એક ચમત્કાર
ટૂંકી વાર્તા -હરીષ થાનકી
વિજાપુર આમ તો કાંઈ બહુ મોટું કહી શકાય એવડું ગામ નહોતું. નજીકના તાલુકા મથક પરથી અહીં આવવા માટે આખા દિવસમાં બે બસ માંડ મળતી. વિજાપુર ની વસતી ઓછી હોવાથી એ બસો પણ મોટે ભાગે ખાલી જ આવ જા કરતી. ગામના મોટા ભાગના લોકોએ તો પોતાના ખેતર માં જ રહેવા માટેનાં મકાનો ચણાવી લીધાં હતાં. વળી, છેલ્લાં ઘણાં વરસોથી મેઘરાજાની મહેર પણ એ ગામ પર સારી એવી ઊતરી હોવાથી લોકો પાસે પોત- પોતાનાં વાહનો પણ હતાં. હા, હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તાલુકાએ ભણવા જવા એ બસમાં અપ-ડાઉન કરતા ખરા.
પરંતુ હમણાં હમણાં એ બસમાં થોડો ટ્રાફિક વધી ગયો હતો. ટ્રાફિક વધવાનું પણ એક કારણ હતું વિજાપૂર ગામનાં પાદરની ઉત્તર દિશામાં આવેલા એક શિવમંદિરના પૂજારી જટાશંકર ગોરને ત્યાં જૂનાગઢની ગિરનાર તળેટીમાં પંદર વરસ તપ કરી ચૂકેલા ઓઘડજી બાપુ અને સતત એમની સેવામાં રહેતા એમના શિષ્ય રંગનાથજી પધાર્યા હતા. જટાશંકર ગોર એકલપંડે જીવ હતા. વરસોથી તેઓ અહીં આવીને વસેલા એટલે ગામનાં કોઈપણને ઘરે કથા-કીર્તન કે પછી નાની એવી ધાર્મિક વિધિ હોય ત્યારે ત્યાં એમની હાજરી આવશ્યક ગણાતી.
સામાન્ય રીતે એ મંદિરે જટાશંકર ગોરને ત્યાં વરસના વચલે દિવસે આવી ચઢતા સાધુ સંન્યાસીનો ઊતારો બે- ત્રણ દિવસ માંડ રહેતો, કારણ કે એક તો ગામ નાનું અને વળી લોકોનાં રહેઠાણ ખેતરે એટલે પહેલી નજરે સાવ ઉજ્જડ જેવાં લાગતાં ગામમાં આવતા કોઈ સાધુ માટે ત્યાં ઝાઝો વખત રહેવા કોઈ પ્રયોજન જ નહોતું રહેતું. પરંતુ આ વખતે પધારેલા ઓઘડજી બાપુએ તો ત્યાં રીતસરનાં ધામા નાંખ્યા હોય તેમ અછવાડિયા સુધી રોકાઈ ગયા. એ દરમિયાન એમના શિષ્ય રંગનાથજીએ ઓઘડજી બાપુ એક મહાન ચમત્કારી સાધુ છે એવી વાયકા ગામલોકોમાં ફેલાવવી શરૂ કરી દીધી. ધીરે ધીરે ગામમાંથી ઘણાં લોકો સવાર સાંજ બાપુ પાસે આવવા શરૂ થયા અને પછી તો જોતજોતામાં એમણે ગિરનારમાં કરેલો તપની અને એની ફલશ્રુતિ સ્વરૂપે પ્રાપ્ત થયેલા ચમત્કારી પણાની વાતો કર્ણો-પ કર્ણ આસપાસનાં ગામડાઓમાં પણ પ્રસરી. ગામેગામથી લોકો મોટર સાઈકલમાં, છકડો રિક્ષામાં અને તાલુકા મથકેથી આવતી બસોમાં ત્યાં આવવા લાગ્યાં. જેમ જેમ બાપુનો માહોલ જામતો ગયો તેમ તેમ જટાશંકર ગોરની અકળામણ વધવા લાગી, કારણ કે આ બધી પળોજણને લીધે જટાશંકર ગોરને કામનું ભારણ વધી ગયું.
