મેટિની

એક અંગત કામ

ટૂંકી વાર્તા -શ્રીકાન્ત શાહ

સાર્જન્ટ બેવેલોની ઓફિસ ત્રીજે માળે હતી.

ઓફિસની કાટખૂણે બારીમાંથી સામેનું સફેદ મીણ જેવું એક મકાન દેખાતું હતું… અને એ મકાનના અક્કડ થઇ ગયેલા લાકડાનાં પગથિયાં ઉપર ઊભી ઊભી એક હબસણ…
“હું અંદર આવું કે? – કહેતી એક સ્ત્રી અંદર ધસી આવી સાર્જન્ટ બેવેલો તેની તરફ જોઇ રહ્યો. તેને આ પ્રકારના રઘવાયા માણસો કદી ગમતાં નહીં.

છતાં… મોં ઉપર અધૂકડું હાસ્ય લાવી તેેણે કહ્યું… ‘બેસો! ના… ના… પેલી લાકડાનાં હાથાવાળી ખુરશી પસંદ ન કરતા એ ખુરશી મારે હમણાં જ રીપેર માટે મોકલવાની છે’ -અને પછી તે સ્ત્રી તથા ખુરશી સામે તેણે દયામણી નજર ફેંકી.

સ્ત્રીના ગાલના હાડકાં પહોળા અને આંખો ઊંડી તથા ઝીણી હતી. હાથમાં પકડી રાખેલી ચામડાની પર્સ અને તપખીરિયા રંગનું ફ્રોક… સ્ત્રીને ઘાટઘુટ વગરની બનાવી રહ્યા હતા.
“મારું નામ મિસીસ ફ્રાન્સીસ ટર્ચીન… હું ૬૩૧૦/ઇસ્ટ હાર્વર્ડ સ્ટ્રીટમાં રહું છું… મારે… તમને… એક ફરિયાદ કરવાની છે મિસીસ ટર્ચીન એકી અવાજે બોલી ગઇ.
“ચોક્કસ… તમે ફરિયાદ કરી શકો છો ફરિયાદ કરવી એ તમારો અધિકાર છે… પણ… હું પૂછું કે તમારી ફરિયાદ કોની સામેની છે?… આઇ મીન… મિસીસ…? સાર્જન્ટ બેવેલોએ એક બ્લોટિંગ પેપર ઊંચકી તેમાં ટાંકણીથી છીદ્રો પાડવા માંડ્યા.

“મારી ફરિયાદ અત્યંત ગંભીર પ્રકારની છે.

“દરેક ફરિયાદ ગંભીર પ્રકારની જ હોય છે… મિસીસ… મિસીસ… ટર્ચીન…
“ના… ના જુવોને!… મારા પતિ મને મારી નાખે છે. તેઓ… મને એકએક પળે મારી રહ્યા છે… હું તમને કંઇ રીતે…? મિસીસ ટર્ચીન એકાએક રઘવાઇ બની ગઇ.

“એમ… તો મિસીસ ટર્ચીન! હું પણ કહી શકું કે મારી પત્ની મને મારી નાખે છે. આઇ મીન… દરરોજ દિવસ ઉગતાં… સાર્જન્ટ બેવેલોને એકાએક મજા પડવા માંડી. તે ગંભીર બની ગયો.

“મારા પતિનું નામ – બર્નાર્ડ. મારું નામ મિસીસ ફ્રાન્સીસ ટર્ચીન. અમે ઇસ્ટ હાર્વર્ડ સ્ટ્રીટ… તમે કેમ કશું લખતા નથી સાર્જન્ટ? મિસીસ ટર્ચીનને લાગ્યું કે તે રડી પડશે.

“તમે વિધિસર ફરિયાદ નોંધાવી નહીં… ત્યાં સુધી હું નોંધી ન શકું. એમ કંઇ સરકારી કચેરીના કાગળો વેડફી ન દેવાય… સમજ્યા? હં… તો તમારા પતિએ તમને… મારી નાખવાનો કોઇ પ્રયત્ન કરેલો? સાર્જન્ટ બેવેલોએ ખોંખારો ખાધો.

“ના. ના. એમ તો હું નહીં કહી શકું. પણ એ મને… મારી નાખે છે. અત્યારે આ પળે… તમારે હું તમારી સાથે વાત કરી રહી છું ત્યારે પણ એ નરાધમ… ના. ના, માફ કરજો… એ માણસ… મને અહીં પણ મારી નાખી રહ્યો છે. સમજ્યા?

“જી નહીં. હું તમારી વાત સમજી શક્યો નથી. અત્યંત નમ્રતાથી સાર્જન્ટે કહ્યું.

“તમે તે કોણ છો?… કેવા માણસ છો?… કેમ તમને મારી સીધી-સાદી વાત…

“શું તમારા પતિએ તમારો જાન લેવાનો પ્રયત્ન કર્યો છે?

“ના… ના. એવું તો એણે કશું જ નથી કર્યું? સિવાય કે… એણે મને વારે વારે કહ્યા કર્યું છે કે- “હું તને મારી નાખીશ. હું તારું ખૂન કરીશ, તને ઘાતકી રીતે મારી નાખીશ.
-મિસીસ ટર્ચીને એક ડુસકું ખાધું. ડૂસકું ખાતી વખતે તેઓ કોઇ દેવળના મિનારા જેવા લાગ્યા.

“તમે ડૂસકાં ખાવાને બદલે… મને માંડીને વાત કરો.

“જી… મારા પતિએ મને મારી નાખવાની… અત્યાર સુધી… કોઇ સીધી રીતે અજમાવી નથી કે કોઇ પેંતરો રચ્યો નથી… પણ છેલ્લાં ત્રણ અઠવાડિયામાં… દિવસના સો વાર… તેણે મને કહ્યા કર્યું છે કે ‘હું’ તને મારી નાખીશ ડાર્લીગ! એ દિવસ હું તને જરૂર મારી નાખીશ… આ વાત મને મોઢાંમોઢ… કે ટેલિફોન ઉપર… કે ઘરમાં કે કારમાં… પરસાળમાં સામે મળે ત્યારે… જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં… ત્યારે ત્યારે… મિસીસ ટર્ચીને રૂમાલનો ડૂચો મોઢામાં ખોંચી દીધો અને એક બાજુ લુઢકી ગયા.

“એમ? નવાઇ જેવું. તદ્દન નવાઇ જેવું… હં… તો પછી…?

“ગયા શુક્રવારે અમે ફિલ્મ જોવા ગયેલાં. હું ફિલ્મમાં ઓતપ્રોત થઇ ગયેલી. હસુ હસુ થઇ ગયેલી. ત્યાં અચાનક… વચ્ચેથી… મારો ખભો હચમચાવી તેણે કહ્યું… ‘ફ્રાન્સીસ! સાંભળે છે? હું તને મારી નાખીશ. જરૂર… એક દિવસ… મારી નાખીશ… અને સાર્જન્ટ! કલ્પી શકો છો… આ સાંભળી મારી શું દશા થઇ હશે? મને પરસેવો પરસેવો થઇ ગયો. આંખે અંધારા આવવા માંડ્યા. ચક્કર… ચક્કર… હું… હું… ફિલ્મ ન જોઇ શકી કે… ફ્રાન્સીસ આંખો લૂંછી, હડપચી લૂંછી… કાન લૂંછ્યો… અને નાક ઉપર રૂમાલ ઢાંકી…

સાર્જન્ટ બેવેલોએ બ્લોટિંગ-પેપર એક બાજુ મૂક્યું.

“બીજા કોઇ બહારના લોકોની હાજરીમાં -તમારા પતિએ… ક્યારેય તમને આવી ધમકી-ચીમકી… આપી છે ખરી?

“હા! એ અઠવાડિયા પહેલાંની જ વાત છે. મેં મારી બહેનને… ડિનર માટે બોલાવેલી. અમે બધા હસી-મજાક કરતાં જમી રહ્યાં હતાં. મને સ્પેનીશ-રાઇસ ખૂબ જ ભાવે છે એટલે… હું તો તેનાં બુકડે બુકડા ભર્યા કરતી હતી.. ત્યાં મારા પતિ મારી તરફ ફરી… ધીમા અવાજે… મને કહે… “ફ્રાન્સીસ! હું તને મારી નાખીશ. તને ગમતા સ્પેનીશ- રાઇસ… અને બુકડા ભરતા તારા ચહેરાને… એક દિવસ… હું જરૂર પતાવી દઇશ… એક દિવસ… રાહ જોજે…’ અને પછી… હો… હો… હો કરતા મોટે અવાજે હસતા મારી બહેન સામે જોઇ બોલ્યા… તમતમારે વાત ચાલુ રાખો… લો! થોડી સ્વીટ્સ લો… તમારી બહેને જ બનાવી છે.

