મેટિની

અક્ષય-અજયની અથડામણ

એક્શન ફિલ્મો કરી આગળ આવ્યા પછી કોમિક પાત્રોમાં પણ પોતાનો કસબ દેખાડનારા બે અભિનેતાની વધુ એક બોક્સ ઓફિસ ટક્કર આ વખતે કોનું પલડું ભારે કરશે?

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

ચાર વર્ષ સુધી ગોટે ચડેલી અને ગોથા ખાઈ રહેલી અજય દેવગનની ‘મૈદાન’ને રિલીઝ થવા માંડ મેદાન મળ્યું ખરું પણ મોકળાશ નથી મળી, કારણ કે આવતા મહિને ઈદના સપરમા દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ સાથે ટક્કર લેવા અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ પણ રિલીઝ થઈ રહી છે. અજયની ફિલ્મ ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાનના ભારતીય ફૂટબોલના શ્રેષ્ઠ સમયનું પ્રતિબિંબ ઝીલતી સ્પોર્ટ્સ બાયોપિક છે જ્યારે અક્ષયની ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ એક્શન થ્રિલર છે. ક્રિકેટની મોસમ પુરબહારમાં ખીલી છે એ સમયમાં ફૂટબોલ પર ફોકસ કરતી ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાનું કૌવત ધરાવે છે કે કેમ એ મોટો સવાલ છે. બીજી તરફ એક્શનનો ઓવરડોઝ દર્શકો આવકારે છે એ ગયા વર્ષે અને આ વર્ષે એકથી વધુ વાર સાબિત થયું છે. અક્ષયની રિલીઝ થયેલી છેલ્લી ડઝન ફિલ્મમાંથી ‘સૂર્યવંશી’ અને ‘ઓએમજી ૨’માં જમા પાસું ઉજળું હતું જ્યારે અજયની છેલ્લી ડઝનમાંથી પાંચનો બોક્સ ઓફિસ પરફોર્મન્સ ઉજળો (સૂર્યવંશી, ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર, દ્રશ્યમ ૨ અને શૈતાન) રહ્યો છે. બોક્સ ઓફિસ પર બંને વચ્ચે આઠ ટક્કર થઈ છે જેમાં સ્કોર કાર્ડ ૪ – ૪ એમ બરાબરી પર છે. હવે નવમી રિલિઝમાં કોણ મેદાન મારી આગળ નીકળી જાય છે એ બન્ને એક્ટરના ચાહકોના રસનો વિષય ચોક્કસ હશે એમાં બેમત નથી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દોસ્ત દુશ્મનમાં બદલાઈ જતા વાર નથી લાગતી અને રાતોરાત દુશ્મની દોસ્તીમાં પલટાઈ જાય એવું પણ બને છે. ૨૦૦૫ પછી અજય – અક્ષય વચ્ચે ખટરાગ પેદા થયો અને દોસ્તીમાં તિરાડ પડી હતી. જોકે, ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘સન ઓફ સરદાર’ અને ‘ખિલાડી ૭૮૬’ ડહોળાયેલું પાણી સ્વચ્છ કરવામાં નિમિત્ત બની હતી. અજયની ‘સન ઓફ સરદાર’ ટાઈટલ અક્ષય કુમાર પાસે રજિસ્ટર થયેલું હતું પણ અજય સામે ચાલીને અક્ષયના સેટ પર ગયો, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અચાનક ફૂટી નીકળ્યું અને અજયને એ ટાઇટલ મળી ગયું. ત્યારબાદ અજયએ રિટર્ન ગિફ્ટ આપી અને ‘સન ઓફ સરદાર’ની રિલીઝ વખતે ‘ખિલાડી ૭૮૬’નું ટ્રેલર રજૂ થવા દીધું. ‘મૈદાન’ વિરુદ્ધ ‘બડે મિયાં છોટે મિયાં’ અભિનેતાઓની આ નવમી ટક્કર છે. અગાઉની આઠ અથડામણના હિસાબ કિતાબ પર એક નજર નાખીએ.

