અંતરાત્મા

આજની ટૂંકી વાર્તા -નિખિલ મહેતા
બાની તબિયત વધુ પડતી બગડી ગઈ હોવાના સમાચાર મળ્યા ત્યારે જ અક્ષય ચિંતિત થઈ ગયો હતો. એમાં જીનેશે કહ્યું કે ‘ભાઈ, તમે આવી જાઓ તો સારું, કારણ કે ડૉક્ટરો કહે છે કે હવે વધુ સમય નથી.’ અક્ષય લગભગ ભાંગી પડ્યો હતો. જોકે પત્ની સીમા અને ગુરુજીએ એને સંભાળી લીધો. અક્ષય થોડો સ્વસ્થ રહી શક્યો, પણ અંદરની વ્યથા જતી નહોતી. દર વખતે સીમાની વાતમાં આસાનીથી નમતું જોખી લેતા અક્ષયે આ વખતે જીદ પકડી હતી. ‘આ વખતે મારું મન માનતું નથી.’ અક્ષયે કહ્યું હતું. ‘મુંબઈ જવું જ પડશે.’ ‘તું ખોટી ચિંતા કરે છે,’ સીમાએ તેને સમજાવતાં કહ્યું હતું. ‘પહેલાં પણ બા કેટલીય વાર બીમાર પડ્યાં છે અને પછી સાજાં થઈ જાય છે. બિલીવ મી, એમની જિજીવિષા બહુ જ સ્ટ્રોંગ છે.’
‘પણ જીનેશ ચોખ્ખું કહે છે કે ડૉક્ટરોએ આશા છોડી દીધી છે’, અક્ષયે મક્કમ બનીને કહ્યું, ‘તું સમજતી કેમ નથી? જો, તારે આવવું હોય તો આવ, નહીં તો હું એકલો જઈશ.’ ‘અરે અરે, તું આવું કેમ બોલે છે,’ સીમાએ અચાનક સૂર બદલી નાખતાં કહ્યું, ‘મેં તને ક્યારેય એકલો મૂક્યો છે? ડોન્ટ વરી, હું તારી સાથે આવીશ.’ બન્નેએ મુંબઈ જવાની તૈયાર શરૂ કરી દીધી. અક્ષયે બિઝનેસને લગતાં કામો આટોપી લીધાં. સીમાએ તો પોતે ઘણા પ્રોગ્રામો રદ કરવા પડ્યા એનો અફસોસ વ્યક્ત કર્યો. અક્ષયે એની વાત પર ધ્યાન ન આપ્યું. અક્ષયની નારાજગી દૂર કરવા સીમાએ નવો આઈડિયા અજમાવ્યો. ‘અક્ષય, આપણે ગુરુજીને સાથે લઈ જઈએ તો?’ સીમાએ કહ્યું, ‘શક્ય છે, ગુરુજીના દિવ્ય સ્પર્શથી બા બીમારીમાંથી બેઠાં થઈ જાય.’
‘હેં?’ અક્ષય બોલી પડ્યો, ‘પણ ગુરુજી આપણી સાથે મુંબઈ આવશે?’ ‘આપણે આગ્રહ કરીશું તો જરૂર આવશે,’ સીમાએ કહ્યું, ‘હું આજે સાંજે ગુુરુજીને મળવાની છું. જો તેઓ હા પાડે તો આવતી કાલે જ આપણી નીકળી જઈશું.’
અને ખરેખર ગુરુજીએ તેમની સાથે આવવાની હા પાડી દીધી. સીમા અને અક્ષય બન્નેના મનનું સમાધાન થઈ ગયું. સીમા જાણતી હતી કે દિયર – દેરાણીના ઘરમાં તેનું કોઈ માન નહોતું. બા સાથે પણ ક્યારેય તેને જામ્યું ન હતું. આથી તો તેને ક્યારેય મુંબઈ જવું ગમતું નહોતું. પણ તેની મુલાકાતને એક નવો રંગ મળ્યો હતો. તે ગુરુજીને સાથ લઈ જવાની હતી અને એ રીતે તેનો વટ પડી જવાનો હતો. આખરે ગુરુજીનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે. મુંબઈમાં પણ ગુરુજીના અનેક ભક્તો છે.
ગુરુજીના દિવ્ય સ્પર્શથી બાની તબિયત સુધરી જશે એ વાત પર અક્ષયને એટલો વિશ્ર્વાસ નહોતો, પરંતુ બા પ્રત્યેની લાગણીને કારણે તે આશાવાદી બની ગયો હતો. તેણે એમ પણ વિચાર્યું કે જો બાને બચાવી શકાય એમ નહીં હોય તો પણ ગુરુજીના આશીર્વાદને કારણે બાનું મૃત્યુ સુધરી જશે. ગુરુજીની આધ્યાત્મિક શક્તિઓથી તે અને સીમા બન્ને પ્રભાવિત હતા. સીમા તો ગુરુજીમાં ઓતપ્રોત થઈ ગઈ હતી.
બાય રોડ સુરતથી મુંબઈ એટલે લગભગ પાંચ કલાકની મુસાફરી, પણ અક્ષયને ખબર હતી કે આ મુસાફરી તેને બહુ ભારે પડવાની છે. સાથે સીમા અને ગુરુજી હતાં, પણ અંદરથી તે સાવ એકલો હતો. આ વખતે કોણ જાણે, પણ બાની માંદગીએ તેને ડરાવી દીધો હતો. આમ તો ચાર વર્ષથી તે મુંબઈ છોડીને સુરત આવીને સેટલ થઈ ગયો હતો. ભાઈ-ભાભી, એમનો દીકરો અને બા મુંબઈમાં સુખેથી રહેતાં હતાં. અક્ષયનો પોતાનો હીરાનો વેપાર બહુ વધી ગયો હતો અને સામાજિક – આર્થિક રીતે બહુ આગળ નીકળી ગયો હતો. તેનો નાનો ભાઈ જીનેશ પોતાની પ્રાઈવેટ નોકરીમાં ખુશ હતો. પણ બા? અચાનક જ અક્ષયને સીમા પર ગુસ્સો આવ્યો. તેણે તો ક્યારેય બા સાથે પ્રેમથી વાત કરી નહોતી, પણ તેના કારણે પોતે પણ બા સાથે ક્યારેક ખરાબ વર્તન કરી નાખ્યું હતું. બા જ શા માટે? જીનેશ સાથે પણ તેણે બહુ મોટો અન્યાય કર્યો હતો. જોકે એ સમય જુદો હતો. એ સમયે અક્ષય આર્થિક ભીંસમાં હતો. મોટા દેવામાં ડૂબી ગયો હતો અને એમાંથી નીકળવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવવા પડ્યા હતા. ઓહ, કેટલો મોટો દગો.
ડ્રાઈવરે કાર બરોબર ચેક કરી લીધી. ડ્રાઈવરની બાજુમાં અક્ષય બેઠો. પાછળ સીમા અને ગુરુજી. કારનું એસી બંધ કરીને બારીઓ ખોલી નાખવામાં આવી. હંમેશાંની જેમ સીમાએ ડ્રાઈવરને કાર સ્ટાર્ટ કરવાનો આદેશ આપ્યો. કારમાં હવાની લહેરખી પસાર થઈ ગઈ. અક્ષયની સામે ભૂતકાળની યાદો પસાર થવા માંડી.
