મેટિની

આત્મજ – આત્મજા માટે દેવભાષા

ફિલ્મ કલાકારોમાં પુત્ર અને પુત્રીના નામ અલાયદા અને સંસ્કૃત ભાષા સાથે અનુસંધાન ધરાવતા હોય એવો આગ્રહ વધી રહ્યો છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સંસ્કૃત ભાષાના ગહન જાણકારની શોધમાં છે. ના, તેમને દેવભાષા માટે અચાનક લગાવ થયો છે એવું નથી, કે પુરાણોનો અભ્યાસ કરી કોઈ સંશોધન કરવાની કોઈ યોજના તૈયાર કરી હોય એવી વાત પણ નથી. વાત છે નામની. સંસ્કૃત ભાષાના નામની. ભક્ત કવિ નરસિંહ મહેતા (નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય) અને બ્રિટિશ નાટ્ય લેખક અને કવિ વિલિયમ શેક્સપિયર (વ્હોટ ઈઝ ધેર ઈન અ નેમ?)એ નામના મહિમાનું નિરૂપણ કર્યું છે. નામનો મહિમા અનન્ય છે. નામની નામના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરતે પણ વીંટળાયેલી છે. ધર્મદેવ પિશોરીમલ આનંદ દેવ આનંદ અને શિવાજીરાવ ગાયકવાડ રજનીકાંત અને શ્રી અમ્મા યંગર અયપ્પન શ્રીદેવી બની જાય છે. નામની નામનાએ હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ચમકદમક ધરાવતી દુનિયામાં જીવતા કલાકારો હવે બાળકોના નામ પણ ચમકી ઊઠે, ઝળકી ઊઠે અને વાતનો વિષય બને એ માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. અલાયદા લાગવાના અભરખા અને પરંપરા માટે જાગી ઉઠેલા પ્રેમના સરવાળા સ્વરૂપે સામાન્યપણે ન સાંભળવા મળતા અને એમાંય દેવભાષા સંસ્કૃત સાથે સંધાન ધરાવતા નામ રાખવાની અદમ્ય ઈચ્છા હવે પરંપરાનું રૂપ ધારણ કરી રહી છે. એનું તાજું ઉદાહરણ છે ‘હાઉ ઈઝ ધ જોશ? હાઈ સર!’ સંવાદ ધરાવતી ફિલ્મ ‘ઊરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના દિગ્દર્શક આદિત્ય ધર અને ‘આર્ટિકલ ૩૭૦’ સહિત કેટલીક ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી યામી ગૌતમ. આ યુગલને ત્યાં અખાત્રીજના દિવસે પુત્ર જન્મ થયો અને એનું નામ પાડવામાં આવ્યું વેદવિદ. આ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ વેદનો જાણકાર એવો થાય છે. ભગવાન વિષ્ણુનું પણ એક નામ વેદવિદ છે. આદિત્ય – યામીને આ અલાયદું, પૂર્ણપણે ભારતીય તેમજ આપણી સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાણ ધરાવતું નામ પસંદ પડ્યું છે. ચાહકોએ પણ આ અનોખા નામને આવકાર્યું છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ રહેલા આ નામજ્વરને પગલે જ રણવીર – દીપિકા સંતાનના જન્મ પહેલા જ અલાયદું અને ખાસ તો સંસ્કૃત નામ શોધી કાઢવા થનગની રહ્યાં છે. આત્મજ (પુત્ર) જન્મે તો કયું અને આત્મજા (પુત્રી)નો જન્મ થાય તો કયું નામ રાખવું એનો વિચાર વિમર્શ ચોક્કસ થઈ રહ્યો હશે.

