મેટિની

‘સ્લીપર હિટ’નો સપાટો

નાના બજેટમાં અને વળતરની અપેક્ષા વિના રિલીઝ થતી ફિલ્મો એવી કમાણી કરે છે કે આંખો પહોળી થઇ જાય

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

(ડાબે) મુંજ્યા અને આર્ટિકલ ૩૭૦, આ વર્ષની જબરદસ્ત સ્લીપર હિટ

આંકડા હકીકત દર્શાવે છે તો હકીકત છુપાવે પણ છે. વાત કેટલાક વર્ષ પહેલાની છે. ભણવામાં એક ખૂબ જ નબળા વિદ્યાર્થીનો વર્ગમાં ચોથો નંબર આવ્યો એટલે એની પડોસમાં રહેતા લોકોને બહુ આશ્ર્ચર્ય થયું. એક ભાઈને તો વિશ્ર્વાસ ન બેઠો એટલે નિશાળમાં તપાસ કરવા ગયા અને પૂછતાછ કરી તો ચોથો નંબર આવવાની વાત સાચી હતી. ‘પણ આ વિદ્યાર્થી તો ભણવામાં બહુ નબળો છે તો કેવી રીતે ચોથો નંબર આવ્યો?’ એવો સહજ સવાલ વર્ગ શિક્ષકને કરવામાં આવ્યો. શિક્ષકે કહ્યું કે ‘વર્ગમાં ચાર જ વિદ્યાર્થી હતા અને એટલે તેને ચોથો નંબર જ મળે ને.’ હકીકતમાં એ વિદ્યાર્થી છેલ્લા નંબરે હતો, પણ પૂરી જાણકારી વિના ચોથો નંબર ખોટી સમજણ ઊભી કરતો હતો. આંકડાઓની માયાજાળ આવી જ હોય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બોક્સ ઓફિસ કલેક્શનમાં પણ આંકડાઓની આવી માયાજાળ ઊભી થતી હોય છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ભારતમાં પહેલા ૨૭ દિવસમાં (૨૪ જુલાઈ સુધીમાં) વિવિધ ભાષામાં ૬૨૦ કરોડનું કલેક્શન મેળવી શકી છે. માત્ર હિન્દી વર્ઝનનો વકરો ૨૮૦ કરોડનો મુકવામાં આવ્યો છે. એની સામે ૭ જૂને રિલીઝ થયેલી હોરર કોમેડી યુનિવર્સના નિર્માતા દિનેશ વિજનની આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત ‘મુંજ્યા’નું ઉદાહરણ તપાસીએ. રિલીઝ થયાના છ અઠવાડિયા પછી પ્રમુખપણે હિન્દીમાં રિલીઝ થયેલી આ ફિલ્મનો વકરો ૧૨૦ કરોડનો મુકવામાં આવ્યો છે. હવે તો સ્વદેશ ઉપરાંત પરદેશમાં પણ ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’ વર્લ્ડ વાઈડ કલેક્શનમાં ૧૦૦૦ કરોડ પાર કરી ગઈ છે. ‘મુંજ્યા’ જેવી ફિલ્મનું વૈશ્ર્વિક રિલીઝ વિશેષ નથી હોતું.

માત્ર આંકડા જોઈએ તો ‘કલ્કિ ૨૮૯૮ એડી’ અધધ સફળતા મેળવનાર કરોડાધિપતિ લાગે, જ્યારે ‘મુંજ્યા’ ખાધેપીધે સુખી યુવાન જેવી લાગે. જોકે, આ આંકડા વિદ્યાર્થીના પરિણામ જેવા છેતરામણા છે. ‘કલ્કિ એડી ૨૮૯૮’ ફિલ્મનું બજેટ છે ૬૦૦ કરોડ રૂપિયા. એ હિસાબે આજની તારીખમાં ફિલ્મનો સ્વદેશનો બધી ભારતીય ભાષાનો વકરો જમા – ઉધારનું પલડું માંડ સમકક્ષ કરે એવો છે. એક રૂપિયાના રોકાણ સામે એક રૂપિયાનું વળતર. બીજી તરફ ‘મુંજ્યા’ ૩૦ કરોડના બજેટમાં બની સ્વદેશમાં ૧૦૬ કરોડનું કલેક્શન મેળવી શકી છે. ગુજરાતી વેપારીની ભાષામાં રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ સામે વળતર) ૨૫૩ ટકા થયું. હવે તમે જ કહો કોનું પલડું ભારે રહ્યું? ગણિતની ત્રિરાશી માંડીએ તો ૨૫૩ ટકા વળતર મેળવવા (‘મુંજ્યા’ને સમકક્ષ થવા) ‘કલ્કિ ૨૮૯૮ એડી’એ સ્વદેશ અને વિદેશ મળીને ૨૧૨૦ કરોડનું કલેક્શન મેળવવું જરૂરી છે જે આજની તારીખમાં તો અસંભવ લાગે છે. બીજી એક મહત્ત્વની વાત અને આ લેખનો મુખ્ય મુદ્દો એ છે કે ભવ્ય સ્ટારકાસ્ટ, અદ્યતન ફિલ્મ મેકિંગ, મીડિયામાં વાગેલી ધૂમધડાકા ઓર્કેસ્ટ્રા જેવાં રસાયણોને કારણે અપેક્ષાનો મહાસાગર ઉમટ્યો હતો ‘કલ્કિ ૨૮૯૮ એડી’ માટે. બીજી તરફ ચહેરે કોઈ પણ લપેડા વગરની ગ્લેમર રહિત પણ ગ્રામીણ સૌંદર્ય અને કૌવત ધરાવતી ક્ધયા જેવી ‘મુંજ્યા’ પાસે મામૂલી બજેટ હતું, મીડિયામાં ઢોલ વગાડવા અને મોડર્ન ટેકનોલોજી વાપરવા મૂડી નહોતી. પરિણામે ફિલ્મ પાસેથી કોઈ કરતા કોઈ અપેક્ષાનું ખાબોચિયું પણ નહોતું. આવક જાવકનો મેળ બેસી જાય કે ૧૦ – ૧૫ ટકા પણ છૂટે તો ભયો ભયો એવી લાગણી એ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોમાં રિલીઝ પહેલા હોય એની નવાઈ નહીં. કોઈ અપેક્ષા ન હોય એ વાતાવરણમાં જો કોઈ ફિલ્મ અપેક્ષા બહારની કમાણી કરે એ
ફિલ્મ અંગ્રેજીમાં ‘સ્લીપર હિટ’ (Sleeper Hit)ં
તરીકે ઓળખાય છે. ‘મુંજ્યા’ આ વર્ષની નંબર વન સ્લીપર હિટ છે.

છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મો પર નજર નાખતા ‘સ્લીપર હિટ’ની સારી સંખ્યા જોવા મળે છે. ‘ધ કેરળ સ્ટોરી’ (બજેટ ૨૦ કરોડ, કલેક્શન ૩૦૦ કરોડ), ‘બારહવી ફેઈલ’ (બજેટ ૨૦ કરોડ, કલેક્શન ૭૦ કરોડ), ‘આર્ટિકલ ૩૭૦’ (બજેટ ૨૦ કરોડ, કલેક્શન ૧૧૦ કરોડ), ‘લાપતા લેડીઝ’ (બજેટ ૫ કરોડ, કલેક્શન ૨૫ કરોડ), ‘હનુમાન’ (બજેટ ૪૦ કરોડ, કલેક્શન ૩૫૦ કરોડ), ‘શ્રીકાંત’ (બજેટ ૩૨ કરોડ, કલેક્શન ૬૨ કરોડ), ‘મડગાંવ એક્સપ્રેસ’ (બજેટ ૨૫ કરોડ, કલેક્શન ૪૯ કરોડ) એના જ્વલંત ઉદાહરણ છે. આ સિવાય સાઉથમાં પણ ‘સ્લીપર હિટ’ ફિલ્મોના ઉદાહરણ જોવા મળ્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હાલ સારા દિવસો જોઈ રહી છે. Manjummel Boys ૨૦ કરોડના બજેટમાં બની અને એનું કલેક્શન હતું ૨૪૨ કરોડ. રોમેન્ટિક કોમેડી Premalu ફક્ત ૫ કરોડમાં બની અને વકરો બજેટની સરખામણીએ અધધ કહી શકાય એવો ૧૩૫ કરોડનો. એક્શન કોમેડી Aavesham માટે બજેટ ૩૦ કરોડનું હતું અને એનું કલેક્શન હતું ૧૫૪ કરોડ. સ્લીપર હિટનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં. આ પરફોર્મન્સ જોયા પછી ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ફિલ્મમાં સ્ટાર લોકોની હાજરી અને આજના બદલાયેલી વિચારસરણીમાં બ્લોકબસ્ટરની વ્યાખ્યા બદલવી જરૂરી હોવાનું માનવા લાગ્યા છે.

હોલિવુડમાં સ્લીપર હિટના અઢળક ઉદાહરણ છે. સૌથી પ્રખ્યાત સ્લીપર હિટ છે Star Wars (૧૯૭૭). જ્યોર્જ લુકાસની આ સાયન્સ ફિક્શન પ્રોડ્યુસ કરવા માટે લગભગ દરેક સ્ટુડિયોએ ડિંગો દેખાડી દીધો હતો. અંતે ટવેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સ્ટુડિયોએ એનું નિર્માણ કરવાની હિંમત દેખાડી અને મે મહિનાના અંતમાં માંડ ૩૦ સ્ક્રીનમાં રિલીઝ કરી. અચાનક એક મોઢેથી બીજા મોઢે વાત ફરવા લાગી અને થિયેટરમાં દર્શકોની લાંબી લાઈન દેખાવા લાગી. લોકપ્રિયતા એ હદે વધી ગઈ કે ઓગસ્ટમાં ૧૦૯૬ પ્રિન્ટ સાથે સમસ્ત યુએસમાં અને વિશ્ર્વમાં અન્ય ઠેકાણે રિલીઝ કરવામાં આવી. ૧૧ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ સાયન્સ ફિક્શન ફિલ્મ
પહેલા જ વર્ષમાં ૪૧૦ મિલિયન ડૉલરનું કલેક્શન મેળવવામાં સફળ રહી અને કુલ ૭૭૫ મિલિયન ડૉલરનો વકરો થયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button