એ રાત્રે અક્ષયે બહુ જ દારૂ ઢીંચ્યો હતો. ઘરે પહોંચીને સીમાના ખોળામાં માથું રાખીને તે રડી રહ્યો હતો. તેણે બહુ જ ખોટું કર્યું હતું. જીનેશ કે અક્ષય સાથે અને બા સાથે બહુ મોટો દગો કર્યો હતો. અરે, બાપુજીના આત્માને પણ દૂભવ્યો હતો. પરિવારનો સહિયારો વાલકેશ્ર્વરનો ફલેટ કાઢીને બન્ને ભાઈઓ માટે બે નાના ફલેટ લેવાનું નક્કી થયું હતું. અક્ષયને એક ફલેટથી સંતોષ થાય એમ નહોતું. તેના માથા પર મોટું દેવું ચડી ગયું હતું. પંદર જ દિવસમાં હીરાબજારની બે પાર્ટીઓ ઊઠી ગઈ એનાથી તેને બહુ મોટું નુકસાન થયું હતું. અક્ષયે ધાર્યું હોત તો તે પણ હાથ ઊંચા કરી શક્યો હોત, પણ તેણે એમ ન કર્યું, કારણ કે તે મહત્ત્વાકાંક્ષી હતો. તે હીરાબજારમાં રહીને જ પૈસા અને નામ કમાવા માગતો હતો. અનેક મહત્ત્વાકાંક્ષી માણસોની જેમ તેણે પણ ઘરના લોકોનો જ ભોગ લીધો. વાલકેશ્ર્વરના ફલેટ પર બાપુજીએ કરજ લીધું હતું એવા બનાવટી દસ્તાવેજો અક્ષયે તૈયાર કરાવ્યા હતા.
બા અને જીનેશે તેની વાત પર કોઈ જ શંકા નહોતી કરી. બાપુજીના કરજના નામે જે પૈસા આવ્યા તે તેણે લેણદારોને ચૂકવી દીધા અને આબરૂ જાળવી રાખી. આ ખોટું કામ કરતાં તો કરી નાખ્યું, પણ અંદરથી તે વ્યથિત થઈ ગયો હતો. એ રાત્રે પોતાની મજબૂરી પર તે રડ્યો હતો અને આત્મજનો સાથે દગો કર્યો એ વાત પર તે રડ્યો હતો. ત્યાર પછી તો જાણે ખરાબ કર્મોનું સારું ફળ મળ્યું હોય એમ અક્ષયનો ધંધો કૂદકે ને ભૂસકે આગળ વધવા માંંડ્યો. મુંબઈ અને સુરત વચ્ચેની અવરજવર વધી ગઈ. આખરે સીમાના કહેવાથી મુંબઈનો નાનો ફલેટ કાઢીને સુરતમાં જ મોટો ફલેટ લઈ લીધો અને ત્યાં સેટલ થઈ ગયો. હવે ધંધાના કામસર મુંબઈ આવવું પડે તો તે હોટેલમાં ઊતરતો. જીનેશ તથા બાને એવું બહાનું આપતો કે પાર્ટી સાથે હોય એટલે હોટેલમાં રહેવું પડે. બા, જીનેશ અને તેના પરિવાર સાથેનું ભૌગોલિક અંતર વધ્યું એ સાથે જ આત્મીય અંતર પણ વધી ગયું.
આ જ સમય દરમિયાન સીમા ગુરુજીના પરિચયમાં આવી. શરૂઆતમાં અક્ષયને ગુરુજીએ ખાસ પ્રભાવિત નહોતો કર્યો, પરંતુ ધીમે ધીમે નવા જમાનાના સંત તરીકે ગુરુજીએ પોતાનું સ્થાન જમાવી દીધું હતું. પોતાના ભાઈ સાથે દગો કર્યો એ વાતનો પોતાને રંજ હોવાની કબૂલાત એક વાર તેણે ગુરુજી સમક્ષ કરી. ‘દીકરા તને ખબર છે, આ વિશ્ર્વમાં ખરાબ કર્મ કરતાં પણ વધુ ખરાબ શું છે?’ ગુરુજીએ પોતાના પ્રભાવશાળી અવાજમાં કહ્યું, ‘ગુનાહિત લાગણી. ગિલ્ટ. જો તું ગિલ્ટને મારી નહીં નાખે તો ગિલ્ટ તને મારી નાખશે.’ ‘પણ ગુરુજી મેં મારા સગ્ગા ભાઈ સાથે દગો કર્યો,’ અક્ષયે કહ્યું, ‘મેં અપ્રામાણિકતાથી તેના પૈસા પડાવી લીધા.’
