અપેક્ષાઓનું નવું એવરેસ્ટ
૨૦૨૩ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘી કેળાં સાબિત થયું. આ વર્ષે દર્શકો વધુ ઉત્સુકતા – ઉત્કંઠા સાથે થિયેટરમાં જશે. દીપિકા પદુકોણ અને વિકી કૌશલની ફિલ્મો માટે કુતૂહલ રહેશે
કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી
હિન્દુ કેલેન્ડર અનુસાર સામાન્યપણે વર્ષમાં ૧૨ પૂનમ અને ૧૨ અમાસ હોય. જોકે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૨ના વર્ષમાં અમાસ એ હદે છવાયેલી રહી કે પૂનમ ગોતવા દીવો લઈને નીકળવું પડે. હિટ થોડી ને ફ્લોપ ઝાઝી (૭ ફિલ્મને સફળતા અને ૩૯ ફ્લોપ) જેવી હાલત હતી. જોકે, ‘દિવસો ફલોપના જાય છે, એ જશે જરૂર હિટ સુધી, ફિલ્મનો હાથ ઝાલીને લઈ જશે હવે દર્શકો જ બ્લોકબસ્ટર સુધી’ (શ્રી ગની દહીંવાલાની ક્ષમાયાચના સાથે) જેવી પરિસ્થિતિ ૨૦૨૩માં જોવા મળી. બદલાયેલી પરિસ્થિતિમાં ગયા વર્ષે ફ્લોપ થોડી ને હિટ ઝાઝી જેવી પરિસ્થિતિ જોવા મળી. શાહરૂખ ખાન, સની દેઓલ અને રણબીર કપૂરની ફિલ્મોએ ધૂમ કમાણી કરી. સાથે સાથે બીજી પણ કેટલીક ફિલ્મોને પણ સારી સફળતા મળી. ૨૦૨૨માં આશાવાદીઓ એક હિટ માટે તરસતા હતા તો ૨૦૨૩માં વિઘ્ન સંતોષીઓ ફ્લોપ શોધી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં ૨૦૨૪ માટે દર્શકોની અપેક્ષાઓએ એવરેસ્ટથી પણ ઊંચું પોતાનું અલાયદું શિખર બનાવી લીધું હશે એમ કહેવામાં અતિશયોક્તિ તો નથી જ. આ વર્ષે ફિલ્મ રસિકોને વિવિધ વિષયમાં ગજબનું વૈવિધ્ય જોવા મળવાનું છે. અલબત્ત પ્રેક્ષક માઈ બાપ કોના ઓવારણાં લે છે અને કોની સામેથી મોઢું ફેરવી લે છે એ તો આવનારો સમય જ કહેશે. ફિલ્મ રસિયાઓમાં ચિત્રપટ માટે ઉત્સુકતાની સાથે સાથે ગયા વર્ષે જેમની ફિલ્મો અને ખાસ તો પરફોર્મન્સની વિશેષ પ્રશંસા થઈ એ દીપિકા પદુકોણ અને વિકી કૌશલની ફિલ્મો માટે દર્શકોમાં ઉત્કંઠા જરૂર રહેવાની. આ બંને કલાકારનું પલડું કેમ ભારે માનવામાં આવે છે એ માટે ગયા વર્ષની તેમની ફિલ્મોમાં ડોકિયું કરીએ અને આ વર્ષની તેમની ફિલ્મોનું વિહંગાવલોકન કરીએ.
સિનિયોરિટી અને લોકપ્રિયતાના માપદંડથી શરૂઆત દીપિકા પાદુકોણથી કરવી રહી. સંખ્યાની દૃષ્ટિએ ગણીએ તો તેની ગણીને માત્ર બે જ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી, ’પઠાન’ અને ’જવાન’. એમાંય ’જવાન’માં તો મહેમાન કલાકાર પ્રકારનો રોલ. પણ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર છપ્પર ફાડ કે કમાણી કરવામાં સફળ રહી. ગીત શાહરૂખના ગવાયા પણ દીપિકાને ફાળે અંતરામાં એકાદ યાદ રહી જાય એવા આલાપ જેટલું સ્થાન જરૂર આવ્યું. ‘જવાન’માં તો દીપિકા માતાની ભૂમિકા કરવા તૈયાર થઈ એ અંગે તો ખુદ શાહરૂખે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે, દીપિકાએ એ રોલ સ્વીકારી અનેક લોકોને અચંબામાં મૂકી દીધા હતા. ‘પઠાન’માં ‘બેશર્મ રંગ’ કરનારી દીપિકાએ ‘જવાન’માં ‘કૈદ મેં ખિલનેવાલા ફૂલ તૂ હૈ શેરા’માં પોતે દરેક પ્રકારના પાત્રમાં ઢળી જવા સક્ષમ છે એ સિદ્ધ કરી દીધું. આ સિવાય એડવર્ટાઈઝમેન્ટની આમદની, નવી ફિલ્મોની ઘોષણા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા સહયોગ દીપિકાની ઊંચાઈમાં સ્ટિલેટો (ઊંચી એડીવાળા સેન્ડલ જે પહેરવાથી ઊંચાઈ વધુ લાગે) સાબિત થયા. દીપિકાની ઓળખ હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી વિસ્તરી ગ્લોબલ સ્ટાર બનવાની દિશામાં આગળ વધી રહી છે. ઓસ્કર એવાર્ડ સમારોહમાં એક પ્રેઝન્ટર તરીકે એની હાજરી આ બાબતને અનુમોદન આપે છે. આમ ૨૦૨૩ દીપિકા માટે ફળદાયી વર્ષ સાબિત થયું હતું.
