મેટિની

સંબંધ મનથી હોવો જોઈએ, મતલબથી નહિ

સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા

મેક-અપ મેન આવી ગયો અને મને ‘રંગવા’ની શરૂઆત કરી દીધી. આજે મેક-અપ એ આરામથી કરતો હતો. મેં પૂછ્યું, ‘કેમ આજે આટલા આરામથી કામ કરે છે?’ મને કહે, ‘સવારે રમેશ મહેતાને તૈયાર કરી નાખ્યા. કલ્પનાબેન તો મેક-અપ જાતે જ કરે છે.’ મેં કહ્યું, ‘અરે. હા! અમારા નાટકોમાં પણ ઘણી કલાકારા જાતે જ મોઢા રંગતી હોય છે. જ્યારે-જ્યારે હું નાટક માટે મેક-અપ કરાવતો હોઉં ત્યારે થોડી-થોડી વારે આવીને દાદા, પેન-કિક આપોને! દાદા, રૂઝ આપોને! દાદા, મશ્કરા આપોને! બિચારો એ મેકઅપ દાદો, મારો મેક-અપ જે ૫-૭ મીનીટમાં પતાવતો હોય એ ૨૫-૩૦ મિનીટ લગાવી દે!’ આવેલ મેક-અપ મેન ખડખડાટ હસવા લાગ્યો. પછી મને કહે, ‘કલ્પનાબેન તો પોતાનો મેકઅપ-બોક્ષ સાથે લઈને જ આવે છે. મેં ઘણી ફિલ્મો એમની સાથે કરી છે. એ તો ઠીક, અરે! સેટ ઉપર કઈ ટચ-અપ કરવાનું હોય તો એમની સાથે વર્ષોથી એક બેન આવે છે. નામ એમનું મીનાક્ષી બેન! એ એમની બધી જરૂરત પૂરી પાડે.’ મને મારા નાટકની યાદ આવી ગઈ. નાટકોમાં દરેક શોમાં પણ એ મીનાક્ષીને સાથે લાવતા. એટલું જ નહિ, નાટકોની ટુરમાં પણ એ મીનાક્ષી સાથે હોય. ત્યાં હોટેલમાં રૂમમાં પણ એમની સાથે જ રહેતી. મને લાગે છે કે કલ્પનાબેનની દવા, એમની સાર-સંભાળ વર્ષોથી એ કરતી. કદાચ એટલે જ એ એમની સાથે રહેતી. મને મીનાક્ષી એટલે યાદ, એમના ભાઈ ધનવંત શાહ મારા નાટકના નિર્માણ-નિયામક મારી સાથે હતા. જેની વાતો આ અગાઉ હું લખી ચુક્યો છું. આ મીનાક્ષી એમના સંબંધમાં એટલે ઘણીવાર અમારા રિહર્સલમાં ધનવંતભાઈને મળવા આવતી. પાછું આ ધનવંત શાહ પણ મારા મિત્ર અને અમેરિકન વિઝાનાં નંબર વન એક્ષપર્ટ સુધીર શાહના સગામાં. આમ દુનિયા કેટલી નાની છે એની મને અનુભૂતિ થઇ ગયેલી.
‘મારા પછી હવે મેક-અપમાં કોણ બાકી છે?’ મેં મેક-અપ મેનને પૂછ્યું. ‘કોઈ નહિ’ એનો જવાબ હતો. મને નવાઈ લાગી. મેં કહ્યું, ‘કેમ એમ?’ તો મને કહે કે ‘આ એક જ તમારો કોમેડી-સીન હમણાં કરવાનો છે. પછી સુભાષજી, નરેશજી અને રોમા માણેકનું ગીત, જેની કોરીઓગ્રાફી ચીનુભાઈ શિકારી કરી રહ્યાં છે, એ જોવા અને સલાહ-સૂચનો આપવા જશે.’

વાત લાંબી ચાલી, પણ ત્યાં સુધીમાં મારો મેક-અપ પણ પૂરો થઇ ગયો.

