રાજ કપૂરની ફિલ્મોની જે કેટલીક ઊડીને આંખે વળગે એવી વાત છે એમાં એક છે એમની ટીમનું બંધારણ. ‘આર. કે.’ બેનરના ચિત્રપટમાં નરગિસની હાજરી હોય,
સિનેમેટોગ્રાફર રાધુ કર્માકર હોય, લેખક ખ્વાજા અહમદ અબ્બાસ હોય, એડિટર જી. જી. મયેકર હોય, સંગીતકાર શંકર-જયકિશન હોય, ગીતકાર શૈલેન્દ્ર – હસરત જયપુરી હોય, ગાયક મુકેશ હોય અને યસ, લતા મંગેશકર પણ હોય.
૧૯૪૮ની ‘આગ’થી રાજ કપૂરે ‘આર. કે. ફિલ્મ્સ’ના બેનર હેઠળ સ્વતંત્રપણે ફિલ્મ નિર્માણનો પ્રારંભ કર્યો. જોકે, આ ફિલ્મમાં સંગીતકાર રામ ગાંગુલી તેમ જ ગીતકાર બહઝાદ લખનવી હતા અને ખાસ નોંધવાલાયક વાત એ હતી કે ફિલ્મનાં કુલ ૭ ગીતમાંથી ૬ ગીતમાં (એકલ ગીત અથવા યુગલ ગીત) પાર્શ્વગાયિકા તરીકે શમશાદ બેગમ હતાં. સમ ખાવા પૂરતું એક ગીત સુધ્ધાં લતા મંગેશકરનું નહોતું.
‘આર. કે. ફિલ્મ્સ’ના બીજા ચિત્રપટ ‘બરસાત’માં ૧૧ ગીત હતાં, જેમાંથી ૧૦ ગીતમાં લતાજીની હાજરી હતી – ૮ સોલો, મુકેશ સાથે બે ડ્યુએટ.
બાકી રહેલું એક ગીત મોહમ્મદ રફીનું સોલો સોંગ – ‘મૈં જિંદગી મેં હરદમ રોતા હી રહા હૂં’. યસ, શમશાદ બેગમનું એક સુધ્ધાં ગીત નહીં.
એક લાંબી ઈનિંગ્સનો પ્રારંભ થયો-‘બરસાત’ (જીયા બેકરાર હૈ…)થી ‘હિના’ (મૈં હૂં ખુશ રંગહિના). રાજ કપૂરના ફિલ્મ સંગીતમાં લતા મંગેશકરની હાજરી અચૂક અને અનિવાર્ય બની ગઈ.
રાજ કપૂર – લતા મંગેશકર જોડાણની શરૂઆત કેવી રીતે થઈ અને સંગીતકાર અનિલ વિશ્વાસ એમાં કેવી રીતે કારણભૂત બન્યા એ જાણવા જેવો કિસ્સો છે. ‘રાજ કપૂર – ધ વન એન્ડ ઑન્લી શોમેન’ પુસ્તકમાં ખુદ લતાદીદીએ આ ‘મિલન’ વિશે વિગતે વાત કરી છે.
‘વાત છે ૧૯૪૮ની’, દીદીએ જણાવ્યું છે, ‘ફેમસ સ્ટુડિયોમાં હું અનિલજી (અનિલ વિશ્વાસ)ની ફિલ્મનું એક ગીત રેકોર્ડ કરી રહી હતી. એ સમયે સ્ટુડિયોના જ બિલ્ડિંગમાં બીજા માળે રાજ કપૂરની નાનકડી ઑફિસ હતી.
અનિલજીએ રેકોર્ડિંગ વખતે રાજ કપૂરને હાજર રહેવા અને મારો અવાજ સાંભળવા બોલાવ્યા.
મેં ગીત ગાયું અને રાજસાબે સાંભળ્યું, પણ કોઈ કરતાં કોઈ પ્રતિભાવ આપ્યા વિના ચૂપચાપ જતા રહ્યા. બીજે દિવસે અનિલદાનો મને ફોન આવ્યો. રાજ કપૂરે મને મળવા કહેણ મોકલ્યું હતું.
Also Read – પાક્યાં પછી પડે તે ફળ, પડ્યા પછી પાકે એ માણસ..!
રાજ કપૂરને હું નહોતી જાણતી કે ઓળખતી, પણ કોલ્હાપુરમાં મેં પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ ‘સિકંદર’ ૧૫ વખત જોઈ હતી. હું એમની પ્રશંસક હતી. ઊંચા અને દેખાવડા એવા મારા ફેવરિટ સ્ટારના પુત્ર રાજ કપૂરને મળવાનો સારો મોકો હતો. હું એમની ઑફિસ ગઈ અને ઝાઝી ઔપચારિકતા વિના મને કહ્યું કે એમની ફિલ્મમાં મારે ગાવાનું છે અને પૂછ્યું કે હું કેટલા પૈસા લઈશ?
મેં પણ તરત જ કહી દીધું કે ‘તમે જે પૈસા આપશો એ હું લઈ લઈશ’. એમણે ૫૦૦ રૂપિયાની ઑફર કરી અને મેં સ્વીકારી લીધી.’
રાજ કપૂરના સંગીતજ્ઞાન અને એ વિશેની ઊંડી સમજણ વિશે પણ લતા મંગેશકરે વાત કરી છે. આ બધી વાત એટલા માટે જાણવી જરૂરી છે કે રાજ કપૂર જેવું વ્યક્તિત્વ બહુઆયામી (ઘણી વિશેષતાઓ, ખાસિયત કે ઘણાં લક્ષણોવાળું) હતું એનો ખ્યાલ આવે અને આવી પ્રતિભા અને આવાં લક્ષણોની હાજરીને કારણે એમનાં સર્જનને વધુ નિખાર કેવી રીતે મળ્યો એ સમજાય છે.
‘બરસાત’ માટે ગીતો રામ ગાંગુલી (‘આગ’ના સંગીતકાર) જ સ્વરબદ્ધ કરવાના હતા. જોકે, અચાનક રામ ગાંગુલી પર ચોકડી મુકાઈ ગઈ.
કેમ? દીદીની કેફિયત પેશ છે….
‘રાજજીની ‘બરસાત’માં રામ ગાંગુલી મ્યુઝિક આપવાના હતા. શંકર અને જયકિશન તો કેવળ એરેન્જર હતા. શંકરજી તબલાં વગાડતા, જ્યારે જયકિશનની હાર્મોનિયમ પર હથોટી હતી. એક દિવસ સંગતમાં ‘બરસાત’નું ‘જીયા બેકરાર હૈ’ ગીત કઈ રીતે ગાવાનું છે એ બંનેએ મને શીખવ્યું. એ ગીતના રેકોર્ડિંગ પછી રાજ કપૂરે નિર્ણય લીધો કે ‘બરસાત’નાં ગીતો રામ ગાંગુલી નહીં, પણ શંકર-જયકિશન સ્વરબદ્ધ કરશે. આ એક ઐતિહાસિક નિર્ણય હતો.
ગીતકાર શૈલેન્દ્ર – હસરત જયપુરી તેમ જ શંકર-જયકિશને આર. કે. ફિલ્મ્સ માટે અવિસ્મરણીય ગીત રચ્યાં જે આજે પણ લોકો હોંશે હોંશે માણે છે.’
રાજ કપૂરના આ નિર્ણયનું મહત્ત્વ સમજવું અઘરું નથી. આલાપ માટે રાજ કપૂરની પ્રીતિ અને રુચિ વિશે પણ લતા મંગેશકરે ઉલ્લેખ કર્યો છે. લતા મંગેશકરની તાલીમ ક્લાસિકલ સિંગર તરીકે હોવાથી એ કમર્શિયલ ફિલ્મ સોન્ગ્સ પ્રભાવી રીતે રજૂ કરી શકશે કે કેમ એ બાબતે પણ રાજજીને શંકા હતી. દીદી પાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઝાઝો અનુભવ પણ નહોતો. જોકે, ‘બરસાત’ રિલીઝ થઈ અને લતાજીનાં ગીતોએ એવી ધૂમ મચાવી કે રાજ કપૂરનો સંશય સમૂળગો નીકળી ગયો.
‘બરસાત’ની સફળતા પછી રાજ કપૂરના અભિગમ વિશે લતાજીએ જણાવ્યું હતું કે ‘પછીની ફિલ્મોમાં ગીતમાં મેલડીના સ્વરૂપ વિશે મારો નિર્ણય એ માન્ય રાખતા, પણ આલાપ માટે એમનો કાયમ આગ્રહ રહેતો. આલાપ લોકોના હૃદયને ઝંકૃત કરવાનું કામ કરે છે એવું એમનું માનવું હતું. ‘આવારા’ ફિલ્મના ‘ઘર આયા મેરા પરદેસી’ના રેકોર્ડિંગ વખતે સવારે મેં શંકર-જયકિશન સાથે રિહર્સલ કર્યું અને સાંજ સુધીમાં આખું ગીત બેસાડી દીધું. સાંજે રાજ કપૂર આવ્યા, ગીત સાંભળ્યું અને ‘નહીં ચાલે’ એમ કહી આખું ગીત કેન્સલ કર્યું!
આખું ગીત ઉપરતળે કરી નાખ્યું અને એમાં આલાપ ઉમેર્યો અને પરોઢિયે ત્રણ વાગ્યે રેકોર્ડિંગ પૂરું થયું.’
રાજ કપૂરના આલાપના આકર્ષણનું બીજું એક ઉદાહરણ છે ‘જીસ દેશમેં ગંગા બહતી હૈ’ ફિલ્મનું. ધૂની માણસો હોય એમની વિચારશૈલી, એમની કલ્પનાશક્તિની પાંખો કે એમની સ્ફુરણાને ઘડિયાળના સમય સાથે કોઈ નિસબત નથી હોતી. એનો કિસ્સો દીદીના જ શબ્દોમાં જાણીએ:
‘રાત્રે ૧૧ વાગ્યે રાજજીનો ફોન આવ્યો કે તાબડતોબ આવી જા. તારા સ્વરમાં આલાપ રેકોર્ડ કરવો છે. રેકોર્ડિંગ સ્ટુડિયો મારા ઘરની નજીક જ હતો. બારેક વાગ્યે હું પહોંચી ત્યારે રાજ કપૂર કહેવા લાગ્યા કે ‘મુકેશના સ્વરમાં ગીત રેકોર્ડ કર્યું છે, પણ મારે એ ગીતમાં આલાપ જોડવો છે. એક એવો આલાપ જે લોકો કાયમ યાદ રાખશે. આલાપ રેકોર્ડ થયો, પણ સંગીતકાર જયકિશન નારાજ થઈ ગયા, કારણ કે એમને એ ન રુચ્યું. આલાપ સાથેનો ટ્રેક સાંભળી રાજસાબે બીજો એક આલાપ ઊંચા સ્વરમાં રેકોર્ડ કરાવ્યો અને પછી જે ગીત તૈયાર થયું એ સાંભળી રાજજી ગેલમાં આવી ગયા.’
‘આવારા’ અને ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’નાં ગીતો યુ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. બંને ગીતમાં આલાપની હાજરી ગીતોને કેવી ઊંચાઈએ પહોંચાડે છે એ જાતે સાંભળી નક્કી કરજો અને મજા પડી જાય તો રાજ કપૂરની સંગીત સૂઝને સલામ મારવાનું ચૂકતા નહીં.