મેટિની

પુખ્તવયના લોકોને કેમ વળગ્યું છે બાળકોની કાર્ટૂન ફિલ્મો જોવાનું ગાંડપણ..?!

સતત કામ-પરિવાર-બાળકો અને એમાં વચ્ચે આવી ગયેલા કોરોના-કાળને વધી ગયેલી આર્થિક કટોકટીના કપરા સંજોગો અને મનની શાંતિ વચ્ચે સંતુલન રાખવાનો આ છે મોટાંઓ માટે એક છટકબારી..!

ડ્રેસ-સર્કલ -ભરત ઘેલાણી

અચંબો-આશ્ર્ચર્ય-વિસ્મય-કૌતુક ને હોઠ પર રમી જતું એક સ્મિત
આવો ભાવ કોઈના પણ ચહેરા પર રમતો દેખાય તો અચૂક માનજો એ ટીવી સ્ક્રીન પર કાર્ટૂન ફિલ્મ જોઈ રહ્યો છે..!
મોટેભાગે આવા નિર્દોષ મનોભાવ આપણને બાળકના ચહેરા પર જોવા મળે. એક સમય એવો હતો કે ટીવી પર આવતી કાર્ટૂન સ્ટ્રીપ જોવાં બાળકો પડાપડી કરતાં.મમ્મી-પપ્પા પણ જાણતાં કે સંતાન માટે આ સૌથી નિર્દોષ મનોરંજન વત્તા પાસટાઈમ છે. જો કે પાછળથી ડોનાલ્ડ ડક- મિકી માઉસ-જેરી-ગૂફી- ફિલ્નટસ્ટોન જેવાં કાર્ટૂન કેરેકટર્સ -પાત્રોનો એવો ખતરનાક કેફ બાળકોને ચઢવા માંડ્યો કે મા-બાપે આવી કાર્ટૂન ચિત્રપટ્ટી જોવાં પર ન છૂટકે અંકુશ મૂકવો પડ્યો. ઘરલેશન કર્યા પછી જ અમુક સમય જ આવી કાર્ટૂન ફિલ્મ્સ જોવાં મળે એવો ચુસ્ત નિયમ અમલમાં આવ્યો.

આ તબક્કે વર્ષો પહેલાં જોયેલું એક દ્રશ્ય યાદ આવે છે. કોલકાતામાં એ વખતે એક સાથે બે ફિલ્મ ફેસ્ટિવલ યોજાયા હતા. એક હતો વિદેશી ફિલ્મ્સનો અને બીજો હતો બાળકો માટેની ફિલ્મોનો. બન્ને એક જ સંકુલમાં બાજુ બાજુનાં બે ઑડિટોરિયમમાં. એ જમાનામાં આવાં ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં અન-સેન્સર્ડ ફિલ્મો રજૂ થતી. પ્રેસ પ્રીવ્યુની સાથે પબ્લિક માટે પણ એનાં જે સીમિત શો થતાં એ જોવાં ભારે ધસારો થતો. પત્રકારોના પ્રેસ પાસ પણ ત્યારે બ્લેકમાં વેંચાતાં. બાજુના ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં કાગડા ઊડતાં ત્યારે સેન્સર ન થયેલી વિદેશી ફિલ્મો જોવાં માટે સાવ બાળકની જેમ દશર્કો વર્તતા હતા…

 જો કે , આજે સિનારિયો પલટાયો છે. વર્ષો પહેલાં  જે  કાર્ટૂન નેટવર્કના શો  માત્ર બાળકો જોતાં એને હવે યુવાનો- વડીલો પણ  જોવામાં સામેલ થવા લાગ્યા છે અથવા તો કહો કે એમનેય બાળકોના મનોરંજનનો ચસ્કો લાગ્યો છે.

એક સમય એવો હતો કે આપણે ત્યાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન- વિજ્ઞાનના પાઠ શીખવી શકે એવી બાળ-ફિલ્મો ભાગ્યે જ તૈયાર થતી. પાછળથી બાળકોના ચાચા નહેરુના ખાસ કહેવાથી અને એમાં સક્રિય રસ લેવાથી બાળ ફિલ્મોનાં નિર્માણ તરફ સરકારે સકારાત્મક કદમ ઉઠાવ્યા અને સરકારી ‘ચિલ્ડ્રન’સ ફિલ્મ સોસાયટી-ઈન્ડિયા’

( CFSI ) ની વિધિવત સ્થાપના થઈ પછી ઉત્તરોત્તર વધતી જતી પ્રવૃત્તિઓનાં પરિણામે અત્યાર સુધીમાં દસેક ભારતીય ભાષામાં ૨૭૫થી વધુ બાળ-ફિલ્મોનું નિર્માણ થયું છે. જો કે એમાં ઍનિમેશન કે કાર્ટૂન ફિલ્મોનું પ્રમાણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઓછું રહ્યું .પ્રાથમિક કારણ એ કે તે સમયે આપણે ત્યાં ઍનોમેશન માટેની જરૂરી ટેક્નોલોજી ન હતી. કાળક્ર્મે બાળ-ફિલ્મો તો બનવા માંડી,પણ સંખ્યાબંધ પ્રાઈવેટ ટેલિવિઝન ચેનલોના સામૂહિક આગમન પછી પણ બાળકો માટેની કાર્ટૂન ફિલ્મ્સનો અભાવ જ રહ્યો. એ વખતે ,જે કાર્ટૂન ફિલ્મો દર્શાવવાવામાં આવતી એમાં ૮૦-૮૫ % ફિલ્મો વિદેશી રહેતી અને ૧૫ % સ્વદેશી.

આ બધા વચ્ચે, છેલ્લા ૬-૭ વર્ષમાં અચાનક દ્રશ્ય જ જાણે પલટાઈ ગયું. ન્યૂઝ-વ્યૂઝ અને એન્ટરટેઈમેન્ટની ચેનલોની સમાંતરે માત્ર બાળકો માટેના જ શો રજૂ કરતી કેટલીક ખાસ ચેનલોની એન્ટ્રી થઈ. શરૂઆતમાં માત્ર ૪ કિડ્સ ચેનલ હતી.પછી દેશ પણ ખરા અર્થમાં ડિજિટલ યુગમાં પ્રવેશી ગયું એ સાથે આવી ચેનલ છ ગણી વધી ગઈ- ચારમાંથી ૨૪ થઈ અને આજે પરિસ્થિતિએ એવો તીવ્ર વળાંક લીધો છે કે ભારતીય ટીવી સ્ક્રીન પર રજૂ થતાં ટોપ ૨૦માંથી ૧૫ કાર્ટૂન શો ‘મેઈડ ઈન ઈન્ડિયા’ એટલે કે શુદ્ધ સ્વદેશી – ભારતીય છે. એટલું જ નહીં, એની કથાવસ્તુ- વાર્તાથી લઈને એની ડિજિટલ રજૂઆત સુદ્ધાં વિદેશી કાર્ટૂન શોને ટ્ક્કર આપીને મહાત કરે એવી છે. બીજાં દેશોની સરખામણીએ આપણે ત્યાં શરૂઆતથી જ બાળકોનાં મનમાં પ્રત્યક્ષ- પરોક્ષ રીતે ધાર્મિક કથા અને એનાં પાત્રો પ્રવેશી ગયાં હોય છે એટલે શરૂઆતનાં વર્ષો બાદ કરો તો મટ એન્ડ જેફ કે મિકી માઉસ- ડોનાલ્ડ ડ્ક જેવાં કોમિક પાત્રોની જગ્યાએ આજે આપણા ભીમ- કૃષ્ણ -રામ- હનુમાન આબાદ ગોઠવાઈ ગયા છે ને ખાસ્સા લોકપ્રિય પણ બની ગયાં છે. એમાંય આ પાત્રોનાં બાળ સ્વરૂપ, ખાસ કરીને રાહુલ ગાંધીના પ્રિય એવાં ‘છોટા ભીમ’ ઉપરાંત, ગોળમટોળ ગણેશ અને હનુમાન પણ આજે કિડ્સ ચેનલોના સુપર સ્ટાર્સ છે !

