મેટિની

સંવેદનાનો સાગર

ટૂંકી વાર્તા -દુર્ગેશ ઓઝા

હિમાલય મનભરીને સાગરના સૌંદર્યને પી રહ્યો. એ અગાધ સૂરસમ્રાટ સાગરના લયબદ્ધ ઊછળતાં મોજાં તેના હૃદયના તારને રણઝણાવી રહ્યા. કેટલાં વર્ષો પછી તે પોતાના વતનમાં પાછો ફર્યો હતો! સમૃદ્ધિની છોળમાં સ્નાન કરવા માટે મહાનગરોમાં ફરી વળેલો હિમાલય પોતાની સૂઝબૂઝથી અઢળક ભૌતિક સંપત્તિનો માલિક બન્યો હતો. પરંતુ આ અનેરા સાગરવૈભવ સામે તેની કોઈ વિસાત નથી એવું તે દૃઢપણે અનુભવી રહ્યો. ‘જાણે તીર્થોત્તમ માને છોડીને કોઇ ઉત્તમ તીર્થની શોધમાં વ્યર્થ બહાર રઝળતો ભ્રમિત માણસ-હિમાલય સ્વયંને જ ચકાસી રહ્યો. સાગરનો ખોળો મળતા જ ભ્રમનો ઓળો પૂરઝડપે હટવા લાગ્યો. સાગરના પાણીની ખારાશમાંય મીઠાશ અનુભવાતી હતી. ચંદ્રનું પ્રતિબિંબ સાગરજળને પ્રકાશથી ઝળહળાં કરી દે એમ હિમાલયનો ચહેરો પણ ખીલી ઊઠ્યો. પ્રખર તાપથી અકળાયેલા કોઈ મુસાફરને વૃક્ષની શીતળ છાંયનો આશ્રય મળતા જ જે શાંતિ ને રાહત મળે એવી કોઈ અદ્ભુત અનુભૂતિ તેને હવે થઈ રહી હતી. તેનામાં રહેલો કલાકાર જાગી ઊઠ્યો. મોજાંમાં ભીંજાતાં ભીંજાતાં જેમ પગ તળેથી રેતી સરકે એમ તેનો સઘળો ભૌતિક વળગાડ ઓસરવા લાગ્યો.’ કુદરતની સમીપ જવું એટલે તમામ પ્રકારની અમાનવીય વૃત્તિથી દૂર થવું… આવું કશુંક તે વિચારી રહ્યો. સાગરનાં મોજાંમાંથી એક અજબ પ્રકારનું સંગીત બહાર આવી રહ્યું હતું જે તેણે મન દઈને સાંભળ્યું. ને પછી તો હિમાલય લગભગ દરરોજ દરિયાકિનારે આવીને સૂરમાં સૂર મેળવવા લાગ્યો.
ત્યાં જ…એક દિવસ… હંમેશાં ચાડીચૂગલીની ગલીમાં રખડતા ગામના આગેવાન ગણાતા પેમશંકરે હિમાલયની ભાવસમાધિ ક્ષીણ કરવાનો ધંધો આદર્યો. એ હિમાલય.. હા હા તને કહું છું. આમ ખડક પર બેસીને ક્યારનોય શું બબડે છે? તને ખબર પડી પેલા જમનાદાસના ઘરમાંથી બેનંબરી માલ પકડાયો? સંતાડતાય ન આવડયું ડફોળને. ને પેલો ઘેલો રવજી… તેની દીકરી ચંપા રોજ શેરીમાંથી લટકમટક કરતી નીકળે છે. આખું ગામ વાતું કરે છે. પણ મારે શું? પણ હવે તું મારી સાથે ચાલ. આમ ભોળાભટાક ન રહેવા. ચોકમાં બધા ભેગા મળીને અલકમલકની વાતો કરે છે. તને મજા આવશે. પેલો મગનો ફિરકી ઉતારી બધાની વાટશે. આ પાણીમાં શું દાટયું છે? ઊઠ, ઊભો થા. પેમશંકરે ખંધુ હસીને તેને આવવાનો દુરાગ્રહ કર્યો.