જટાશંકર ગોરને દુ:ખ એ વાતનું નહોતું કે બાપુએ અહીં સેવાયજ્ઞ શરૂ ર્ક્યો હતો. દુ:ખ એ વાતનું હતું કે બાપુ જરૂરતમંદ વ્યક્તિને જે કાંઈ ઈલાજ સૂચવતા, મંત્ર આપતો કે પછી દોરો-ભભૂત આપતા તેના બદલામાં સારી એવી રકમ પણ ખંખેરતા. સાંજ પડ્યે મંદિરની આરતી વેળાએ બાપુનો દુ:ખ નિવારણ કાર્યક્રમ પૂર્ણ થતો ત્યારે બાપુ આખા દિવસની કમાણી ભેગી કરી પોતાની સાથે લાવેલા પટારામાં મૂકી, તેને તાળું મારી, ચાવી પોતાની જનોઈમાં લટકાવી દેતા. આમ જટાશંકર ગોરને એમાંથી એક કાણી કોડીની યે આવક થતી નહોતી અને ઉપરથી મફતમાં આખો દિવસ કૂચે મરવા જેવું થતું. મંદિરના ઈતિહાસમાં આવું પહેલી જ વખત થઈ રહ્યું હોવાથી આનો શો રસ્તો કાઢવો એનો જટાશંકર ગોરને ખ્યાલ નહોતો આવતો.
રોજ આવતા લોકોની સંખ્યા વધવા લાગી એટલે ઓઘડજી બાપુએ મંદિરની પરશાળમાં જ દુ:ખદર્દ નિવારણ કાર્યક્રમ શરૂ કરવો પડ્યો. કોઈની ઉઘરાણી ફસાઈ ગઈ હોય કે પછી કોઈની વહુ પિયર બેઠી હોય, કોઈને માથે ચઢી ગઈ ગયેલાં કરજની સમસ્યા હોય કે કોઈને અસાધ્ય રોગ હોય, ઓઘડજી બાપુ પાસે સબ દુ:ખોકી દવા રહેતી. કોને કેટલો ફાયદો થતો એ તો એ જ જાણે પરંતુ ઓઘડજી બાપુ પાસે ધીમે ધીમે સારી એવી રકમ એકઠી થવા લાગી હતી. હવે તો એમણે વિજાપુરમાં અડિંગો જ જમાવી દીધો.
એ દિવસે સવારે નિત્યક્રમ પ્રમાણે સવારે દસ વાગ્યે મંદિરની પરશાળમાં તેમની લાકડાની બેઠાઘટની વ્યાસપીઠ પર એમણે જ્યારે બેઠક લીધી ત્યારે આવેલા ભક્તોની સંખ્યા થોડી ઓછી હતી. સામેની શેતરંજી પર કુલ પાંચ વ્યક્તિ બેઠી હતી. જેમાં બે સ્ત્રીઓ હતી, બે પ્રોઢ વયના પુરુષો હતા અને એક પચ્ચીસેક વરસનો યુવાન હતો. અહીં વહેલો તે પહેલોના ધોરણે મુલાકાત અપાતી હોવાથી સૌથી પહેલા બે પ્રોઢ પુરુષોનો વારો પહેલો હતો. એ બન્ને જણાએ વારાફરતી પોતપોતાની સમસ્યાઓ કહી એટલે ઓઘડજી બાપુએ તેમને ઉપાયો સૂચવ્યા અને એમની પાસેથી આશરે બસ્સો રૂપિયા જેવી રકમ પ્રાપ્ત કરી લીધી. એ પછી વારો આવ્યો પેલા યુવાન છોકરાનો. શિષ્ય રંગનાથજીએ તેને ઈશારો કરી બાપુની નજીક જવા કહ્યું પરંતુ એ માથું ધુણાવી બધાનો વારો આવી જાય એ પછી પોતે બાપુને મળશે એવો મૂક ઈશારો કર્યો એટલે ઠીક ઠીક યુવાન દેખાતી પહેલી સ્ત્રીને સંતાન નહોતાં થતાં એ તરલીફ હતી તો બીજી પ્રોઢ સ્ત્રીને તેનાં સંતાનો કહ્યામાં નહોતાં રહેતાં એ વાતનું દુ:ખ હતું. બાપુએ બન્નેને દોરા આપ્યા. કાનમાં મંત્ર ભણ્યો ને રોજ એ મંત્રની બે માળા કરવાનું કહી સાથે ભભૂતિની એક પડીકી આપી. એ બન્ને સ્ત્રીઓએ વંદન કરી વિદાય લીધી.
હવે શિષ્ય રંગનાથજીએ પેલા યુવાનને બોલાવ્યો એટલે એ પોતાની જગ્યાએથી ઊભો થયો અને હળવા પગલે ઓઘડજી બાપુ પાસે જઈ બેઠો અને નમન કર્યું.