પછી મેં ડ્રેસમેન જે મારા માટે ડ્રેસ મૂકી ગયો હતો એ પહેર્યો અને એ કેવો લાગે છે એ જોવા હું અરીસા સામે ઊભો રહી જાતને નીરખતો હતો ત્યાં સહાયક દિગ્દર્શક આવ્યો અને મને છ પાનાનો સીન આપી ગયો. એ સીન વાંચતા જરા વિચિત્ર લાગ્યું. કલ્પના દીવાન અને રમેશ મહેતા બંને ભાઈ-બહેન બનેલા. કાસ્ટિંગ માટે મને જરા તાજ્જુબ લાગ્યું. થયું, કદાચ ફિલોસોફી પ્રમાણે નક્કી થયું હશે કે સંબંધ મનથી હોવો જોઈએ, મતલબથી નહિ, ઉંમરમાં ગમે તે ફરક દેખાડે પણ પાત્રલેખનમાં સ્વાર્થ કે કોઈ મતલબ, આખો સીન વાંચતા દેખાયો નહિ.

ખેર! પણ ગઈ કાલનો સુભાષ શાહ સાથે ગજબનો સંબંધ બંધાય ગયો હતો એ કબૂલવું પડે. સંભવ છે કે આ કદાચ એમના ‘રૂટીન’નો ભાગ પણ હોઈ શકે. જે હોય તે, મને તો મુલાકાત આકર્ષી ગઈ હતી.

મારે હવે આવા સાચા-ખોટા વિચારોને કોરાણે મૂકી દઈ આપેલા સીનના પાનાં વાંચવા મંડી પડવું જોઈએ. વિચારોથી તો વિચારવાયુ થઇ જવાનો પૂરો સંભવ. શુદ્ધ વિચારો કોઈ ઝેરથી મરતા નથી અને અશુદ્ધ વિચારો કોઈ દવાથી મટતા નથી. એટલે સકારાત્મક અભિગમ સાથે હું આપેલો સીન વાંચવા બેઠો. મેક-અપ મેન મને મલમલનો ભીનો ટુકડો આપી વિદાય થયો.

સંવાદો સહેલાઈથી મોઢે થઇ જાય એવા હતા. સીનમાં કંઈ એવું હતું કે ભાઈ બનતા રમેશ મહેતાને મોટા માણસ બનવું છે અને બેન બનતાં કલ્પનાબેન એમને પોતાના પગ કેમ ધરતી પર ટકાવી રાખવા એની સલાહ આપતાં હોય છે. તેઓ બંને મારો અભિપ્રાય લેવા આવે છે. એમના સંવાદો તો અત્યારે મને યાદ નથી પણ વર્ષો પહેલાં કરેલી એ ફિલ્મ ‘આંગણે વાગે રૂડા ઢોલ’ નો એક સંવાદ આજે પણ યાદ છે. વાત આજે પણ એટલી જ સાંપ્રત છે. ‘મોટા બનવાના અભરખા રહેવા દો, નાના રહેવાની મજા અનોખી હોય છે. સાગરને મળવા નીકળતા પહેલા નદીનું પાણી મીઠું હોય છે, એક વાત સમજી લે, જેટલી ચાદર હોય, પગ એટલા જ લાંબા કરવા.’ છે ને મજાની વાત! સામે કલ્પના દીવાનની લાઈન પણ સરસ હતી ‘માણસ ગરીબ હોય કે અમીર, અસ્તિત્વ વિનાનું જીવન નકામું.’

આવા તો કેટલાય સંવાદો હતા. આવી બધી ઉપદેશાત્મક વાતો હતી, પણ સીન આખો ‘રીલીફ’ વાળો હતો.

એમાં પણ એક વાત મને ખૂબ હસાવી ગઈ. કલ્પનાબેન મને કહે છે, ‘આ (રમેશ મહેતા) છે જ અવળચંડો. એક દિવસ એ કૂતરાની પૂંછડીમાં પાઈપ નાખી રહ્યો હતો. હું (કલ્પના દીવાન) પૂછું છું આ શું કરે છે? પૂંછડીમાં પાઈપ! આ શું ગાંડપણ માંડ્યું છે? આ રીતે પૂંછડી પાઈપમાં નાખવાથી પૂંછડી કોઈ દિવસ સીધી ન થાય.’ હું ટાપસી પુરતા ‘કહું છું, બરાબર.’ ત્યારે કલ્પનાબેન જે કહે છે એ સાંભળવા જેવું છે. મારા બરાબરના જવાબમાં કલ્પનાબેને રમેશ મહેતાએ એમને કહેલ કે, ‘આ ડોબો મને કહે છે કે મારે પૂંછડી સીધી નથી કરવી, આ પાઈપ જરા વાંકો કરવો છે.’