કોરોના-કાળે અનેકોની દુનિયામાં અકલ્પ્ય ઊંધુ-ચત્તું કરી નાખ્યું છે. લોકડાઉન-ઘરબંધીને લીધે ‘વર્ક ફ્રોમ હોમ’ નું ચલણ વધ્યું એ સાથે ટાઈમપાસ મનોરંજન માટે ટેલિવિઝન જોવાનું વધ્યું. ન્યૂઝ પછી ‘ઓટીટી’ પ્લેટફોર્મ પર વેબ સિરીઝના દર્શકો વધ્યા એની સાથે બાળકોમાં પણ કાર્ટૂન શોઝની વ્યૂરશિપ છેલ્લાં દોઢેક વર્ષમાં વધીને ૩૫ % પર પહોંચી ગઈ છે. સામાન્ય સંજોગોંમા કામ -વ્યવસાયને કારણે ક્લાકો સુધી પોતાનાં ઘરથી બહાર રહેતા લોકોને લોકડાઉનના આ સમયમાં પત્ની – સંતાન- વડીલો સાથે વધુ સમય ગાળવાની તક મળી એના કારણે મમ્મી-પપ્પા,ખાસ કરીને, પપ્પા બાળક સાથે વધુ સમય ગાળતાં થયા અને પપ્પા પણ પોતાના બાળક્ને કંપની આપવા કિડ્સ કાર્ટૂન શો જોતાં થઈ ગયા. એટ્લું જ નહીં, એમને પણ બાળકોના આવા શો જોવાનો શોખ વળગી ગયો !

લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ ‘નેટફ્લ્કિસ’ દ્વારા થયેલાં સર્વેનાં તારણ પણ કહે છે કે કોરોનાની ઘરબંધી દરમિયાન અને એ પછી ૬૦% ઘરના લોકો એમનાં સંતાન સાથે કિડસ શો જોતાં થઈ ગયાં છે. એ જ રીતે, બાળક સાથે હોય કે ન હોય તોય એકલા એક્લા, કાર્ટૂન શો જોનારા પુખ્તવયના લોકોની ટકાવારીમાં ખાસ્સો ૮૦ ટકાથી પણ વધારો નોંધાયો છે !
કારણ શું ?

-તો બાળ – ફિલ્મોના સમીક્ષકો અનુસાર નવાઈ લાગે અને આશ્ર્ચર્ય થાય એવી વાત એ છે કે આમ પ્રેક્ષકો માટે બનતી ફિલ્મોની સરખામણીએ આ કિડસ ફિલ્મોમાં વધુ સુનિશ્ર્ચત-સુદ્રઢ સ્ટોરી પ્લોટ હોય છે. એનાં કાર્ટૂન પાત્રમાં માનવસહજ બધી જ ખૂબી- ખામીઓ હોય છે.એ ઈર્ષા કરી જાણે છે- એ વેર લઈ શકે છે-એ માયાળુ પણ હોય છે અને આ બધું જ બાળસહજ નિર્દોષતાથી પેશ થતું હોવાથી એ બધા જ વર્ગના પ્રેક્ષકોને સ્પર્શી જાય છે
-અને એટલે જ દર્શકો પણ કહે છે કે ‘એ હસમુખાં કાર્ટૂન પાત્રો અમને સહજ રીતે હસાવીને અમારું બધા જ પ્રકારનું ટેન્શન હળવું કરી નાખે છે..’
આખિર દિલ તો બચ્ચાં હૈ જી..!
( સંપૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…