બાપુએ પછ્યું : ક્યા નામ હે તુમ્હારા બેટા, ઔર કહાં સે આયે હો?
પેલા યુવાને જવાબ વાળ્યો : મારું નામ વિજય છે.અને બાજુનાં ધોળાવા ગામેથી આવું છું.
‘બોલો ક્યા તકલીફ હૈ’ બાપુએ થોડેક ઉતાવળે પ્રશ્ર્ન કર્યો.
જવાબમાં પેલા યુવાને આજુબાજુ નજર ઘૂમાવી કોઈ જોતું નથી ને એની ખાતરી કરી સહેજ ઉભડક થઈ પોતાના જીન્સ પેન્ટની ઝીપ ખોલી ડાબા પગનાં મૂળમાં એક મોટો સફેદ ડાઘ બાપુને બતાવ્યો.
બાપુએ તપાસીને કહ્યું: ‘અરે, યે તો સફેદ દાગ હૈ’
‘બસ. આજ તકલીફ છે બાપુ. આનો કોઈ ઉપાય ખરો તમારી પાસે? વિજયે વિનમ્રતાથી પૂછયું.
‘ અરે બચ્ચા, હમારે પાસ હર તકલીફ કા ઈલાજ હૈ. તુ જરા ભી ચિંતા મત કર. યે લે ભભૂત ઔર લગાતે વક્ત અબ જો મંત્ર મેં તેરે કાનમેં પઢૂંગા ઉસકા ઈકકીસ બાર જપ કરના બસ, પંદરહ દિનમેં યે દાગ ચલા જાયેગા.’ બાપુએ કહ્યું.
‘ફક્ત પંદર દિવસમાં?’ વિજયે આશ્ર્ચર્યથી પૂછ્યું: ‘આ કોઢના ઈલાજ માટે મેં અત્યાર સુધી ઢગલાબંધ રૂપિયા ખર્ચી કાઢ્યા છે. દસ વરસથી હું આ રોગથી પાછળ પડ્યો છું. પરંતુ કોઈ હિસાબે મટ્યો જ નહીં અને તમે કહો છો કે પંદર જ દિવસમાં…’
‘ અરે ભાઈ, તુમ અભી તક જાનતે નહીં હો કે બાપુજી કીતને સમર્થ સાધુ હૈ’ … હવે શિષ્ય રંગનાથજીએ દરમિયાનગીરી કરી.
‘જી બાપુજી…’ કહી એણે નમન ર્ક્યું એટલે ઓઘડજી બાપુએ તેના કાનમાં એક મંત્ર ગણગણ્યા.
‘ શું આપવાનું?’ પ્રશ્ર્નાર્થ નજરે તેણે ખિસ્સામાંથી પાકીટ કાઢી રંગનાથજી સામે જોયું.
‘ એક હજાર દે દો…’ સામેથી જવાબ આવ્યો એટલે વિજયે થોડા ખચકાટ સાથે એ રકમ કાઢી ઓઘડજી બાપુના ચરણમાં મૂકી અને વિદાય લીધી.
બરાબર સોળમાં દિવસે વિજય પાછો આવ્યો. એ દિવસે પણ એ બધા લોકો વિદાય થઈ ગયા પછી ઓઘડજી બાપુ પાસે ગયો.
‘ક્યું બેટા, દાગ ઠીક હો ગયા?’ બાપુએ પૂછ્યું.
‘ નહીં બાપુ, કુછ ફર્ક નહીં પડા’ આ વખતે વિજયે હિન્દીમાં જ પ્રત્યુત્તર આપ્યો.
‘દિખાએ તો જરા…’ બાપુએ કહ્યું એટલે વિજયે ફરીથી પેન્ટની ઝીપ ખોલી.
‘કોઈ બાત નહીં બેટા, તેરા યે રોગ થોડા પુરાના હૈ તો હઠીલા હો ગયા હૈ. અબ ઐસા કર ફીર પંદરહ દિન કે લીયે ભભૂતી લે જા.’
એ દિવસે વિજયે ફરીથી ભક્તિભાવપૂર્વક નમન કર્યા અને બાપુના ચરણોમાં ફરીથી એક હજાર રૂપિયા મૂકી અને વિદાય લીધી.
એ વાતને પંદર દિવસ વિતી ગયા પરંતુ વિજય ન દેખાયો એટલે એ બાબત પછી તો બાપુ પણ વિસરી ગયા.