મિસીસ ટર્ચીન…ની આંખોમાં એક સરોવર ઊગી નીકળ્યું.

સાર્જન્ટ બેવેલો પણ… અસ્વસ્થ બની ગયા. તેની નજર સામેના સફેદ મીણ જેવા મકાન કૂદતી… એક બેઠા ઘાટના ક્રીમ-કલરના મકાન પાસે આવી અટકી ગઇ. મકાનની દીવાલો ઉપર… તેનાં પોતાના ફોટાઓ લટકતા હતા અને સેન્ટ્રલ ટેબલ ઉપર લોન્ડ્રીમાં નાખવા માટેના કપડાંઓનો ઢગલો હતો… અને બાલ્કનીમાં ઊભેલી તેની પત્નીની આંખોમાં વિનાકારણનો થાક વરતાતો હતો.
“મારી વાતમાં તમને વિશ્ર્વાસ નથી આવતો ને? મહેરબાની કરી… તમે… અત્યારે ને અત્યારે મારા પતિને ફોન કરો. નંબર છે -૯૨૭૦૪૩૧… એ ફોન ઉપર પણ તમને આ જ વાત કરશે. એને આ વાત કરવાની ખૂબ મજા પડે છે. એવું કહેવાનું છે કે- પત્નીને મારી નાખવાની આ એક જ ઉત્તમ રીત છે.

ખરેખર તમે ફોન કરો.
એ બોલશે… એ આવું બધું જ બોલશે. અને પછી હસી પડશે. ઓહ… આ તેમનું હાસ્ય… કેવું ઘાતકી અને ભયંકર! મને લાગે છે કે- એ હાસ્ય. સાંભળતી સાંભળતી… એક દિવસ હું ગાંડી થઇ જઇશ!
બાપરે! કેટલું બધું કષ્ટ આપ્યું છે એ માણસે?

કેટલી યાતના પહોંચાડે છે એ મને?
અને છતાં કેટલી હળવાશ અને નજાકત સાથે… .જાણે કે એ મોં ગલપચી ન કરતો હોય એમ… એ નઘરોળ…

“મિસીસ
“ટર્ચીન…
“મિસીસ ટર્ચીન! તમને લાગે છે કે તમારા પતિ આ બધું ગંભીરતાથી કહી રહ્યા છે? શક્ય છે કે.. એ કદાચ મજાક પણ કરતા હોય સાર્જન્ટ બેવેલોએ પૂછ્યું.

“ના… ના… ના. એ કહે છે કે- આ વાત અત્યંત ગંભીર છે… તમે પ્લીઝ! એને ફોન કરો -૯૨૭૦૪૩૧ ઉપર.

તમને જાતે જ ખબર પડશે કે એ કેટલા ગંભીર છે? મિસીસ ટર્ચીને ઉપરાછાપરી વિનંતીઓ કરવા માંડી.

“તમારા પતિએ ક્યારેય કહ્યું છે કે- એ તમને કેવી રીતે મારી નાખવા માગે છે?

“હા… હા…. હા… હજારો વખત, એ કહે છે કે- એ મને મોટર નીચે ચગદી નાખશે… અથવા સીડી ઉપરથી ધક્કો મારશે.. ડોક તોડી નાખશે, સાર્જન્ટ સાહેબ! અમે બીજે માળે રહીએ છીએ.
અને કાળા અબનૂસિયા પથ્થરની સીડીને… એકસો આઠ પગથિયાં છે… કદાચ ઊંઘવાની ગોળીઓ ખવડાવી દેશે.

મારી તો ઊંઘ જ ઊડી ગઇ છે સાહેબ!

ક્યારેક જો… ભૂલેચૂકે મને સારી ઊંઘ આવી હોય તો… મને જગાડી… મારે ગળે હાથ મૂકી… રાતનાં ઘનઘોર અંધારામાં… એ મને કહેે કે- ‘ફ્રાન્સીસ! હું તને મારી નાખીશ… બસ આવી જ એક કાળી ડીબાંગ રાતે’… અને આટલું બોલી એ ઘસઘસાટ ઊંઘી જાય… અને હું ભયની મારી… કોકડું વળીને આખી રાત… મિસીસ ટર્ચીન સાચે જ દયામણી લાગી.