આ રીતે રીલીફ સાથે સારા સંવાદોને વણી લેતો છ પાનાનો સીન હતો. મારા બહુ સંવાદો નહોતા માત્ર ‘રી-એક્શન’ આપી સીનને કોમેડી કરવાનો હતો. હા, બે-ચાર વાર સંવાદો વાંચી મોઢે કરી લીધા. મારા રી-એક્શનની અગત્યતા હતી એવું મને લાગ્યું. અમારી નાટકની દુનિયામાં પણ અમુક એવા કલાકારોના સંપર્કમાં હું આવ્યો છું. પોતે જ નાટકના નિર્માતા હોય… પોતે એક્ટિંગ પણ કરતા હોય… એમાં જો પરફોર્મન્સમાં તમને જો પ્રેક્ષકોનો ‘એપ્લોઝ’ મળે તો એમના પેટમાં ચૂંક આવે. ઘણા તો ‘ફીલર’ તરીકે જ તમને નાટકમાં લેતા હોય છે. પોતે ‘કોમેડી’ ડાયલોગ્સ બોલે, તમારે માત્ર ‘રી-એક્શન’ આપવાનું જેથી એ સાહેબને ‘લાફ્ટર’ મળે. તમારે ભાગે સંવાદમાં હોય તો ‘કેમ?’, ‘શું કામ?’ ‘ક્યારે?’
એવા ફીલર-સંવાદો જ હોય, વધુ કંઈ નહિ. તો, અમુક કલાકારો એવા પણ મળ્યા કે જે આપણો સંવાદ હોય અને તેઓ રી-એક્શન આપે અને એ રી-એક્શનથી લાફ્ટર આપી પ્રેક્ષકો વધાવે, તાલીઓના ગડગડાટ સાથે… પોતાનું જ નાટક હોવા છતાં એમનાથી એ સહન ન થાય. અને એ પછીના શોથી જ તેઓ રી-એક્શન આપવાનું બંધ કરી દે. તમને મળતા લાફ્ટરમાં ૭૦% જેટલો કાપ આવી જ જાય. રી-એક્શન જ ‘લાફ્ટર’ નો મૂળ સ્ત્રોત હોય છે પણ… અમુકના આવા સ્વભાવ જ હોય છે. આખું નાટક પોતે જ પોતાના ખભા પર ઊંચકીને ચાલે છે એવા વહેમમાં પોતાના નાટકની ખુદ પોતે જ આવરદા ઓછી કરી નાખતા હોય છે.

હું એ છ પાનાના સંવાદો મોઢે કરવા માંડ્યો. શોટ-ડિવિઝન (હવે મને થોડી ફિલ્મી ભાષા સમજાવા લાગેલી) હતું નહિ. માત્ર મારો વારો બોલવાનો ‘ક્યારે?’ એ જોઈ લેવા લાગ્યો.મારે કોના પછી કોનો સંવાદ છે, અને મારા કયાં સંવાદો છે (જે બહુ જ ઓછા હતા.) એ જ મગજમાં રાખવાનું હતું.

છ પાના પાંચ-છ વાર વાંચી ગયો. રાહ જોતો જ હતો ત્યાં સહાયક આવ્યો અને મને કહે ચાલો
‘ડાયલોગ્સ લેવા છે?’ એવું એણે પૂછ્યું. મને હસવું આવ્યું. મેં કહ્યું, ‘મોઢે કરવા જેવું કંઈ નથી, હા, રી-એક્શન મોઢે કરી લીધા છે જે તારી સામે કરાશે નહિ,’ બંને હસી પડ્યા. મેં કહ્યું, ‘ચાલો’ અને અમે બંને સેટ પર જવા નીકળી ગયા. સુભાષજી સાથે વિતાવેલી પળો મગજમાંથી છૂટતી નહોતી. ‘સિરિયસ’ સીન કરાવી લીધો. હવે કોમેડી-સીન માટે એમની હથોટીનો અનુભવ આજે થશે. અમે બંને સેટ પર પહોંચ્યા.

પથ્થર હતો હું તેથી નિંદા તો થતી હતી, ઈશ્ર્વર બની ગયો છું તમને મળ્યા પછી!

ડબલ રિચાર્જ
હમણાં જ એક દાદાને પૂછ્યું,
‘દાદા, તમારા જમાનામાં ’બ્રેક-અપ’ થતા કે નહિ?’
દાદા: અમારા જમાનામાં બ્રેક-અપ’ નહોતા થતા, કારણકે ત્યારે ‘મેક-અપ’ નહોતા થતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button