આજ મૈં હી પહુંચ ગયા ચોટી કી પાયદાન પર!
અવાજના બાદશાહ અમીન સાયાનીને યાદ કરે છે અવાજના બાજીગર હરીશ ભીમાણી
સ્મૃતિ-વિશેષ –હરીશ ભીમાણી
‘મારા કાનમાં હજુ પણ એ શબ્દો ગૂંજે છે : એક આધા કચ્છી એક પૂરે કચ્છી કો એવોર્ડ દે રહા હૈ!’
હેમરાજભાઈ શાહ સંચાલિત ‘કચ્છ શક્તિ’ એવોર્ડ એનાયત કરતી વખતે અમીન સાયાની એ આ ‘પંચ લાઈન’ ઉચ્ચારી. એમનો ઈશારો થોડી મિનિટો પહેલાં પ્રવક્તાએ કરેલી ટકોર તરફ હતો કે ‘જે કચ્છી ભાસા ન બોલી સકે સે કચ્છી માડું ન ચોવાજે..’ (જે કચ્છી ભાષા ન બોલી શકે તે ખરો કચ્છી ન કહેવાય! )
જો કે એમની સાથે મારી પહેલી મુલાકાત તો પુરસ્કાર સમારંભના એ સ્મરણીય દિવસથી લગભગ ૧૫ વર્ષ પહેલાં થઈ હતી અને એ પ્રથમ મુલાકાતમાં જ એમનું સ્ફટિક જેવું વ્યક્તિત્વ મને સ્પર્શી ગયું હતું…
ગાઢ જંગલ જેવા સ્વરવિશ્ર્વમાં હું ત્યારે નવો-સવો હતો. મારા સંક્ષિપ્ત એવા સંઘર્ષકાળમાં હું જે પણ જૂજ સ્થાપિત પ્રોગ્રામ નિર્માતાઓને મળ્યો એમાં અમીન સાહેબ મુખ્ય હતા. મારી પહેલી મુલાકાત વખતે મારા ‘ગુડ મોર્નિંગ, સર’ ના જવાબમાં એમણે મને સ્મિતભરી નજરે ઉપરથી નીચે સુધી માપી લીધો.
મારા નાનકડા પરિચય પછી એમનો પહેલો સવાલ હતો :
‘ભઈ, આટલા બધા ભણતરનું તો વોઇસ રેકોર્ડિંગમાં શું કામ? કદી વિચાર્યું છે… ક્યાંક પસ્તાવો ન થાય…’
ખુરશી પરથી ઉઠતાં ઉઠતાં હું થોડી નિરાશાની ગર્તામાં સરી ગયો તો એ કહે:
‘મિયાં, કહાં જા રહે હો ? અપની થોડી ખૂબસૂરત આવાઝ હમારે પાસ છોડતે જાઓ!’કહીને પાસે પડેલી ફિલ્મ ‘સૌદાગર’ (અમિતાભ- નૂતન) રેડિયો પ્રોગ્રામની સ્ક્રીપ્ટ મને આપી ને બાજુના રૂમમાં આવેલા સ્ટુડિયોમાં મોકલ્યો.
બે-એક ફકરા રેકોર્ડ કરીને હું જવા લાગ્યો તો મને રોકીને વધુ ઓડિશન કરવા પ્રેર્યો. એ કરીને વળી પાછો જવા લાગ્યો તો રોકીને એ કહે : ‘આજે તેં ઓડિશન નથી કર્યું…. ફાઇનલ રેકોર્ડિંગ કર્યું છે!’
ઓહ્, ત્યારે ખરુ સાંભળેલું કે પ્રોડ્યુસરો મોટી આશાઓ આપીને ઓડિશનને નામે રેકોર્ડિંગ કરાવી લે છે! પણ એમણે તો થોભવા કહ્યું:
‘બડી જલ્દી મે હો ક્યા? ભઈ, તુમને આવાઝ દી હૈ, તો કુછ લે કર ભી જાઓ..’ અને મને એમણે એક મહેનતાણાનો ચેક આપ્યો.
‘નામ કા સ્પેલિંગ તો ઠીક હૈ ન! ’ અને એમનું એ જ હેતાળ સ્મિત!