“એટલે તમને મેડમ!… એમ લાગે છે કે -તમારા પતિ… તમારામાં મોતનો ભય ઊભો કરી તમને… સાર્જન્ટ બેવેલો ઊંડા વિચારમાં સરકી પડયો.

“બરાબર!… એ મને ચિંતાતુર… રઘવાઇ બનાવી દેવા માગે- છે. જેથી ચિંતામાં તે ચિંતામાં… હું એક દિવસ રસ્તામાં બેધ્યાનપણે ચાલી જતી હોઉં ત્યારે મોટર નીચે કે ટ્રક નીચે ચગડાઇ મરું. અરે હમણાં જ… આજે જ જ્યારે હું તમારી પાસે આવતી હતી ત્યારે… ભગવાન! ભલું કરે એ છોકરીનું… એણે મને ખેંચી ન લીધી હોત તો… હું તો છુંદાઇ જ ગઇ હોત… પેલી લાલ લાલ બસ નીચે… ને મારી કુમળી કાયાનું ક્ચુંબર થઇ ગયું હોત!

સાર્જન્ટ બેવેલોએ… મિસીસ ટર્ચીનના શરીરમાં… ક્યાંક અજાણી જગ્યાએ છુપાયેલી… કુમળી કાયાને શોધવા મથામણ કરી.

“-અને સાર્જન્ટ! એક બીજી વાતની તમને ખબર છે?

“શું?

“મને… એની વાતમાં વિશ્ર્વાસ છે, એ હરામ… ક્યારેય ખોટું બોલતો નથી. એ જે બોલે છે એ કરી બતાવે છે. એટલે જ… હું ચોક્કસ માનું છું કે… એ મને મારી નાખશે.

એ તો સારું છે કે – મારું હ્રદય મજબૂત છે. નહીં તો એ હત્યારાએ મને ક્યારનીએ ખલાસ કરી નાખી હોત!

“તમે સાચે જ મજબૂત સ્ત્રી છો.- સાર્જન્ટ બેવેલોને આવી જ એક બીજી મજબૂત સ્ત્રી યાદ આવી ગઇ.

“ગઇકાલે મારા ખભા ઉપર હાથ મૂકી… મને કહ્યું કે- “હવે એક અઠવાડિયું બાકી છે… હું તને એક અઠવાડિયું આપું છું. આ અઠવાડિયું પૂરું થાય પછી… સાર્જન્ટ સાહેબ?

એ… એ… મને ખતમ કરી નાખશે.

સાંભળો છો તમે સાહેબ?… એ મને મારી નાખશે.

તમે… તમે શું કરવા માગો છો… સાહેબ… બોલો?

સાચે જ મિસીસ ટર્ચીન… મૃત્યુના ભયથી કંપી ઊઠી.

“મને… પોતાને ખબર નથી પડતી કે… હું શું કરી શકું?… પણ તમે તમારા પતિ વિરુદ્ધ એકવાર ફરિયાદ નોંધાવો પછી કદાચ…

“શેની ફરિયાદ નોંધાવું?…

અને… હું ફરિયાદ નોંધાવું… તમે કાગળિયાં કરો. એકાદ છેલછબેલો ઇન્સપેકટર તપાસ માટે આવે રીપોર્ટ આપે… મને હજારો પ્રશ્ર્નો પૂછે… કાગળિયાની હેરફેર થાય.. અને ત્યાં સુધીમાં તો… હું ક્યારની ય ઉકલી ગઇ હોઉં… “ના… ના… મારે કોઇ, ફરિયાદ નોંધાવવી નથી… હું તો ઇચ્છું છું કે.. તમે મારા પતિ સાથે વાત કરો… તેને ધાકધમકી આપો… તેને કહો કે- એ મને આવી રીતે મારી ન નાખે.

“સારું! એમ કરીશ… પણ એ પહેલાં મને સમજાવો તો ખરા કે તમારા પતિ… શા માટે તમને મારી નાખવા માગે છે?

“કારણ કે… હું તેમને છૂટાછેડા નથી આપતી.

