ભારતીય સિનેમામાં હોરર-કોમેડી જોનરનો મજેદાર મજબૂત પાયો
બે ભિન્ન છેડાના જોનર છતાં સફળ ફિલ્મ્સ બનાવવાનું રહસ્ય શું છે?
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
સિક્વલ અને ફ્રેન્ચાઈઝથી આગળ વધીને સિનેમેટિક યુનિવર્સનો ક્ધસેપ્ટ પણ આપણા દેશમાં ઘણા સમયથી પ્રવેશી ચૂક્યો છે. અલગ-અલગ જોનર (જોનરા) મતલબ કે એક્શન, કોમેડી, હોરર, ફેન્ટસી, ક્રાઇમ વગેરે યુનિવર્સમાં ફિલ્મ્સ બની રહી છે. જોકે , આ જોનરની ફિલ્મ્સ તો સિનેમેટિક યુનિવર્સની ભારતમાં શરૂઆત થઈ એ પહેલાં પણ બનતી જ રહી છે, પણ એક એવો જોનર છે કે જેની ફિલ્મ્સ પ્રમાણમાં ખૂબ ઓછી બની છે, છતાં તેમાં સિનેમેટિક યુનિવર્સ રચાઈ ગયું છે. એ જોનર એટલે હોરર-કોમેડી. હા, બે જોનરનું મિશ્રણ. ભુલભુલૈયા’, ‘ગો ગોવા ગોન’ કે ગોલમાલ અગેઇન’ ઉપરાંત અમુક દક્ષિણ ભારતીય ફિલ્મ્સ પણ આ જોનરમાં
બની છે.
બે અલગ-અલગ છેડાના આ જોનરનું મિશ્રણ એટલે મુશ્કેલ સર્જન ગણાય અને એટલે જ કદાચ ડર અને હાસ્યના મિશ્રણ ધરાવતી આ પ્રકારની ફિલ્મ્સ ઓછી બને છે. આમ છતાં આ પ્રકારની ફિલ્મ્સ જ નહીં, પણ એક સફળ સિનેમેટિક યુનિવર્સ બન્યું છે- સુપરનેચરલ યુનિવર્સ. અને તેમાંની ફિલ્મ્સ એટલે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત અમર કૌશિક દિગ્દર્શિત ‘સ્ત્રી’ (૨૦૧૮) અને વરુણ ધવન અને કૃતિ સેનન અભિનીત અમર કૌશિક દિગ્દર્શિત જ ‘ભેડિયા’ (૨૦૨૨). આ યુનિવર્સમાં લેટેસ્ટ એન્ટ્રી એટલે શર્વરી અને અભય વર્મા અભિનીત આદિત્ય સર્પોટદાર દિગ્દર્શિત ‘મુંજા’.
હોલીવૂડમાં આ પ્રકારની ફિલ્મ્સ અસંખ્ય બની છે અને બનતી રહે છે, પણ ભારત માટે આ હોરર-કોમેડીનું મિશ્રણ સરખામણીએ નવું છે અને તેમાં ફિલ્મ્સની સંખ્યાની દ્રષ્ટિએ ખેડાણ પણ ઓછું થયું છે એટલે જ ભારતીય દર્શકોને આ પ્રકારની ફિલ્મ્સનો અનુભવ પ્રમાણમાં ઓછો છે. હમણાં ઉપરોક્ત જણાવ્યું એ મુજબ આ જોનરનો પડકાર પણ એ જ છે કે એક જ ફિલ્મમાં દર્શકોને ભય અને રમૂજ બંનેની લાગણી એકસાથે કરાવવી કેમ કે એ બન્ને રહ્યા રહ્યા અલગ-અલગ અંતિમનાં જોનર. જો વાર્તા કે મેકિંગમાં ભૂલ થાય અને બાલિશ કોન્ટેન્ટ બને તો કોમેડી સીનમાં લોકો ડરે અને ડરવાનું હોય તેમાં સમજ્યા વિના હસે એવું થવાનો ડર પણ ખરો જ. જોકે આપણે વાત કરી રહ્યા છીએ એ સુપરનેચરલ યુનિવર્સ આ પડકાર ઝીલવામાં સફળ રહ્યું