૨૦૨૪માં અભિનેત્રીની જે ફિલ્મ રિલીઝ થવાની ઘોષણા ગયા વર્ષે થઈ હતી એમાં ‘ફાઈટર’, ‘સિંઘમ ૩’, હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની રિમેક, ‘કલ્કી ૨૮૯૮ એડી’ અને ‘બ્રહ્માસ્ત્ર ૨’નો સમાવેશ નજરે પડ્યો હતો. જોકે, ‘બ્રહ્માસ્ત્ર ૨’ આ વર્ષે રિલીઝ થવી મુશ્કેલ લાગે છે અને ‘ધ ઈન્ટર્ન’ની રિમેકનું શૂટિંગ શરૂ થઈ ગયું છે પણ એ આ વર્ષે રિલીઝ થવાની સંભાવના ૫૦ – ૫૦ છે. અન્ય ત્રણ ફિલ્મો વિષે જબરી હવા ફેલાઈ ચૂકી છે. સૌથી પહેલા રિલીઝ થઈ રહી છે ‘ફાઈટર’. આ ફિલ્મ વિશે ઉત્કંઠા હોવાનું એક કારણ એનો દિગ્દર્શક છે સિદ્ધાર્થ આનંદ જેણે ‘પઠાન’ ડિરેક્ટ કરી હતી. બીજું કારણ છે ફિલ્મનો હીરો રિતિક રોશન. સિદ્ધાર્થ અને રિતિક અગાઉ ‘વોર’ અને ‘બેંગ બેંગ’માં સાથે કામ કરી ચૂક્યા છે. દીપિકા રિતિક સાથે પહેલી વાર જોવા મળશે. આમ નવી જોડીનું કુતૂહલ પણ આકર્ષણ સાબિત થઈ શકે છે. ‘ફાઈટર’ આ વર્ષની પહેલી બ્લોકબસ્ટર બનશે એવો ગણગણાટ થઈ રહ્યો છે. ‘સિંઘમ ૩’ રોહિત શેટ્ટીની સફળ ફ્રેન્ચાઈઝ છે. અલબત્ત અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ અને ટાઇગર શ્રોફના શંભુ મેળામાં દીપિકાના ભાગે કેટલી મિનિટ આવશે એની કલ્પના કરવી બહુ અઘરી નથી, પણ દીપિકાએ માત્ર પૈસા માટે અથવા પોતાની ફિલ્મોની યાદી લંબાવવાના આશય સાથે તો રોલ નહીં જ સ્વીકાર્યો હોય. એના પાત્રના રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. એ હિસાબે દીપિકાની ભૂમિકા નાનો તોય રાઈનો દાણો જેવી સાબિત થાય તો નવાઈ ન લાગવી જોઈએ. ‘ધ ઈન્ટર્ન’ની રિમેક ઉપરાંત દીપિકા અમિતજી સાથે અન્ય એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. નાગ અશ્ર્વિન રેડ્ડી નામના તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવાસવા ફિલ્મ ડિરેક્ટરની ‘કલ્કી ૨૮૯૮ એડી’ તોતિંગ બજેટની ફિલ્મ તરીકે મીડિયામાં ગાજી છે. સાયન્સ ફિક્શન ફિલ્મ તરીકે એના ઢોલ વગાડવામાં આવ્યા છે અને એને માયથોલોજીનું અનુસંધાન પણ જોડવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર કલ્કિ વિષ્ણુ ભગવાનનો દસમો અને અંતિમ અવતાર હશે જે કળીયુગની સમાપ્તિ અને સતયુગના પ્રારંભમાં નિમિત્ત બનશે. અલબત્ત વિજ્ઞાન અને પુરાણનું સાંધણ કઈ રીતે કથામાં કરવામાં આવે છે અને દર્શકોને એ કેટલું પલ્લે પડે છે એ ઘણું મહત્વનું છે.ટૂંકમાં આ ફિલ્મ દીપિકાની કારકિર્દીમાં વધુ એક યશકલગી સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. આમ પણ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કમલ હાસન ૪૦ વર્ષ પછી ફરી એક સાથે કામ કરી રહ્યા હોવાથી આ અભિનેતાઓની રૂપેરી પડદે ટક્કર જોવા માટે દર્શકોમાં કુતૂહલ જાગ્યું હોય એ સ્વાભાવિક છે. (વિકી કૌશલ વિશે વાંચો અંદરના પાને)