“પણ… એ તમને છૂટાછેડા આપે તો…?

“પણ… એ મને છૂટાછેડા નથી આપવા માગતા. એમનું કહેવું છે કે, એમ કરવાથી… એના કુટુંબની નજરમાં… એના મિત્રોની નજરમાં એ ભૂંડા લાગે… ને બીજું… અમારા બન્નેની સંમતિ વગર… એ એકલા કઇ રીતે…?
“પણ… તમે શા માટે છૂટાછેડા નથી આપવા માગતાં?

“ના… હું એને છોડી દઉં તો… હવે મને કોણ સંઘરે?

“સાચી વાત છે મેડમ! સાર્જન્ટ બેવેલોએ સહાનુભૂતિ બતાવી.

“તો… પ્લીઝ… ૯૨૭૦૪૩૧ ઉપર…

“તમારા પતિ છૂટાછેડા માટે કોઇ કારણ આપે છે ખરા? આઇ મીન… એ શા માટે તમારાથી છૂટા પડવા માગે છે?

“એક હજાર અને એક કારણો છે એની પાસે છૂટાછેડા માટેનાં તમે સાચેસાચ જાણવા માંગો છો સાર્જન્ટ?

“હા! મેડમ! જો તમને વાંધો ન હોય તો…. સાર્જન્ટે મનોમન વિશેક જેટલાં કારણો…. મિસીસ ટર્ચીનમાંથી શોધી કાઢયાં.

“મને કોઇ વાંધો નથી… પણ એ બધાં વિચિત્ર કારણો છે. તમને સાંભળશો તો કહેશો કે… આવા ઉટપટાંગ કારણોસર… જવા દો.

કારણ નંબર એક- મને રસોઇ કરતાં નથી આવડતી. મારી રસોઇમાં કોઇ નવીનતા નથી હોતી.
સાર્જન્ટ! અમને પરણ્યે ત્રેવીસ વર્ષ થયાં છે અને હવે એકદમ… અચાનક… એ કહે છે કે મારી રસોઇમાં કોઇ નવીનતા નથી. તમે પરણેલા છો. સાર્જન્ટ! મિસીસ ટર્ચીને લાગણીસભર અવાજે પૂછયું.
“હા! પરણેલો છું જ વળી.. સાર્જન્ટ બેવેલો ફરીથી એક ક્રીમ કલરના મકાનમાં જઇ ચડ્યો.

“આ તમારી પત્ની ને…? ટેબલ ઉપરની ફોટો ફ્રેમ સામે જોઇને મિસીસ ટર્ચીને પૂછયું.

“હં… હા… હા…
“અત્યંત સુંદર છે… શું તે સરસ રાંધે છે?… તેની રસોઇમાં નવીનતા… કે નજાકત છે?

“સરસ?… ના… ના… ઠીક ઠીક…. એવું જ બધું…
“જેવું? બધા કાંઇ સંપૂર્ણ નથી હોતા?

હવે કારણ નંબર -બે.

તેનું કહેવું છે કે… અમે પરણ્યા ત્યારે જેટલી સુંદર હું હતી તેવી હવે રહી નથી. હું… હું મારી સુંદરતા સાચવી શકી નથી… હવે તમે જ કહો? આ વિચિત્ર નથી?
ખેર!… તમને પરણે કેટલા વર્ષો થયાં?

“આવતા મે મહિનામાં ૨૪ વર્ષ પૂરાં થશે. સાર્જન્ટે હિસાબ માંડ્યો.

“સોગંદ ખાઇને કહેજો કે- કે તમારી પત્ની અત્યારે એટલી જ સુંદર છે જેટલી પહેલાં હતી?
“ના. તમારી વાત એકદમ સાચી છે.

“જોયું! હવે કારણ નંબર-ત્રણ.
તેનું કહેવું છે કે મારી સાથે વાત કરવા માટેના હવે કોઇ મુદ્દાઓ તેની પાસે રહ્યા નથી… હું એવી જ ઘીસીપીટી વાતો કર્યા કરું છું. મારી વાતોમાં કોઇ પણ પ્રકારની તાઝગી હોતી નથી… જુઓ તો! હવે ત્રેવીસ વર્ષે… એને મારી સાથે વાત કરવામાં રસ પડતો નથી, ને મારી વાતોમાં કોઇ ઠામઠેકાણું હોતું નથી.