અક્ષય – અજયની બોક્સ ઓફિસ અથડામણની શરૂઆત થઈ ‘અંગારે – પ્યાર તો હોના હી થા’ (૧૯૯૮)થી. ‘અંગારે’ તો બોક્સ ઓફિસ પર ઠરી ગઈ પણ અજય – કાજોલનો રોમેન્ટિક ડ્રામા એ વર્ષની ‘કુછ કુછ હોતા હૈ’ પછી બીજા નંબરની સફળ ફિલ્મ હતી. બીજી ટક્કર હતી ‘ધડકન’ – દીવાને’ (૨૦૦૦). અક્ષયની ફિલ્મ રોમેન્ટિક ડ્રામા હતી જ્યારે અજયની ફિલ્મમાં રોમેન્સ સાથે એક્શનની સજાવટ હતી. ‘ધડકન’ દર્શકોની ધડકન બની ગઈ જ્યારે ‘દીવાને’ દર્શકોને દીવાના કરવામાં નિષ્ફળ રહી હતી. ૨૦૦૦ની સાલમાં જ થયેલા ત્રીજા મુકાબલા (‘રાજુ ચાચા – ખિલાડી ૪૨૦’)ની રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મ ફ્લોપ હતી, પણ અજયની ‘રાજુ ચાચા’એ અક્ષયની ફિલ્મ કરતા ઓછો માર ખાધો હતો. ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ અને ‘રેઇનકોટ’ની ૨૦૦૪ની ચોથી અથડામણમાં પણ ઓછી નિષ્ફળતા કોની એવો હિસાબ હતો. રિતુપર્ણો ઘોષ દિગ્દર્શિત ‘રેઇનકોટ’(અજય – ઐશ્ર્વર્યા) માસ માટે નહીં ક્લાસ માટેની ફિલ્મ હતી પણ ક્લાસએ સુધ્ધાં થિયેટર સુધી પહોંચવાની ઝાઝી દરકાર ન કરી. ત્રણ એક્કા (અમિતાભ – અક્ષય – અનિલ શર્મા) સાથે હોવા છતાં ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ને બોક્સ ઓફિસ પર નિષ્ફળ. સરખામણીમાં ‘રેઇનકોટ’ વધુ નિષ્ફળ. ૨૦૧૦ના ‘એક્શન રિપ્લે’ – ‘ગોલમાલ ૩’ વખતે અજયની ફિલ્મ ધડાધડ ગોલ કરી માલામાલ થઈ જ્યારે અક્ષયની ‘એક્શન રિપ્લે’નો ધબડકો થયો હતો. એ જ વર્ષે અક્ષયની ‘તીસમારખાં’ અને અજયની ‘ટુનપુર કા સુપરહીરો’માં અક્ષયનો ઘોડો વિનમાં રહ્યો હતો. અજયની ફિલ્મની આવક તો પરચૂરણ જેવી રહી હતી. ત્યારબાદ બાર વર્ષ પછી બંને વચ્ચે ‘રામ સેતુ’ – ‘થેન્ક ગોડ’માં ટક્કર થઈ. ‘રામ સેતુ’માં પુરાણ અને વિજ્ઞાનનો સમન્વય દેખાડી એના ઢોલ પીટવામાં આવ્યા હતા પણ ફિલ્મ સફળ ન થઈ. દિવાળીમાં બંને બોમ્બ સુરસુરિયા થઈ ગયા. નિષ્ફળતાનો માર અજયની એક્શન – એનિમેશન ફિલ્મને વધુ પડ્યો હતો.

