તૂટ્યા પછી જે ખૂંચે, એ પછી કાચ હોય કે સંબંધ!
અરવિંદ વેકરિયા
મેં તુષારભાઈ સાથે હા એ હા કરી વધુ વિચારવાનું મૂકી દીધું…
કામ કરીશ તો દિલથી કરીશ એ ખેવના તો રહેવાની જ પણ વિચારવાનું તડકે મુકી એમની ઈચ્છા અને મરજી મુજબ વર્તવાનું રાખ્યું… એક રવિવારની રાત્રે અમે- હું અને તુષારભાઈ બંને અમદાવાદ જવા નીકળ્યા. ભટ્ટસાહેબના આશીર્વાદ લેવાનું ચુક્યા નહિ. અમદાવાદના રિલિફ ટોકિઝની ગલીમાં હોટલ છે, ‘કિંગ’ઝ વે’, જે આજે પણ છે, ત્યાં ઉતર્યા. એ વખતે આટલી સારી હોટેલમાં ત્યારે ચાની કિંમત માત્ર એક રૂપિયો હતી,(?! ). આજે તો….
સવારે હોટેલમાં જઈ ફ્રેશ થયા. બાજુમાં ઝેરોક્ષની શોપ હતી. ત્યાં સ્ક્રિપ્ટ પરથી સાતેક કોપી કઢાવી. નીકળતાં પહેલાં હોટલનું એડ્રેસ અભય શાહને આપી બપોરે ૧૧ વાગે મળવાનું નક્કી કરેલું. લગભગ ૧૦.૪૫ વાગે તો અભયભાઈ આવી પણ ગયા. મેં
નાટકની વાર્તા એમને ટૂંકમાં કરી. નાટકની લોકપ્રિયતા એમણે અમદાવાદમાં સાંભળી લીધી હતી. હવે એ કહે એ કલાકારો પર મહોર મારવાની હતી.આમ પણ રંગભૂમિનાં, ખાસ તો અમદાવાદના ખેરખાં હતા. મારી સાથે એમનો અંગત સ્વજન જેવો ભાવ અંત સુધી રહ્યો.
અમારાં પ્રોડક્શન મેનેજરની બાજુમાં. મુંબઈમાં અભયભાઈના ભાઈ શશીકાંતભાઈ રહેતા. અભયભાઈ અવાર-નવાર ત્યાં આવતા એટલે ક્યારેક મુલાકાત થઇ જતી. પાછળથી એ મિત્રતામાં પરિણમી. બાકી, સંબંધ કોઈ પણ હોય, પાસવર્ડ એક જ હોય છે,‘વિશ્ર્વાસ’.
એમણે મને પહેલું નામ મારા રોલ માટેનું સૂચવ્યું, નલીન દવે, જેમણે ‘રામાયણ’ સિરિયલમાં ‘કુંભકર્ણ’ નું પાત્ર ભજવેલું. એટલું જ નહિ, પણ એ આખો દાયકો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો. એમણે અ-ગણિત ફિલ્મો કરેલી-કરતા હતા.
મેં અભયભાઈને કહ્યું કે નામ તો સારું સજેસ્ટ કર્યું પણ એમના વિષે સાંભળ્યું છે કે માણસ તરીકે અવ્વલ પણ પીવા’ ની ટેવ…. અભયભાઈએ કહ્યું કે તારી વાત સાચી છે, પણ હવે એણે દારૂને તિલાંજલિ આપી દીધી છે. એ વાતને પણ ઘણો વખત થઈ ગયો. આજે બપોરે પ્રેમાબાઈ હોલમાં દિનેશ શુકલનું નાટક છે ‘અભિષેક’, લાલુભાઈ એ રિવાઈવ કર્યું ત્યારે જે રોલ સોહિલ વિરાણીએ કરેલો, એ રોલ એ કરે છે. આપણે ત્યાં જઈ રૂબરૂ વાત કરી લઈએ પછી તમે નીકળી જાવ.
તુષારભાઈએ મારી સામે જોયું. મેં કહ્યું મળતા આવીએ, મોઢામોઢ વાત થાય તો બેટર ! મને કહે તમે જે કહો આમ તો હું એ કહે કરવા જ અમદાવાદ લાંબો થયો હતો. પણ સંબંધ… ‘સરસ’ છે કહીને અટકે નહિ અને મારે શું’ કહીને છટકે નહિ એ જ સાચો સંબંધ.
વાત આગળ વધારતા કહે કે રાજેશ મહેતાનો જે મી.દેસાઈનો રોલ છે એ કોમેડી સાથે થોડો સંવેદનશીલ પણ છે, એ માટે હસમુખ ભાવસાર પરફેક્ટ છે. અને અરવિંદનો રોલ, જે કિશોર દવે કરે છે એના માટે નાટકો અને સ્ટેન્ડ-અપ કોમેડી પણ બહુ સારી કરે છે અને સ્વામીનારાયણ ભગવાનનો હરિભક્ત પણ છે એ સારો રહેશે, એનું નામ છે, મહેશ વૈદ્ય. અભયભાઈએ નલીન દવે, હસમુખ ભાવસાર અને મહેશ વૈદ્યને ફોન કરી દીધા. એ બધાની પણ કામ કરવાની ઇચ્છા હતી.
હવે વાત આવી સ્ત્રી-પાત્રોની. એક પત્ની અને બીજી કોલગર્લ. એ વખતે એક યુવાન યુવતી હતી, તૃપ્તિ ભટ્ટ. મને અભયભાઈ કહે એ અહીં નાટકો કરે છે અને કોલગર્લના પાત્રમાં એકદમ ફીટ બેસી જશે. એમણે તરત એને ફોન કર્યો. ફોન પર બધી વાત કરી,જે જે અમે સાંભળી પણ સામે છેડે તૃપ્તિએ શું કહ્યું એ અમને ન સંભળાય એ સ્વાભાવિક હતું. એમને ફોન મુક્યો. અમે ‘બાઘા’ ની જેમ એમની સામે જોઈ રહ્યાં. પછી અમારા મોઢા પરના ઇન્તેજારી ભર્યા ભાવ જોઈ ધીમેથી બોલ્યા કે એ નહિ કરે…
‘કેમ?’ મારા અને તુષારભાઈ બંનેના મોઢામાંથી એક સાથે સવાલ નીકળી ગયો.
અભયભાઈએ વાત આગળ ચલાવતા કહ્યું કે……ઇચ્છા ઓછી છે એની. કદાચ રોલ માટે કોઈ પ્રોબ્લેમ હોય, ખબર નહિ.બાજુમાં જ રહે છે. હોટલ પર હમણાં મળવા આવશે……
હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
બસ! આજ છે જીવન જીવવાની રીત.
ચૂંટણીનાં ભાષણોમાં દરેક નેતાઓ આજ વાત કરે છે કે ‘જો હરીફ પક્ષને મત આપશો તો દેશ ૫૦ વર્ષ પાછળ થઈ જશે ‘મારે તો એક જ વાત કહેવાની છે કે, ‘સરકાર કોઈ પણ પક્ષની આવે હું પાછો સ્કૂલમાં નહિ જાવ!’