મેટિની

નવી ઓસ્કર્સ કેટેગરી જૂની ચર્ચા આગળ વધે છે…

એકેડમી એવૉર્ડ્સમાં બેસ્ટ કાસ્ટિંગ કેટેગરીના ઉમેરા સાથે બીજી કેટેગરીઝની પણ માગ

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

વિશ્ર્વના સૌથી પ્રતિષ્ઠિત સિનેમેટિક એવૉર્ડ્સ એટલે કે એકેડમી એવૉર્ડ્સને હવે મહિનાથી પણ ઓછા સમયની વાર છે.

ઓસ્કર્સને લઈને લેટેસ્ટ માહિતી એ છે કે તેમાં એક નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે-બેસ્ટ કાસ્ટિંગ, પણ આ કેટેગરી આ જ વર્ષથી ઉમેરવામાં નહીં આવે, તેના માટે બે વર્ષની રાહ જોવી પડશે. તેનો ઉમેરો થશે ૨૦૨૬થી. મતલબ કે ૨૦૨૫માં બનેલી ફિલ્મ્સ માટે ‘બેસ્ટ કાસ્ટિંગ એવૉર્ડ’ આપવામાં આવશે.

કોઈને સહેજે સવાલ થાય કે એવૉર્ડ કેટેગરીનો ઉમેરો તે કંઈ અતિ મહત્ત્વપૂર્ણ બાબત થોડી છે? બિલકુલ સાચું, પણ એવું તો કહી શકાત જો એ કોઈ બીજા એવૉર્ડ્સની વાત હોત કે જ્યાં માત્ર સ્ટાર્સની હાજરીને સંતોષવા માટે બેસ્ટ પાવર પેક્ડ બ્યુટી, બેસ્ટ સાયલન્ટ એન્ડ પાવરફુલ પરફોર્મન્સ, રૂલ બ્રેકર ઓફ ધ યર, નથીંગ ટુ હાઇડ, બેસ્ટ સુપરસ્ટાર ઓફ નેક્સ્ટ જેન જેવી કોઈ પણ કેટેગરી રાતોરાત ઉમેરી દેવામાં આવે ને કાઢી પણ નાખવામાં આવે, પણ ઓસ્કર્સની વાત જુદી એટલા માટે છે કેમ કે એ એવૉર્ડ્સની શાખ અને તેનો કેટેગરી બદલાવનો ઇતિહાસ તેને મહત્વ આપવા પ્રેરે છે.
તમને ખબર છે કે બેસ્ટ કાસ્ટિંગ પહેલાં સૌથી છેલ્લે ક્યારે અને કઈ કેટેગરી ઓસ્કર્સમાં ઉમેરવામાં આવી હતી? ૨૦૨૬ના હિસાબથી ગણીએ તો પૂરા ૨૫ વર્ષ પહેલાં. ૨૦૦૧માં બેસ્ટ એનિમેટેડ ફિલ્મની કેટેગરી ઉમેરવામાં આવી એ પછી છેક હવે નવી કેટેગરીને ઓસ્કર્સમાં સ્થાન મળી રહ્યું છે. આ કારણસર જ ઓસ્કર્સ કેટેગરી પણ એક ઐતિહાસિક ઘટના ગણાય આની સાથે આખરે હવે ફિલ્મ્સની પ્રિ-પ્રોડક્શનની એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા એટલે કે કાસ્ટિંગના પ્રદાનને એક નવી ઊંચાઈ ને દિશા મળશે. યોગ્ય કે અયોગ્ય કાસ્ટિંગ ફિલ્મને મદદ કરી શકે તો મોટું નુકસાન પણ કરાવી શકે છે એટલે જ આ કેટેગરીના ઉમેરણ પાછળ વર્ષોની અરજીઓ અને વિચારણા રહેલી છે. કેટેગરીઝના ઉમેરાના સમયગાળાને લઈને બીજી પણ એક ચોંકાવનારી અને રસપ્રદ માહિતી છે. છેક ૧૯૪૮ થી લઈને ૨૦૦૧ સુધીમાં માત્ર એક વખત એટલે કે ૧૯૮૧માં એક ઓસ્કર કેટેગરી ઉમેરવામાં આવી હતી. એ એટલે બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ. તમે વિચારી શકો છો કે ઓસ્કર્સમાં શોર્ટલિસ્ટ, નોમિનેશન અને એવૉર્ડનું મહત્ત્વ આટલું કેમ છે કે જ્યાં ફક્ત નવી કેટેગરીના ઉમેરણનો ઇતિહાસ
આટલો ધ્યાન ખેંચે તેવો છે.

