મેટિની

આ જ ગીત તમારાથી બહેતર ગાઈ બતાવીશ…!

આ રવિવારે અશોક કુમારની જન્મતિથિ છે તો કિશોર કુમારની પુણ્યતિથિ છે. બંને ભાઈએ ગાયેલા એક સરખા ગીત વિશે જાણવા જેવું રસપ્રદ છે.

હેન્રી શાસ્ત્રી

અરુણ ગણેશ શેંદુરનીકર

અશોક કુમાર, અનુપ કુમાર અને કિશોર કુમાર – મધ્ય પ્રદેશના ખંડવા શહેરની બંધુ ત્રિપુટી હિન્દી ફિલ્મ ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે. વચેટ ભાઈ અનુપ કુમારને સરખામણીમાં ઓછી નામના મળી. જોકે, જ્યેષ્ઠ બંધુ અશોક કુમાર અને અનુજ કિશોર કુમારનું યોગદાન અવિસ્મરણીય છે. બંને ભાઈની રેન્જ એટલી વિશાળ છે કે એક આખું પુસ્તક લખી શકાય. રવિવાર, ૧૩ ઓક્ટોબરે દાદામોની અશોક કુમારની જન્મતિથિ છે અને એ જ દિવસે ‘ઉછલમ કુદમ’ કિશોરદાની પુણ્યતિથિ છે એ નિમિત્તે એમની વિશિષ્ટ સ્મૃતિને ઢંઢોળવી રસપ્રદ બની રહેશે.

૧૯૩૬માં ‘જીવન નૈયા’થી એક્ટિંગ શરૂ કરનારા અશોક કુમાર ૬૦ વર્ષ સુધી ફિલ્મો કરતા રહ્યા. કિશોરદાની અભિનય અને ગાયક યાત્રાનો પ્રારંભ ૧૯૪૬થી થયો અને ૧૯૮૭માં અવસાન થયું ત્યાં સુધી અવિરત ચાલતો રહ્યો. અશોક કુમારેઅભિનયમાં અને કિશોર કુમારે ગાયકીમાં ઉત્તુંગ શિખરો સર કર્યા. ગાયકીની જેમ એક્ટિંગમાં પણ કિશોરદાનું બહોળું યોગદાન છે. અશોક કુમારે કરિયરના પ્રારંભમાં ગીત ગાયા છે. એવાં બે ગીત છે , જે પ્રથમ અશોક કુમારના સ્વરમાં રજૂ થયા છે અને કેટલાંક વર્ષો બાદ કિશોર કુમારે પણ ગાયા છે. નિ:સંકોચ પણે કહી શકાય કે અશોક કુમારના સ્વરમાં રજૂ થયેલા ગીત એ સમયની જનતાને પસંદ પડ્યા હોઈ શકે છે, પણ ગુણવત્તામાં કિશોરદા એમનાથી બાર નહીં , બારસો કે બાર હજાર ગાઉ આગળ છે.


| Read More: ક્લેપ એન્ડ કટ..! : ‘વોહ’ વાલા વીડિયો ચોરી કિયેલા હૈ?


બંને ગીત સાથે સંકળાયેલી કથાપણ જાણવા જેવી છે. ૧૯૩૬માં રિલીઝ થયેલી અશોકકુમારની પહેલી ફિલ્મ ‘જીવન નૈયા’માં ‘કોઈ હમદમ ના રહા’ ગીત અશોક કુમારે ગાયું છે. ગીતકાર હતા જે. એસ. કશ્યપ અને સંગીતકાર હતાં સરસ્વતી દેવી. ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ગીત દર્શકોને પસંદ પડ્યું હતું. એ વખતે કિશોરદાની ઉંમર છ વર્ષની હતી. મોટા ભાઈ સાથે કયારેક શૂટિંગમાં કે રેકોર્ડિંગમાં જતા. ‘કોઇ હમદમ ના રહા’ના રેકોર્ડિંગ વખતે ‘આ ગીત મારે ગાવું છે’ એવી જીદ બાળક કિશોરે પકડી હતી. જોકે, એ સમયે કિશોરદાનો અવાજ ઘોઘરો હોવાથી મોટાભાઈએ એની વાત હસી કાઢી હતી. ત્યારે જ નાનાભાઈએ ‘જોજો, એક દિવસ આ જ ગીત હું ગાઈશ અને તમારા કરતાં સારું ગાઈ બતાવીશ’ એવું મોટા
ભાઈને કહી દીધું હતું. ૧૯૬૧માં ‘ઝુમરુ’ ફિલ્મમાં કિશોરદાએ ‘કોઈ હમદમ ના રહા’ ગાયું અને ગીતને એક ઊંચાઈ પર બેસાડી દીધું. કિશોરદાનાં ગ્રેટ ગીતોમાં એનું સ્થાન પહેલા પાંચમા આવે. અલબત્ત, બંને ગીતનું મુખડું જ સરખું છે. બાકીના અંતરા એકદમ ભિન્ન છે.