‘આ કર્મ તારી પાસે કોણે કરાવ્યું?’ ગુરુજીએ દલીલ ચાલુ રાખતા કહ્યું. ‘તને કુબુદ્ધિ સૂઝી એ ક્ષણનો માલિક કોણ?’ અક્ષય સ્તબ્ધ બની ગયો અને ચૂપ થઈ ગયો. ‘ભૂતકાળ એ મૃત્યુ છે અને માનસિક બોજ એ મૃત્યુનો પડછાયો છે,’ ગુરુજીએ તેના માથા પર વહાલથી હાથ મૂકીને કહ્યું, ‘સૂર્ય તરફ મીટ માંડ અને જીવનનો ઉત્સવ મનાવ. તારી ઊર્જા એ જ તારું ભવિષ્ય છે.’
ગુરુજીની વાણીએ અક્ષયને ખરેખર પ્રભાવિત કર્યો હતો અને તે જાણે ગુનાહિત લાગણીમાંથી મુક્ત થઈ રહ્યો હોય એવુંં તેને લાગ્યું. અંદરથી તેણે રાહત અનુભવી. ગુરુજીએ તેને કોઈક બંધનમાંથી મુક્ત કર્યો હોય એવું લાગ્યું. બસ, ત્યાર પછી તો જ્યારે પણ મનમાં કોઈ દ્વિધા પેદા થાય ત્યારે તે ગુરુજીની સલાહ લેવા પહોંચી જતો અને ગુરુજી તેને માનસિક વિમાસણમાંથી મુક્તિ અપાવતા. ગુુરુજી ખરેખર નવા જમાનાના સંત હતા. તેઓ પોતાના અનુયાયીઓની તકલીફોને બરોબર સમજતા હતા અને તેને અસરકારક રીતે દૂર કરતા હતા.
ગુરુજીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી અક્ષય એકદમ હોશિયાર બની ગયો. આ દુનિયા સાથે નીપટવા માટે જે ચતુરાઈ જોઈએ એ તેનામાં આવી ગઈ. ગિલ્ટથી તે મુક્ત થઈ ગયો હતો. કોઈ પણ વાતમાં મક્કમ બનીને ના પાડવાની હિંમત તેનામાં આવી ગઈ હતી. થોડા સમય પહેલાં જીનેશને પોતાના પુત્રના એડમિશન માટે પૈસાની જરૂર પડી હતી અને તેણે બે લાખની મદદ માગી હતી, પણ એ જ સમય દરમિયાન સીમાએ યુરોપની ટૂર પ્લાન કરી હતી. કોઈ પણ પ્રકારના સંકોચ કે ગિલ્ટ વિના અક્ષયે જીનેશને મદદ કરવાની ના પાડી હતી. અલબત્ત, એક ચતુરાઈભર્યું બહાનું બતાવીને. એક વાર તે મુંબઈ ગયો ત્યારે બાએ મહેણું મારતાં કહ્યું હતું, ‘કેમ ભાઈ, બહુ મોટો માણસ બની ગયો છે?’
બહુ મોટો માણસ.અક્ષયને એક ઝાટકો લાગ્યો અને તે તંદ્રામાંથી જાગી ગયો. કાર અચાનક ઊભી રહી. પાછળથી એક ટ્રકે કારને ઓવરટેક કરીને થોડે આગળ જઈ અચાનક બ્રેક મારી. સીમાના મોઢામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. ગુરુજી ધ્યાનમાં મગ્ન હતા. ‘કોઈ અનાડી લાગે છે,’ ડ્રાઈવરે કહ્યું, ‘જરાકમાં બચી ગયા.’કોઈ કશું બોલ્યું નહીં. આમ પણ મુંબઈ આવવાની તૈયારી હતી. ગુરુજી જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે જુહુમાં રહેતા તેમના એક ખાસ ભક્તના બંગલામાં જ ઉતારો કરતા. આ વખતે પણ તેઓ ત્યાં ગયા અને સીમા પણ તેમની સાથે જ ગઈ. બીજા દિવસે સવારે ગુરુજી બાને આશીર્વાદ આપવા હોસ્પિટલ આવશે એવું નક્કી થયું. અક્ષય પોતાના ભાઈ જીનેશના ઘરે આવ્યો. ઘરમાં વાતાવરણ ઉદાસીભર્યું હતું.
‘બાને કેમ છે?’ અક્ષયે ઉતાવળા બનતાં પૂછ્યું. તેના હૃદયમાં સચ્ચાઈ હતી, પરંતુ આટલાં વર્ષોના ફરેબને લીધે તેનો અવાજ બોદો લાગતો હતો. જીનેશે થોડી વાર કોઈ જવાબ ન આપ્યો અને પછી બોલ્યો, ‘તમે ફ્રેશ થઈ જાઓ, પછી આપણે હોસ્પિટલ જઈએ.’
હોસ્પિટલની દોડધામમાં અક્ષયને મૂંઝવણ શરૂ થઈ. જીનેશ સાથે હતો, પરંતુ અંદરથી તે ડર અનુભવવા લાગ્યો. બાના વોર્ડમાં પહોંચ્યા ત્યારે જીનેશની પત્ની એક-બે નર્સો સાથે ધીમા અવાજે વાત કરી રહી હતી. ‘અચ્છા હુઆ આપ લોગ આ ગયે.’ એક નર્સે કહ્યું, ‘પેશન્ટ કો અભી આઈસીયુ સે બાહર લા રહે હૈ.’ ‘એટલે?’ જીનેશે પૂછ્યું અને પછી અક્ષય સામે જોયું. બન્ને ભાઈઓ એકબીજાને ભેટ્યા. થોડી જ વારમાં સ્ટ્રેચર પર સૂતેલાં બાને વોર્ડમાં લાવવામાં આવ્યાં. તેમના બેડ પર ગોઠવવામાં આવ્યાં. અમુક નળીઓ કાઢવામાં આવી અને બીજી કેટલીક નળીઓ ભરાવવામાં આવી. જીનેશ બાની નજીક ગયો. તેને આશ્ર્ચર્ય થયું. બા ભાનમાં હતાં.
‘બા, જુઓ, ભાઈ આવ્યા છે,’ જીનેશ બોલ્યો. અક્ષય પણ નજીક સરક્યો. બન્ને ભાઈઓ બા તરફ ઝૂક્યા. બાએ હાથ ઊંચક્યો અને વારાફરતી બન્નેનાં માથાં પર હાથ મૂક્યો. પછી તરત જ બાનો હાથ નીચે પડી ગયો. ‘પ્લીઝ હટીએ, પેશન્ટ કો આરામ કરને દો,’ તરત નર્સે આવીને બન્ને ભાઈઓને ત્યાંથી દૂર હટાવ્યા. બાને એક ઈન્જેેક્શન આપ્યું અને સૂવડાવી દીધાં.
જીનેશની પત્ની ઘરે ગઈ એ પછી બન્ને ભાઈઓ એકલા પડ્યા. ‘જીનેશ, એક વાત તેં નોટ કરી?’ અક્ષયે કહ્યું, ‘બાએ મને આશીર્વાદ ન આપ્યા.’ ‘ના ભાઈ, તમે એવું કેમ બોલો છો?’ જીનેશે કહ્યું, ‘બાએ આપણા બન્નેનાં માથાં પર હાથ મૂક્યો હતો.’ ‘ના જીનેશ, મારું બરોબર ધ્યાન હતું,’ અક્ષયે રડમસ બની જતાં કહ્યું. ‘બાએ મને આશીર્વાદ ન આપ્યા. બા મારાથી નારાજ છે. મને આશીર્વાદ ન આપ્યા.’ ‘ભાઈ તમે કેવી વાત કરો છો?’ જીનેશે કહ્યું, ‘બા તમારાથી શા માટે નારાજ થાય?’‘તો પછી મને આશીર્વાદ કેમ ન આપ્યા?’ અક્ષય મક્કમતાથી બોલ્યો, ‘કોઈ વાંધો નહીં, બા ભાનમાં આવશે ત્યારે ફરી હું તેમની પાસે જઈશ અને આશીર્વાદ માગીશ.’