પણ ઊંચેરા હિમાલયને આવા નીચાણભર્યા વ્યવહારોમાં જરાય રસ ન્હોતો. તે ગાડરિયા પ્રવાહમાં તણાવા ન્હોતો માંગતો. તે બોલી ઊઠ્યો, ‘જુઓ આ સાગર…કોઈનીય પંચાત કર્યા વગર કેવો ઊછળે છે? હા, કદાચ એટલે જ આટલો ઊંચે ઊછળી શકે છે. પાકરી પંચાવોને પાણીચું પકડવાનો તો જીવન પાણીદાર બની જાય. સોરી, મને મને તમારી એ ધડમાથા વગરની સ્વાર્થી બાબતોમાં સમય વેડફવો ન પોષાય. તમતમારે સિધાવો.

પેમશંકરે એક વેધક નજર નાખી, પગ પછાડયા ને બબડાટ ચાલુ રાખતા ચાલતી પકડી. તો આટલું બધું કમાયો શું કામ? સાવ અવહેવારું માણસ. અઢળક કમાણી કર્યા પછી માણસે વટભેર વર્તવું જોઈએ. મોભો જાળવવો જોઈએ મોભો. એને બદલે આ હિમલો…ઠરીને ઠીકરું થઈ ગયો. છોકરમત છે છોકરમત. નકરા પાણીમાં એને મળતું શું હશે? પણ મારે શું…?

હિમાલયે ફરી સાગર સાથે ગોઠડી માંડી ને વિચાર્યું, ‘ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? આવા બીમાર માણસને તો મીઠી ચીજ પણ કડવી જ લાગવાની.

…થોડે દૂર નાનાં નાનાં ભૂલકાં…હમણાં બધું હતું-ન હતું થઈ જશે એ જાણવા છતાં રેતીમાં આડાઅવળા લીટા કરી ચિત્રો સર્જી રહ્યાં હતાં. તો ક્યારેક પોતાના બૂટમોજાં વગેરે ઉતારી દરિયાના મોજાંમાં સ્વયંને ઉતારી રહ્યાં હતાં ને તનમનને ભીના કરી રહ્યાં હતાં. પોતાને ને બીજાને ભીંજવી દેનારાં બાળકો બંને હાથોથી છાલક ઉડાડી તમામ પ્રકારની ચિંતા અને પીડા ઉડાડી રહ્યા હોય એવું લાગતું હતું. નાચતાંકૂદતાં, ઠેકડા મારતાં, કાલીઘેલી વાતો કરતાં, કલ્પનાની સૃષ્ટિમાં નિમગ્ન બની રેતીનો ઢગલો કરી તેમાંથી મંદિર, મકાન વગેરે બનાવતાં, દરિયાકાંઠે વિવિધ પકારની રમતો રમતાં એ નાનાં નાનાં બાળકો વર્તમાનમાં પૂર્ણ રીતે જીવી રહ્યાં હતાં. એક એક પળને માણી રહ્યાં હતાં. ને એટલે જ એમના ચહેરા પ્રસન્નતા અને હળાશથી ચમકી ઊઠ્યા હતા. એમની આંખોમાં આનંદ હતો, વિસ્મય હતું.

મહોરાં વગરના આ ચહેરા પર છલકાતી તાજગી હિમાલયને પણ ભાવવિભોર બનાવી ગઈ. તેને થયું…’ માણસ થોડી ક્ષણો માટે પણ જો નિસર્ગનો સંગ કરે તો કુસંગનો રંગ સડસડાટ ઊતરવા લાગે, અડધી જીવનપીડા તો એમ જ નાસી છૂટે. એકબીજાને હેરાન કરવાની કે પછાડવાની વૃત્તિ જ છૂટી જાય. ઘરકંકાસ આમ ચપટીમાં ચોળાઈ જાય. કદાચ આ બધું ન થાય તોય મન તો પ્રસન્ન થઈ જ જાય. ને એની તો માણસને ખરી જરૂર છે! કુદરતનો આ મજાનો ખજાનો લૂંટવાની મજા જ કંઈક અનેરી છે…! ત્યાં ફરી કોઈએ ખલેલ પહોંચાડી, પણ સાગરના ખારા રણમાં વરસાદી મીઠાશ ભળે એવી આ વિધેયાત્મક ખલેલ બની રહેવાની હતી. એક મીઠડો સ્વર ગુંજી ઊઠ્યો,’ તમે… તમે હિમાલય તો નહીં ને?

‘હા, પણ જેમાંથી ગંગા જેવી નયનરમ્ય નદી નીકળે છે તે હિમાલય નહીં.. હો કે! હું ન ભૂલતો હોઉં તો તમે… વિશાખા…?

‘લે તમને તો મારું નામ પણ યાદ છે!

‘કેમ ન હોય? બચપણના એ દિવસો, એ ધીંગામસ્તી કેમ ભુલાય? મારા માટે તો બચપણ જ જીવનનું સાચું સગપણ છે, જે તમને ઘડે છે, ઉઘાડે છે. કોઈપણ પ્રકારના બોજ વિનાનું મસ્તીખોર, ખુલ્લા આકાશ જેવું મુક્ત બચપણ જીવનની મોંઘેરી મૂડી છે. કોઈનું આવું બચપણ છીનવી લેવું એ હત્યા બરોબર છે. માણસ કિશોર અવસ્થામાં પ્રવેશે પછી તે મોટાને મળતા ફાયદા, તેની જીવનશૈલી વગેરે જુએ છે કે તેની કલ્પના કરે છે, ને પછી મન કરે છે કે હું જલદી મોટો થઈ જાઉં. પણ જ્યારે એ મોટો થઈ જાય છે ત્યારે એ જ માણસ એમ વિચારે છે કે મને મારું બચપણ પાછું જીવવા મળે તો કેવું સારું? કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન. રજા કે તહેવાર આવતા જ અણગમો દર્શાવતા, પૈસા, નફો, ધંધો વગેરે પાછળ જ અંધ થઈ દોડતા માણસને રજા, તહેવારના આનંદનું મહત્ત્વ કેટલું છે તે સમજવા બાળક બનવું પડે. જો અંતરથી રાજી રહેવું હોય તો ગમે તે પરિસ્થિતિમાં માણસે પોતાનું બાળકપણું ગુમાવવું જ જોઈએ. મારું યૌવન ભલે થોડું બહાર વીત્યું, પણ શૈશવની એ યાદો હજી આ સાગરના સંગીતની જેમ હૈયામાં રણઝણે છે. સાગર જોઈને હું સાચૂકલો માણસ બની ગયો હોઉં એમ લાગે છે. જાણે કિનારો છોડીને દૂર ગયેલું મોજું ફરી સાગરમાં મળી ગયું, ભળી ગયું.

‘વાહ, તમે તો કલાકાર બની ગયા કે શું? મેં તો સાંભળેલું કે તમે તો અઢળક પૈસા માટે…?

‘હા વિશાખા, તમારી બંને વાતોમાં તથ્ય છે, પરંતુ જીવનમાં એક અદ્ભુત વળાંક આવ્યો છે. પહેલાં હું માત્ર ધંધાદારી માણસ હતો, પણ હવે માત્ર માણસ બનવાની દિશા તરફ આગળ વધી રહ્યો છું. માણસનો મૂળ હેતુ અંતે તો શાંતિ અને આનંદ મેળવવાનો હોય છે. પરંતુ ઘણીવાર સંપત્તિ ભેગી કરવી એ જ તેનું ધ્યેય બની જાય છે ને પેલો મૂળ હેતુ અંધારામાં ઓગળી જતા લૂંટારુની માફક ક્યાંય છૂ થઈ જાય છે. પણ સદ્નસીબે આવું ન બન્યું.

જીવનમાં કશુંક ખૂટતું લાગ્યું ને મેં પૈસા પાછળની આંધળી દોટ છોડી દીધી. હું આનંદના મૂળ સ્ત્રોત તરફ પાછો વળ્યો. પહેલાં હું માત્ર મગજની ફૂટપટ્ટીથી બધી બાબતોને માપતો. પરંતુ આ સાગર તથા સાગરપેટા માણસોના સંગાથ પછી હું હૈયાની વાત માનું છું. હવે તો મગજનેય મારું હૃદય ગમવા માંડયું છે. આંતરિક સમૃદ્ધિ વિનાની ભૌતિક સંપત્તિ એકડા વિનાના મીંડા જેવી છે. પણ એ તો જેને સમજાય તેને જ….

‘હું થોડુંઘણું સમજી શકી તમને.

‘ખરેખર? તો તો મારું સદ્ભાગ્ય.

‘હા હિમાલય, એટલે તો તમને પૂછવાનું મને મન થયું.

‘તો કરો ઊલટતપાસ ચાલુ. આ ગુનેગાર હાજર છે. હિમાલય ટહુક્યો ને બંને મોકળા મને હસી પડ્યાં. અચાનક એક જબરજસ્ત મોજું આવ્યું, જેમાં બંને ભીંજાઈ ગયાં. સંબંધનું દ્વાર ઉઘડી ગયું. વિશાખાના ચહેરા પર ઘડીક ખડખડાટ હાસ્ય..તો ઘડીક સાવ ગંભીરતા! હિમાલય પૂછી બેઠો, ‘વિશાખા, તમે ઢળતી સાંજે આ તરફ? જો કે આ તો મારી ધારણા માત્ર છે, પણ મને એવું લાગે છે કે તમારા હાસ્ય પાછળ કશીક વેદના કરડો ભરડો લઈને બેઠી છે.

વિશાખા એકદમ ચમકી ગઈ, હસી પડી ને પછી ધીરગંભીર અવાજે કહી રહી, ‘હા, ઢળતી સાંજ; મારા જીવનની…જો કે ઢળતી સંધ્યાના રંગો પણ અનુપમ હોય છે. ને આ કંઈ મારી ઢળતી સાંજ ન કહેવાય. હજી યૌવનનું પુષ્પ અકબંધ છે. પરંતુ ક્યારેક આંધી કે વાવાઝોડાંને લીધે સૂરજ ઢંકાઈ જાય ને ઉઘાડ વિના એમ જ સાંજ ઢળી જાય એવી મારી સ્થિતિની વાત કરું છું. પણ જવા દો એ જૂની વાત. એમાં ઊંડા ઊતારવામાં મજા નથી. આ સમાજે મને ઊંડા પાણીમાં ઉતારી સતાવી છે ને એના અડપલાં હજીયે અવિરત ચાલુ છે. હા, મારા લીલાં-પીળાં વસ્ત્રો જોઈને લોકો લાલ-પીળા થઈ જાય છે. જો કે હવે મને એની નથી પડી. હું છેલ્લાં બે વરસથી નિયમિતપણે અહીં આ જીવંત સાગરકાંઠે આવું છું ને હિંમતનું ભાથું બાંધીને જાઉં છું. ભૂતકાળની કડવી વાતો શા માટે યાદ કરવી? બીત ગઈ બાત ગઈ.

‘વિશાખા, આપણે એક જ ગામના. વળી સાથે રમ્યા, સાથે જમ્યા..ને બચપણના મિત્રો પણ ખરા, એટલે “તમે સંબોધનનો અંચળો ફગાવી દઉં છું. તું પણ ફગાવી દેજે. મિત્ર પાસે પેટછૂટી વાત કરવાથી હૈયું હળવું થાય છે. તારા આંસુ લૂછી નાખ. ચિતા કરતા ચિંતા કઠણ છે. એને માથે ઊંચકીને ફરવા કરતા સ્વજન સમક્ષ હૈયું ઠાલવી નીચે મૂકી દો તો પીડા ઓછી થાય ને સુખના પવનની લહેર અનુભવાય એમ પણ બને. ઘણા દિવસો પછી સ્વજન મળ્યાની લાગણી જન્મી છે. હું દુરાગ્રહ નહીં કરું, પણ જો હું તને સ્વજન જેવો લાગતો હોઉં તો…

‘હિમાલય, લાંબા સમયગાળા પછી આટલું બધું પહેલીવાર ફક્ત “તારી સાથે જ બોલી છું. સચ્ચાઈ જાણી ચોંકી ન ઊઠતો. હું વિધવા છું. રંગીન વસ્ત્રોમાં સજ્જ મોડર્ન વિધવા.’
‘વિશાખા…

‘હા, તારે સાંભળવી છે ને મારી વાત? હું સંભળાવીશ. જરૂર મારું હૈયું ખોલીશ. કહી વિશાખાએ થોડીવાર માટે આંખ બંધ કરી, અતીતમાં ડોકિયું કર્યું ને પછી શરૂઆત કરી. ‘હિમાલય, માબાપની છત્રછાયા તો મેં ટૂંકા ગાળામાં જ ગુમાવી દીધી હતી. લોકલાજે કાકા-કાકીએ મને આશરો તો આપ્યો પણ… નોકરાણી પણ કદાચ મારા કરતા વધુ સારી સ્થિતિમાં રહી શકે એમ. પ્રેમાળ પિતાને પ્રેમ ખાતર નહીં, પણ તેની મરણમૂડી પોતાને મળશે એ લાલચથી રાખતા પુત્રની માફક…સમજી ગયો ને? એ બંને તો મારું ભણતર અટકાવી દેવા માગતા હતાં, પણ ફરી લોકલાજ મદદે આવી.

આ લોકલાજ પણ એક અજબ ચીજ છે નહીં? કોલેજની છેલ્લી પરીક્ષા પૂરી થઈ ને મારી જીવનપરીક્ષા શરૂ થઈ. રણની આંધીમાં અટવાયેલા ભૂખ્યા-તરસ્યા મુસાફરની જેમ હું અથડાવા લાગી. એ અપમાનની, અસહ્ય ત્રાસની ક્ષણો ભૂલવા મથું છું તોય…! કાકા-કાકીના ઝેરથીય બદતર કટાક્ષો, સતત અવગણના, ઢસરડો… આ બધું મને દઝાડતું રહેતું. હું અંધારા કૂવામાં ધકેલાતી હોઉં એવું લાગતું. કોઈ પરિચિત ઘરે આવે ત્યારે એ બંને ‘કામચલાઉ’ માણસ બની જતાં. હાથીના દાંત-ચાવવાની જુદા ને દેખાડવાના જુદા.જેવા એ પરિચિત ઘરના પગથિયાં ઊતરે કે તરત માણસાઈનું બનાવટી મ્હોરું ઊતરી જતું. આ કહેવાતા સ્વજનો દુર્જનતાની હદને પણ વટાવી ગયાં. પૈસાની લાલચમાં મને એક જુગારી, વ્યસની એવા અધમ માણસ સાથે પરણાવી દેવામાં આવી. એમ જ કહો ને કે વેચી દેવામાં આવી. દુકાળમાં અધિક માસ. મારી યાતનાનું બીજું પ્રકરણ ખુલ્યું. દરરોજની મારઝૂડ અને અવહેલનાભરી દશા. એક બસ એની માનું વાત્સલ્ય હું પામી શકી. ફટકિયાં મોતી વચ્ચે એક સાચું મોતી. અતિ મારઝૂડ કરતા મારા પતિ સુરેશને તે વારતી ત્યારે મારી સાથે તેને પણ માર સહન કરવો પડતો. મારે મન તો રણમાં પાણીનું પરબ એટલે આ મા.

‘એક મિનિટ વિશાખા એક મિનિટ…એક વાત સમજાતી નથી. તું તો આટલી બધી ભણેલીગણેલી, સમજુ, વિચારશીલ યુવતી.. તો પછી તેં આ બધું ચૂપચાપ શા માટે?!

‘હિમાલય, મને હતું જ કે તને આ પ્રશ્ર્ન થશે, થવો જ જોઈએ. પરંતુ હિમ… મારામાં રહેલી ચેતના ત્યાં સુધીમાં પ્રગટ ન્હોતી થઈ. હું ઊઠતી હતી, પણ જાગી ન્હોતી શકતી. ઉપરાછાપરી આઘાતે મને જડ શી બનાવી દીધી હતી. ને બીજું એક કારણ… ત્યાં સુધીમાં હું આ “સાગર પાસે પહોંચી ન્હોતી શકી. એ દિવસ… આ બધાથી ત્રાસી જઈને મેં સાગરમાં સમાઈ જવા દોટ મૂકી. ખારા દરિયામાં મોત મીઠું કરવું હતું. પણ એ ઊછળતા સાગરે મારામાં રહેલી દિવ્યતાને ઢંઢોળીને જગાડી. બંધિયાર વાતાવરણ છૂટતા જ વરસોથી દબાયેલી સ્વતંત્રતા પીંજરું તોડવા મથી રહી… ને મેં દૃઢ નિર્ણય કર્યો.
‘પતિને છોડવાનો નિર્ણય…?

‘ના હિમાયલ, તને કદાચ નવાઈ લાગશે, ન પણ લાગે. પણ મેં સુરેશને સુધારવાનો, એને સીધે રસ્તે લાવવાનો રસ્તો પસંદ કર્યો. સાગરને જોયા પછી લાગ્યું કે મેં અત્યાર સુધી કિનારે બેસીને માત્ર છબછબિયાં જ કર્યાં હતાં. સુરેશને સુધારવાના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. શેઠની શિખામણ ઝાંપા સુધી એવું ને હું નિરાશ થઈ જતી. પણ પછી મેં સાગરના તળિયે ડૂબકી મારતા મરજીવાની પેઠે સુરેશના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો. દરિયો જેમ સાક્ષીભાવે, કશી ફરિયાદ વિના જેન ઊછળે છે તેમ હું મારા પ્રયત્નોને એક ખેલ કે પ્રયોગ સમજીને નિષ્ઠાપૂર્વક વધારતી ગઈ. હું નિષ્ફળ જતી તોય સફળ થવાનું સપનું સેવતી. ઘણીવાર મને થતું કે મારા અમુક પગલાંનો સારો પડઘો પડશે, પણ બદલામાં જ્યારે મને માર પડતો ત્યારે પહેલાંની માફક રડવાને બદલે કે સામું બોલવાને બદલે હું પ્રગાઢ મૌન ધારણ કરતી, સુરેશ સામે સહજપણે જોઈ રહેતી. હું નિષ્ફળ જતી, તોય હસી પડતી… ને પ્રહાર માટે ઊંચો થયેલો સુરેશનો હાથ ક્યારેક એકાએક થંભી જતો. એની ક્રૂરતાએ એની માનવતાને ડૂબાડી દીધી હતી જે ફરી તરીને ઉપર આવશે જ એવું
લાગી રહ્યું.

‘એટલે તે નિ:શ્ર્વાસ ખંખેરીને વિશ્ર્વાસને શ્ર્વાસમાં ભર્યો, એમ જ ને? મનમાં લગની લાગે ને હૈયામાં ખોટ ન હોય તો સફળતામાં ઓટ ન જ આવે. તારા આ અનોખા પ્રયત્નોને સલામ.

‘હિમાલય, મારા આવા પ્રયત્નો શરૂ પણ થયા ને ચોતરફ ચર્ચાઈ પણ ગયા. મારા પરાણે થયેલા લગ્ન વખતે કોઈએ વિરોધ ન્હોતો કર્યો. જરૂર હતી ત્યારે બધા મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહ્યા હતા. ને હવે મારા રચનાત્મક પ્રયાસો વિશે જાતજાતની ચર્ચાઓ થવા લાગી!

“બાર વરસે બાવો બોલ્યો, અક્કરમીનો પડિયો કાણો, અંધારામાં બાચકા ન ભરાય વગેરે વગેરે… મારા પ્રત્યે લોકોને લાગણી ખરી ને! પણ હવે ઊલટું, એનાથી મને નવું બળ મળ્યું. પાનખરમાં ખરી પડેલાં પીળાં પર્ણો, ફૂલ માટીમાં મળી જાય ને પછી એ જ માટીમાંથી છોડ પર તાજાં ફૂલ-પાન પુન:જન્મ પામે એવી લીલાશ મારામાં પ્રગટી, જેણે ઢીલાશને ફગાવી દીધી. ઘણીવાર એવું બને છે કે તમે ચોતરફથી મુશ્કેલીમાં ઘેરાઈ જાવ, કોઈ મદદે ન આવે ને અંતરાય ઊભો કરે ત્યારે એવી શક્તિ બહાર આવે છે ને એવી સફળતા મળે છે જે સામાન્ય સ્થિતિમાં જોવા નથી મળતી. નાની નાની વાતોમાં ડરી જઈ પારોઠનાં પગલાં ભરતો માણસ પછી તો મસમોટી આફતોનેય હસી કાઢી સફળ થવા બમણા જોરથી પોતાની તમામ શક્તિ કામે લગાડી દે છે એવું કંઈક મારી સાથે થયું.

અને હિમ… વહેણ મોડું મોડું પણ બદલાયું ખરું. ગમે તેવા ખરાબ માણસમાં પણ મૂળભૂત સારપ છુપાયેલી હોય છે. ને ક્યારેક આવી સારપ કહેવાતા સજ્જનો કે સ્વજનોને પણ પાછળ રાખી દે છે. હા, સુરેશનું મૃત્યુ થયું તેનાં બે અઠવાડિયાં પહેલાં એની દુર્જનતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે બે અઠવાડિયાં માટે એ ‘માણસ બની ગયો હતો! પરંતુ ત્યારપછી પ્રેમભરી નજરે એણે ચિરવિદાય લીધી, ને આમ મોત સુધારી લીધું. ને થોડા દિવસો પછી મા પણ સંતોષના શ્ર્વાસ સાથે અનંતયાત્રાએ ચાલી નીકળી.

બસ… ત્યારથી હું અહીં આ સાગરકિનારે આવીને બેસું છું, એની સાથે વાતો કરું છું. આ સાગર મારો પાકો ભાઈબંધ છે, ચોર છે. હમદર્દ બનીને પહેલાં તો એણે મારું દર્દ પારખી લીધું ને પછી ચોરી પણ લીધું. હવે દર્દનું સ્થાન પ્રસન્નતા અને સ્વસ્થતાએ લીધું છે. આનંદ એ વાતનો છે કે મારી ખરાબે ચડી ગયેલી હાલકડોલક જીવનનૌકાને તો એનો કિનારો મળી ગયો, સાથોસાથ તે બીજાને પણ સાચી દિશા તરફ દોરી ગઈ. દરિયાકિનારે મેં હિંમત કેળવી અને આજે પણ આ આજીવન મિત્ર મને સ્નેહથી ભીંજવી જાય છે. મને રંગીન વસ્ત્રોમાં જોઈ આ સમાજ ભડકે છે, ચેતવે છે… પરંતુ સાગરસ્પર્શના પ્રભાવે મને એમાંનું કંઈપણ સ્પર્શી નથી શક્યું. ખડકોથી અફળાવા છતાં મોજાં અવિરતપણે ઊછળતાં જ રહે છે. હિમાલય, બસ આવી છે કંઈક મારી અત્યાર સુધીના જીવનની કથની.
‘વાહ વિશાખા વાહ.. ક્યા બાત હૈ! તારી આ દાસ્તાન બીજા માટે પ્રેરણાદાયી બની શકે એમ છે. પ્રેમ, વિશ્ર્વાસ ને ખંત હોય તો સફળતાનો કિનારો અવશ્ય પ્રાપ્ત થાય જ.

‘હિમ, તારી વાત સાચી. પણ મને લાગે છે કે જાગવામાં મારા જેટલો વિલંબ કરવો ન જોઈએ. જો સમયસર હલેસાં મારો તો હોડીને કિનારો સહેલાઈથી મળી જાય. ને આ સાગર તો એક પ્રતીક છે. એકવાર અંદર જ્યોતિ પ્રગટી ઊઠે પછી આપણે પોતે સાગર બની શકીએ. વિશાખા હિમાલયના ખભાનો સહારો લેતા આમ બોલી ઊઠી. વિશાખાનો લંબાયેલો હાથ પકડી હિમાલય નવો વિષય છેડી રહ્યો.

‘જો વિશુ, હું પૈસાદાર છું પણ એ તો સંયોગમાત્ર છે. ઉપાસક તો હું કુદરતનો જ છું. ને એટલે જ મને ઔપચારિકતામાં રસ નથી. માટે સીધું જ પૂછી લઉં. તું મારી સાથે લગ્ન કરીશ?
‘હિમ, તું મારો મિત્ર છો એ શું કાંઈ ઓછું છે?

‘વિશ, લગ્ન દ્વારા શું એને આજીવન મિત્રતામાં પલટાવી ન શકાય?

‘હિમ, તને મારી કથની સાંભળીને મારા પ્રત્યે સહાનુભૂતિ ઊપજી છે. એક વિધવા પ્રત્યે કશુંક કરી છૂટવાની તારી ભાવનાની હું કદર કરું છું. પણ એને પ્રેમનું નામ કેમ આપી શકાય?

‘વિશાખા, તારી વાતમાં દમ છે, પણ એ અંતિમ સત્ય નથી. સહાનુભૂતિ સાચી, પણ આ મુદ્દે નહીં. તને સહારો દઈ ઉપકાર કરી મોટાઈ દેખાડવાનો ધખારો જાને નથી, પણ અંદરથી જ પ્રેમનો સમુદ્ર આપોઆપ ઊછળ્યો છે. આ દૂધનો ઊભરો નથી. આ તો એવો ઊંબરો છે જેના પર પગ મૂકી પ્રેમ સહજપણે ઘરમાં પ્રવેશે છે. પ્રેમનું પ્રવેશદ્વાર અંતર છે, ખોખલી સહાનુભૂતિ નહીં. જો પેલું મોટું મોજું નાના મોજાંને પછાડી દેતું હોય તેમ લાગે છે ને? પણ ના… એ તો એને ભેટી પડવા દોટ મૂકી રહ્યું છે. મારા શબ્દો ઊંડાણમાંથી પ્રગટયા છે, છીછરી સપાટી પરથી નહીં. સાચી વાત તો એ છે કે તું પણ મારી જેમ કુદરતને ચાહે છે, એનામાં તન્મય થઈ જાય છે. મારી ભૌતિક સમૃદ્ધિ આપણા પ્રેમની આડખીલી નહીં જ બને. હું તને ચાહું છું; આ સાગરની જેમ છે. ‘હિમાલય, આપણે અહીં હવે રોજ મળવાના, ખરું ને? થોડા દિવસો સાથે રહીને એકબીજાને ઓળખવાનો એકબીજાના વિચારોને સમજવાનો સહેજ પ્રયત્ન કરીએ ને પછી અંતિમ નિર્ણય લઈએ એ બધુ ઉચિત લાગે છે. પણ હા, બરાબર વિચારી લેજે. તારા આ નિર્ણયને લીધે આ સમાજ તને…

‘વિશુ, સમાજ આંખ કાઢશે તો આપણે આંખ આડા કાન કરશું. સમાજના કુરિવાજો સામે ઝઝૂમીને ઝૂમવાની આ પણ એક અદા છે. આવા દાખલા સમાજને ખોખલો બનતા ચોક્કસ અટકાવશે. હાથીની પાછળ કૂતરાં તો ભસ્યા જ કરે. સાંભળીએ જનનું ને કરીએ મનનું, શું સમજી? ચાલો ફરી કાલે અહીં જ મળીશું.. આ જ સમયે. હિમાલયે વાત પૂરી કરી જે બેય હાથમાં હાથ પરોવી ચાલવા માંડ્યાં.

…થોડો સમય સરી જાય છે. બંનેનો રસ્તો સમાજની દંભી હરકતો સામે સાગર જેવા લય અને જોશની મદદથી સહેલાઈથી કપાતો જાય છે. થોડા દિવસ પછી અંતિમ નિર્ણયનો એ દિવસ આવી પહોંચે છે. સાગરકિનારે ઊછળતાં મોજાંની સાક્ષીએ બેય એક થઈ જાય છે. અચાનક મોજાંને મસ્તી સૂઝે છે. બંનેને અભિનંદન આપતું હોય એમ તે છાનુંમાનું આવી આ પ્રેમઘેલાં નવદંપતીને ભીંજવી દે છે. બંને એકબીજાની હૂંફે આનંદ અનુભવે છે. હિમાલયમાંથી નીકળતી ગંગાની જેમ સ્નેહધારા મુક્તપણે વહેવા લાગે છે. મારગ વચ્ચેના પથ્થરો એમને નડતા નથી. શ્રદ્ધા અને પ્રેમાળ હૈયું હોય તો એકધારા વીંઝાતા મોજાં ખડકને પણ કોમળ બનાવી દે છે.

…વિશાખા ને હિમાલય આજે પણ હયાત છે; એવા ને એવા કુદરતઘેલાં ને ખુશમિજાજ… ને બંનેનો મિ છે પેલો મસ્તીલો મનભાવન સાગર, જે સૌને પ્રેમથી આવકારે છે, આગળ વધવાની પ્રેરણા જન્માવે છે ને દયને સંવેદનાના અજવાસથી ભરી દે છે. સાગરની જેમ ઊછળતાં કૂદકાં બંનેનાં પગલાં સાગરની રેતી પર નવી સૃષ્ટિ ખડી કરે છે. બંને સાચૂકલા માણસ એવા મનસાગરમાં ભીંજાય છે જયાં સંવેદનાની ધાર કદી બુઢ્ઢી કે બુઠ્ઠી થતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button