ફોકસ : હવે AI ફિલ્મની સ્ક્રિપ્ટ ને સંવાદ લખશે…!
-ડી. જે. નંદન
2025ના અંત સુધીમાં અને 2026ના પ્રારંભમાં AI બોલીવૂડમાં ઘણી બધી ઊથલપાથલ કરવાની યોજના ઘડી રહ્યું છે. જેની સૌ પ્રથમ જે અસર દેખાશે તે બોલીવૂડની વાર્તાઓ, ફિલ્મોના સંવાદો, તેની સ્ક્રિપ્ટો અને ફિલ્મો કહેવાની રીત પર હશે. કારણ કે એવું મનાઇ રહ્યું છે કે ટૂંક સમયમાં AI જનરેટિવ, ફિલ્મનાં પાત્રો અને વાર્તાઓને નવો ટચ આપવાનું શરૂ કરશે અને પછી સમગ્ર પ્રોજેક્ટને નિયંત્રિત કરશે. હકીકતમાં ફિલ્મ નિર્માણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગે 2024માં ઘણા ચોંકાવનારા તથ્યો રજૂ કયાર્ં છે. ઉદાહરણ તરીકે AI હવે ઘણા કલાકારોના વર્ચ્યુઅલ અવતાર બનાવી રહ્યું છે. જે વાસ્તવિક કલાકારોના શૂટિંગ વિના શૂટ કરવામાં આવશે. દર્શકો માટે આ ચોંકાવનારું હશે કે તેમના મનપસંદ અભિનેતાની ઉપસ્થિતિ માત્ર ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ઊભી કરવામાં આવી છે. તે વાસ્તવિક નહીં હોય. એટલું જ નહીં હાલમાં હોલિવૂડમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દર્શકો સિનેમાઘરો કે ઓટીટી પ્લેટફોર્મ પર વાર્તાના આગામી વળાંકને જાતે પસંદ કરી શકશે. એટલે કે ફિલ્મને વીડિયો ગેમની માફક બનાવવામાં આવશે.
હવે સવાલ એ છે કે આ વાત ક્યા આધારે કહેવામાં આવી રહી છે. હકીકતમાં AI દ્વારા લખાયેલી વાર્તાઓનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે અને નિષ્ણાતોનું અનુમાન છે કે આ એક ક્રાંતિકારી પરિવર્તન લાવશે. જો કે બોલીવૂડમાં હજુ સુધી AI જનરેટેડ વાર્તા પર કોઇ ફિલ્મ બની નથી, ન તો AI જનરેટેડ વાર્તાનો વ્યાપક રીતે ઉપયોગ થયો છે. પરંતુ સ્ક્રિપ્ટ રાઇટિંગ અને પ્લોટ આઇડિયા વિકસાવવામાં AI છેલ્લાં બે વર્ષમાં મદદરૂપ સાબિત થયું છે. કેટલાક સ્વતંત્ર પ્રોડક્શન હાઉસ અને કેટલાક સ્ટાર્ટઅપ્સે પણ આવા ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જે AI ની મદદથી સ્ક્રિપ્ટ્સ અથવા ડાયલોગ ટેમ્પ્લેટ્સ તૈયાર કરે છે. જો કે કોઇપણ આ વાત ખુલીને કહેવા માટે તૈયાર નથી, કારણ કે લોકોને લાગે છે કે શરૂઆતમાં દર્શકો આને સરળતાથી સ્વીકારશે નહીં. પરંતુ સામાન્ય રીતે જે અઠવાડિયામાં ત્રણ દિવસ પ્રસારિત થાય છે તેવી ટીવી સિરિયલોના લેખનમાં જે તાત્કાલિક લખાણનું દબાણ હોય છે તેને AI ના કારણે ઘણી રાહત રહેશે. કારણ કે AIની મદદથી માત્ર સ્ક્રિપ્ટ અને ડાયલોગની રૂપરેખા તરત જ તૈયાર કરી શકાતી નથી પરંતુ મિનિટો અને સેક્ધડોમાંAI ઝડપી પ્લોટ અને આઇડિયા પણ આપે છે. જેનાથી ખૂબ મદદ મળે છે. જો કે એ વાત પણ સ્વીકારી રહી કે AI ઘણા પ્રતિભાશાળી લેખકો જેવા વિચારો ડેવલપ કરવામાં સક્ષમ નથી, તેના રાઇટિંગમાં એ પંચ નથી મળતા જે એક અનુભવી સ્ક્રિપ્ટ રાઇટરનાં લખાણોમાંથી મળે છે.
પરંતુ એ ચોક્કસ છે કે AI લગભગ 50 ટકા બીજા દરજ્જાના લેખકો કરતાં વધુ સારી રીતે વિચારે છે. તેની કલ્પના ઘણા લેખકો કરતાં આગળ છે. તેથી બોલીવૂડમાં ઘણા પ્રોડક્શન હાઉસે ચુપચાપ AIની મદદથી સ્ક્રિપ્ટ અને સંવાદો લખવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેઓ હજુ સુધી તેનો ખુલાસો કરતા નથી. પરંતુ હોલીવૂડ આ પ્રકારના ખુલાસાઓની ચિંતા કરતું નથી. નેટફ્લિક્સ અને ડિઝની જેવા પ્લેટફોર્મે AI નો ઉપયોગ દર્શકોના ડેટાના આધારે કંટેંટ બનાવવા અને વાર્તાનો પ્લોટ તૈયાર કરવા માટે બે વર્ષ પહેલાથી જ શરૂ કરી દીધો હતો. 2021માં ‘સનસ્પ્રિંગ’ નામની એક આખી શોર્ટ ફિલ્મ AI દ્વારા લખવામાં આવી હતી. જો કે આ એક પ્રાયોગિક ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મ રજૂ થવાથી હોલીવૂડમાં લેખકોમાં ભારે ઝંઝાવાત સર્જાયો હતો. હોલીવૂડના લેખકોએ આ વાતની જાણ થતા જ તેની રોજી રોટી પર પ્રબળ પ્રહાર થયાનું અનુભવ્યું હતું. હોલીવૂડમાં મોટા પાયે લેખકો સ્ટુડિયો સાથે વાર્ષિક કરાર પર જોડાયેલા હોય છે. એટલે કે એક રીતે તેને પગાર પર રાખવામાં આવે છે. એવામાં અહીંના લેખકોને અનુભવાયું હતું કે જો નિર્માતા નિર્દેશક AI જનરેટિવની વાર્તાઓ પર કામ કરશે તો તેઓ ટૂંક સમયમાં બેરોજગાર થઇ જશે. તેથી 2023માં હોલીવૂડમાં લેખકોની લાંબી હડતાલ જોવા મળી હતી.
AI વાર્તાના પ્રારંભિક ડ્રાફ્ટને એટલો જલ્દી તૈયાર કરી લે છે કે કોઇ વ્યક્તિ અચંબિત થયા વગર રહી શકે નહીં. એટલું જ નહીં AIને કોઇ લેખક કરતાં વધુ સતર્ક રાખી શકાય છે કે તે લોકોની ઇચ્છા, પસંદ અને નાપસંદ વગેરેને વધુ સારી રીતે સમજી શકે. સૌથી મોટી વાત એ છે કે A ફિલ્મ પ્રોડક્શનના ખર્ચને આશ્ચર્યજનક રીતે ઘટાડી શકે છે. આ એક એવું આકર્ષણ છે જેનાથી કોઇ નિર્માતા, દિગ્દર્શક અને ઉદ્યોગ બચી શકે નહીં. કારણ કે આજે સમગ્ર દુનિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે સૌથી મોટું સંકટ તેનો ખર્ચ છે.
એવામાં સમસ્યા એ ઊભી થશે કે એક જ સમયે કેટલાય પ્રોડક્શન હાઉસ એક સમાન સ્ક્રિપ્ટ પર ફિલ્મ બનાવી શકે છે, પરંતુ દુર્ઘટના એ બનશે કે પછીથી તે તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ પર એ આરોપ નહીં લગાવી શકે કે એકબીજાએ તેની ફિલ્મ ચોરી લીધી છે. કારણ કે આ ચોરીનો મામલો રહેશે જ નહીં. આ હકીકતમાં યાંત્રિક કલ્પનાની એકરૂપતાની બાબત હશે અને આ માટે કોઇ કોઇના પર દોષારોપણ કરી શકશે નહીં. હોલિવૂડમાં અત્યાર સુધીમાં AIએ આ કામ ઘણી હદ સુધી ઘટાડી દીધું છે. AI દ્વારા 50 ટકા સ્ક્રિપ્ટિંગ અને રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. જેના કારણે ઉત્પાદન અને પોસ્ટ પ્રોડક્શન બંનેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે આનાથી લેખકો અને ક્રિએટિવ પ્રોફેશનલ્સ ખૂબ જ નાખુશ છે.
આપણ વાંચો : ફોકસ પ્લસ : ડિજિટલ ક્રેઝીનેસનું નવું નામ ઈ-ક્રિકેટ…!