એ ભાઈ જરા દેખ કે ચલો…. રાજકપૂરના આ હતા મન્ના ડે અને મન્ના ડેના આ હતા રાજકપૂર…
ફિલ્મનામા -નરેશ શાહ
`માં દુર્ભાગ્ય કે બે-ચાર ગીતોને છોડીને, રાજ (કપૂર) સાહેબે મોટાભાગે પોતાનાં ગીતોમાં મારો ઉપયોગ કરવાનો કે પ્રયાસ કે પ્રયોગ કરવાની બદલે સુરક્ષિત (મુકેશજીનો સ્વર વાપરવાની) નીતિને વળગી રહેવાનું વધુ યોગ્ય ગણ્યું હતું!’
આ શબ્દો પ્રબોધચંદ્રના છે, જેમને આપણે બધા ગાયક મન્ના ડે (જન્મ: 1919, અવસાન: 2013) તરીકે ઓળખીએ છીએ. જન્મની સાલ વાંચીને જ તમને આઈડિયા આવી ગયો હશે કે મન્ના ડે શોમેન રાજ કપૂરથી પાંચ વરસ મોટા હતા. એમની જન્મ શતાબ્દીને પણ પાંચ વરસ વીતી ગયા છે, પરંતુ અત્યારે ગ્રેટ શોમેન રાજકપૂર (જન્મ: 1924) જીની જન્મશતાબ્દી ચાલી રહી છે. એમની ફિલ્મોને આ નિમિત્તે રિ-રિલીઝ કરવાનો ત્રણ દિવસીય મહોત્સવ હજુ ડિસેમ્બર મહિનામાં યોજાય ગયો ત્યારે આ ગ્રેટ શોમેન વિશે ગ્રેટ સિંગર – મ્યુઝિશિયન મન્ના ડેનાં સંસ્મરણોને તાજા કરવાનો લ્હાવો એટલા માટે લેવા જેવો છે કે મન્ના ડે એ એમની આત્મકથામાં અનેક વાતો દિલ ખોલીને બેબાકપણે લખી છે.
પોતાના સંગીતકાર કાકા સાથે મુંબઈ આવીને પછી થોડાં વરસો બાદ (કાકા નાદુરસ્ત થઈ જતા) ફરી કલકત્તા પરત ગયેલાં મન્ના ડે લખે છે કે, `પહેલી વખત મને સમજાયું કે મુંબઈ મારા લોહીમાં એકરસ થઈ ગયું છે. મને કલકત્તામાં રહેવું ગમતું નહોતું!’ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી પણ પોતે ફિલ્મ અને સુગમ સંગીત પર જ ફોકસ કર્યું એ વાત પણ ઘણાંને ખટકી હતી એવો સ્વીકાર કરીને મન્ના ડે કહે છે કે `… પણ મને ક્લાસિકલ સંગીતના કાર્યક્રમો કાયમ નીરસ અને કંટાળાજનક લાગ્યા છે…’
નિર્દંભ શૈલીથી લખાયેલી આ આત્મકથામાં મન્ના જે એ નામ સાથે અન્ય ગાયકોની વિશેષતા તેમજ મર્યાદા પણ બયાન કરી છે અને રાજકપૂર સાથેના બે-ત્રણ રસપ્રદ પ્રસંગો પણ ટાંક્યા છે, જેમાંથી રાજસા’બના વ્યક્તિત્વને વધુ બારીકાઈથી આપણે જોઈ શકીએ. સૌથી પ્રથમ વખત રાજકપૂરને મન્ના ડે `આવારા’ (1951) ફિલ્મના એક ગીતના રેકોર્ડિંગ વખતે મળેલાં, ખરેખર તો એ યુગલ ગીત હતું. લતા મંગેશકર એમના સાથી ગાયિકા હતાં. મન્ના ડે અને રાજકપૂર એ વખત એકબીજાના `કેવલ પરિચિત’ હતા. એ પછી બંને વચ્ચે મિત્રતા બની અને અંતરંગ સંબંધ વિકસ્યા.