છે. ‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ બંનેને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને કમાણીની દ્રષ્ટિએ પણ બંને ફિલ્મ સફળ રહી છે. એ સાથે હોલીવૂડની મિડ અને પોસ્ટ ક્રેડિટ સીન્સની પ્રણાલી પણ દર્શકોને ‘ભેડિયા’માં એક મસ્ત સરપ્રાઈઝ આપે છે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ જોનરની સફળતા એક સીમાચિહ્ન ગણી શકાય. અને તેમાં પણ વીએફએક્સ અને ડિજિટલ ટેક્નોલોજીમાં નવતર પ્રયોગ મુદ્દે હમણાં ચર્ચામાં એવી ‘મુંજા’ ફિલ્મના કારણે પણ આ યુનિવર્સની સફળતા પાછળનું રહસ્ય સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. ‘ભેડિયા’ના રાઇટર અને ‘મુંજા’ના સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઇટર નિરેન ભટ્ટનું કહેવું છે કે અમે તો ફિલ્મ કે યુનિવર્સને એક વાર્તા કે વિષયની દ્રષ્ટિએ જ જોઈએ છીએ. અમે ફિલ્મને યુનિવર્સના બોજ હેઠળ તો નથી જ બનાવતા, પણ અમે તેને આ હોરર-કોમેડી જોનરમાં પણ નથી બાંધતા. તેનું કારણ છે કે દર્શકો પણ ફિલ્મ જોતી વખતે જોનરની પળોજણમાં પડતા નથી. તેમને બસ, ફિલ્મ મજા કરાવવી જોઈએ. અમારો પણ એ જ ઉદ્દેશ્ય હોય છે કે ફિલ્મમાં કેટલું હોરર અને કેટલી કોમેડી છે એ વિચારવા કરતા ફિલ્મ એન્ટરટેઈનિંગ કેટલી છે તેના પર વધુ ધ્યાન આપીએ.’
આપણે ત્યાં ખૂંખાર વિલન ઘણા જોયા છે. કોચ્યુમ્સ અને પ્રોસ્થેટિક મેકઅપની મદદથી એમના લૂકને ડરામણો બનાવવામાં આવે છે, પણ મુંજા’ માટે પ્રથમ વખત ભારતીય સિનેમામાં સીજીઆઈ ( કમ્પ્યુટર સર્જિત ઈમેજ) વિલન ફિઝિકલ લૂક વગર મોશન કેપ્ચર ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે. કદાચ વાર્તામાં મનોરંજન સાથે આવા કારકો પણ હોઈ શકે આ યુનિવર્સને સફળ બનાવવા પાછળ. આ યુનિવર્સ અને ખાસ તો ફિલ્મ્સની વાર્તા માટે જરૂરી એવા અન્ય કારકો વિશે અગાઉની બે ફિલ્મ્સના દિગ્દર્શક અમર કૌશિકનું કહેવું છે કે જયારે ‘ભેડિયા’ની વાર્તા મેં સાંભળી ત્યારે એ મને ખૂબ જ સરસ લાગી, પણ એવા વિષયો પર તો વિદેશમાં ઘણી ફિલ્મ્સ બની છે. એટલે અમે અમારા ભેડિયાને તો અલગ બનાવવાનું નક્કી કર્યું પણ તેની સાથે અમારું પાત્ર અને વાર્તાને ક્યાં સેટ કરવા, તેને કઈ દુનિયામાં રાખવા એ પર પણ અમે વિશેષ ધ્યાન આપ્યું અને તેને અરુણાચલ પ્રદેશમાં બનાવવાનું નક્કી કર્યું.’