તમને… સાર્જન્ટ… તમને પણ ક્યારેય નથી થતું કે તમારી પત્ની સાથે વાત કરવાના કોઇ વિષયો તમારી પાસે નથી?
“સાચી વાત છે મેડમ?… તદન સાચી વાત છે.

“શું આવા કારણસર પત્નીને મારી નાખવી જોઇએ? કારણ નંબર- ચાર. હું બાથરૂમમાં… બેડરૂમમાં… જ્યાં ત્યાં …ઉકરડો રાખું છું મારી વસ્તુઓ જ્યાં ત્યાં પડેલી હોય છે. મારામાં વ્યવસ્થા શક્તિ નથી. સમજશક્તિ નથી, મને મહેમાનોની સરભરા કરતા નથી આવડતું. બોલતાં નથી આવડતું. લાગણી… કે પ્રેમ પ્રગટ કરતાં નથી આવડતું… હું એક નંબરની અણઘડ છું.

“હં… સાર્જન્ટ બેવેલોને ન સમજી શકાય એવી ગમગીની અનુભવ થવા માંડ્યો… બેચેની… અજંપો… ડુચ્ચો વાળી ફેંકી દીધેલા કાગળની કરચલીઓ તેને… પોતાના ચહેરા ઉપર દેખાવા માંડી.
“કારણ નંબર- પાંચ…
“માફ કરજો! પણ હવે મને આખીયે પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો… હું સમજી ગયો… મને… મને બધી જ ખબર પડી ગઇ… સાર્જન્ટ ગંભીર બનીને કહ્યું.

“સરસ… ખૂબ જ સરસ.
તમે જરૂર તેને સુધારી શકશો.

ટેલિફોન નંબર છે- ૯૨૭૦૪૩૧.
બર્નાર્ડ ડબલ્યુ. ટર્ચીન… તેમનું નામ. જરા… રૂઆબથી તેની સાથે વાત કરજો.

જરા દબડાવજો… થોડી ગાળાગાળી કરજો… મિસીસ ટર્ચીન ખુશખુશ થઇ ગઇ.

“બરાબર છે…
“તમે વાત કરો ત્યારે હું રોકાઉ એવી તમારી ઇચ્છા છે?

“ના… ના… ના. જરૂર નથી. હું તેને અહીં બોલાવીને જ વાત કરીશ. – સાર્જન્ટે ગળગળા અવાજે કહ્યું.

“તમારો ખૂબ ખૂબ આભાર! તમે… નંબર તો યાદ છે ને. તમને? ૯૨૭૦૪૩૧ જરા બોલી જાવ તો એકવાર…
“૯૨૭૦૪૩૧.

“બરાબર! આભાર… ખૂબ ખૂબ આભાર. કહેતી મિસીસ ટર્ચીન દોડધામ કરતી બહાર નીકળી ગઇ.

“ભલે… ભલે… ભલે… સાર્જન્ટ બેવેલો… એ બાઇને જતી જોઇ રહ્યો. જે રીતે એ ચાલતી હતી તે જોતાં લાગ્યું કે આ બાઇ અઠવાડિયામાં કદાચ મરી જશે.

સાર્જન્ટ બેવેલોએ અત્યંય ધીમેથી રિસિવર ઉપાડયું. ૯૨૭૦૪૩૧ નંબર જોડયો.

“હલ્લો મિસ્ટર બર્નાર્ડ ટર્ચીન! હું… હું સાર્જન્ટ સ્ટેન્લી બેવેલો બોલી રહ્યો છું. આપ કેમ છો?… હા! જો આપને વાંધો ન હોય તો… આજે આપ મને મળી શકશો?
“ના…. ના… ના. કોઇ ઓફિશ્યલ કે એવું કોઇ કામ નથી.

પછી પત્નીના ફોટા સામે જોઇ સાર્જન્ટ બેવેલોએ પૂરું કર્યું.

“ઇટ ઇઝ પ્યોરલી એ પર્સનલ મેટર… મારા અંગત કામ મારે… મારે આપણે મળવું છે.

મારી ડ્યૂટી પૂરી થાય એટલે… સાંજે છ વાગ્યે… બરાબર છે.

આપનો અત્યંત આભાર… ખૂબ ખૂબ આભાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button