મેટિની

‘ટ્વેલ્થ ફેલ’માં ફુલ્લી પાસ… એકોતેર વરસે! સફળતાના ઝળહળાટમાં ઢંકાય ગયેલા એક અજવાશની વાત

ફિલ્મનામા -નરેશ શાહ

ર૦ર૩ના ઉત્તરાર્ધમાં રજૂ થયેલી ‘ટ્વેલ્થ ફેલ’ ફિલ્મને ફિલ્મોની પરિભાષામાં ‘સ્પિપ હિટ’ કહે છે, કારણકે કોઈ ખાસ હો-હલ્લા અને સ્ટારડમના તામઝામ વગર થિયેટરમાં રિલીઝ થયેલી (આશરે) વીસ કરોડની ફિલ્મે માઉથ પબ્લિસિટીથી ૬૯ કરોડનો ધંધો કરી લીધેલો, ચૂપચાપ ! ઓટીટી પર પણ આ ફિલ્મ ખૂબ જોવામાં આવી.

તમને ખબર છે એ મુજબ આ ફિલ્મ આઈપીએસ ઓફિસર મનોજ શર્માએ લખેલી એ જ નામની કિતાબ પરથી બનાવવામાં આવી હતી અને મનોજ શર્માનું કિરદાર ભજવનારા અભિનેતા વિક્રાંત મેસીની તો આ ફિલ્મ પછી નિકલ પડી છે.

ચંબલની ઘાટીના પ્રદેશમાં આવેલા એક ગામડામાં જન્મીને આઈપીએસ અધિકારી બનવાની વાત કરતી ‘ટ્વેલ્થ ફેલ’ ફિલ્મની કથા અહીં કહેવાનો હવે અર્થ નથી, છતાં ફિલ્મમાં એવાં અનેક દ્રશ્યો ને સિચ્યુએશન્સ છે, જે આંખના ખૂણા ભીના કરી દે, પરંતુ આ ફિલ્મની કલ્પનાતીત સફળતા પાછળ દબાઈ ગયેલાં એક માણસની વાત કરવી છે. બેશક, એ પહેલાં ફિલ્મના એક ભાવુક કરી દેતા દ્રશ્યની વાત કરવાનો ઉમળકો રોક્યો, રોકાતો નથી.

આઈપીએસ બનવાના મનસૂબા સાથે દિલ્હી આવી ગયેલાં અને મજૂરી કરીને દિવસો કાઢતાં વિક્રાંત મેસી એક બુકસ્ટોલ પર અબ્દુલ કલામસાહેબનું પુસ્તક જુએ છે. ખરીદવાની ઈચ્છા છે, પણ ગજવામાં એટલું વજન નથી એટલે એ પુસ્તક હાથમાં લઈને ફરી રેકમાં પાછું મૂકી દે છે. આ દ્રશ્ય જોઈ ગયેલી અને વિક્રાંત (મનોજ શર્મા) માટે સોફટ ર્કોનર ધરાવતી સહપાઠી મેધા શંકર (શ્રદ્ધા જોશી) ખુદ ખરીદીને એ પુસ્તક વિક્રાંતને આપે છે ત્યારે પરદા પર ફેલાતી ભાવુક્તા તમને વિશેષ સ્પર્શે છે , કારણ કે આ રીતે ફલોરા ફાઉન્ટનની ફૂટપાથ પર યા ક્તિાબખાનામાં વેચાતાં કેટલાંય પુસ્તકો (કેટલીય વખત) હાથમાં લઈને તમે પરત મૂકી દીધાનો તમારો અહેસાસ તાજો થઈ જાય છે.

ડિરેકટર વિધુ વિનોદ ચોપરાના મેકિંગની કાયમ આ ખાસિયત રહી છે. ખામોશી : ‘ધ મ્યુઝિકલ’ થી લઈને ઓછી જાણીતી ‘કરીબ’ ફિલ્મ સુધી તમે વિધુ વિનોદ ચોપરાએ વેરેલાં ભાવુક બનાવી દેતાં દ્રશ્યો તમે જોઈ ચૂક્યા છો. ‘ટ્વેલ્થ ફેલ’ની સ્લિપર સક્સેસ પાછળ દબાઈ ગઈ એ વાત-વ્યક્તિ સ્વયં વિધુ વિનોદ ચોપરા છે.

૧૯૮૦થી કારકિર્દી શરૂ કરનારા વિધુ વિનોદ ર૦ર૪ સુધીમાં અઢાર ફિલ્મના પ્રોડ્યુસર તેમજ લેખક પણ એટલી જ ફિલ્મના રહી ચૂક્યા છે. હિન્દી સિનેમાની સો ફિલ્મોમાં સ્થાન પામે એવી ‘પરિંદા’થી લઈને ‘થ્રી ઈડિયટ’ તેમજ ‘મુન્નાભાઈ’ સિરીઝની ફિલ્મો જેમનાં જમા ખાતામાં બોલે છે એ ચોપરાસાહેબની ટ્વેલ્થ ફેલ ફિલ્મ (યોગાનુયોગે) ડિરેકટર તરીકેની બારમી ફિલ્મ છે. સૌથી મહત્ત્વની વાત એ છે જવાન-પઠાન-આરઆરઆર જેવી જાયન્ટ ફિલ્મો વચ્ચે માથું કાઢીને ઊભી રહે એવી ‘ટ્વેલ્થ ફેલ’ ફિલ્મ ડિરેકટ કરી ત્યારે વિધુ વિનોદ ચોપરા એકોતેર વરસ (જન્મ: પ સપ્ટેમ્બર, ૧૯પર) પૂરાં કરી ચૂક્યા હતા.

ઉંમરના આ પડાવ પર તો માણસ રિટાયર્ડ થઈ ગયો હોય યા તો આઉટડેટેડ ગણાયને કોરાણે મુકાય ગયો હોય. સુભાષ ઘઈથી માંડીને ઋષિકેશ મુખરજી સુધીના ડિરેકટરનો ગ્રાફ તપાસી લેશો તો ખ્યાલ આવશે કે છપ્પન વરસની ઉંમર પછી શો -મેન સુભાષ્ા ઘઈએ બનાવેલી ત્રણેય ફિલ્મો (યાદેં, ક્સિના અને બ્લેક એન્ડ વ્હાઈટ લાગઠ ફલોપ ગઈ હતી તો ઋષિદાએ ઠીકઠાક કહી શકાય તેવી જુદી ફિલ્મ આપી ત્યારે ત્રેસઠ વરસના હતા. એ પછી બનાવેલી ‘જૂઠ બોલે કૌઆ કાટે’ સદંતર નિષ્ફળ ગઈ હતી…

સ્ટડી તરીકે તમે લાંબું જીવેલાં અને સતત કામ કરતાં રહેલાં દેવઆનંદ સહિતના ડિરેકટરોનો ગ્રાફ તપાસશો તો ખબર પડશે કે જીવનના સાતમા દશકમાં વિધુ વિનોદ ચોપરાની જેમ સફળતા તીલક કરવા આવતી નથી. બેશક, વિધુ વિનોદ ચોપરા ‘૧૯૪ર : અ લવસ્ટોરી (૧૯૯૪)’ પછી એક પણ હિટ (કરીબ, શિન કાશ્મીર, એકલવ્ય, બ્રોકન હોર્સ, શિકારા) આપી શક્યા નથી, પણ ‘ટ્વેલ્થ ફેલ’ ફિલ્મે એમને એકોતેર વરસે ફુલ્લી પાસ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker