મેટિની

કાચો શબ્દ ફોડયા વગર બોલતો અભિનેતા

હિન્દી સીને-જગતને વળગેલાં ત્રણ અફસોસમાંથી એક વસવસાને અંજલિ…

ફિલ્મનામા -નરેશ શાહ

સો વરસ પાર કરી ચૂકેલી હિન્દી સિનેમાઈ દુનિયાના કપાળે ત્રણ અફસોસ કોતરાયેલા છે.

પહેલાં અફસોસનું નામ છે ગુરૂદત્ત. લાજવાબ આઠ ફિલ્મ ડિરેકટ કરીને માત્ર ૩૯ વરસે વિદાય લેનારા ગુરૂદત્ત હજુ બે ડઝન ફિલ્મ આપી ગયા હોત તો ભારતીય સિનેમા વધુ સમૃદ્ધ થાત.
બીજા વસવસાનું નામ સંજીવકુમાર છે. માત્ર ૪૭ વરસે (૧૯૮પ) ચાલ્યા ગયેલાં હરિભાઈ જરીવાલા ખરેખર તો અભિનયનો જવાળામુખી હતા, એ એમણે કરેલી એક્સો બોંતેર ફિલ્મોમાંથી અનેકે સાબિત ર્ક્યું છે.

હિન્દી સિનેમાને લાગેલાં ત્રીજો આઘાતને તો હજુ ચાર વરસ પણ હવે પૂરાં થશે. એ ઝાટકાનું નામ છે : ઈરફાન ખાન.

જો કે સફળ થયા પછી ઈરફાન ખાને પોતાને મળતી ક્રેડિટમાંથી ખાન સરનેમ પડતી મૂકી હતી અને પોતાના નામમાં એકના બદલે બે આર લખાય એવો આગ્રહ રાખતા
હતા.

ગુરૂદત્ત અને સંજીવકુમારને ગુમાવ્યાનો રંજ અનુભવનારા કરતાં ઈરફાન ખાનની અણધારી એકઝિટનો આઘાત પામનારા ર૦ર૪માં નેચરલી, વધારે છે કારણકે ઈરફાન ખાન
એક્વીસમી સદીની હિન્દી ફિલ્મોનું કદાચ સૌથી મોટું ગૌરવ અને આશ્ર્વાસન હતું. એવું લાગે કે નસીરુદ્દીન શાહની કુળ પરંપરા આગળ ધપાવનારો અભિનેતા આપણને મળી
ગયો છે.

જયપુર- રાજસ્થાનમાં જન્મેલાં (૭ જાન્યુઆરી, ૧૯૬૭) સાહબજાદે ઈરફાન અલી ખાને લગભગ વીસ વરસની ઉંમરે ટીવી સિરિયલ (શ્રીકાંત, કથા સાગર)માં નજીવા પાત્રોથી કેરિયર શરૂ કરેલી.

તેની ચપટીક નોંધ લેવાઈ મીરા નાયરની સલામ બોમ્બે ફિલ્મથી. એ ફિલ્મમાં કોર્ટની બહાર ટેબલ નાખીને બેસતાં અને ડ્રાફટ લખી આપતાં કિરદારનો બે મિનિટનો રોલ તેને મળેલો. બનેગી અપની બાત અને સ્ટાર બેસ્ટ સેલરથી ઈરફાન ખાન દર્શકોમાં જાણીતા થયા, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે એમની ગંભીરતાથી નોંધ લીધી તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મ ‘હાસિલ’થી. વરસ હતું ર૦૦૩. એ પહેલાં જો કે ધ વોરિયર (ડિરેકટર : આસિફ કાપડીઆ, ર૦૦૧) ફિલ્મથી ઈરફાન ખાનના અભિનયની છડી પોકારાઈ ગઈ હતી, પણ દેશી જબાનમાં કહીએ, એની દુકાન ખુલી ગઈ ‘હાસિલ ’ ફિલ્મથી.પાંત્રીસ વરસ (૧૯૮પ-ર૦ર૦)માં ઈરફાને ટીવી સિરિયલ, શોર્ટ ફિલ્મ, હોલીવુડ અને બોલીવુડની કુલ મળીને ૧૬૮ ફિલ્મોમાં કામ ર્ક્યું પણ એની યાદગાર ફિલ્મોમાં હાંસિલ, પાનસિંહ તોમર, લંચ બોક્સ, મદારી, નેમસેક,લાઈફ ઓફ પાઈ તેમજ હિન્દી મિડિયમ સહિત અનેકને મૂકી
શકાય.

ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ને મળેલી સફળતા મળ્યા પછી એ જ સિરિઝની ‘અંગે્રજી મીડિયમ’ બની, જે એની છેલ્લી ફિલ્મ બની રહી. કેન્સરનો ઈલાજ કરાવ્યા પછી અને એ ટ્રિટમેન્ટ દરમિયાન જ એણે અંગે્રજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ ર્ક્યું હતું. એ ફિલ્મ રિલીઝ થઈ હતી ૧૧ માર્ચ, ર૦ર૦ના શુક્રવારે. એ જ દિવસે મુંબઈના ઈન્ફીનિટી મોલમાંથી શો પૂરી કરીને આ લખનાર નીકળ્યાં ત્યારે જ ફલેશ ન્યુઝ આવેલાં કે કોરોનાને કારણે સમગ્ર દેશમાં થિયેટરો બંધ કરવામાં આવે છે.

અંગે્રજી મીડિયમ ફિલ્મ થિયેટરમાં માત્ર એક જ દિવસ અને ત્રણ કે ચાર શોમાં જ દેખાડવામાં આવી હતી. એ પછી લાગેલાં લોકડાઉનને કારણે તેને ૬ એપ્રિલ, ર૦ર૦ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવી હતી. એ વખતે ભારત જ નહીં, દુનિયા આખીમાં કોરોનાએ ઊથલપાથલ મચાવી દીધી હતી.

બીજી તરફ, ઈરફાન ખાનની તબિયત (સારવાર પછી) ફરી લથડતી જતી હતી પણ ટેલિફોન સિવાય કોઈ સંપર્ક થતાં નહોતા. ર૩ એપ્રિલે જયપુરમાં ઈરફાન ખાનના માતા સઈદા બેગમ ૯પ વરસની ઉંમરે જન્નતનશીન થયા, તેમાં પણ જઈ શકાય તેવી સ્થિતિ લોકડાઉનના કારણે નહોતી. ઈરફાનની શારીરિક ક્ષ્ામતા પણ નહોતી. ર૮ મી એ ખુદ તેની જ તબિયત વધુ લથડી અને… ર૯મી એપ્રિલે મુંબઈની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં જ ઈરફાન ખાને અંતિમ શ્ર્વાસ લઈ લીધા, જાણે માતાને મળવાની તડપ જાગી હોય તેમ
દિલીપકુમાર, નસીરુદીન શાહ અને અમિતાભ બચ્ચનના દરજજાનાં (અમુકના મતે એથી પણ ચડિયાતાં) ગણાયેલાં ઈરફાન ખાનના અભિનયમાં એક ચુંબક હતું. એની આંખોમાં ગજબનાક આકર્ષ્ાણ હતું. સંવાદ અદાયગીમાં એક પોતિકાંપણું હતું.એની ખામોશી પણ બોલકી હતી. અમિતાભ બચ્ચને ર૦૧પમાં એના માટે કહેલું કે, ઈરફાન ન બોલીને પણ કશુંક કહી જાય છે. આવી મહારત ત્યારે જ શક્ય બને, જયારે તમે તમારા પાત્રને આત્મસાત કરી શકો. ઈરફાન આ કરી શકે છે અને એ બહુ કઠિન કામ છે, કારણકે કલાકાર તો સંવાદ પર જીવતા હોય છે (પણ) કોઈ દ્ર્શ્યમાં કશું ન બોલીને ચૂપચાપ ઊભા રહીને બધાનું ધ્યાન ખેંચી લેવું એ બહુ મોટી કલા છે. ઈરફાન ખાનમાં એ હતી.

આવા અજોડ અદાકાર ઈરફાન વિશે વધુ વાત આવતા સપ્તાહે….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…