મેટિની

આલ્ફા મેલે લખી સફળ પુનરાગમનની પટકથા

વિશેષ -ડી જે નંદન

વર્ષ ૨૦૨૩ હિન્દી સિનેમા ઉદ્યોગ માટે નવજીવનનું વર્ષ બની રહ્યું એમ કહેવું ખોટું નહીં કહેવાય. બે વર્ષ પહેલા ૨૦૨૧માં હિન્દી સિનેમાની નિષ્ફ્ળતાની શોકકથા વર્ણવાઈ રહી હતી, અને કોરોના બાદ વર્ષ ૨૦૨૨માં પણ દર્શકો થિયેટર્સમાં પરત ફરશે કે નહિ તેના વિષે નિષ્ણાતો પણ અવઢવમાં હતા. તેમની આશંકા વાજબી પણ હતી જ, કેમકે વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે આખા દેશમાં લગભગ ૩૦ ટકા જેટલા સિંગલ સ્ક્રીન જેટલા થિયેટર્સ બંધ થઇ ગયા હતા. ઉપરાંત કોરોનાકાળમાં સિનેમાઘરોથી ગાયબ થયેલા દર્શકો કોરોના પછી પણ થિયેટરમાં પરત ફરવામાં ખચકાઈ રહ્યા હતા. વર્ષ ૨૦૨૨ સુધીમાં માત્ર ૩૦ થી ૩૫ ટકા દર્શકોએ ફરીથી સિનેમાઘરોમાં હાજરી પુરાવી હતી. તેથી જાણકારોનું એવું માનવું, કે સિનેમાઘરમાં જઈને ફિલ્મો જોવાની પરંપરાગત પદ્ધતિ ધીરે ધીરે ઇતિહાસ બની જશે. પણ વર્ષ ૨૦૨૩માં આ બધી આશંકાઓ ખોટી સાબિત થઇ ગઈ. માત્ર આશંકાઓ ખોટી સાબિત ઠરી, એટલું જ નહીં પણ ટિકિટ વિન્ડો પરથી ટિકિટ ખરીદીને ફિલ્મ જોવાનો અને તેના દ્વારા થતી કમાણીની દ્રષ્ટિએ અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી સફળ વર્ષ પણ બની રહ્યું. ૨૦૧૯- ૨૦માં ટિકિટ વેચાણમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગે ૧૦,૯૪૮ કરોડની કમાણી કરી હતી. જયારે ૨૦૨૩માં ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં જ ભારતીય ફિલ્મ ઉદ્યોગ ૧૧,૭૩૦ કરોડનો રેકોર્ડ બ્રેક કારોબાર કરી ચુક્યો છે. આ વર્ષે થયેલી કમાણીની સરાસરીના હિસાબે જોઈએ તો વર્ષના અંત સુધીમાં ભારતીય સિને ઉદ્યોગ લગભગ ૧૨,૦૦૦ કરોડની તગડી કમાણી કરે તેવો અંદાજ મંડાઈ રહ્યો છે. આ કમાણીમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગે ઉજવણી કરવા જેવું પણ છે, કેમકે તેઓ પોતાનો હિસ્સો આ કમાણીમાં ૪૨ ટકા જેટલો છે. આના ઉપરથી એ અંદાજ લગાવી શકાય છે કે આ વર્ષ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ખાસ કરીને હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે કેટલું ખાસ વર્ષ બની રહ્યું છે. આ પહેલું એવું વર્ષ છે જ્યારે એક પછી એક ચાર ફિલ્મોએ ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. પઠાણ, ગદર-૨, જવાન અને આ લખાઈ રહ્યું છે ત્યારે કમાણીના બધા રેકોર્ડને પાછળ છોડીને ફિલ્મ એનિમલ ૫૦૦ કરોડનો આંકડો સૌથી વધુ ઝડપે પાર કરનાર ફિલ્મ બની ગઈ છે. દર્શકોનો આ ઉત્સાહ જો કાયમ રહ્યો તો આવનાર ફિલ્મો ડંકી, સાલાર અને ૩૦૦ કરોડનો આંકડો પાર કરી ચુકેલી ટાઇગર-૩ પણ ૫૦૦ કરોડનો જાદુઈ આંકડો સ્પર્શી શકે છે. હિન્દી સિનેમા માટે આનાથી મોટી અને બમ્પર કમાણીનું વર્ષ બીજું કોઈ નથી.