પરંતુ એ પછી બરાબર પાંચ દિવસ બાદ…
એ દિવસે ફરીથી ઓઘડજી બાપુએ સામે બેઠેલા વિશાળ ભાવિકવૃંદની વચ્ચે વિજયને બેઠેલો જોયો એટલે તેમને યાદ આવ્યું કે જેની કોઢની સારવાર પોતે કરી રહ્યા છે તે વ્યક્તિ આજે ફરીથી…
‘ક્યા હુઆ બેટા? કુછ ફર્ક પડા કી નહીં? મોડી સાંજે બધા લોકો ગયા એટલે છેલ્લ બાપુએ વિજય પાસે બોલાવીને પૂછ્યું.
‘અરે બાપુ…શું વાત કરું ફેરનું તો શું પૂછવું ડાઘ સમૂળગો જતો રહ્યો. વિજયના મોઢે એ વાત સાંભળી ઓઘડજી બાપુ આશ્ર્ચર્યમાં પડી ગયા. પોતાની સાવ સાદી ભભૂત અને મનઘડંત મંત્રથી કોઈનો કોઢ મટે જ કઈ રીતે…?
‘અહીં જુઓ…’ કહી અને વિજયે પોતાનો સાથળ ખુલ્લો કરી ઓઘડજી બાપુને બતાવ્યો. ઓઘડજી બાપુને પોતાની સગી આંખ પર વિશ્ર્વાસ ન આવતો હોય તેમ ત્યાં હાથ ફેરવીને જોયું. ડાઘ ખરેખર ગાયબ થઈ ગયો હતો. બાપુ દિગ્મૂઢ થઈ ગયા પછી તારે અહીં બેઠેલા બધા લોકો ચાલ્યા ગયા પછી મને મળવા આવવાની શી જરૂર હતી! બધાની હાજરીમાં આ વાત થઈ હોત તો પોતાનો ટી.આર. પી વધી જાત ને!
બાપુ આવું કશું બોલવા જાય એ પહેલાં તો વિજય પોતાનું મોઢું બાપુનાં કાન પાસે લઈ ગયો અને બોલ્યો: ‘ બાપુ આ ડાઘ મટ્યો ખરો, પણ તમારી મંત્ર ભભૂતને કારણે નહીં, પરંતુ ઠેઠ હિમાલયથી આવેલા એક વંદનીય સંત પૂરણબાબાના ઓસડિયાથી.
હવે ઓઘડ બાપુ માટે આ બીજો આંચકો હતો. એમના મનમાં અનેક પ્રશ્ર્નો ઊઠ્યા. એ હજુ કશું પૂછવા જાય એ પહેલાં વિજયે વાત આગળ ચલાવી : ‘ તમારી ભભૂતિ અને મંત્રથી તો કાઈ જ ફેર ન પડ્યો એટલે હું તમારી પાસે આવવાનો જ હતો, પરંતુ એ દરમિયાન મથુરા રહેતા મારા મોટા ભાઈ કે જેઓ સંન્યાસી જીવન જીવે છે એમની વિનંતીથી એમને ત્યાં પધારેલા એક અલગારી સંત પૂરણબાબાએ મને મથુરા બોલાવ્યો. તેમણે મારો કોઢ જોઈ પોતાની પાસે હતા એમાંથી કેટલાક ઓસડિયામાંથી રસ કાઢી તેમાંથી એક લેપ બનાવ્યો અને મને સાથળ પર લગાડવા કહ્યું. મેં જેવો એ લેપ ત્યાં લગાડ્યો ત્યાં તો દસ મિનિટ મને એકદમ બળતરા થઈ પણ પછી ધીમે ધીમે એ જગ્યા શીતળ થવા લાગી. એ પછી એમણે ત્યાં રૂ લગાવી પાટો બાંધી દીધો અને મને કહ્યું કે સવારે પાટો છોડી નાખજો. સવારે પાટો છોડતાંવેંત સફેદ ડાઘ સાવ ગાયબ. ત્યાં એકદમ ચામડીનાં રંગ જેવી ચામડી થઈ ગઈ.
‘એમણે જે જડીબુટ્ટી વાપરી હતી તેનું કોઈ નામ કે ઠેકાણું કહ્યું હતું? અવાજમાં બને એટલી સ્વાભાવિક્તા લાવવાનો પ્રયત્ન કરતા ઓઘડજી બાપુના અવાજમાં થોડી ઉત્તેજના છલકાઈ ગઈ.
