા સ્ક્રીનવાળા ટીવી પર કઈ સિરિયલ જોઈ?’
‘તમારે જાણીને શું કામ છે?’
‘આ તો ખાલી પૂછું છું…’
તેણે જવાબ ન આપ્યો. થોડી વારે ઘોઘરા અવાજે કહ્યું. ‘નોકરાણીની જેમ ઘરમાં ઢસરડા કરવા તેના કરતાં ઓફિસમાં નોકરી કરવી શું ખોટી?’ પછી રસોડામાં વાસણ પછાડતાં ઉમેર્યું. ‘આ રેખા અને તેનો પતિ બંને નોકરી કરે છે. ઘરમાં રાંધવાવાળી પણ રાખી છે. બંને લહેર કરે છે…’
‘નીલા… તું બીજાની સાથે આપણી સરખામણી કરવાની છોડી દે.’
મારો અવાજ જરા ઊંચો થઈ ગયો, એટલે તેની આંખો વિસ્ફારિત થઈ ગઈ. ‘કેતન, તું આ રીતે ઘાંટો પાડીને મને ધમકાવવા માગે છે… તું એ ન ભૂલીશ કે હું મારા મા-બાપની એકની એક છું, ખૂબ લાડકોડથી ઊછરી છું, તારી ધાકધમકીની અસર દિકુ ઉપર કેટલી ખરાબ પડે તેની તને ખબર છે?’
‘મને બધી ખબર છે… આ શેઠ દંપતીની ઝાકઝમાળે તને આંજી દીધી છે. પણ એ સુખ નથી. સુખ આપણી નજીક છે અને તું દૂર શોધવા નીકળી પડી છે, આપણા બાળકમાં સુખ છે. આપણા ઘરમાં સુખ છે, આપણા ટૂંકા પગારમાં પણ સુખ છે, પણ એ તને દેખાતું નથી…’
‘મારે તારી રૂપાળી દલીલો સાંભળવી નથી. સાત વર્ષથી સાંભળી સાંભળી હું બહેરી થઈ ગઈ છું… હવે… મેં નક્કી કરી લીધું છે…!’
‘શું નક્કી કરી લીધું છે?’ હું ગભરાઈ ગયો.
‘મારાં મા-બાપ પાસે ચાલ્યા જવાનું… દિકુને લઈને હું વહેલી સવારની ટ્રેનમાં જ નીકળી જવાની છું…’ બોલતાં બોલતાં તેણે કબાટ ખોલ્યો અને પોતાનાં તથા દિકુનાં કપડાં સૂટકેસમાં ભરવા લાગી… એક પછી એક કપડાં સૂટકેસમાં ગોઠવતી જતી હતી અને બોલતી જતી હતી… ‘હું મારા બાપને ભારે નહીં પડું… ઘણી બચત કરી છે. દિકુને ઈંગ્લિશ સ્કૂલમાં ભણાવી શકું એટલી મૂડી છે…’
ત્યાં ડોરબેલનો કર્કશ અવાજ સંભળાયો… અમે બંને ચકિત થઈ એકબીજા સામે જોવા લાગ્યાં, રાતના અગિયાર વાગ્યા હતા… મેં બારણું ખોલ્યું તો કૌમુદિનીબહેન હાંફળાં ફાંફળાં ઊભાં હતાં. ‘મારા મિસ્ટરને કૈંક થઈ ગયું છે…’ તેમણે એકી શ્ર્વાસે કહ્યું, ‘પ્લીઝ જલદી ચાલોને!’
હું તેમની પાછળ ગયો અને મારી પાછળ નીલા… મુકુલ શેઠ સોફા પર ચત્તાપાટ પડ્યા હતા. તેમની બંને આંખો છત પર લટકતા ઝુમ્મર પર ચોંટી ગઈ હતી. છાતી ઊંચી-નીંચી થતી હતી, ઝડપથી શ્ર્વાસોચ્છ્વાસ ચાલતો હતો… પસીનાને લીધે છાતીનો ભાગ ભીનો થઈ ગયો હતો, ત્યાં પસીનાનું ધાબું ઊપસી આવ્યું હતું, મારી બાજુમાં ઊભેલા પાડોશીએ ધીમેથી મારા કાનમાં કહ્યું, ‘એટેક લાગે છે…’
‘આપણે જલદી હૉસ્પિટલે પહોંચાડીએ…’ એટલું કહી મેં હૉસ્પિટલે ફોન કરી દીધો, ત્યાં સુધીમાં તો કૌમુદિનીબહેને રડવાનું શરૂ કરી દીધું. વારંવાર પતિનું મોં જોતાં હતાં અને પૂછતાં હતાં શું થાય છે? પણ પતિની વાચા હણાઈ ગઈ હતી.