કોઈપણ ફિલ્મને કઈ દુનિયા કે બેકડ્રોપ આપવામાં આવે છે એ પણ ફિલ્મને વધુ અસરકારક બનાવવામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજી સફળ ભારતીય હોરર કોમેડી ફિલ્મ્સની સરખામણીએ સુપરનેચરલ યુનિવર્સ આ બાબતે અલગ પડે છે. ફક્ત મનોરંજક દ્રશ્યો કે વીએફએક્સ ટેક્નોલોજીમાં અભૂતપૂર્વ કામ કરી દેવાથી બહેતર પરિણામ કે દર્શકોનો પ્રેમ નથી મળી જતો. જે-તે કહાણીમાં ફિલ્મમેકર્સ દ્વારા અન્ય આકર્ષણ પણ મુકાતાં હોય છે. આ યુનિવર્સમાં એ ચીજ દેખાય છે ભારતીય ગ્રામીણ પ્રદેશોની દંતકથાઓનું ફિલ્મની વાર્તામાં જોડાણ. ‘સ્ત્રી’માં ચંદેરીની એક સ્ત્રી પ્રેતાત્માની દંતકથા આપણે જોઈ છે અને તેને ખૂબ જ પ્રભાવી રીતે હોરર અને કોમેડી બંને પ્રકારમાં દર્શાવી એ દર્શકોએ માણ્યું છે. એ જ રીતે ‘ભેડિયા’માં પણ અરુણાચલ પ્રદેશનાં જંગલોની યાપુમ ભેડિયાની દંતકથા વાર્તામાં ખૂબ સારી રીતે વણાયેલી જોવા મળે છે. ‘મુંજા’ના ટ્રેલર પરથી પણ તેમાં કોંકણ પ્રદેશની મુંજાની એટલે કે મૃત યજ્ઞોપવિત બાળક કે જેનો આત્મા પીપળાના ઝાડ સાથે જોડાઈ જાય એ દંતકથા હોય તેમ લાગી રહ્યું છે.
ગ્રામીણ દંતકથાઓ ઉપરાંત આ જોનર કે યુનિવર્સની સફળતાનો એક વધુ મહત્ત્વનો હિસ્સો કોઈ હોય તો એ છે તેમાં રહેલો સામાજિક સંદેશ. આ વિશે નિરેન ભટ્ટનું કહેવું છે કે અમે મનોરંજક ફિલ્મ બનાવવા સાથે જ તેમાંથી કશુંક શીખવા અને સમજવા જેવું હોય તેનું પણ ધ્યાન રાખીએ છીએ, જેમ કે ‘સ્ત્રી’માં સ્ત્રી જાતિના સન્માન અને પ્રેમની વાત અમે કરી છે. આખી વાર્તા અને અંત પણ આ જ વાત પર ભાર આપે છે. એ ઉપરાંત ‘ભેડિયા’માં પણ અમે જંગલ અને વન્યજીવના રક્ષણની વાત રાખી છે. હા, પણ તેનો મતલબ એ નહીં કે અમારી વાર્તા અને રજૂઆત એ શિખામણ નીચે દબાઈ જાય. કોઈ જ પ્રકારની ઉપદેશક વાત કર્યા વિના જે-તે સંદેશ અમે વાર્તામાં સમાવી લઈએ એવી અમારી કોશિશ હોય છે.’ થોડા સમય પહેલા સોશ્યલ કોમેડી ફિલ્મ્સનો દોર ચાલ્યો હતો કે જે મનોરંજક અને હાસ્યપ્રધાન હોવા ઉપરાંત સારી શીખ પણ આપે. આ જ વાત આ જોનર અને સુપરનેચરલ યુનિવર્સમાં પણ જોવા મળે છે, પણ હા, એક મોટો ફરક એ ખરો કે આ નવા રચાયેલા યુનિવર્સમાં સામાજિક સંદેશ હળવેકથી સમજાવી દેવામાં આવે છે, હોરરનો પણ હિસ્સો હોય છે અને ખાસ તો દંતકથાઓને જોડતી તેની વાર્તાઓ તેને વિશેષ બનાવે છે!
લાસ્ટ શોટ
આ સુપરનેચરલ યુનિવર્સની આગામી ફિલ્મ અમર કૌશિક દિગ્દર્શિત ‘સ્ત્રી’ ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી -૨’ છે.