બીજું ઉદાહરણ છે ‘એક ચતુર નાર’. આ ગીતનો ઉલ્લેખ થતા ‘પડોસન’ ફિલ્મ અને મન્નાડે – કિશોર કુમારની જુગલબંધી તરત યાદ આવી જાય. ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્ના અને આર. ડી. બર્મન દ્વારા સ્વરબદ્ધ આ ગીત સંગીત રસિકો માટે અનોખું સંભારણું છે. જોકે, ૧૯૪૧માં રિલીઝ થયેલી ‘ઝૂલા’ ફિલ્મમાં આ ગીત અશોક કુમારના સ્વરમાં છે. ગીતકાર છે કવિ પ્રદીપ અને સંગીતકાર છે ફરી સરસ્વતી દેવી. જોકે, બંને ગીતમાં ‘એક ચતુર નાર કરકે શીંગાર’ સિવાયની પંક્તિઓ એકદમ ભિન્ન છે. ‘જીવન નૈયા’ ફિલ્મના ‘કોઈ હમદમ ના રહા’ની સરખામણીએ અશોક કુમારના સ્વરમાં આ ગીત બહેતર લાગે છે. જોકે, અહીં પણ કિશોરદાની મસ્તીખોર ગાયકી ‘પડોસન’ના ગીતને ફાઈવ સ્ટાર લગાવી દે છે.

તલત મેહમૂદ-ગુજરાતી ફિલ્મો-ગરબા
હિન્દી ફિલ્મ સંગીતમાં ઓર્ગન, ગિટાર, વાયોલિન, ડ્રમ ઈત્યાદિ જેવા વાદ્ય વગાડનારા વાદકોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. ડ્રમ પ્લેયરની વાત નીકળે અને સૌથી પહેલું નામ બરજોર લોર્ડ – બજી લોર્ડનું જ લેવાય. દસ હજારથી વધુ ગીતોમાં ડ્રમ સહિત વિવિધ વાજિંત્રો વગાડનારા બજી લોર્ડનું વિશેષ યોગદાન એ રહ્યું છે કે એમણે અનેક કુશળ ડ્રમ પ્લેયરને તૈયાર કર્યા. યુનાઈટેડ કિંગડમના વેલવિન ‘હેટફિલ્ડ નામના પરગણામાં ‘ઈન્ડિયન’ કલચરલ એસોસિએશન દ્વારા આયોજિત નવરાત્રિ ઉત્સવમાં બજી લોર્ડના એક સમયના શિષ્ય અરુણ ગણેશ શેંદુરનીકર ૮૫ વર્ષની ઉંમરે માતાજીના ગરબા પર ત્રણ કલાક સુધી ૨૫ વર્ષના યુવાનના જોશ સાથે ડ્રમ વગાડતા જોઈ આપણા ભવ્ય સંગીત વારસાને મનોમન નમન કરી લીધું. અરુણભાઈ વિશે એમના જ શબ્દોમાં જાણીએ :

મારો જન્મ ૭ જાન્યુઆરી, ૧૯૩૯માં. પિતાશ્રી ભોપાલમાં સરકારી નોકરી કરતા હતા. ત્યાં મેં ઉચ્ચ શિક્ષણ લીધું અને મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી. અમારા પરિવારમાં કોઈ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલું નહોતું. મને નાનપણથી ટેબલ પર તબલા વગાડવાનો શોખ હતો. પિતાશ્રીને મારા શોખનો ખ્યાલ આવ્યો અને મને કહ્યું કે તારે મ્યુઝિકની દુનિયામાં આગળ વધવું હોય તો મુંબઈ જા. કરિયર નહીં બને તો તારી પાસે ડિગ્રી છે જ, નોકરી તને મળી જશે. પિતાશ્રીના પ્રોત્સાહનને કારણે હું મુંબઈ પહોંચી ગયો. (આજે પણ એ પોતાની ઓળખ અરુણ ગણેશ તરીકે જ આપે છે. કોઈ અટક જાણવાનો આગ્રહ રાખે તો જ જણાવે છે. આ પિતાશ્રીનો ઋણ સ્વીકાર છે).

મુંબઈ પહોંચી બરજોર લોર્ડને મળ્યો. એમણે મને એકડે એકથી તાલીમ આપી અને બધું જ શીખવ્યું. સંગીતની દુનિયામાં જે પણ મેળવ્યું એ એમના થકી. મારો હાથ પણ જલદી બેસી ગયો અને ૮ મહિના પછી જ મને તલત મેહમૂદ સાથે ફોરેન ટુરમાં ડ્રમ વગાડવાની તક મળી. તલત સાહેબને મારું કામ ગમ્યું અને અખબારોમાં મારા પરફોર્મન્સની પ્રશંસા થઈ. મારી ખ્યાતિ મુંબઈમાં ફરી વળી. ત્યારબાદ દિગ્ગજ ગાયકો મોહમ્મદ રફી, મન્ના ડે, મુકેશ, કિશોર કુમારના સ્ટેજ શૉમાં મારી હાજરી સતત રહેવા લાગી. ગીતા દત્ત અને આશા ભોસલેના કાર્યક્રમોમાં પણ મને બોલાવવામાં આવતો હતો. સી. રામચંદ્ર સાથે પણ ઘણું કામ કર્યું. એમની સ્વર રચનાઓમાં ડ્રમને વિશેષ પ્રાધાન્ય રહેતું. ખૈયામ સાહેબ સાથે ‘કભી કભી’માં (તેરે ચેહરેસે નઝર નહીં હટતી) પણ મોકો મળ્યો. અન્ય હિન્દી ફિલ્મોમાં પણ પરફોર્મ કર્યું અને હા, ગુજરાતી ફિલ્મના ગીતોમાં પણ ડ્રમ વગાડવાનો મોકો મળ્યો. એ અનુભવને કારણે નવરાત્રીના કાર્યક્રમોમાં ડ્રમ વગાડવામાં મને ઘણી સરળતા રહી એ હકીકત છે. (ઉંમરને કારણે અરુણભાઈને ફિલ્મોના નામ સ્મરણમાં નથી રહ્યા, પણ રફી કે કિશોર કુમારનું ગીત ગણગણતા એમના ચહેરા પર સ્મિત ફરકી ઊઠે છે ).


| Read More: વિશેષ: ફિલ્મમાં ટેકનોલોજી બની જશે હવે એક પ્રભાવશાળી પાત્ર


આત્મનિર્ભર રહેવા ૬૩ વર્ષની ઉંમરે ૨૦૦૨માં યુકે આવ્યો. ૬૭ વર્ષની ઉંમરે બસ ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લાઇસન્સ મેળવ્યું અને ૧૨ વર્ષ હિથ્રો એરપોર્ટમાં બસ ચલાવી. સાથે શનિવાર- રવિવારે ડ્રમ વગાડવાનું કામ મળી રહેતું. ભારતથી મ્યુઝિક કાર્યક્રમ માટે કોઈ યુકે આવે ત્યારે પણ પરફોર્મ કરવાની તક હજી પણ મળતી રહે છે. પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન કરી ડોક્ટરે મને વિશેષ કાળજી રાખવાની સલાહ આપી છે. મારી ફિલોસોફી સિમ્પલ છે. શરદી થાય કે પ્રોસ્ટેટ કેન્સર થાય, બંનેને હું સરખા જ ગણું છું. ૮૫ વર્ષની ઉંમરે રોગને રોગ ન ગણી એને દેવદૂત તરીકે જોવો જોઈએ જે તમને લેવા આવ્યો છે. આવા સ્ટ્રોંગ વિલપાવરને કારણે જ હું નવરાત્રિના કાર્યક્રમમાં ત્રણેક કલાક તો સહેલાઈથી પરફોર્મ કરી શકું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button