બા પછી ભાનમાં ક્યારેય ન આવ્યાં. નર્સે જીનેશ અને અક્ષયને બાના મૃત્યુના દુ:ખદ સમાચાર આપ્યા. બન્ને ભાઈઓ એકબીજાને ભેટીને રડ્યા. સગાં-સંબંધીઓને સમાચાર મોકલવાનું શરૂ થયું. જીનેશે બાના મૃતદેહને ઘરે લઈ જવાની તૈયારીઓ કરી. અમુક સગાંવહાલાં હોસ્પિટલમાં આવી પહોંચ્યા. અક્ષય એકદમ ગૂમસૂમ થઈ ગયો હતો. તેની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને તેનું મન અશાંત હતું. રાત્રે સીમાનો ફોન આવ્યો, બાના ખબર પૂછવા માટે. અક્ષય ભાંગી પડ્યો. ફોન પર તે પોક મૂકીને રડી પડ્યો. ‘સીમા, બાએ મને આશીર્વાદ ન આપ્યા. બાએ મને આશીર્વાદ ન આપ્યા…’
અક્ષયનો અવાજ આખી હોસ્પિટલમાં ગાજવા લાગ્યો. જીનેશે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. હોસ્પિટલના કર્મચારીઓએ આવીને ધીમી ચેતવણી આપી. અક્ષયને માંડ માંડ શાંત પાડવામાં આવ્યો. બાના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો. બીજા દિવસે સવારે જ અંતિમક્રિયા કરવાનું નક્કી થયું. બીજા દિવસે બપોર સુધી અંતિમક્રિયા અને વિધિઓ ચાલી. અક્ષય ગૂમસૂમ થઈને બેઠો રહ્યો. કોઈ જ વિધિમાં તેણે ભાગ ન લીધો. કોઈ કંઈ પૂછે તો એનો જવાબ પણ નહોતો આપતો. અંતિમક્રિયા માટે સીમા આવી પહોંચી હતી, ગુરુજી કોઈક બહાનું બતાવીને ન આવ્યા. સીમાએ અક્ષય સાથે વાત કરવાની કોશિશ કરી પણ કંઈ ન વળ્યું. તે ફક્ત એક જ રટણ કરતો હતો… બાએ મને આશીર્વાદ ન આપ્યા… સીમાને ડર લાગી રહ્યો હતો.
મોડી સાંજે અક્ષય, સીમા અને ગુરુજી સુરત પાછા જવા રવાના થયાં. ક્યાંય સુધી ત્રણેય કારમાં ચૂપચાપ બેઠાં રહ્યાં. હાઈ-વેનો શાંત પ્રદેશ શરૂ થયો ત્યારે અક્ષય બોલ્યો, ‘ગુરુજી, બાએ મને આશીર્વાદ કેમ ન આપ્યા?’ સીમાએ ગુરુજી તરફ જોયું. ગુરુજીએ કોઈ જવાબ ન આપ્યો. અક્ષયે ફરીથી એ જ પ્રશ્ન કર્યો. ગુરુજીએ પોતાની આંખો બંધ કરી અને પછી થોડા આગળ નમીને અક્ષયના માથા પર હાથ મૂક્યો. ‘તું જરાય ચિંતા ન કર,’ સીમાએ અક્ષયને સંબોધીને ધ્રૂજતા અવાજે કહ્યું, ગુરુજીના આશીર્વાદ આપણી સાથે જ છે.