મારે ગળે ડૂમો બાઝ્યો. શું હું ખરેખર ભારતના સર્વોચ્ચ વોઇસ સ્ટારને મળ્યો? પણ આ મળતાવળી વ્યક્તિ તો એક સ્નેહલ પિતા જેવી હતી… તો શું લોકો ઈર્ષાના માર્યા એમની મોનોપોલી અને ઉદ્ધતાઈની વાતો કરતા હશે?
મારી ‘સૌદાગર’નું એ રેકોર્ડિંગ ‘પહેલા બોલ પર સિક્સર’ કરતાં એ વધુ હતું. એક દિશાહીન ચિંતિત યુવાન માટે મૂલ્યવાન પ્રોત્સાહન હતું . ઉત્સાહમાં આવીને હું ટેક્સી લેવા અધીરો થયો ત્યારે સાથે આવેલા રેકોર્ડિસ્ટે ખમૈયા કરાવીને કહ્યું : ઝ્યાદા ઉડો મત… આખી ઇન્ડસ્ટ્રી અમીન સાહેબ જેટલી ઈમાનદાર નથી. કભી ભી ઠોકર કે લિયે તૈયાર રહેના!’
‘થોડાં વર્ષો વીત્યાં… લોકો સાયાણી પછી ભીમાણીનું નામ લેવા લાગ્યા, પણ હજુ ‘રેડિયો સિલોન’ ના પ્રોગ્રામોનો વહિવટ પૂર્ણપણે અમીન સાહેબની કંપની પાસે જ હતો. છુટ્ટાછવાયા કાર્યક્રમોમાં અવાજો કદાચ બીજાના હોય, પણ પ્રોગ્રામનું નિર્માણ તો એમનું જ. એવામાં મને માતબર એવા એક સાપ્તાહિક રેડિયો કાર્યક્રમનો કોન્ટ્રાક્ટ મળ્યો.
થવું તો અશક્ય જ લાગતું હતું, છતાં લેખન- રેકોર્ડિંગ- એડિટિંગ અને હિંમત ભેગી કરીને હું કોર્પોરેટ બહાના હેઠળ ‘ના’ સાંભળવાની તૈયારી સાથે અમીન સાહેબને મળ્યો. થોડોક પ્રોગ્રામ સાંભળીને ફક્ત એમણે એટલું જ પૂછ્યું: આ લખ્યું છે કોણે? ‘જવાબ સાંભળીને પીઠ થાબડી કે, અચ્છી રેકોર્ડિંગ સિર્ફ વોઇસ હી નહીં, યહ શબ્દો કા ખેલ ભી હૈ!’
-પણ શું આવી કારમી કોમ્પિટિશનમાં એ પોતાનો વ્યાપારિક એકાધિકાર છોડશે? પણ એમનો જવાબ તો એક સવાલ રૂપે હતો:
બ્રોડકાસ્ટ માટે ટેઇપ્સ તું પોતે શ્રીલંકા મોકલીશ કે અહીં અમારી ઓફિસને આપીશ?!’
-અને આમ, ‘રેડિયો સિલોન’ પર પહેલો નૉન-અમીન સાયાની રેડિયો પ્રોગ્રામ સિરીઝ બ્રોડકાસ્ટ થઈ અને એ પણ ત્યારે કે જ્યારે ‘રેડિયો સિલોન’ આપણા ‘વિવિધ ભારતી’ સામે ટકી રહેવા ઝઝૂમી રહ્યું હતું.
‘આને શું કહેવું : કોઈ વિશેષ વ્યક્તિ પ્રત્યે મોટું મન કે ફેઅર બિઝનેસ પ્રેક્ટિસ (નિષ્પક્ષ વ્યાપાર વ્યવહાર)?’
અહીં યાદ અપાવી દઉં કે પ્રાથમિક શાળા (ન્યૂ ઇરા) માં ભણતા અમીનનું હુલામણું નામ ફેઅર હતું, કારણ કે કશુંય ખોટું થતું જુએ તો એ છોકરો તરત જ કહેતો ધિસ ઇસ નોટ ફેઅર’ !
જો કે ચર્ચા તો ક્યારેક અન-ફેઅરનેસની પણ થતી રહી છે કે અમીન સાયાની ફક્ત એકાદ ‘બિનાકા ગીતમાલા’ (આવરદા ૪૨ વર્ષ!) અને એમની બોલવાની અનોખી છટામાં સંભળાતા વિશેષ શબ્દસમૂહ સિવાય એવું તે શું કર્યું હશે કે એ શ્રી માંથી ‘પદ્મશ્રી’ જેવું બહુમાન મેળવી ગયા ?