મેં નીલાને ઈશારો કરી કૌમુદિની બહેનને દૂર લઈ જવાનું કહ્યું. નીલા કૌમુદિનીનો હાથ પકડીને બીજા ખંડમાં દોરી ગઈ ત્યાં સુધીમાં સાઈરન વગાડતી એમ્બ્યુલન્સ આવી પહોંચી. મુકુલ શેઠને સ્ટ્રેચર પર ગોઠવી, બધા આજુબાજુમાં બેસી ગયા. કૌમુદિની તો નીલાના ખભા પર માથું મૂકી હીબકાં ભરતી હતી. ‘તમારા પતિને કશું થવાનું નથી…’ નીલા સાંત્વના આપતી રહેતી હતી, તે પણ ઢીલી પડી ગઈ હતી, હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે રાતના સાડાઅગિયાર વાગી ચૂક્યા હતા. કેસની ગંભીરતા પારખી ફરજ પરના ડૉક્ટરે આઈસીયુમાં પેશન્ટને એડમિટ કરી દીધો. અમે બધા આઈસીયુની બહાર સૂનમૂન બેઠા હતા. શું બોલવું તે કંઈ સૂઝતું નહોતું. નીલાના હોઠ ફફડતા હતા. એ મનોમન ગાયત્રી જાપ કરવા લાગી હતી. કૌમુદિની તો લગભગ ફસડાઈ પડી હોય તેમ નીલાની બાજુમાં બેઠી હતી. જાણે નીલા એકમાત્ર તેનો સહારો ના હોય! ત્યાં બારણું ખૂલ્યું અને ડૉક્ટર બહાર આવ્યા. ઈશારાથી મને પાછળ આવવાનું કહ્યું, અમે બંને એક સાથે લોબીમાં ચાલવા લાગ્યા. ડૉક્ટરે કહેવા માંડ્યું, ‘અત્યારે કંઈ ન કહેવાય. સિવિયર એટેક છે. ઈન્જેકશન આપી દીધું છે. ચોવીસ કલાક પછી ખબર પડે…’
‘ચોવીસ કલાક’ મેં કાંડાઘડિયાળમાં જોયું. બાર થયા હતા… છેક આવતી કાલના બાર સુધી! માય ગોડ! હું ઢીલા પગલે પાછો ફર્યો. ‘શું કહ્યું ડૉક્ટરે?’ બધાની આંખો કેવળ એક જ પ્રશ્ર્ન પૂછી રહી હતી. મેં હિંમત કરી ગપ્પું મારી દીધું… એ સિવાય છૂટકો નહોતો/ એવરીથીંગ ઈઝ અંડર ક્ધટ્રોલ!’
‘હાશ! નીલાએ બંને હાથ જોડતાં ઊંચે જોયું અને કહ્યું, ‘મેં અંબાજીની માનતા માની હતી. બસમાં ઊભાં ઊભાં અંબાજી જવાની છું.’ તે ખુશ થઈ ગઈ… તેની સાથે કૌમુદિની પણ ખુશ થઈ ગઈ. આંખોમાં આંસુ અને હોઠ પર સ્મિત! હું પણ મનોમન પ્રાર્થના કરવા લાગ્યો – ચોવીસ કલાક હેમખેમ પસાર થઈ જાય તેની. છેવટે ચોવીસ કલાક હેમખેમ પસાર થઈ ગયા. આઈસીયુમાંથી કેસ ટ્રાન્સફર થઈ ગયો. ખતરો ટળી ગયો. મુકુલ શેઠ ભાનમાં આવી ગયા. સ્ટ્રેચર પર ચત્તાપાટ સૂતા હતા. વેઈનમાં સલાઈન ચડતું હતું. મોનિટરમાં ધબકતા હૃદયની લકીરો નજરે પડતી હતી. મેં હાથના ઈશારાથી પૂછ્યું કેમ છે? તેમણે જરા ડોક હલાવી હા પાડી… હવે સારું હતું… ત્યાં કૌમુદિની મોકળા મને રડી પડી…’ ‘હવે રડવાનું શું?’ મેં કહ્યું…
‘તમને કંઈ થાત તો મારું શું થાત…!!’ તે રડતાં રડતાં બોલતી હતી.
‘બહેન શાંત થાવ… હમણાં ડૉક્ટર રાઉન્ડમાં આવવાના છે…’ મેં કહ્યું એટલે તેમણે હોઠ બીડી દીધા, છતાં હીબકા ચાલુ હતાં. ડૉક્ટર આવી પહોંચ્યા. ‘નાવ આઉટ ઓફ ડેન્જર!’ તેમણે કહ્યું ટેલિફોન કર્યો હોવાથી કૌમુદિનીબહેનના અને મુકુલભાઈના પરિવારના લોકો પણ આવી પહોંચ્યા હતા. છેવટે બંને હાથ જોડતાં કૌમુદિનીએ નીલાને કહ્યું ‘નીલાબહેન… હવે તમે ઘરે જઈ શકો છો…’ અને મારી તરફ હાથ જોડ્યા.’ ‘ભાઈ… તમનેય ઘણી તકલીફ આપી. રાતના બારથી અત્યાર સુધી ખડા પગે છો. માત્ર પાણી પર રહ્યા છો. હવે ઘેર જાવ. તમારો દિકુ રાહ જોતો હશે…’
અને બંને રિક્ષા કરીને ઘેર આવ્યા. થાક, ઉજાગરો અને ભૂખને લીધે અમે તાળું ખોલીને સીધા સોફા પર ફસડાઈ પડ્યાં, ત્યાં અચાનક નીલાનું ધ્યાન સૂટકેસ પર ગયું. તે ભાંગેલા પગલે ઊભી થઈ સૂટકેસ ખોલીને અંદરથી કપડાં બહાર કાઢવા લાગી, પછી નવેસરથી કબાટમાં ફરી વાર ગોઠવવા લાગી!