મેટિની

આ વર્ષે દર્શકોના દિલમાં ટોચને સ્થાને બિરાજેલા કલાકારો

સાંપ્રત – રાજેશ યાજ્ઞિક

ફિલ્મોના ઓનલાઇન ડેટાબેઝની જાણીતી વેબસાઈટ આઇએમબીડી દ્વારા આ અઠવાડિયે વર્ષ ૨૦૨૩ના ભારતના સૌથી લોકપ્રિય ફિલ્મી સિતારાઓની સૂચિ જાહેર થઇ. છેલ્લા કેટલાંય વર્ષોથી બોલીવુડના કિંગ કહેવાતા કિંગ ખાન, શાહરૂખે ફરી એકવાર સાબિત કર્યું કે પોતે પરદા પર પેહલા જેવો ભલે દેખાતો ન હોય, ભલે તેની નજીકના ભૂતકાળમાં આવેલી મોટાભાગની ફિલ્મો ફ્લોપ ગઈ હોય, તો પણ તે હજી પણ ચાહકોના હૃદયમાં પહેલા જેટલું જ મજબૂત સ્થાન ધરાવે છે. એટલે જ આ સૂચિમાં તે ફરી એકવાર મોખરાનું સ્થાન મેળવી શક્યો છે. જોકે એ પણ ઉમેરવું પડે કે તેની છેલ્લી બે ફિલ્મો પઠાણ અને જવાને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લાજ રાખવા જેવું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું હતું.

સૌથી આશ્ર્ચર્યજનક વાત એ છે કે આ લિસ્ટમાં જો પહેલા દસ નામ જોવામાં આવે તો દસમાંથી માત્ર ત્રણ જ અભિનેતાઓનો સમાવેશ થાય છે, બાકી સાત નામ તો અભિનેત્રીઓના છે! પુરુષ પ્રધાન ગણાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓની આ લોકપ્રિયતા પણ નોંધપાત્ર ગણાય અને આનંદની વાત પણ.

બીજા નંબરે શાહરુખ પછી આલિયા ભટ્ટનો નંબર છે. તેની છેલ્લી બે ફિલ્મો રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને બ્રહ્માસ્ત્ર ગાજી એવું વરસી નહીં. તેમ છતાં આલિયાની અભિનય ક્ષમતા વિશે શંકા કરવા જેવું નથી જ. એટલેજ ચાહકો તેને પ્રેમ કરે છે અને લોકપ્રિયતાના ચાર્ટમાં અભિનેત્રીઓમાં તે દીપિકાને ટક્કર આપીને બીજા સ્થાને રહી, પણ દીપિકા આલિયાથી બહુ પાછળ પણ નથી. લોકપ્રિય કલાકારોમાં ત્રીજું નામ દીપિકાનું જ છે. શાહરુખ સાથે આવેલી તેની ફિલ્મ પઠાણ સિવાય છેલ્લી કેટલીક ફિલ્મોએ ખાસ કશું ઉકાળ્યું નથી. પણ તેણે પદ્માવત, બાજીરાવ મસ્તાની, પીકુ જેવી કેટલીક જોરદાર ફિલ્મોમાં લોકોની ખૂબ ચાહના મેળવી છે અને લોકો હજી તેને જોવાનું પસંદ કરે છે તે તેને મળેલા ક્રમાંક ઉપરથી સાબિત થાય છે.

દીપિકા પછી જેને સ્થાન મળ્યું છે તે અભિનેત્રી વિશે હિન્દી ફિલ્મના દર્શકો કદાચ એટલા જાણકાર ન પણ હોય. તેનું નામ છે વામિકા ગબ્બી. આમ તો તેણે પોતાની કારકિર્દી જબ વી મેટ ફિલ્મમાં નાનકડા રોલથી કરી હતી. પણ પછી તેણે પંજાબી ફિલ્મોમાં સારું એવું કાઠું કાઢ્યું છે અને તે પંજાબી ફિલ્મોની સુપરસ્ટાર હિરોઈન બની ગઈ છે. તેને મળેલા સ્થાન ઉપરથી પ્રાદેશિક ફિલ્મોમાં અભિનય કરીને પણ તે કેટલી લોકપ્રિય થઇ છે તેનો અંદાજ માંડી શકાય છે.

જોકે વામિકા કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કંપની જીત પર બનેલી ફિલ્મ ‘૮૩’માં પણ જોવા મળી હતી તે નોંધવું જોઈએ. પાંચમું સ્થાન દક્ષિણની ફિલ્મોની સોહામણી અભિનેત્રી નયનતારાને ફાળે ગયું છે. તામિલ, તેલુગુ અને મલિયાલમ ફિલ્મોમાં અભિનય કરતી નયનતારા દક્ષિણમાં ખૂબ લોકપ્રિય છે અને તેને તામિલ ફિલ્મોની લેડી સુપરસ્ટાર ગણવામાં આવે છે. વાચકોની જાણ ખાતર ૧૮ નવેમ્બરે જ નયનતારાનો જન્મદિવસ હતો.
છઠ્ઠા સ્થાને દક્ષિણની જ જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા છે. તેને કેટલીક છૂટક છૂટક હિન્દી ફિલ્મો પણ કરી છે, પણ તેનું મોટાભાગનું કામ તામિલ અને તેલુગુમાં છે. દોઢ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેણે સિત્તેરથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. સાતમે સ્થાને કરીના કપૂરને સ્થાન મળ્યું છે. વર્ષ ૨૦૧૮થી તેની વર્ષમાં એકાદ જ ફિલ્મો આવી છે. એમાંય સુપર ડુપર હિટ કહેવાય એવી તો કોઈ નથી. તેમ છતાં ચાહકોના હૃદયમાં તેનું સિંહાસન અકબંધ છે. આઠમે સ્થાને શોભિતા ધૂલિપાલા છે. જો તેના નામથી તરત ચમકારો ન થતો હોય તો જણાવીએ કે તે વર્ષ ૨૦૧૩માં મિસ ઇન્ડિયા બની હતી. અને જેવું હંમેશાં બને છે તેમ, બ્યુટી પેજન્ટમાં જીત્યા પછીનો રસ્તો મોટેભાગે ફિલ્મો તરફ જ વળે છે.શોભિતાએ પણ અનુરાગ કશ્યપની રામન રાઘવન-૨થી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી. તેને દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી. ઐશ્ર્વર્યા રાય અભિનીત પોનીયન સેલ્વનમાં પણ તે જોવા મળી હતી. તેણે કરેલી ગણીગાંઠી ફિલ્મોના હિસાબે તેને મળેલું સ્થાન ખાસ્સું ઉપર છે અને તેની લોકપ્રિયતાનો ગ્રાફ કેટલો છે તે જણાવે છે. આ વાત એટલે પણ ખાસ છે કે હિન્દી ફિલ્મોની સફળતાની ગેરેન્ટી ગણાતા અક્ષય કુમારનો નંબર પણ તેના પછી નવમો આવે છે! અને દસમે સ્થાને દક્ષિણનો સુપરસ્ટાર વિજય સેતુપતિ છે.

આમ તો કહેવાય છે કે જ્યાં સુધી તમે સફળ હો ત્યાં સુધીજ લોકપ્રિય હો છો, પરંતુ આ સૂચિમાં કેટલાક નામ એ સાબિત કરે છે કે તમારી ટેલેન્ટ ચાહકોના હૃદયમાં તમને અવિચળ સ્થાન અપાવવા સક્ષમ છે. પછી, ભલે તમારી ફિલ્મ હિટ થઇ હોય કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button