શું હતો સ્વર ઉદ્યોગ- સંગીત ઉદ્યોગ અને ફિલ્મ ઉદ્યોગમાં એમનો ફાળો.. ?
બહેનો ઔર ભાઈઓ..અગલી પાયદાન. ઇસ ગાનેને મચાઈ હૈ ધૂમ…. ‘ઔર ચોટી કી પાયદાન પર હૈ’ વગેરે શું માત્ર સોહામણી
શબ્દ-રમત જ હતી, જે બની ગઈ રેડિયો પર રેલાતી એક આગવી સ્ટાઈલ-ફેશન ?
જો કે આપણને સહેજે જાણવાની એ જિજ્ઞાસા થાય કે રેડિયો ઉદઘોષણાની એમની આવી અનોખી શૈલી આવી ક્યાંથી? શું આ સમજી-વિચારીને ઘડેલી કોઈ માર્કેટિંગ વ્યૂહરચના હતી? ના, લેશમાત્ર પણ નહીં…
સાયાની શૈલીનો ઉદ્ભવ થયો ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ’માં હજુ તો એક વિદ્યાર્થી હતો – નામે અમીન સાયાનીના ખોળામાં આવી પડયો એક રેડિયો પ્રોગ્રામ…ને એની સાથે મોટાભાઈ હમીદ સાયાનીનો સ્નેહભર્યો વટહુકમ :
અરે ના શાની પાડે છે ? રેકોર્ડિંગ કરી તો જો, મઝા આવશે… ઠીક છે, દર વખતે સ્ટૂડિયો ન આવતો હું રેકોર્ડિસ્ટ (આજના શબ્દોમાં ઓડિયો એન્જિનિયર)ને તારી કૉલેજમાં મોકલીશ રિસેસમાં બોલી નાખજે. ‘હું પ્રિન્સિપલની પરવાનગી લઈ રાખીશ….’
હમીદભાઈ પોતે ભારતીય ઉદ્યોગના સૌ પ્રથમ ત્રણ વ્યાવસાયિક રેડિયો બ્રોડકાસ્ટર્સમાંના એક (બીજા બે એટલે બાલ ગોવિંદ શ્રીવાસ્તવ અને બલરાજ દત્ત – જે પાછળથી સુનીલ દત્ત નામે જાણીતા અભિનેતા બન્યા!) હમીદભાઈ અંગ્રેજીમાં પ્રશ્ર્નોત્તરી અને ગીતોના કાર્યક્રમો કરતા, પણ પ્રયોજકોએ સર્વે કર્યો તો જણાયું કે ખરા શ્રોતાઓ તો હિન્દીના છે ,પણ હમીદભાઈએ પોતાને હિન્દી ભાષા ન ફાવતાં નાના ભાઈ અમીન જોડે હિન્દીની હઠ લીધી.. વિદ્યાર્થી અમીનને તો જલસો પડી ગયો! સમસ્યા એક જ હતી – રેકોર્ડિંગ વખતે ક્લાસરૂમની બહાર ચાલતો વિદ્યાર્થીઓનો કલબલાટ. કોઈને શાંત રહેવાનું કહેવાય નહીં અને ટેપ રેકોર્ડરથી ઘોંઘાટ સહવાય નહીં એટલે રેકોર્ડિસ્ટે કહ્યું કે હું માઈક્રોફોનની ગ્રહણશક્તિ – ફેડર – ઘટાડું છું, તું મોટેથી બોલ…. પણ જો બૂમો ના પાડતો. તારા બોલવામાં જે મીઠાશ છે તે જાળવી રાખજે….
બસ, આ રીતે ત્યારથી આ ‘સાયાની સ્ટાઈલ’ જન્મી…! જો કે ત્યારે એ કિશોરને ક્યાં ખબર હતી કે જાણતાં-અજાણતાં આ જ અંદાજ એની ઓળખાણ બનશે અને એના રેડિયો કાર્યક્રમની શૃંખલાઓને અતિ લોકપ્રિય બનાવશે ને ભારતીય રેડિયોનો એ ધરોહર-વારસો બનશે.
