અનિલ કપૂર – બોની કપૂરના ‘બાપુ’
૧૯૮૦ના દાયકામાં કપૂર પરિવારના અભિનેતા અને નિર્માતાએ સાઉથના દિગ્દર્શક સાથે પોતપોતાની કારકિર્દીનો પ્રારંભ કરી સફળતા મેળવી હતી
હેન્રી શાસ્ત્રી
‘હમ પાંચ’ (ડાબે) અને ‘વો સાત દિન’
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઉથના પ્રભાવ અને યોગદાનની વાત આગળ વધારી સમાપ્ત કરીએ. ચાર દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતજાતની ભૂમિકાઓથી દર્શકોનું મનોરંજન કરનાર અનિલ કપૂર સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વિશિષ્ટ નાતો ધરાવે છે. એક્ટરની શરૂઆત સંજીવ કુમાર – રાખીના લીડ રોલવાળી ફિલ્મ ‘હમારે તુમ્હારે’ (૧૯૭૯)થી થઈ હતી, પણ એ સહાયક અભિનેતાનો – સપોર્ટિંગ રોલ હતો. મુખ્ય અભિનેતા – હીરો તરીકે તેમની પહેલી ફિલ્મ તેલુગુ હતી જે હિન્દીમાં ‘પ્યાર કા સિંદૂર’ નામથી ડબ કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ એક સાઉથની ફિલ્મમાં અનિલ કપૂર હીરો તરીકે નજરે પડ્યા અને ૧૯૮૩ની ’વો સાત દિન’ ફિલ્મ સાથે અનિલ કપૂર હિન્દી ફિલ્મોમાં હીરો તરીકે પ્રસ્થાપિત થયા. આ ફિલ્મની સફર પણ જાણવા જેવી છે. દિગ્દર્શક કે. ભાગ્યરાજ (અમિતાભની સુપરહિટ ‘આખરી રાસ્તા’ના દિગ્દર્શક જે તેલુગુ ફિલ્મની રિમેક હતી)ની તમિળ ફિલ્મ પરથી બાપુ નામથી વધુ જાણીતા એસ. લક્ષ્મીનારાયણ નામના દિગ્દર્શકે તેલુગુ ફિલ્મ બનાવી હતી અને એ જ સ્ટોરીનો આધાર લઇ હિન્દીમાં ‘વો સાત દિન’ નામની ફિલ્મ બનાવી હતી. આમ સાઉથની રિમેકથી અનિલ કપૂરનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો તરીકે વિધિવત્ પ્રવેશ થયો. ત્યારબાદ ઝકાસ કપૂરે ઘણી સાઉથની રિમેકમાં કામ કર્યું અને પોતાની કારકિર્દીનો ધ્વજ લહેરાતો રાખ્યો. અનિલ કપૂર સારો એક્ટર છે એ સિદ્ધ કરનારી ‘વો સાત દિન’ના અન્ય કલાકાર હતા પદ્મિની કોલ્હાપુરે અને નસીરુદ્દીન શાહ. આ ફિલ્મની એક રસપ્રદ વાત એ પણ છે કે એનું નિર્માણ અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂર અને પિતાશ્રી સુરિન્દર કપૂરે કર્યું હતું. સાઉથની જે અન્ય રિમેકમાં અનિલ કપૂરે પોતાનો પ્રભાવ પાડ્યો એમાં ‘ઈશ્વર’ (૧૯૮૯), ‘બેટા’ (૧૯૯૨), ‘અંદાજ’ (૧૯૯૪), ‘મિસ્ટર ’બેચારા’ (૧૯૯૬), ‘ઘરવાલી બહારવાલી’ (૧૯૯૮), ‘હમ આપકે દિલમે રહતે હૈં’ (૧૯૯૯), ‘નાયક: ધ રિયલ હીરો’ (૨૦૦૧) અને ’હમારા દિલ આપકે પાસ હૈ’ (૨૦૦૦)નો સમાવેશ છે. આના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અનિલ કપૂરનું સ્થાન મજબૂત બનાવવામાં સાઉથની ફિલ્મોનો મોટો ફાળો રહ્યો છે. અનિલ કપૂરના મોટાભાઈ બોની કપૂરની ગણના એક સફળ નિર્માતા તરીકે થાય છે. ચાલીસેક વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે જે ફિલ્મોનું નિર્માણ કર્યું છે એમાંની ૬૦ ટકાથી વધુ ફિલ્મ સાઉથની રિમેક છે. તેમના નિર્માણ હેઠળની પ્રથમ ફિલ્મ હતી ‘હમ પાંચ’ (૧૯૮૦). સંજીવ કુમાર, મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, રાજ બબ્બર અને ગુલશન ગ્રોવરને ચમકાવતી આ ફિલ્મના દિગ્દર્શક પણ બાપુ જ હતા. જોગાનુજોગ બંને કપૂર ભાઈઓની પહેલી ફિલ્મના દિગ્દર્શક એક જ હતા, બાપુ. એટલે ઈન્ડસ્ટ્રીમાં બાપુ અનિલ કપૂર અને બોની કપૂરના ‘બાપુ’ તરીકે ઓળખ ધરાવતા હતા. ‘હમ પાંચ’ કન્નડ ફિલ્મની રિમેક હતી, પણ હિન્દી ફિલ્મ બનાવવા પૂર્વે બાપુ એની તેલુગુ રિમેક બનાવી ચૂક્યા હતા.
બાપુ જેવા જ એક બળુકા સાઉથના દિગ્દર્શક હતા કે. વિશ્વનાથ. નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત વિશ્વનાથે તેલુગુ ફિલ્મોની સફળ હિન્દી રિમેક બનાવી હતી. પોતે ડિરેક્ટ કરેલી તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક ‘સરગમ’થી તેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખેડાણ શરૂ કર્યું. રિશી કપૂર અને જયાપ્રદાના લીડરોલવાળી ફિલ્મને ફાંકડી સફળતા મળી હતી. ત્યારબાદ તેમણે ‘કામચોર’ (૧૯૮૨), ‘શુભકામના’ (૧૯૮૩), ‘જાગ ઉઠા ઈન્સાન’ (૧૯૮૪), ‘સંજોગ’ અને ‘સૂર સંગમ’ (બંને ૧૯૮૫) અને ‘ઈશ્વર’ (૧૯૮૯) જેવી ફિલ્મો બનાવી લોકપ્રિયતા મેળવી.
એકવીસમી સદીમાં ફિલ્મ મેકિંગની શૈલીમાં ઘણું પરિવર્તન આવી ગયું. જોકે, ૧૯૯૦ના દાયકામાં સાઉથના જ નહીં બલકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક આદરણીય દિગ્દર્શક મણિરત્નમે એના એંધાણ ૧૯૯૦ના દાયકામાં આપી દીધા હતા. તેમણે ડિરેક્ટ કરેલી ‘નાયકન’થી હિન્દી ફિલ્મ રસિકોના ધ્યાનમાં આવ્યા અને એની હિન્દી રિમેક ‘દયાવાન’ બની જેના દિગ્દર્શક હતા ફિરોઝ ખાન. ત્યારબાદ ‘રોજા’ અને ‘બોમ્બે’ ફિલ્મથી તેઓ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ જાણીતા બન્યા કારણ કે આ બંને ફિલ્મ હિન્દીમાં ડબ કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર એ બંનેને સારો આવકાર મળ્યો હતો. હિન્દી ફિલ્મ જોનારો વર્ગ પોતાની ફિલ્મ પસંદ કરે છે એ વાતનો ખ્યાલ આવી જતા તેમણે હિન્દી ફિલ્મ ‘દિલ સે’ બનાવી. અલબત્ત આ ફિલ્મને વિશેષ આર્થિક સફળતા નહોતી મળી પણ મણિરત્નમ આદરણીય દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. જોકે, ‘દિલ સે’ પછી તેમણે માત્ર બે જ હિન્દી ફિલ્મ બનાવી, ‘યુવા’ અને ‘ગુરુ.’
૧૯૮૦ના દાયકામાં મુખ્યત્વે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રહેલા ફિલ્મ મેકર પ્રિયદર્શનએ પછીના બે દાયકામાં હિન્દી ફિલ્મો બનાવી સારી સફળતા મેળવી. ૧૯૯૦ના દાયકામાં પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત થઈ હોય એવી ફિલ્મોમાં ‘વિરાસત’ અને ‘ગર્દિશ’ વધુ જાણીતી બની હતી.
જોકે, તેમને સૌથી વધુ લોકપ્રિયતા અપાવી ‘હેરાફેરી’ (૨૦૦૦) ફિલ્મે. મણિરત્નમ અને પ્રિયદર્શન વચ્ચે સાઉથની ભાષાની પસંદગીના ફરક ઉપરાંત ફિલ્મની વાર્તાની પસંદગીનો પણ છે. મણિરત્નમની ફિલ્મ અને તેની વાર્તા વૈચારિક ઉત્તેજન આપનારી રહી છે જ્યારે પ્રિયદર્શનની ફિલ્મો મુખ્યત્વે હલકી ફુલકી જોવા મળતી. જાણવા જેવી વાત એ છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફિલ્મ બનાવનાર સૌથી વધુ સફળ દિગ્દર્શક પ્રિયદર્શનની પહેલી હિન્દી ફિલ્મ ‘મુસ્કુરાહટ’ સરિયામ નિષ્ફળતાને વરી હતી. આજના વખતમાં હવે એટલી, એ મુરૂગોદાસ, પ્રભુદેવા અને સંદીપ વાંગા વગેરે દિગ્દર્શકો એક નવી કેડી બનાવી એના પર ચાલી રહ્યા છે.