ત્રણ વર્ષ પહેલા આવેલી ‘સૂર્યવંશી’ના ટ્રેલરની રજૂઆત વખતે અક્ષય કુમારએ તેની અજય દેવગન સાથેની ‘દોસ્તી’નો કિસ્સો રજૂ કર્યો હતો. અક્ષયે જણાવ્યું હતું કે ‘અજય અને મારું બહુ પુરાની યાર દોસ્તી છે. અમારા બંનેની કારકિર્દીની શરૂઆત સાથે જ થઈ હતી. એક ફિલ્મ માટે અમારા બંને વચ્ચે લડાઈ પણ થઈ હતી. વાત એમ હતી કે કુકુ કોહલી દિગ્દર્શિત ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ (૧૯૯૧) માટે લીડ રોલમાં મને લેવાનું નક્કી થયું હતું. જોકે, પછી અજય (દેવગન) એવી કરામત કરી ગયો કે ફિલ્મમાંથી મારી હકાલપટ્ટી થઈ ગઈ અને એ હીરો બની ગયો.’ અક્ષયે આ વાત મજાકમાં કીધી હતી, દાઢમાં બોલ્યો હતો કે પછી ગંભીરતાથી એ આપણે નથી જાણતા, પણ એ કાર્યક્રમમાં હાજર રહેલા અજયએ અક્ષયના આક્ષેપને રદિયો નહોતો આપ્યો. જોગાનુજોગ એ જ વર્ષે અક્ષયની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ (દિગ્દર્શક રાજ સિપ્પી) રિલીઝ થઈ હતી. અજયની ફિલ્મ ૧૯૯૧ની કમાણીની દ્રષ્ટિએ પહેલી પાંચ ફિલ્મમાં સ્થાન ધરાવતી હતી જ્યારે ’સૌગંધ’ એવરેજ (ફ્લોપ થતા બચી ગયેલી) સાબિત થઈ હતી.

‘સુહાગ’ પછી છૂટાછેડા…
અક્ષય – અજય એકબીજાના કટ્ટર હરીફ રહ્યા હોવા છતાં કેટલાક ફિલ્મમેકરોએ ડબલ એક્શનનો લાભ લેવા કે પછી તેમની હરીફાઈનો ફાયદો ઉઠાવવા તેમને સાથે સાઈન કર્યા હોય એવા એકથી વધુ ઉદાહરણ છે. બંને સાથે ચમક્યા હોય એવી પ્રથમ ફિલ્મ હતી ‘સુહાગ’ (૧૯૯૪) જેમાં બંને લીડ રોલમાં હતા. એક્શન અને રોમેન્સથી છલકાતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. બની રહી હતી એ દરમિયાન નિર્માતા સાથે વિવાદ થવાથી અક્ષયએ અડધી ફિલ્મ પછી ડબિંગ પડતું મૂક્યું હતું અને એટલે બાકીનો હિસ્સો અન્ય વ્યક્તિના અવાજમાં ડબ કરી ફિલ્મ પૂરી કરવી પડી હતી. બીજો વિવાદ એ થયો હતો કે ફિલ્મનું સુપરહિટ સોંગ ‘ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા’ કરિશ્મા કપૂર પર ફિલ્માવવાનું હતું પણ પછી બીજી હિરોઈન નગ્મા પર પિક્ચરાઇઝ થયું હતું. એ સમયે અક્ષય – કરીનાની નિકટતા જવાબદાર હોવાનું કહેવાતું હતું. ‘સુહાગ’ પછી બંને વચ્ચે જાણે કે છૂટાછેડા થયા હોય એવી પરિસ્થિતિ જોવા મળી. આખો એક દસકો વીતી ગયા પછી આવેલી ‘ખાકી’ (૨૦૦૪)માં સાથે નજરે પડ્યા પણ તેમના રોલમાં વિરોધાભાસ હતો. અક્ષય પોલીસ ઇન્સ્પેક્ટર અને અજય એક ગુનેગાર તરીકે જોવા મળ્યો. ફિલ્મનું સુકાન કાબેલ દિગ્દર્શક રાજકુમાર સંતોષીના હાથમાં હોવાથી બંનેના રોલનું વજન સરખું હતું. ૨૦૦૫માં અજય – અક્ષયની ‘ઈન્સાન’માં પોલીસ થવાનો વારો મિસ્ટર દેવગનનો હતો અને અક્ષય રિક્ષા ડ્રાઈવર – ‘નકલી ગુંડા’ના રોલમાં હતો. અલબત્ત આ ફિલ્મ ફ્લોપ થઈ હતી. ત્યારબાદ દોઢ દાયકા પછી રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ (૨૦૨૧)માં એક્શન ફિલ્મોના બે મહારથી સાથે નજરે પડ્યા. કોવિડ – ૧૯ની મહામારીના લોકડાઉન પછી રિલીઝ થયેલી આ એક્શન ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો… શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker