મેટિની

સિનેમામાં AIનો પ્રયોગ યોગ્ય કે નહીં? અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ બ્રુટલિસ્ટ’ અઈં વપરાશના મુદ્દે અટવાઈ વિવાદમાં…

અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ બ્રુટલિસ્ટ’ અઈં વપરાશના મુદ્દે અટવાઈ વિવાદમાં…

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

દિગ્દર્શક બ્રેડી કોર્બટ 2023માં મે થી સપ્ટેમ્બર મહિના સુધી ચાલેલી હોલિવૂડ રાઈટર્સ સ્ટ્રાઇક યાદ છે? તેમાં મહેનતાણા ઉપરાંત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ઉપયોગનો પણ એક મહત્ત્વનો મુદ્દો હતો. આમ તો છેલ્લાં થોડાં વર્ષથી AIનો ઉપયોગ વધ્યો છે ત્યારથી સૌ કોઈ તેના ફાયદા-નુકસાન વિશે પોતાના મત રજૂ કરી જ રહ્યા છે. અલગ-અલગ ક્ષેત્રના કામમાં મદદરૂપ હોવા છતાં નોકરીઓ જવાના ડર અને એથી પણ આગળ માનવજાતના અસ્તિત્વ પર જ ટેક્નોલોજીનો ખતરો હોવાના વિષય પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

AIના આવા જ એક ડરના ભાગરૂપે હોલિવૂડના લેખકોએ સ્ટુડિયોઝને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો કે તેમણે AIનો ઉપયોગ સ્ક્રિપ્ટ રાઇટિંગ માટે નહીં કરવાનો…સિનેમામાં ટેક્નોલોજીનો ઉપયોગ તો ભરપૂર થાય છે. એમાં પણ ખાસ કરીને હોલિવૂડની તો બિગ બજેટ એક્શન ફિલ્મ્સમાં મોટાભાગે CGI અને VFX પર જ વધુ મદાર જોવા મળે છે, પણ આ લેખકોએ અઈંના મુદ્દાને સામાજિક અને માનવીય દ્રષ્ટિકોણથી અલગ રીતે રજૂ કર્યો હતો.

આ મુદ્દા પરથી સવાલ એ થાય કે સિનેમા ક્ષેત્રે AIનો ઉપયોગ કરવાનો કે નહીં? હાલની પરિસ્થિતિ મુજબ તો સૌ કોઈ તેની ખુલ્લેઆમ ચર્ચા પણ ટાળે છે, પણ સિનેમા અને AIના વપરાશને લઈને ગયા વર્ષની લોકપ્રિય અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ બ્રુટલિસ્ટ’ વિવાદના ઘેરામાં આવી છે. થયું એવું છે કે ફિલ્મના એડિટર ડેવિડ યાન્કસોએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘અમે ફિલ્મમાં એક્ટર્સના ડાયલોગ્સ વધુ પ્રભાવી અને સાચુકલાં લાગે એ માટે AI ટૂલ્સનો ઉપયોગ કર્યો છે.’

ફિલ્મની વાર્તા એવી છે કે મૂળ હંગેરિયન આર્કિટેક્ટ નાયક બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા આવે છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે અમેરિકામાં પણ એને અને એની પત્નીને ઇમિગ્રન્ટ તરીકે ઘણું વેઠવું પડે છે. મૂળ પાત્રો હંગેરિયન હોવાના કારણે ફિલ્મમાં ઘણા સંવાદ સ્થાનિક ભાષામાં છે. ફિલ્મમાં એક્ટર્સની ભાષા પરની પકડ અને પર્ફોર્મન્સના બધી જગ્યાએ વખાણ થઈ રહ્યા છે અને અવૉર્ડ્સ પણ મળી રહ્યા છે. એડિટર ડેવિડ પણ એક્ટર્સની મહેનતને બિરદાવે છે, પણ એ સાથે એનું જે કહેવું છે એ હાલ તો ફિલ્મને નકારાત્મક વમળમાં મૂકી રહ્યું છે. ડેવિડનું કહેવું છે કે એક્ટર બ્રોડી અને જોન્સના ડાયલોગ્સ વધુ હંગેરિયન લાગે એ માટે અમે એક યુક્રેનિયન અઈં ટૂલની મદદ લીધી હતી. હવે એક્ટરનું પર્ફોર્મન્સ સંપૂર્ણપણે એનું પોતાનું નથી એ જાણ્યા પછી ઇન્ડસ્ટ્રીના લોકો અને દર્શકો ફિલ્મને અવૉર્ડ્સમાંથી બાકાત કરવાની માગ કરવા લાગ્યા છે. બીજી તરફ, ‘ધ બ્રુટલિસ્ટ’ ફિલ્મના દિગ્દર્શક બ્રેડી કોર્બટનું કહેવું છે કે ‘બ્રોડી અને જોન્સના પર્ફોર્મન્સીસ બિલકુલ જ એમનાં છે. મહિનાઓ સુધી ડાયલેક્ટ કોચ પાસેથી તાલીમ લીધી છે. હા, અમે AI ટૂલનો પ્રયોગ કર્યો છે, પણ એ માત્ર અમુક સ્વર, અમુક અક્ષરને જરૂર મુજબ ઉઠાવવા માટે. અને એ મેન્યુઅલ પ્રક્રિયા હતી, જે અમારી સાઉન્ડ ટીમે કરી છે.’

ડેવિડનું પણ એ જ કહેવું છે કે હંગેરિયન ભાષા ખૂબ જ અઘરી હોવા છતાં બ્રોડી અને જોન્સે ઉમદા કામ કરી બતાવ્યું છે. ‘ગોલ્ડન ગ્લોબ’ જેવા ઓસ્કર્સ પછીના સૌથી પ્રખ્યાત અવૉર્ડમાં ડ્રામા કેટેગરીમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટરના અવૉર્ડ્સ જીત્યા પછી ‘ધ બ્રુટલિસ્ટ’ પર આ અઈં મુદ્દે વિવાદ થઈ રહ્યા છે. ડેવિડના આ વિધાનો પછી લોકો ફિલ્મને અલગ જ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. જોકે ડેવિડે બધી જ ચોખવટ અને સમજાવટ પોતાના ઇન્ટરવ્યૂમાં જ કરી છે. એનું એમ કહેવું છે કે ‘બ્રોડી અને જોન્સે પોતે જ ડાયલોગ્સ રેકોર્ડ કર્યા હતા અને પછી એમાંથી અમે અમુકને અઈં ટૂલમાં નાખ્યા હતા. એ ફક્ત અમુક અક્ષરો બદલવા જેવું નાનું કામ હતું.’

જોકે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી અમુક બિલ્ડીંગ્સની ડિઝાઇન માટે પણ AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવું પણ ડેવિડે કહ્યું છે. ફિલ્મમાં નાયક આર્કિટેક્ટ છે એટલે બિલ્ડીંગ્સનું ઘણું મહત્ત્વ છે. ત્યારે આ વાતને લઈને પણ દર્શકો નિરાશ થયા છે પણ અહીં મુદ્દો એ છે કે CGI અને VFX કે મોશન કેપ્ચર વગેરે ટેક્નોલોજી તો ફિલ્મમેકિંગના ઉપયોગમાં લેવાતી આવી છે. એ રીતે અઈં પણ એક ટેક્નોલોજી જ છે કે જેનો ઉપયોગ
કરી શકાય. સારા VFX માટે તો અવૉર્ડ્સ પણ હોય છે, જયારે AIની વાત આવે ત્યારે જ હોબળો કેમ? આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે અઈં સંપૂર્ણપણે માનવીય નથી. એ ટેક્નોલોજીમાં આર્ટિફિશિયલ પકડ વધુ છે. આ કારણસર અઈંના મુદ્દે લોકોના મત વહેંચાયેલા છે.

ઓસ્કર્સનો સમય નજીક આવી રહ્યો છે. થોડા દિવસોમાં જ તેના નોમિનેશન્સ જાહેર થઈ જશે. ‘ધ બ્રુટલિસ્ટ’ને મળેલી નેગેટિવ પબ્લિસિટી તેમના માટે ફાયદારૂપ નીવડશે કે પછી અઈંના નજીવા ઉપયોગના કારણે હકદાર હોવા છતાં અવૉર્ડથી વંચિત રહી જશે એ જોવું રસપ્રદ રહેશે. બાય ધ વે, સિનેમામાં અઈંનો કેવો અને કેટલો ઉપયોગ થવો જોઈએ એ વિશે તમારું શું માનવું છે? લાસ્ટ શોટ ‘ઇન્ડસ્ટ્રીમાં અઈં વિશે વાત કરવી જ પ્રતિબંધિત છે. હકીકતમાં એવું ન હોવું જોઈએ.’ – ડેવિડ યાન્કસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button