-પણ શું આ નવતર શૈલીનું કોઈ નક્કર યોગદાન ખરું?
હા, સંગીત ઉદ્યોગને યોગદાન એવાં એમના દ્વારા સર્જિત રેડિયો પ્રોગ્રામો હતા,જે મોટેભાગે ફિલ્મ ગીતો પર આધારિત હતા. એને લીધે એ કાર્યક્રમો કરતાં પણ વધુ એમાં પરોવાયેલાં ગીતો લોકપ્રિય બનતા ને એ રેકોર્ડોનું ધૂમ વેચાણ થતું ને વધતું. એમનાં પ્રોગ્રામ્સ ફિલ્મ સંગીતની માર્કેટિંગ નું સર્વશ્રેષ્ઠ સાધન બન્યા. આમ ફિલ્મ સંગીત ઉદ્યોગને સધ્ધર કરવામાં અને આ રેડિયો કાર્યક્રમોને લોકપ્રિય બનાવવામાં સાયાની સ્ટાઈલનો ખાસ્સો ફાળો રહ્યો. ફિલ્મ ઉદ્યોગમાં અમીનભાઈનું યોગદાન કદાચ સંગીત ઉદ્યોગથી પણ વધુ મહત્વનું રહ્યું.
૧૯૬૦-૭૦ના દાયકાઓ સુધી ફિચર ફિલ્મોની માર્કેટિંગ ફક્ત છાપાં-મેગેઝિનો પર નિર્ભર હતી. અહીં અમીન સાહેબ એક નવીન જ વિચાર લઈ આવ્યા. ફિલ્મની રિલીઝ પહેલાં રેડિયો પર ફિલ્મની એવી આકર્ષક ઝલક આપવી કે પ્રેક્ષકો થિયેટરમાં ખેંચાઈ આવે. અહીંથી શરૂ થઈ ફિલ્મ રેડિયો પ્રોગ્રામોની એક નવી શૃંખલા – ૧૫ મિનિટના પ્રોગ્રામ જેમાં શરૂઆત અને અંતમાં અમીન સાહેબના લાક્ષણિક અવાજમાં ફિલ્મના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર, નિર્માતા વગેરેની જાણકારી અપાતી અને વચ્ચે વચ્ચે એ ફિલ્મની વાર્તાના રોમાંચક અંશ પણ વર્ણવતા, જેમાં ગુંથાયેલા હોય મારકણા સંવાદો અને લોકપ્રિય થઈ રહેલાં ગીતો… આ મસાલો એવો તો સ્વાદિષ્ટ બનતો કે રેડિયો શ્રોતાઓ જોત- જોતામાં ફિલ્મ પ્રેક્ષકો બની જતા!
આમ અમીન સાયાનીના ફિલ્મ રેડિયો પ્રોગ્રામો, ફિલ્મ પબ્લિસિટીનું એક સશક્ત માધ્યમ બન્યા, પણ એના મૂળમાં તો એમની પ્રસ્તુતિકરણની આગવી શૈલી જ હતી.
રેડિયો માધ્યમ- ફિલ્મ સંગીત અને ફિલ્મ ઉદ્યોગને આવા આગવા યોગદાન ઉપરાંત એમનું ખરુંં યોગદાન તો કદાચ આજ સુધી નવા એફ.એમ.રેડિયોએ જાળવી રાખ્યું છે ને આગળ ધપાવી રહ્યું છે.
બીજા શબ્દોમાં કહીએ તો અમીન સાયાની આપણા રેડિયો પ્રસ્તુતિકરણને ગંભીરતાના અંધકારમાંથી ખુશનુમાં વાતાવરણમાં લઈ આવ્યા. જે રેડિયો ખરેખર સૂચનાઓના પ્રસારણ માટે જ સર્જાયો હતો એને અમીન સાહેબે આપણો દોસ્ત બનાવી દીધો. પછી તો અઢળક વિષયો ઉમેરાયા અને એ આપ કા દોસ્ત’ આપણો રાહબર બની ગયો.
એ પોતાના ચિરપરિચિત છતાં લાક્ષણિક અવાજને અનન્ય ઢબ દ્વારા ધ્વનિ તરંગો પર લખતાં-લખતાં પોતાના હસ્તાક્ષર છોડી ગયા… હંમેશને માટે!