મેટિની

ભારતમાં પણ ઊભરી રહ્યો છે સાયન્સ ફિક્શનનો મોટો દર્શક વર્ગ

એક લાંબા અરસાથી સિનેમાપ્રેમીઓમાં એવું ચર્ચાતું હતું કે ભારતમાં હૉલીવૂડ જેવી વિજ્ઞાન-સાહિત્ય પર આધારિત ફિલ્મો કેમ બનતી નથી? અથવા તો હૉલીવૂડની સાયન્સ ફિક્શન પર આધારિત ફિલ્મો એ રીતે કેમ નથી ચાલતી જે રીતે ચીન અને જાપાનમાં ચાલે છે?

વિશેષ -ડી. જે. નંદન

બાહુબલી ફેમ પ્રભાસ સાથે સહસ્ત્રાબ્દી નાયક અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એ.ડી.’એ રિલીઝ થયાના ચાર દિવસની અંદર વિશ્ર્વભરમાં ૫૫૦ કરોડ રૂપિયાની કમાણી કરીને બૉક્સ ઑફિસ પર ઇતિહાસ સર્જી દીધો છે. ૨૭ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે સાલાર, સાહો અને આદિપુરુષ જેવી ફિલ્મોની શરૂઆતની કમાણીના રેકૉર્ડ તોડી નાખ્યા છે.

જાણકારોનું અનુમાન હતું કે આ પહેલા સપ્તાહમાં આ ફિલ્મમાં રોકાણ કરેલા પૈસા પાછા મેળવી લેશે, પણ માત્ર રોકાણ જ પાછું નથી મળ્યું ૩૦૦-૪૦૦ કરોડનો ફાયદો પણ આ ફિલ્મે કરી લીધો છે.

પ્રભાસની ફિલ્મોનું આકર્ષણ દર્શકોને રહ્યું છે, પરંતુ તેનું કારણ માત્ર તેનો અભિનય કે ફિલ્મની વાર્તા જ નથી, ફિલ્મની હાઇ ઍન્ડ ટૅક્નોલોજી,હેરાન કરી દેનારી ઍક્શન, ચમત્કારિક દેખાતા સેટ્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વળી કલ્કિ ફિલ્મ એક ડગલું ઓર આગળ વધી છે અને એ છે આ ફિલ્મ થકી હૉલીવૂડ જેવા સાયન્સ ફિક્શનની શરૂઆતની અનુભૂતિ.

આ ફિલ્મ જો કે,પૂરી વિજ્ઞાન આધારિત નથી કે નથી પૂરી પૌરાણિક. આ ફિલ્મમાં સેમી માઇથોલોજી (દંતકથા) અને સેમી સાયન્ટીફિક (વિજ્ઞાન)નો સમન્વય જોવા મળે છે જેમાં આજ સુધી બનેલી ફિલ્મોની સરખામણીએ માઇથોલોજીનું ઓછું અને સાયન્સ ફિક્શનનું જોર વધુ જોવા મળે છે.

એક લાંબા અરસાથી સિનેમાપ્રેમીઓમાં એવું ચર્ચાતું હતું કે ભારતમાં હૉલીવૂડ જેવી વિજ્ઞાન-સાહિત્ય પર આધારિત ફિલ્મો કેમ બનતી નથી? અથવા તો હૉલીવૂડની સાયન્સ ફિક્શન પર આધારિત ફિલ્મો એ રીતે કેમ નથી ચાલતી જે રીતે ચીન અને જાપાનમાં ચાલે છે? આ બંને પ્રશ્ર્નોના ઉત્તરમાં કહી શકાય કે ભારતના નિર્માતાઓ પાસે આ પ્રકારની સ્પેશિયલ ઇફેક્ટવાળી સાયન્સ ફિક્શન આધારિત ફિલ્મો માટે બજેટ નથી હોતું. બીજું કારણ એ પણ છે કે હિન્દુસ્તાનના દર્શકોમાં એવો પણ વર્ગ છે જે પૌરાણિક દંતકથાઓમાં જરાપણ વિજ્ઞાનનો દુ:સાહસભર્યો હસ્તક્ષેપ નથી ઇચ્છતો.

