અમિતજીની ભાષા અગિયારસ
રજનીકાંત સાથે તમિળ ફિલ્મ સાઈન કર્યા બાદ બિગ બીએ વધુ એક સાઉથની ફિલ્મમાં હીરોના દાદાનો રોલ સ્વીકારી ૧૧ ભાષાની ફિલ્મો સાથે નાતો જોડ્યો છે
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
હિન્દીમાં ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯)થી શરૂ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ કારકિર્દીને વિશેષતાઓની કોઈ નવાઈ નથી. મહાનાયકના નામે બોલતી અનેક સિદ્ધિઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. વિવિધ ભાષાઓની ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનારા બ્રિલિયન્ટ બીની આ વર્ષે સાઉથની બે ફિલ્મ રિલીઝ થવાની ગણતરી મુકાય છે. હિન્દી ફિલ્મથી શરૂઆત કરનારા આ અદ્ભુત કલાકારે આ સાથે ૧૧ ભાષામાં કામ કરવાની સિદ્ધિ મેળવી છે. ગયા વર્ષે રજનીકાંત સાથે Vettaiyan તમિળ ચિત્રપટ સાઈન કર્યા પછી મહાનાયકે તાજેતરમાં તેલુગુ ફિલ્મ પણ સાઈન કરી છે. ‘આરઆરઆર’ ફિલ્મથી હિન્દી ફિલ્મ દર્શકોમાં પણ જાણીતા બનેલા રામચરણના દાદાનો રોલ આ ફિલ્મમાં અમિતજી કરશે એવી જાણકારી ફિલ્મ વર્તુળમાંથી પ્રાપ્ત થઈ છે. રામ ચરણની આ સોળમી ફિલ્મ હોવાથી હાલ પૂરતું એનું નામ RC16 રાખવામાં આવ્યું છે અને હિરોઈન છે શ્રીદેવીની જ્યેષ્ઠ પુત્રી જ્હાન્વી કપૂર. સંગીતકાર તરીકે એ આર રેહમાનને કરારબદ્ધ કરવામાં આવ્યા છે. બિગ બી જે ૧૧ ભાષાની ફિલ્મ સાથે સંકળાયા છે એમાં હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી, ભોજપુરી, પંજાબી, મલયાલમ, ક્ધનડ, તેલુગુ, તમિળ તેમજ અંગ્રેજી ભાષાની ફિલ્મોનો સમાવેશ થાય છે.
અભિનેતા તરીકે અમિતજી સાઉથની પ્રથમ ફિલ્મ મલયાલમ Kandahar (૨૦૨૦) હતી જેના હીરો હતા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલ. અલબત્ત તેમણે સાઉથની અન્ય ભાષાની ફિલ્મો સુધ્ધાં કરી છે. પેન ઈન્ડિયન ફિલ્મનો જે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે એ અનુસાર બિગ બીની રામચરણ સાથેની ફિલ્મ તેલુગુ ઉપરાંત હિન્દી, તમિળ, ક્ધનડ અને મલયાલમમાં સુધ્ધાં રિલીઝ કરવામાં આવશે. તમિળ ફિલ્મ તો અમિતજી પહેલી જ વાર કરી રહ્યા છે જ્યારે શાહરૂખની ‘જવાન’થી હિન્દી ફિલ્મ રસિયાઓમાં જાણીતા બનેલા મુખ્યત્વે તમિળ ફિલ્મોમાં કામ કરતા વિજય સેતુપતિ અમિતજી – રામચરણની ફિલ્મમાં નજરે પડશે. અગાઉ અમિતજીએ એક જ તેલુગુ ફિલ્મમાં ફુલ લેન્થ રોલ કર્યો છે – Sye Raa Narasimha Reddy જેમાં તેઓ ચિરંજીવીના ગુરૂ તરીકે ચમક્યા હતા.
પિતા સાથે કામ કર્યા પછી પુત્ર સાથે કામ કરવાનો લહાવો અમિતજીને મળશે. રામચરણ ચિરંજીવીના પુત્ર છે. સિવાય નાગ અશ્ર્વિનની દ્વિભાષી (હિન્દી અને તેલુગુ) ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં પણ શ્રીયુત બચ્ચન મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. વિકાસ બહલની સુપરફ્લોપ ‘ગનપત’ બિગ બીની છેલ્લી રિલીઝ ફિલ્મ છે. આ વર્ષે તેમની એક દ્વિભાષી તેમજ તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મ રિલીઝ થવાની ગણતરી છે. ક્ધનડ ફિલ્મ Butterfly કંગના રનૌટની યાદગાર ફિલ્મ ‘ક્વિન’ની રીમેક છે જેમાં અમિતજીનો ફાળો એક્ટર તરીકે નહીં, પણ એક ગાયક તરીકે છે. યંગ જનરેશનના ફેવરિટ ગણાતા સંગીતકાર અમિત ત્રિવેદીએ ગીતોનું સ્વરાંકન કર્યું છે.
સાઉથ સિવાય: પ્રકાશ મેહરાની ‘ઝંઝીર’થી વાવટો લહેરાવાનો પ્રારંભ થયા પછી અમિતજીનો ફિલ્મમાં પરભાષા પ્રવેશ થયો બંગાળી ફિલ્મ ‘અનુસંધાન’થી. શક્તિ સામંત દિગ્દર્શિત ‘બરસાત કી એક રાત’ હિન્દીમાં અને ‘અનુસંધાન’ બંગાળીમાં સાથે શૂટ કરવામાં આવી હતી. આશ્ર્ચર્યજનક વાત એ છે કે હિન્દી ફિલ્મ કમાણીમાં ઠીક ઠીક રહી હતી જ્યારે બંગાળી ફિલ્મ પર દર્શકોએ વહાલ વરસાવ્યું અને અનેક વર્ષો સુધી એ નંબર વન બોક્સ ઓફિસ હિટ ફિલ્મ રહી. અલબત્ત અમુક પરભાષા ફિલ્મમાં તેમનો રોલ કેમિયો તરીકે ઓળખાતો મહેમાન કલાકાર જેવો પણ છે. એ નિમિત્તે અન્ય ભાષાના ચિત્રપટ સાથે બિગ બીનું નામ જોડાયું એ નોંધપાત્ર ઘટના છે. બે ગુજરાતી ફિલ્મ સાથે મિસ્ટર બચ્ચનનું નામ જોડાયું છે. પહેલી છે ‘સપ્તપદી’ (૨૦૧૩) જેના મુખ્ય કલાકાર હતા સ્વરૂપ સંપટ અને માનવ ગોહિલ. આ ફિલ્મનું નિર્માણ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (એબીસીએલ) દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૦૨૨માં રિલીઝ થયેલી આનંદ પંડિત નિર્મિત ‘ફક્ત મહિલાઓ માટે’માં અમિતજીની હાજરી મહેમાન કલાકાર તરીકે હતી. મરાઠી ફિલ્મ સાથે અમિતજીનો નાતો સૌપ્રથમ જોડાયો ૧૯૯૪ની ‘અક્કા’ ફિલ્મમાં. ફિલ્મના પ્રારંભમાં એક સંવાદ અને ત્યારબાદ જયા બચ્ચન સાથે એક ભક્તિ ગીત એટલો તેમનો સહભાગ હતો. આ ફિલ્મની મહત્ત્વની વાત એ હતી કે વર્ષોથી અમિતજીના મેકઅપ મેન તરીકે કામ કરી રહેલા દીપક સાવંત ફિલ્મના નિર્માતા હતા. ચાર વર્ષ પહેલા આવેલી વિક્રમ ગોખલે સાથેની મરાઠી ફિલ્મ ‘એબી આણિ સીડી’માં તેમનો રોલ જ અમિતાભ બચ્ચન તરીકેનો હતો. ફિલ્મ મજેદાર બની હતી અને નાનકડા રોલમાં અમિતજી યાદ રહી ગયા.
અમિતજીએ અન્ય ભાષાની ફિલ્મોમાં સૌથી વધુ ભોજપુરી ફિલ્મ (૫) કરી છે. સૌથી પહેલી ફિલ્મ હતી ‘પાન ખાયે સૈયાં હમાર’. ૧૯૮૪માં બનેલી ફિલ્મના દિગ્દર્શક હતા એક્ટર સુજીત કુમાર (મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ‘ગીતમાં પડદા પર રાજેશ ખન્ના સાથે જીપમાં બેઠેલા અભિનેતા) અને હિરોઈન હતી રેખા. ત્યારબાદ બિગ બીની ચાર ફિલ્મના નિર્માતા હતા તેમના મેકઅપ મેન દીપક સાવંત. ફિલ્મ હતી ‘ગંગા’ (૨૦૦૬), ‘ગંગોત્રી’ (૨૦૦૭), ‘ગંગાદેવી’ (૨૦૨૨) અને ‘ધ ગ્રેટ લીડર’ (૨૦૧૭). ચારેય ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને ચારેચારમાં જયા બચ્ચન હતાં. ૧૯૮૧માં આવેલી પંજાબી ફિલ્મ ’વિલાયતી બાબુ’માં અમિતજીની હાજરી મહેમાન કલાકાર જેવી હતી. અમિતજીની અન્ય ભાષાની ફિલ્મોની યાદીમાં બે અંગ્રેજી ફિલ્મના નામ પણ છે: The Last Lear and The Great Gatsby. ફિલ્મ ફેસ્ટિવલોમાં સારો આવકાર મેળવનારી ‘ધ લાસ્ટ લિઅર’ રિતુપર્ણો ઘોષની હતી જ્યારે બીજી અમેરિકન ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.