સવાલ એ છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગે નિરાશાજનક મંદીથી છુટકારો મેળવવા એવું તે શું કર્યું કે ઘરમાં બેસીને મોબાઈલ અથવા લેપટોપના સ્ક્રીન પર ફિલ્મ જોવા ટેવાઈ ગયેલો દર્શક ફરીથી થિયેટર પર ફિલ્મ જોવા તૂટી પડ્યો? જાણકારોનું માનીએ તો ઉત્તર અને દક્ષિણના ફિલ્મ ઉદ્યોગે એકિઝના પ્રતિદ્વંદ્વી બનવાને બદલે એકબીજાના પૂરક બનવાના વલણનું છે. આ પહેલા દક્ષિણની ફિલ્મોને બોલીવૂડ અવાસ્તવિક કહીને નકારી કાઢતી હતી અને દક્ષિણનો ફિલ્મ ઉદ્યોગ હિન્દી ફિલ્મોને થાકી ગયેલી અને એક દસકો પાછળ રહી ગયેલી કહ્યા કરતો હતો. આ વર્ષે આવા નકારાત્મક મૂલ્યાંકનોને બદલે ઉત્તર અને દક્ષિણના ફિલ્મ ઉદ્યોગોએ હાથ મિલાવી લીધા છે. આ દોસ્તીએ કમાલ કરી બતાવ્યો છે. આ વર્ષે કમાણી અને સફળતામાં બધાને આશ્ર્ચર્યચકિત કરનાર ફિલ્મ પઠાણનો જ દાખલો જુઓ. આ ફિલ્મમાં શાહરૂખે દક્ષિણના સફળ સ્ટાર્સને પોતાની સાથે જોડ્યા. અભિનેત્રી નયનતારા, અભિનેતા વિજય સેતુપતિ, ફિલ્મ નિર્માતા એટલી અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્રની હાજરીએ દર્શકો માટે તણાવ ઊભો કરતો ઉત્તર-દક્ષિણનો સવાલ ખતમ કરી નાખ્યો. એ અકારણ નથી કે પઠાણના તામિલ અને તેલુગુ વર્ઝને એક પખવાડિયામાં ચોરાણું કરોડનો બિઝનેસ કરી બતાવ્યો. આ માત્ર સીતારાઓના એક સાથે આવવાનું પરિણામ નહોતું, પરંતુ ઇન્ડસ્ટ્રીની સમજદારી પણ હતી, જેની જરૂરિયાત ઘણા સમય પહેલાથી જણાતી હતી. પઠાણ, જવાન અને એનિમલની કામયાબીએ એક વાત ફિલ્મ ઉદ્યોગને સ્પષ્ટ કરી છે અને તેમની આંખો ખોલી છે કે હવે ફિલ્મોને ઉત્તર કે દક્ષિણના ભેદ કરીને જોવી મૂર્ખામી સાબિત થશે. હકીકતમાં કોવિડ કાળ પછી ફિલ્મ ઉદ્યોગને અનાયાસે મળેલી એક એવી સોલિડ ફોર્મ્યુલા છે કે જેને કારણે ઉદ્યોગને આવનારા દિવસોમાં અખિલ ભારતના દર્શકોને ધ્યાનમાં રાખીને વધુ ને વધુ ફિલ્મો બનાવવા પ્રેરિત કરશે. અત્યાર સુધી આવું થતું નહોતું. દક્ષિણ ભારતના ફિલ્મકારો માત્ર પોતાના ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવતા હતા અને ઉત્તરના ફિલ્મકારો એટલે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગ માત્ર હિન્દી ભાષી અને ભારત બહારના એનઆરઆઈ દર્શકવર્ગને ધ્યાનમાં રાખીને જ ફિલ્મો બનાવતા હતા. પણ તાજેતરમાં સફળ થયેલી ફિલ્મોએ જે રીતે સફળતાની ફોર્મ્યુલા અખિલ ભારતીય ક્ધટેન્ટ અને સિતારાઓના રૂપમાં આપી છે, તે આવનારા દિવસોમાં પણ ફિલ્મોની સફળતાનો ચોક્કસ આધાર બનશે. જોકે વર્ષ ૨૦૨૩માં ફિલ્મ ઉદ્યોગની ઝળકેલી કિસ્મત પાછળ માત્ર આ સામાજિક કે રાજકીય કારણ જ નથી. તેનું એક મોટું એન્ડ ગહન મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. કોરોનાકાળમાં પોતાને મજબૂર મહેસૂસ કરતા દર્શકોએ મોટા પડદા પર એક એવા આલ્ફા મેલને પોતાનો હીરો પસંદ કર્યો છે જેને કોઈપણ પરંપરાગત મૂલ્યોની કોઈ તમા નથી. ભલે આપણે તેને ટોક્સિક હીરો કહીએ, પણ અંદરથી ડરેલા અને હીન ભાવનાથી પીડિત ભારતીયોએ ભલે સિનેમાના પડદા પર, પણ એક તાકાતવાન, પરંતુ બેહદ હિંસક અને કોઈપણ જાતના મૂલ્યોની પરવા ન કરનારા હીરોને પોતાનો હીરો પસંદ કર્યો છે. કદાચ માત્ર એટલા માટે કે તો કોઈપણ રીતે સફળ બનવા માંગે છે, અને આપણા ભારતીય દર્શકોની એ જ દુખતી રગ છે. એટલે કહેવું પડશે કે વર્ષ ૨૦૨૩માં ફિલ્મોએ જે સફળતાની કેડીએ ઐતિહાસિક પુનરાગમન કર્યું છે તેમાં એક મોટું કારણ ફિલ્મોને મળેલા આ નવા મિજાજનો હીરો પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button