ઓસ્કર્સમાં ચર્ચા પેદા કરે કે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેશન પામે તેવી ફિલ્મની કાસ્ટને પસંદ કરવા માટે, એકઠી કરવા માટે થયેલા યોગદાનને બિરદાવવા માટે ‘બેસ્ટ કાસ્ટિંગ’નો એવૉર્ડ આપવામાં આવશે,  પણ આ કેટેગરી ઉમેરાઈ એ સાથે જ બીજી અનેક ચર્ચાએ મીડિયા અને ગ્લોબલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોર પકડ્યું છે. જો કે જયારે પણ કોઈ નવી કેટેગરી ઉમેરાય  કે તેને ઉમેરવાની ચર્ચા થાય ત્યારે આ બનતું જ હોય છે કે કેમ ફક્ત આ કેટેગરીનો જ ઉમેરો-કેમ બીજી કેટેગરીમાં  નહીં? અન્ય કેટેગરીમાં બેસ્ટ સ્ટન્ટની ચર્ચા અત્યારે વધુ ચાલી રહી છે. લોકોનું એમ કહેવું છે કે બેસ્ટ કાસ્ટિંગ યોગ્ય જ છે, પણ એટલી જ યોગ્યતાને હકદાર બેસ્ટ સ્ટન્ટ કેટેગરી પણ છે. કેટકેટલી લોકપ્રિય એક્શન ફિલ્મ્સ અને એમાં સ્ટન્ટની કમાલ અને જોખમ છતાં ઓસ્કર્સમાં તેને હજુ સ્થાન કેમ નહીં એ ચર્ચા હવે જયારે એક બીજી નવી કેટેગરી ઉમેરાઈ છે ત્યારે વધુ થાય એ સ્વાભાવિક છે. ‘બેસ્ટ સ્ટન્ટ કોર્ડિનેશન’ની કેટેગરીને એકેડમી એવૉર્ડ્સમાં ઉમેરવા માટે ૧૯૯૧થી લઈને ૨૦૧૨ સુધી સતત અરજીઓ કરવામાં આવી હતી,  જેને નકારવામાં આવી હતી. સ્ટન્ટની સાથે જ વોઇસ એક્ટિંગ અને મોશન કેપ્ચર પરફોર્મન્સ માટેની કેટેગરીને ઉમેરવાની અરજી પણ ઓસ્કર્સમાં નામંજૂર કરવામાં આવતી રહી છે. વોઇસ એક્ટિંગને તો લાઈવ એક્શન એક્ટિંગ જેટલું જ મહત્ત્વ અપાતું રહ્યું છે, છતાં તેના ઉમેરાને લઈને વર્ષોના પ્રયાસો છતાં એનું કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી. સ્ટન્ટ્સ કે વોઇસ એક્ટિંગ કે મોશન કેપ્ચર પરફોર્મન્સ પણ કોઈ પણ ફિલ્મ્સમાં અત્યંત આવશ્યક અને જરૂરી યોગદાન પૂરું પાડે છે. સિનેમા જે મનોરંજન માટે ઓળખાય છે એ દર્શકોને આપવા માટે એક્શન ડિરેક્ટર અને તેની ટીમની દિવસોની મહેનત, પરફેક્શન, તેમાં રહેલા જોખમને પણ એ સ્તરે સ્વીકારવામાં આવે તેવી માંગ થતી રહી છે. ફક્ત સ્ટન્ટ ટીમ જ નહીં, ટોમ ક્રુઝ જેવો સુપરસ્ટાર પણ પોતાની એક્શન ફિલ્મ્સમાં દર્શકોને સિનેમાના પડદે એક થ્રિલિંગ અનુભવ મળી રહે એ માટે પોતાની જાતને અનેકગણી જોખમમાં મૂકે છે. વોઇસ એક્ટિંગ અને મોશન કેપ્ચર પરફોર્મન્સ માટે પણ આ જ વાત લાગુ પડે છે. લાઈવ એક્શન જેટલી જ આ બંને પ્રકારની એક્ટિંગની અસર ફિલ્મમાં જોવા મળે છે તો પછી તેને સ્થાન કેમ નહીં એવા પ્રશ્ર્નો ઇન્ડસ્ટ્રીના લોકો પૂછતાં રહે છે. આ કેટેગરીઝ પણ કાસ્ટિંગના જેટલી જ દાવેદાર છે એવું સૌનું માનવું છે.

આ કેટેગરીઝ ઉપરાંત બીજી પણ અનેક કેટેગરી છે કે જે માટે ઇન્ડસ્ટ્રી અને મીડિયા એકેડમી એવૉર્ડ્સ કમિટીને યાદ અપાવતા રહે છે. ફિલ્મ મેકિંગ, રિલીઝ અને પ્રમોશન પાછળ બિલિયન્સ ડૉલર્સનો ખર્ચ થતો હોય છે. બિગ બજેટ મેઇનસ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મ્સને સામાન્ય દર્શકો વધુ પસંદ કરે છે. તો એ ફિલ્મ્સની સરાહના માટે બેસ્ટ પોપ્યુલર ફિલ્મની કેટેગરી હોવી જોઈએ કે જે બોક્સ ઓફિસને પણ ધ્યાનમાં લે એવું ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે. ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ’માં આ કેટેગરીને સ્થાન મળ્યું છે. ફિલ્મ્સમાં ફાયનાન્શીયલ પાસું બહુ જ મહત્ત્વનું છે ત્યારે પ્રોડ્યુસર્સ વધુ પૈસા રોકતા થાય અને દર્શકોને વધુ માત્રામાં બિગ બજેટ ફિલ્મ્સ આપતા થાય અને એ સફળ થાય એ માટેના પ્રોત્સાહન માટે આ કેટેગરી જરૂરી છે એવો સૌનો મત છે. ઓસ્કર્સમાં વધુ આર્ટિસ્ટિક ફિલ્મ્સને પ્રાધાન્ય મળતું હોય છે તો તેની સાથે બોક્સ ઓફિસને પણ બિરદાવવામાં આવે એ ચર્ચા પણ નવી નથી.

આ સાથે જ ફિલ્મ્સના અમુક જોનરને ઓસ્કર્સમાં ઉમેરવાની ખાસ જરૂર છે, એવું માનવાવાળો વર્ગ પણ છે, જેમ કે બેસ્ટ હોરર ફિલ્મ, બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મ, વગેરે. આ પ્રકારની કેટેગરી જો ઓસ્કર્સમાં ઉમેરાય તો એ પ્રકારની ફિલ્મ્સ બનાવનારને વધુ પ્રોત્સાહન મળી રહે. અત્યારે એકેડમી એવૉર્ડ્સમાં કુલ ૨૪ કેટેગરી છે. ૨૦૨૬માં કાસ્ટિંગ કેટેગરી ઉમેરાશે ત્યારે એ સંખ્યા ૨૫ થશે. અત્યારે જોર પકડેલી ચર્ચા પરથી એ અનુમાન લગાડી શકાય કે હવે નવી કોઈ કેટેગરી ઉમેરવામાં કદાચ પહેલાં જેટલો વખત નહીં લાગે. પણ કઈ કેટેગરીમાં નક્કર પરિણામ આવે છે, બીજી સંભવિત કેટેગરીને અવકાશ મળી રહે છે કે નહીં અને તેનો ઉમેરો ક્યારે થાય છે એ તો સમય જ કહેશે…

લાસ્ટ શોટ
૧૯૩૩ થી ૧૯૩૭ સુધી એકેડમી એવૉર્ડ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર કેટેગરી પણ શામેલ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button