રાજસા’બની પ્રોડ્યુસર – ડિરેકટર – એકટર તરીકેની કેરિયરમાં એમના માટે મન્ના ડે એ દોઢ ડઝન ગીત ગાયાં અને મોટાભાગનાં ગીતો યાદગાર હતા: યે રાત ભીગી ભીગી, પ્યાર હુઆ ઈકરાર હુઆ, આજા સનમ મધુર ચાંદની મેં, લાગા ચૂનરી મેં દાગ, ઘર આયા મેરા પરદેશી, મુડ મુડ કે ના દેખ, મસ્તી ભરા હૈ શમા, એ ભાઈ જરા દેખ કે ચલો… ઘનિષ્ઠ સંબંધ બન્યા પછી માણસની ખૂબી અને ખામીની પરખ થઈ જતી હોય છે. મન્ના ડેને પણ એ થઈ હતી. એમને રાજકપૂરની જે વાત સૌથી વધુ ગમી એ હતી: એકદમ સૌમ્ય અને સુશીલ શૈલીથી સામી વ્યક્તિની ભૂલ કે ક્ષતિ તરફ ધ્યાન દોરવાની વિશેષતા. સામી વ્યક્તિ મોટી હોય કે નાની, એને ચચરાટ કે અપમાન થયાનો ઘસરકો ન લાગે તેવી ચીવટ રાજસા’બની વાતમાં રહેતી, એમ કહીને મન્ના ડે એક કિસ્સો પણ ટાંકે છે: `સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મનાં ગીતોનું રેકોર્ડિંગ ચાલતું હતું. સ્ટુડિયોમાં રાજસાહેબ, સંગીતકાર – ગીતકાર ઉપરાંત લતા મંગેશકર અને મન્ના ડે ઉપસ્થિત હતા.
લતાદીદીએ `યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ ગીતનું રેકોર્ડિંગ પૂં કર્યું એટલે રાજસાહેબે અંદર આવીને કહ્યું: `બહુ જ સુંદર ગીત ગવાયું છે, પણ હું ઈચ્છું છું કે ગાતી વખતે તમે ફિલ્મના દૃશ્યને પણ દિમાગમાં રાખજો. ફિલ્મમાં આ ગીત બાર વરસની દીકરી પોતાના પિતા સાથે ગાય છે અને એક માસૂમ પોતાની નાની ઉંમરને કારણે વયસ્ક વ્યક્તિ જેવું પરફેક્ટ ગાઈ શકશે નહીં!’ લતાજી વાતનો હાર્દ સમજી ગયાં . એમણે તરત બાર વરસની દીકરીનો રોલ ભજવતી પદ્મિની કોલ્હાપુરેને સ્ટુડિયોમાં બોલાવી. થોડીવાર એની સાથે વાતો કરીને એની વાતો કરવાની લઢણ પકડી અને ફરી એ ગીત (પદ્મિની કોલ્હાપુરેની લઢણની જેમ) ગાયું. રાજકપૂરની અન્ય વાતો કરતાં મન્ના ડે એકબીજા ગીત વખતનો અનુભવ પણ બયાન કરે છે.
Also read: સ્ટુડિયોની કમાણી પ્રોપર્ટીમાં સમાણી
`મેરા નામ જોકર’ ફિલ્મમાં `એ ભાઈ જરા દેખ કે ચલો’ ગીતનું એ દિવસે રેકોર્ડિંગ થતું હતું. મન્ના ડે રિહર્સલ પછી ફાઈનલ ટેક માટે રેકોર્ડિંગ ચેમ્બરમાં ગયા. ચેમ્બરના કાચમાંથી રાજકપૂર એમને અને એ રાજકપૂરને જોઈ રહ્યા હતા. ગીતના અંતરા રેકોર્ડ થઈ રહ્યા હતા પણ એ દરમિયાન મન્ના ડે એ જોયું કે બહાર ઊભેલા રાજકપૂર ગીત પર શૂટ થાય તેવી ભાવભંગિમાં સાથે નાચી રહ્યા હતા. `એમને નૃત્ય કરતાં જોઈને મને ગાવામાં ઘણી સરળતા થઈ ગઈ.’ મન્ના ડે કહે છે, `હું નાચતા રાજસાહેબને જોઈને ગીતના શબ્દો અને આરોહ-અવરોહને મારી ગાયકીમાં લાવવા માંડ્યો, કારણ કે મને સમજાઈ ગયું હતું કે રાજજી પોતાના ગીતનું ફિલ્માંકન કરશે ત્યારે આ જ રીતે સ્ટેપ લેશે અને મૂવમેન્ટ કરશે!’ યુટ્યૂબ પર આ ગીત જોઈને તમે ખાતરી કરી શકો છો આ લખનારની જેમ….