‘નામ સરનામું તો નહીં બાપુ, પરંતુ એક ડબ્બામાં મને એ લેપ જ આપતા ગયા અને કહેતા ગ યા કે જે કોઈ જરૂરતમંદ વ્યક્તિ તારી પાસે આવે તેને આ લેપ લગાડી આપજે.’ વિજયે જવાબ વાળ્યો અને પછી ઓઘડજી બાપુ સામે તાકી રહ્યો.
વાત સાંભળી ઓઘડજી બાપુના કાન સરવા થવા લાગ્યા. એમના મનમાં ઝડપથી કેટલાક વિચારો આવી ગયા : ‘જો બેટા, તું રહ્યો કામ -ધંધાવાળો માણસ. તારી પાસે તો એવા લોકો ક્યાંથી આવે?
એક કામ કર, તું એ લેપ મને આપી દે. એના વડે હું ઘણાં દુ:ખી જીવોની સેવા કરી શકીશ’
વિજયે સહેજ તીક્ષ્ણ નજર કરી બાપુ સામું જોયું અને પછી એકદમ ધીમા અવાજે બોલ્યો: ‘ જુઓ બાપુ, હું રહ્યો વેપારી માણસ. હું જ્યારે જ્યારે તમારી પાસે આવ્યો ત્યારે મેં તમને મારી સારવારનાં બદલામાં પૈસા આપ્યા હતા, બરાબર ને! હવે જો તમારે એ લેપ જોઈતો હોય તો તમારે પણ મને રૂપિયા આપવા પડે. બોલો, મારી વાત વહેવારુ છે કે નહીં?
‘ પહેલા મને એ લેપનો ડબ્બો તો બતાવ…’ બાપુએ વેપારી ચાલ ચાલી. વિજયે પોતાની થેલીમાંથી એક ડબ્બો કાઢ્યો. બાપુએ એ ડબ્બો હાથમાં લીધો, ખાલ્યો અને લેપ સુંધ્યો અને પછી જાણે કે તેનું વજન માપતા હોય તેમ હાથમાં રાખેલો એ ડબ્બો થોડો ઊંચોનીચો ર્ક્યો.
‘કેટલા જોઈએ છે, બોલ …?’ બાપુએ ભાવતાલ કરવાની શરૂઆત કરી.
‘પચાસ હજાર’ વિજયે એકદમ સ્વાભાવિક્તાથી કહ્યું પછી આગળ ધપાવ્યું: ‘બાપુ એ ડબ્બામાં જેટલો લેપ છે તેના ઉપયોગથી તમે ધારો તો લાખ- દોઢ લાખ તો કમાઈ જ લેશો ખરું ને?
છેવટે લાંબી રમઝકના અંતે મામલો ચાલીસ હજારમાં નક્કી થયો એટલે વિજયે એ ડબ્બો બાપુને સુપરત કરી રોકડા રૂપિયા ગણી લીધા.
વિજયના રવાના થયા બાદ અત્યાર સુધી ચૂપ બેઠેલા રંગનાથજીએ છેલ્લાં કેટલાય સમયથી પોતાના મનમાં ઘોળાતો પ્રશ્ર્ન બાપુને પૂછી લીધો: ‘બાપુ, એ વેપારીનો છોકરો આપણી સામે ક્યાંક છેતરપિંડી તો નહીં કરી ગયો હોય ને?
બાપુએ કહ્યું, ‘અરે હોય કાંઈ, તેં જાયું નહીં કે તેના સાથળનો કોઢ કેવો મટી ગયો હતો! મારી આંખ કોઈદી છેતરાય નહીં રંગનાથ.’ બરાબર એક કલાક પછી વિજય પોતાના ગામે પહોંચી સીધો જ ઘરે ગયો અને અદ્લોઅદ્લ પોતાના જેવો જ ચહેરો ધરાવતા જોડીયા ભાઈ અજયને ભેટી પડતાં કહ્યું ‘ભાઈ, તારા સાથળના કોઢે આજે આપણને સારી એવી કમાણી કરાવી દીધી.’ પછી કાંઈક યાદ આવતાં બોલ્યો: ‘અરે હા, આ ચાલીસ હજારમાંથી પાંચ હજાર પૂજારી જટાશંકર ગોરને આપવાનો છે હોં, કારણ કે મૂળ આઈડિયા તો એમનો હતો ને?’