જોકે, ધીરેધીરે સ્થિતિ બદલાતી જાય છે ખરી. ભારતમાં પણ એવા નિર્માતાઓ ઊભરી રહ્યા છે જે ૧૦૦-૨૦૦ કરોડ નહીં પણ ૬૦૦-૭૦૦ કરોડ રૂપિયા ફિલ્મનિર્માણ પાછળ ખર્ચવા તૈયાર છે. એવા સાહસિક દિગ્દર્શકો પણ સામે આવવા લાગ્યા છે જેઓ હજારો કરોડ રૂપિયાવાળી આ ફિલ્મોને નિયંત્રિત રાખવાનો દમ રાખે છે.

તેલુગુના યુવા દિગ્દર્શક અશ્ર્વિન રેડ્ડી આવા જ એક નિર્દેશક છે. એમની ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એ.ડી.નો ભાગ-૨ હાલ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે જેમાં ૬૦૦ કરોડનું રોકાણ થયું છે. ૩૮ વર્ષીય અશ્ર્વિન રેડ્ડી ફક્ત નિર્દેશક જ નહીં,પરંતુ સાયન્સ ફિક્શન અને પૌરાણિક કથાઓને મિક્સ કરીને બનતી ફિલ્મોના જબરદસ્ત પટકથા લેખક પણ છે. ૨૦૧૫માં તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘યેવડે સુબ્રમણિયમ’ પર જબરદસ્ત એેક્શન, ડ્રામા અને સાયન્સ ફિક્શન વાળી ફોર્મ્યુલાઓનો ઉપયોગ કર્યો હતો. હવે જે રીતે કલ્કિ ફિલ્મને સફળતા મળી છે એ જોઇને એવું લાગે છે કે એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં હજારો કરોડો ખર્ચીને લોકો સાયન્સ ફિલ્મો બનાવશે. આમ માનવાનું બીજું કારણ એ પણ છે કે હવે ભારતમાં ધીમે ધીમે આવી ફિલ્મો માટેની ભૂમિકા તૈયાર થઇ રહી છે. જો આપણે બ્રહ્માસ્ત્રથી કાંતારા સુધીની ફિલ્મી યાત્રા જોઇએ તો માલૂમ પડે છે કે પેઢી દર પેઢીથી ચાલી આવતી દંતકથાઓને ભારતીયો હવે મોટા પડદા પર જોવા ઉત્સુક છે. હાલ એવી ઘણી ફિલ્મો બની છે જે પૌરાણિક વિષય વસ્તુ પર આધારિત હોય અને એમાં આધુનિક સમય મુજબ થોડો -ઘણો માનવીય હસ્તક્ષેપ પણ હોય. કમલ હસનની દશાવતારમ હોય કે જિયો સિન્માની હનુમાન હોય કે પછી નેટફ્લિક્સની રાજનીતિ હોય કે પછી એમેઝોનની રાવણ હોય આ તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વૈજ્ઞાનિકતાના અંશવાળી આવી પૌરાણિક ફિલ્મોએ થિયેટર હોય કે ઓટીટી પણ ખૂબ કમાણી કરી છે.

ટૂંકમાં જો નિર્માતા-નિર્દેશકો આવી ફિલ્મો બનાવશે તો તેના માટે ભારતમાં યોગ્ય દર્શકગણ પણ તૈયાર થઇ રહ્યો છે. હા, એક અંતર છે બૉલીવૂડ અને હૉલીવૂડમાં. હૉલીવૂડમાં પુરાણકથાઓ સાથે જે દુ:સાહસ થાય છે જેમાં મા-બેટાના સેક્સ સંબંધ, દેવો મળીને કોઇ ષડયંત્રમાં ભાગીદારી કરતા હોય એવાં દૃશ્યો દેખાડી શકાય છે. આવી હિંમત ભારતીય નિર્માતા નિર્દેશક નહીં કરી શકે.

કારણ કે, ભારતમાં પૌરાણિક કથાઓનો તટસ્થ થઇને આનંદ લઇ નથી શકાતો, પરંતુ તેમને પોતાની સંસ્કૃતિનો સંવેદનશીલ ભાગ માની તેમાં અંધશ્રદ્ધા અને શ્રદ્ધા રાખવામાં આવે છે. અહીં પોતાની આસ્થા માટે લોકો મરવા મારવા પર ઉતારુ હોય છે. હા કેટલોક એવો દર્શક વર્ગ ઊભો થયો છે જે ફિલ્મોને ફિલ્મની જેમ જ માણે છે. એ લોકો પૌરાણિક પાત્રોને ભગવાન નથી સમજતા. આ કારણે જ નિર્માતા-નિર્દેશકો મધ્યમ બજેટવાળી સાયન્સ ફિક્શન બનાવવા માગે તો જોખમ લઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button