આમેય આ બાળકોને સ્ટારકિડ જેવું વિશિષ્ટ વિશેષણ તો જન્મ સાથે જ બર્થ ગિફ્ટ તરીકે મળી જ જાય છે અને સંસ્કૃત નામ રાખવાની નવી સંસ્કૃતિ વિકસી રહી છે. ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનારી અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા પછી તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો જેનું નામ વામિકા પાડવામાં આવ્યું છે. વામિકા નામના મૂળિયાં સંસ્કૃત સાથે જોડાયેલા છે અને એ દેવી દુર્ગાનું બીજું નામ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો જેનું નામ અકાય રાખવામાં આવ્યું છે. સંસ્કૃતમાં અકાય એટલે જે કાય (કાયા) રહિત છે. આ થયો શબ્દાર્થ પણ અકાયનો ભાવાર્થ છે શારીરિક અભિવ્યક્તિથી પર – દિવ્ય. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડેલા અને પછી પરણી ગયેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ત્યાં ૨૦૨૨માં ક્ધયા રત્નનો જન્મ થયો જેનું નામ રાહા રાખવામાં આવ્યું છે. દાદીમા નીતુ સિંહ – કપૂરે પસંદ કરેલા આ નામના વિવિધ ભાષામાં વિવિધ અર્થ થાય છે જે ખુદ આલિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સંસ્કૃતમાં રાહાનો અર્થ થાય છે કુળ. આ ઉપરાંત દિવ્ય માર્ગ એવો પણ અર્થ છે. બંગાળીમાં એનો અર્થ રાહત, સ્વાહીલીમાં આનંદ, અરેબિકમાં શાંતિ થાય છે. જોકે, માતા – પિતાનું માનવું છે કે રાહા તો આ બધા અર્થના સરવાળા જેવી છે.

પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર – એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કરી અનેક લોકોને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. એટલું તો નહીં પણ એ પ્રકારનું આશ્ર્ચર્ય ફરી થયું જ્યારે અભિનેત્રીએ તેની પુત્રીનું નામ માલતી મેરી પાડ્યું. માલતી મેરી ચોપડા જોનાસ જેવું લાંબું નામ ધરાવતી પ્રિયંકા પુત્રીમાં બે નામનો સંગમ છે. પ્રિયંકાની માતુશ્રી ડો. મધુ ચોપડાનું નામ મધુમાલતી ચોપડા છે અને નિક જોનાસના મધરનું નામ ડેનિસ મેરી જોનાસ છે. આમ પ્રિયંકા – નિકે પોતપોતાના માતુશ્રીના નામનો આંશિક ઉપયોગ પુત્રીના નામકરણમાં કર્યો છે. જોવાની વાત એ પણ છે કે સંસ્કૃતમાં માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ (જાસ્મીન) થાય છે.

‘નીરજા’ના રોલ માટે નેશનલ એવોર્ડ મેળવનારી અનિલ કપૂરની દીકરી સોનમે ૨૦૧૮માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. ચાર વર્ષ પછી દંપતીના ઘરે પારણું બંધાયું અને પુત્રનો જન્મ થયો જેનું નામ વાયુ પાડવામાં આવ્યું છે. વાયુ શબ્દના મૂળ સંસ્કૃતમાં છે અને એનો અર્થ પવન. હવા થાય એ જાણીતી વાત છે. હિન્દુ ધર્મમાં પવનદેવ વાયુ તરીકે ઓળખાય છે. શાહરૂખ ખાનના બીજા પુત્રનું નામ અબરામ છે જે તેના કહેવા અનુસાર પયગંબર ઈબ્રાહિમ અને ભગવાન રામનું સંયોજન છે. શાહરુખની પત્ની ગૌરી હિન્દુ છે એ વાત જાણીતી છે.

દેવભાષા સંસ્કૃત માટેનો આદર (કે ઘેલછા?) સારી વાત છે. પોતાનું સંતાન દરેક રીતે નોખું તરી આવે એ દરેક માતા – પિતાને ગમતી વાત જ હોય. જોકે, બાળક સમજણું થયા પછી એને પોતાનું નામ ગમશે કે નહીં એનો વિચાર નથી કરવામાં આવતો. વિચાર કરવામાં આવે તો પણ નક્કી કરવું શક્ય નથી. જન્મ ક્યાં થાય એ બાળકના હાથની વાત નથી એ જ રીતે શું નામ રાખવું એની સ્વતંત્રતા પણ બાળકને નથી. ૨૦૦૬માં આવેલી ‘ખોસલા કા ઘોસલા’ ફિલ્મમાં અનુપમ ખેરએ પુત્રનું નામ ચિરંજીલાલ રાખ્યું હોય છે. સમજણો થયા પછી યુવાન પુત્ર પરવીન દબાસ પિતાને અકળાઈને પૂછે છે કે ‘આપને મેરા નામ ચિરંજીલાલ કયૂં રખા?’ અને પછી પોતે ચેરી નામ ધારણ કરી લે છે. વેદવિદ, વાયુ, રાહા, વામિકા, અકાય, માલતી, અબરામ કે અન્ય કોઈ સંતાન ભવિષ્યમાં આવી અકળામણ અનુભવશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા